- નવોઢાના મેકઅપનો નિખાર
સ્ત્રીની દિનચર્યામાં હંમેશા તૈયાર થવાનું કામ અગ્રતાક્રમે હોય છે. ગૃહિણી, કૉલેજ કન્યા, ઑફિસ જતી યુવતીઓ ઘરેથી પહેલા ચહેરા ઉપર મેકઅપનો સ્પર્શ કર્યા વગર નીકળતી નથી. રોજેરોજ પણ પાવડર, ચાંદલો તથા લિપ્સ્ટીક જાણે સ્ત્રીના જીવનનો ભાગ બની ગયા છે. આટલો મેકઅપ તો દરેક સ્ત્રી દરરોજ કરે જ છે. પરંતુ જ્યારે પાર્ટી કે લગ્નપ્રસંગે ક્યાંક બહાર જવાનું હોય તો સ્ત્રી ખાસ્સો સમય તૈયાર થવા પાછળ ખર્ચે છે.
આમ તો રોજબરોજ મેકઅપ કરવામાં કન્યાઓ નિપુણ થઇ ગઇ હોય છે પરંતુ જ્યારે પોતે નવવધૂનો શણગાર સજવાની હોય છે ત્યારે એક ખાસ પ્રકારની તકેદારી તથા તૈયારી રાખવાની જરૂર હોય છે. લગ્નના દિવસે જરીવાળા ભારે કપડા તથા સોનાના આભૂષણો પહેરીને પ્રિતમનું દિલ જીતવા નીકળેલી નાજુક નમણી નારીનું રૂપ પણ ખાસ મનમોહક હોવું જોઇએ.
લગ્નના એક મહિના પહેલાથી જ તનની જરૂરી સારસંભાળ લેવી જોઇએ. જો વાળ કપાવવા હોય તો એક મહિના અગાઉ જ કપાવી લેવા, બને ત્યાં સુધી વાળ લાંબા હોય તો વધુ સારુ લાગશે. શરીર ઉપર મસાજ, મેનીક્યોર, પેડીક્યોર, વેકસીંગ, બ્લીચીંગ, ફેશિયલ વગેરે ઉપર પણ ખાસ ધ્યાન આપવું જોઇએ. લગ્નના ચાર દિવસ પહેલાં ફેશીયલ તથા બ્લીચીંગ કરાવવું જોઇએ જેથી ચાર દિવસની અંદર ચહેરા ઉપર અનોખી ચમક આવે. મહેંદી પણ લગ્નના બે દિવસ અગાઉ મૂકવી જોઇએ અને ત્યારે પહેલાં મેનીક્યોર, પેડીક્યોર કરાવવું જોઇએ. વેકસીંગ પણ ચાર દિવસ પહેલા જ કરી લેવાનું.
લગ્નને દિવસે સ્નાન કર્યા બાદ ઋતુ અનુસાર બોડી લોશન સંપૂર્ણ શરીર ઉપર લગાડી ગાઉન પહેરી લેવું અને પછી જ મેકઅપ માટે બેસવું. મેકઅપ શરૂ કરતા પૂર્વે એક સારા ફેસવોશથી મોઢુ ધોઇ લેવું. ત્યારબાદ એક કોટનપેડ લઇ તેમાં થોડું ક્લીનસીંગ મિલ્ક લઇને તેને ચહેરા, ગરદન તથા નાક ઉપર લગાડો. બે મિનિટ રહેવા દઇ સ્વચ્છ રૂ થી લૂછી લેવું. ત્યારબાદ બરફનો એક ટુકડો લઇ મોઢા ઉપર ઘસવો. પછી ટિશ્યુ પેપરથી મોઢું ધોઇ લેવું. આ પ્રક્રિયા કરવાથી મેકઅપ લાંબો સમય ટકે છે. ત્વચાને અનુરૂપ ફાઉન્ડેશન લઇ તેમાં થોડું ગુલાબજળ કે એસ્ટ્રીંજન્ટ જો સૂકી ત્વચા હોય તો મોઇશ્ચરાઇઝર ભેળવીને લગાડો જો ત્વચા તૈલી હોય તો વોટરપ્રૂફ ફાઉન્ડેશન અથવા ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. ફાઉન્ડેશન લગાડયા પછી સ્પંજ વડે તેને ચહેરા ઉપર સરખી રીતે લગાડો. ફાઉન્ડેશન સૂકાઇ જાય એટલે પફથી કોમ્પેક્ટ પાવડર લગાડો. ત્યારબાદ છૂટક પાવડરની જરૂર લાગે તો લગાડો. અહીં એક વાત યાદ રાખો કે પાઉડર પણ ફાઉન્ડેશનથી મેળ ખાતો હોવો જોઇએ.
