Get The App

જોતાંવેંત લઈ લેવાની લાલચ થાય એવી 'બ્રા'

Updated: Sep 12th, 2017

GS TEAM

Google News
Google News

ફિગર અને ડ્રેસની પેટર્ન અનુસાર ખરીદો ટ્રેન્ડી આંતરવસ્ત્રો

જોતાંવેંત લઈ લેવાની લાલચ થાય એવી 'બ્રા' 1 - imageઆપણે  ક્યારેક આંતરવસ્ત્રોના શો રૃમમાં જઈએ તો આપણું ધ્યાન અલગ અલગ જાતની બ્રાન્ડ, સ્ટાઈલ અને રંગની બ્રા પર જાય છે.

હળવો ગુલાબી રંગ, પોલ્કા ડોટ, લાલ ચેક્સ, બદામી લેસી, કાળી ફ્રીલવાળી, સ્ટ્રેપલેસ, સીમલેસ, પેડેડ, અંડરવાયર જેવી અનેક પ્રકારની બ્રા જોઈને ખરીદવાનું મન થાય. છેવટે ટ્રાયલ રૃમમાં જઈને બે-ચાર જાતની બ્રા ટ્રાય કરી લેવાની ઈચ્છા ન રોકી શકાય. પરંતુ ખરીદતી વખતે મનમાં અનેક વિચાર આવે. જેમ કે બેક સ્ટ્રેપમાંથી ડોકાતી સ્થૂળતા, પતિને ક્યાંક એવું તો નહીં લાગે ને કે આ શું લઈ આવી? આટલી મોંઘી અને સ્માર્ટ બ્રા પહેરીને કોને બતાવવી છે? કાંઈ નહિ તો બજેટનો વિચાર તો કરવો જ પડે.

ઘણીવાર મનમાં નિરાશા વ્યાપી જાય કે આપણે આપણી પસંદગીના કોસ્મેટિક્સ ખરીદી શકીએ, ડ્રેસ ખરીદી શકીએ, પણ આંતરવસ્ત્રો લેવાની વાત હોય, ખાસ કરીને ટ્રેન્ડી અંડરગાર્મેન્ટ લેવાના હોય ત્યારે પોતાની ઈચ્છા કરતાં બીજા વિચારો જ વધુ આવે. આમ છતાં બોડીને ફીટ રાખતી મોંઘી બ્રા ખરીદવાની લાલચ રોકવાનું મુશ્કેલ બની જાય.

મોટાભાગે એમ માનવામાં આવે છે કે સુંદર બ્રા માત્ર પતિને બતાવવા માટે જ પહેરાય. પણ એવું શા માટે? શું પોતાને ગમે, પોતાને ઈચ્છા થાય, પોતાને આવી બ્રા પહેર્યા પછી આત્મસંતોષ થાય તે માટે આકર્ષક બ્રા ન  પહેરાય? એક વાત ચોક્કસ છે કે સરસ મઝાની બ્રા પહેર્યા પછી મનને જે સંતોેષ થાય તેની સીધી અસર આપણા મિજાજ પર અચૂક થવાની. વળી બ્રા આપણી ડ્રેસીંગ સ્ટાઈલ માટે પણ મહત્ત્વની છે. કોઈપણ  ડ્રેસ સાથે ગમે તે બ્રા ન પહેરી શકાય.

જો બ્રા સારી ન હોય તો સરસ ડ્રેસની મઝા પણ મારી જાય. આ વાત મોડર્ન યુવતીને સારી રીતે ખબર છે. તેને આ બાબતે પતિને પૂછવાની જરૃર નથી લાગતી, ખાસ કરીને આર્થિક રીતે પગભર માનુનીને, અથવા આધુનિક ડિઝાઈનર વસ્ત્રો પહેરતી યુવતીને.

આવી જ એક આધુનિક વિચારસરણી ધરાવતી યુવતી કહે છે કે હું સુંદર બ્રા મોંઘી હોય તોય ખરીદું છું, માત્ર મારી પોતાની ઉત્તેજના માટે, તે કહે છે કે જરૃરી નથી કે મારા પતિ જ મને સરસ મઝાની બ્રા ખરીદી આપે. આ કામ હું જાતે જ કરી શકું તેમ છું. વળી એવી બ્રા લઈને શું ફાયદો જેની  ઉપર અન્ય સ્ત્રીનું ધ્યાન ન જાય. આ ઉપરાંત મનગમતી બ્રેસિયર પહેર્યા પછી મને જે ભાવનાત્મક સંતોષ થાય છે તે છોગામાં.

