સહિયર સમીક્ષા - નયના
પ્રશ્ન : હું ૫૮ વર્ષની ગૃહિણી છું. લગ્નને ૪૦ વર્ષ થઈ ગયા છે. પતિની ઉંમર આશરે ૬૫ વર્ષ છે. તેઓ આજે પણ અઠવાડિયામાં ૩-૪ વાર સેક્સ કરે છે. શું આ ઉંમરમાં આટલી સક્રિયતા યોગ્ય છે? હું ના પાડું છું તો તે નારાજ થઈ જાય છે. મને એવું લાગે છે કે ક્યાંક તેની તેમના સ્વાસ્થ્ય પર કોઈ ગંભીર અસર ન થાય?
ઉત્તર : જો શારીરિક સ્વાસ્થ્ય સારું હોય, દિલથી યુવાન હોય, પતિ-પત્ની બંને શારીરિક સંબંધ માટે રાજીખુશી હોય, તો બંને વચ્ચેનું મિલન સ્વાસ્થ્ય માટે ઉત્તમ જ છે, નુકસાનકારક નહીં.
સત્ય તો એ છે કે જો કોઈની ના ન હોય અને પતિપત્ની બંને સહર્ષ મળે તો આ મિલન બંનેના જીવનમાં જોશ-ઉત્સાહ લાવે છે, સંબંધોની મીઠાશ અને મજબૂતીને જાળવે છે. પોઝિટિવ ઊર્જાનો સંચાર કરે છે અને આયુષ્યને વધારે છે, ઘટાડતું નથી.
તમારા પતિનું સ્વાસ્થ્ય સારું છે, મન યુવાન છે અને તમને પણ કોઈ શારીરિક સમસ્યા નથી, તો ભલાઈ એમાં જ છે કે તમે બંને જીવનને ભરપૂર માણો અને કોઈ પ્રકારના પૂર્વાગ્રહમાં અટવાયેલા ન રહો.
પ્રશ્ન : આશરે ૪ મહિના પહેલાં જ મેં ટેનસની રસી મુકાવી હતી. આ રસી જૂની સિરિન્જ અને સોયથી લગાવવામાં આવી હતી. હવે મને એ માહિતી મળી છે કે જો પહેલાં ઉપયોગમાં લીધેલી સિરિન્જ અને સોય ફરી ઉપયોગમાં લેવાય તો તેનાથી એચઆઈવીનો ચેપ લાગવાનો ભય રહે છે. કૃપા કરી એ જણાવો કે સોય લગાવ્યાના કેટલા દિવસ પછી તપાસ કરાવવાથી એ જાણી શકાય કે તેની કોઈ આડઅસર તો નથી થઈ.
ઉત્તર : એ હકીકત છે કે એચઆઈવી ચેપગ્રસ્ત કોઈ સોય કે સિરિન્જ હોય તો તેના ઉપયોગથી વાઈરસ અન્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે, પણ થોડું ઊંડાણથી વિચારીએ તો બિલકુલ સ્પષ્ટ છે કે એ વાતની શક્યતા હજારો લાખોમાંથી કોઈ એક કેસમાં જ હોય છે. આ દુર્ઘટના ત્યારે જ બને છે જ્યારે તે સોય કે સિરિન્જથી પહેલાં કોઈ એચઆઈવી ચેપગ્રસ્તને તેનાથી ઈંજેક્શન અપાયું હોય.
જો એ માની પણ લેવાય કે તે જ સોય કે સિરિન્જથી પહેલાં કોઈ અન્ય એચઆઈવી ચેપગ્રસ્ત વ્યક્તિને રસી અપાઈ હોય અને સોય એચઆઈવી ગ્રસ્ત થઈ ગઈ હોય ત્યારે પણ સોય અને સિરિન્જમાં એચઆઈવી વાઈરસ વધુ સમય જીવિત ન રહી શકે.