હવે હસતી વખતે ગાલનો જે ભાગ ઊંચો થાય ત્યાં બ્રશ વડે લિપ્સ્ટીકના શેડ સાથે મેળ પડે તેવું રુઝ લગાવવું. બને તો પાઉડર રુઝનો ઉપયોગ કરવો. રુઝને હળવેથી આંખના ખૂણા સુધી પ્રસારવું. જો ક્રીમ રુઝનો ઉપયોગ કરવો હોય તો પાવડર લગાડયા પહેલા તે લગાડવું.
નવવધૂના ચહેરા ઉપર સૌથી વધુ આકર્ષક હોય છે તેની મદભરી આંખો. લગ્નને દિવસે તો નવવધૂ જીભ કરતાં આંખનો ઉપયોગ જ વધુ કરતી હોય છે. એટલે આંખોનો મેકઅપ અત્યંત જરૂરી છે. સૌ પ્રથમ આઇબ્રો બ્રશથી ભ્રમરને ઉપર કરો અને જો તેના ઉપર પાવડર લાગ્યો હોય તો સાફ કરો. આંગળીના ટેરવે થોડું પરફ્યુમ લઇને બંને ભ્રમરો ઉપર લગાડો જેથી પાવડર સાફ થશે, ભ્રમરના વાળ ચમકી જશે તથા તેમાંથી હળવી સુગંધ પણ આવશે. ત્યારબાદ ભ્રમરને આઇબ્રો પેન્સિલથી ડાર્ક કરો. ભ્રમરની નીચે આઇ-શેડો લગાડતા પૂર્વે સફેદ અથવા પીળા રંગની હાઇલાઇટર લગાડો. લગ્નપ્રસંગે હાઇલાઇટર ચમકશે તથા બધા પરિધાનો ઉપર પણ સારું લાગશે. વારાફરતી આંખ બંધ કરીને ભ્રમર નીચે તથા પાંપણની ઉપરના ભાગમાં કપડાના રંગને અનુરૂપ આયશેડો લગાડો. આયશેડો લગાડતી વખતે તમારો હાથ આંખની શરૂઆતથી લઇને હાઇલાઇટર તરફ લઇ જાવ. ત્યારબાદ આઇલાઇનર લગાડો. જો તમારી આંખો મોટી હોય તો નીચે લાઇનર અથવા પેન્સિલ ન લગાડો. જો આંખ નાની હોય તો જ નીચે લાઇનર લગાડો. નહી તો આંખની ઉપર લાઇનરની એક સરખી લાઇન કરો.
હવે પાંપણ ઉપર મસ્કરા લગાડો. પાંપણની અંદરની બાજુથી શરૂ કરીને બહારની તરફ બ્રશને ફેરવો. પાંપણ એકબીજા સાથે ચીટકે નહિ તેનું ધ્યાન રાખો. મસ્કરાનો એક કોટ સૂકાઇ જાય પછી જ બીજો કોટ લગાડો. નાનું બ્રશ પાંપણના વાળમાં ફેરવો જેથી તે છૂટી રહે.
લગ્ન પ્રસંગે જરી કામ કરેલા ભારે વસ્ત્રો તથા સોનાના દાગીના સાથે પાંપણ ઉપર તથા ગાલ પર ગ્લિટર્સ અથવા ગોલ્ડન ડસ્ટ લગાડવાથી ચહેરો ચમકી ઉઠશે.
હવે લિપલાઇનરથી પ્રથમ હોઠની ચારેબાજુ હોઠના આકારની રેખા દોરો. ત્યારબાદ કપડાને અનુરૂપ રંગની લિપ્સ્ટીક તેમાં લગાડો. લિપ્સ્ટીક લગાડયા બાદ બંને હોઠને ભેગા કરીને છોડી દો. જેથી લિપ લાઇનર અને લિપ્સ્ટીક ભેગા થઇ જાય. છેલ્લે ટિશ્યુ પેપરથી વધારાની લિપ્સ્ટીક લૂછી નાંખો.