જોતાંવેંત લઈ લેવાની લાલચ થાય એવી 'બ્રા' 2 - imageનવવધૂ અથવા ગૃહિણી માટે ટ્રેન્ડી બ્રાની ખરીદી સેક્સની સંતુષ્ટિનો વિકલ્પ બની રહે છે. તે અત્યંત આકર્ષક લેસ કે નેટવાળી બ્રા પહેરીને અરીસા સામે ઊભી રહે ત્યારે તેના અધર પર સ્મિત ફરી વળે છે. તે પોતે જ પોતાની જાત પર મોહી પડે છે. ઘણી સ્ત્રીઓ પોતાના અન્ય ખર્ચાઓ પર કાપ મુકીને પણ ટ્રેન્ડી બ્રા ખરીદવાનો આગ્રહ રાખે છે.

બ્રા ખરીદતી વખતે તેનંું ટ્રાયલ અચૂક લો.  જો તેનું ફિટિંગ યોગ્ય ન હોય તો તેમાં વાંક માત્ર બ્રાનો જ હોય એવું નથી, વક્ષની માંસપેશીઓ ઢીલી પડી ગઈ હોય તોય બ્રાની ફિટિંગ બરાબર ન આવે. માંસપેશીઓ જો ઢીલી ન પડી ગઈ હોય તોય બ્રાની ફિટિંગ સરસ બેસશે. સ્તનની માંસપેશીઓને મજબૂત બનાવવા યોગ, એરોબિક અથવા સ્ટ્રેચિંગ કરો.

બજારમાં મળતી ગમે તે ક્રીમનો ઉપયોગ કરવાથી ચેતો. ૫૦૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાઈ આવ્યું હતું કે ચોવીસે કલાક બ્રા પહેરી રાખવાવાળી સ્ત્રીમાં, ઓછા કલાક બ્રેસિયર પહેરતી મહિલા કરતાં સ્તન કેન્સરનું પ્રમાણ વધુ હતું. નિષ્ણાતો કહે છે કે બ્રાને કારણે લસિકા ગ્રંથિમાં અવરોધ ઊભો થાય છે.

પરિણામે કેન્સર પેદા કરતા તત્વો પ્રાકૃતિરૃપે બહાર નથી નીકળી શકતા. આને લીધે ગાંઠ થવાની કે સંબંધિત જગ્યાએ દુખાવો થવાની સમસ્યાપેદા થાય છે. તેથી જ નિષ્ણાતો એવો આગ્રહ રાખે છે  કે રાત્રે સુતી વખતે બ્રા ન પહેરવી. વધારે પડતી ટાઈટ બ્રા ન પહેરવી. તેનાથી સ્તનના આકારને અસર પહોંચે છે.

ગરમીના દિવસોમાં કાળા અથવા અન્ય ઘેરા રંગની બ્રા પહેરવાથી વક્ષસ્થળની ગ્રંથિઓ અત્યંત ગરમ થઈ જાય છે, પરિણામે તેમાં ગાંઠ ઉત્પન્ન થાય છે. સ્થૂળકાય મહિલાઓએ હોઝિયરી મટિરિયલની બ્રા ન પહેરવી. તે આરામદાયક તો લાગે છે, પણ તેનાથી સ્તનને આધાર નથી મળતો. સ્થૂળકાય સ્ત્રી માટે કોેટનના બેલ્ટવાળી બ્રા યોગ્ય ગણાય છે. જ્યારે રમતગમત ક્ષેત્રે સક્રિય યુવતીઓએ રેગ્યુલર બ્રેસિયરને બદલે સ્પોર્ટ્સ બ્રા પહેરવી જોઈએ.

પીઠ પર ચરબીના થર જામેલા હોય તો પહોળી પટ્ટીવાળી બ્રા પહેરવી. નાના સ્તન ધરાવતી માનુનીએ એવી બ્રેસિયર પહેરવી જેનાથી તેના આખા સ્તન ઢંકાઈ જાય. જો ઉરોજનો આકાર સામાન્ય હોય તો કોઈપણ સ્ટાઈલની બ્રા પહેરી શકાય.