તેથી, જો વાઈરસ કોઈના શરીરમાં પ્રવેશી જાય તો ૩ મહિના પછી લોહીનો એલાઈઝા ટેસ્ટ કરાવવાથી એચઆઈવી ચેપની સહેલાઈથી પુષ્ટિ કરી શકાય છે. હવે જોકે તમારા મનમાં શંકાના વાદળ ઊમટી રહ્યાં છે, એટલે ભલાઈ એમાં જ છે કે તમે સમયસર તમારી તપાસ કરાવી લો. એચાઈવી એલાઈઝા ટેસ્ટ મોટી સરકારી હોસ્પિટલો અને પ્રાઈવેટ લેબોરેટરી બંનેમાં થાય છે.
પ્રશ્ન : હું ૨૪ વર્ષની યુવતી છું. મારી બંને કિડનીમાં પથરી છે. એક પથરી ૫.૪ મિલીમિટરની છે, બીજી ૩.૯ મિલીમિટરની છે. શું કરવું જોઈએ જેથી પથરીની સાઈઝ ન વધે અને ભવિષ્યમાં પથરી ન થાય.
ઉત્તર : જો કિડનીની પથરી ૬ મિલીમિટરથી નાની હોય તો તે પેશાબ સાથે આપમેળે બહાર આવવાની શક્યતા વધુ રહે છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે આ સ્થિતિમાં ૯૦ ટકા પથરીઓ આપમેળે જ નીકળી જાય છે.
સ્પષ્ટ છે કે તમારા બંને પથરીઓ આપમેળે નીકળવાની શક્યતા પણ ઘણી સારી છે. બસ, ત્યાં સુધી એ ધ્યાન રાખવું કે કિડનીને તેનાથી કોઈ નુકસાન ન થાય. પથરી લાંબો સમય રહેવાથી કિડની અને મૂત્રમાર્ગમાં ચેપ થવાનું જોખમ રહે છે. જો પથરી મોટી થઈ જાય તો પેશાબમાં તકલીફ પણ થઈ શકે છે. તમારે તમારી હાઈડ્રેશન પર ધ્યાન આપવું જરૂરી છે. દરરોજ ૪-૫ લિટર પાણી અને અન્ય પ્રવાહી પીણાં અવશ્ય લો. સામાન્ય પીવાનું પાણી, જવનું પાણી, શિકંજી અને અનનાસનો જ્યૂસ સૌથી ઉત્તમ છે.જો પથરી બહાર આવે અને તમે પકડી શકો તો લેબોરેટરીમાં તપાસ માટે જરૂર મોકલો. તેનાથી એ જાણી શકાશે કે પથરી ક્યાં રાસાયણિક તત્ત્વોમાંથી બનેલી છે.
આ જાણકારીના આધારે તમે ડાયટિશિયન પાસે ખાવાપીવામાં અનિવાર્ય હિતકર ખાદ્ય ચીજ-વસ્તુની માહિતી મેળવી શકો છો. મોટાભાગે પાલક, ટમેટાં રીંગણ અને આમળાં ન ખાવા હિતકર છે. દિવસમાં દૂધનું પ્રમાણ પણ ૨૫૦ ગ્રામ જેટલું જ મર્યાદિત રાખો.
હંુ ૨૧ વરસની યુવતી છું. ૨૪ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. પરંતુ હમણા તેણે બીજી યુવતી સાથે વેવિશાળ કર્યાં છે. અને ત્યારથી તેણે મારી સાથે વાત કરવાનું બંધ કર્યું છે. આ કારણે હું ઘણી અકળાઈ ગઈ છું. મારે હવે આ જગ્યા છોડી બીજે રહેવા જવું છે પરંતુ આ શક્ય નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (સુરત)
સમસ્યા તમારા શહેરની નથી. સમસ્યા તમારી સાથે જ છે. તમારા પ્રેમીએ તમારો ઉપયોગ ટાઈમ પાસ તરીકે જ કર્યો હતો અને તમે એને સાથ આપ્યો હતો. હવે પરિસ્થિતિથી દૂર ભાગવાને બદલે તેનો સામનો કરો. તમારું નસીબ સારું છે કે તમે એ છોકરા સાથે લગ્ન કરી તમારું જીવન બરબાદ કરતા બચી ગયા. આ છોકરો તમારે લાયક નથી. ભૂતકાળ ભૂલી વર્તમાનને સુખી બનાવવાનો પ્રયાસ કરો.