ચહેરાની સુંદરતા મુખ્યત્વે ચાંદલા ઉપર આધારિત છે. ડ્રેસને અનુરૂપ ચાંદલો કરવો જોઇએ. નાના માથા ઉપર નાનો ચાંદલો તથા મોટા માથા ઉપર મોટો ચાંદલો કરવો જોઇએ. કપાળ પહોળંુ હોય તો મોટો ગોળ ચાંદલો કરવો જોઇએ. લંબગોળ ચહેરા ઉપર લાંબા ચાંદલા સારા લાગશે. હૃદયના આકારના નાના મોઢા ઉપર નાનો ગોળ ચાંદલો સારો લાગશે. લગ્ન માટે ઘેરોલાલ અથવા મરુન રંગનો ફેન્સી ચાંદલો સારો લાગે છે. મોઢાના આકાર સાથે બંધબેસતો ચાંદલો નવવધૂના ચહેરાને દૈદિપ્યમાન બનાવે છે. મેકઅપ થઇ ગયા પછી ફ્રીઝર ખોલીને બે-ત્રણ મિનિટ માટે ઊભા રહી જવાથી મેકઅપ લાંબો સમય ટકે છે.
લગ્નમાં નવવધૂ મોટેભાગે બન (અંબોડો) જ વાળે છે. નાના વાળ હોય તો પણ સ્વીચનો ઉપયોગ કરી અંબોડો જ વાળવો જોઇએ. અન્ય કોઇ સ્ટાઇલ સારી નહિ લાગે તો આખો મૂડ બગડી જશે. જો વાળ છૂટા રાખવામાં આવશે તો પરસેવો થતા અકળામણ અનુભવશો. સાડી ઉપર અંબોડો તથા તેમાં મોતી તથા ફૂલોથી સ્ટાઇલ કરવાથી ખૂબ જ સુંદર લાગશે.
લગ્નનો પોશાક સ્ત્રીના જીવનનો મહત્વનો પોશાક હોય છે એટલે તેની પસંદ ખૂબ જ સમજી વિચારીને કરવી. લગ્ન સમયની ઋતુ, તમારી પ્રકૃતિ, ત્વચાનો રંગ વગેરે મુદ્દાઓ કપડાની ખરીદી વખતે ખાસ ધ્યાનમાં રાખવાં.
નવવધૂનો ચહેરો મેકઅપથી તથા સુંદર કપડાથી સજી ઉઠશે પરંતુ કંચનવર્ણી કાયા ઉપર સોનાના દાગીના પહેરવાથી રૂપ ખીલી ઉઠશે. દુલ્હન મોટેભાગે સોનાના જ દાગીના પહેરે છે પરંતુ આજકાલ હળવા,નવી ફેશનના, સોના તથા પ્લેટીનમના, કુંદનકારી, મોતી તથા રત્નો જેડલા આભૂષણો પહેરવાની ફેશન છે. ઘણી આધુનિક યુવતીઓ તો ઇટાલીયન, જ્વેલરીના નેકલેસ, બુટ્ટી તથા બ્રેસ્લેટ પસંદ કરે છે.
સોનાના આભૂષણોમાં, ટીકો, કાનની બુટ્ટી, કાનની સેર, નાકની ચૂંક અથવા નથ, ગળાનો હાર, બાજુબંધ, બ્રેસલેટ, સોનાના પાટલા તથા બંગડીઓ, પાયલ, આંગળીમાં વીંછીયા વગેરે પહેરવાથી સુંદર લાગશે. બસ એટલું ધ્યાન રાખો કે ઘરેણાં મેળખાતા હોવા જોઇએ. તમે જે ધાતુના ઘરેણા પહરો તો ફક્ત તે જ ધાતુના ઘરેણાં પહેરો. જેમ કે, સોનુ તો ફક્ત સોનાના જ, મોતી તથા રત્નોના ઘરેણા પહેરો તો ફક્ત તેના જ ઘરેણા પહેરો. બધું ભેગું કરીને પહેરવાથી સારું નહિ લાગે. એટલા બધા ભારી ઘરેણા પણ ન પહેરો કે તમને થોડા સમયમાં અકળામણ થવા લાગે.
છેવટે મનગમતી સુગંધનું પરફ્યુમ લગાડો, જેની સુગંધથી તમારું તથા તમારા પ્રિયતમનું તન-મન સુવાસિત થઇ જાય. હવે તમે પતિગૃહે સિધાવવા સંપૂર્ણ તૈયાર થઇ ગયા છો પરંતુ છેવટે, કાન પાછળ કાળી ટીલી કરવાનું ન ચૂકશો જેથી કોઇની નજર તમારા સુંદર રૂપને ન લાગે.
-નયના