મોટાભાગની મહિલાઓને પોતાના બંને ઉરોજમાં વત્તાઓછા અંશે ફરક લાગે છે. યોગ્ય બ્રા આ સમસ્યા દૂર કરી શકે છે. જો સ્તન ઢીલા પડી ગયા હોય તો લિફ્ટેડ  બ્રા પહેરવાથી વક્ષસ્થળ ઉપસેલું દેખાય છે. પરિણામે સ્ત્રી વધુ યુવાન દેખાય છે. જો કોઈ સ્ત્રી નિયમીત રીતે સારી ફિટિંગ ધરાવતી બ્રા પહેરે તો તેના સ્તનની માંસપેશી મજબૂત બને છે. સ્તનને યોેગ્ય આકાર મળે છે. પરંતુ ખોટી ફિટિંગની બ્રેસિયર  પહેરવાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ ઊભો થાય છે.

કરોડરજ્જુને અસર પહોંચે છે. કમરનો ઉપરનો ભાગ, ખભા અને હાથમાં  વેદના થાય છે. બ્રાના પાતળા સ્ટ્રેપથી ઘણીવાર સ્તનમાં તેમ જ માથામાં દર્દ થઈ શકે છે. તેવી જ રીતે અયોગ્ય ફિટિંગની બ્રા પહેરવાથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.
બ્રેસિયર ખરીદતી વખતે ચોક્કસ બાબતોનું અચૂક ધ્યાન રાખો.

- બ્રા પસંદ કરતી વખતે સ્ટાઈલ અને સાઈઝ બંનેનું ધ્યાન રાખો. યોગ્ય સાઈઝની બ્રા પહેલીવાર પહેરવા છતાં આરામદાયક લાગશે.

- અલગ અલગ સ્ટાઈલની બ્રાની ફિટિંગ જુદી જુદી હોય છે. તમે જે પેટર્નની બ્રાનું ટ્રાયલ લેતા હો તે પેટર્નની ફિટિંગ તમને ફાવે એવી હોય, તમને આરામદાયક લાગે એવી હોય તે બ્રા જ ખરીદો.

- માસિક આવવાનું હોય ત્યારે બ્રા ન ખરીદો.આ દિવસોમાં સ્તનનો આકાર થોડો મોટો થઈ જવાથી બ્રાની સાઈઝમાં ફરક આવી જશે.

- જો તમને પીઠ અથવા ખભા પર દર્દની સમસ્યા સતાવતી હોય તો હોલ્ટર નેકની બ્રેસિયર ન પહેરો. જો તમારા ઉરોજ ઢીલા પડી ગયા હોય તો સ્ટ્રેપલેસ બ્રા પહેરવાને બદલે અંડરવાયર બ્રેસિયર પહેરો.

- જો તમે ટી-શર્ટ અથવા દુપટ્ટા વિનાનો ડ્રેસ પહેરતા હો તો ટી-શર્ટ બ્રા પહેરવાનો આગ્રહ રાખો. આવી બ્રેસિયરમાંથી નિપ્પલ ઉઠી આવતા નથી.

- જો સ્તન વધુ ફેલાયેલા હોય તો બ્રાની બાજુએ કર્વ સપોર્ટ હોય એવી અથવા મિનીમાઈઝર બ્રેસિયર પહેરો.

- વર્કઆઉટ વખતે સ્પોર્ટ્સ બ્રા પહેરો. તેની પટ્ટી અને ઈલાસ્ટીક યોગ્ય હોય તે ચકાસી લો.
છેવટે બ્રાની જાળવણી વિશે નિષ્ણાતો કહે છે કે બ્રા બે વર્ષથી વધુ સમય સુધી ન પહેરો. રંગીન બ્રાને હળવા ડિટર્જન્ટમાં ધુઓ. લેસવાળી કે અંડરવાયર બ્રા વોશીંગ મશીનમાં ન ધુઓ. કોટનની બ્રેસિયર મશીનમાં ધોઈ શકાય. પેડેડ બ્રાને લિક્વિડ ડિટર્જન્ટથી ધુઓ.
-કેતકી
 

Tags :