Get The App

નવી ઊંચાઈ સર કરતી ટેટૂની ફેશન

Updated: Jan 9th, 2018

GS TEAM

Google News
Google News
નવી ઊંચાઈ સર કરતી ટેટૂની ફેશન 1 - image

આ પણ જાણો

* આ એક પ્રકારની પર્મનન્ટ જ્વેલરી છે જે એકવાર પહેરી લીધી તો આખી જિંદગી પહેરી રાખવી પડશે.

* જાણવામાં આવ્યું છે કે ટેટૂ ગ્રેટ બ્રિટનની દેણ છે. એ વખતે મોટાભાગનાં લોકોનું કામ ટેટૂ દોરવાનું જ રહેતું હતું.

* થાઈલેન્ડ ભોગવિલાસમાં દુનિયાનો નંબર વન દેશ માનવામાં આવે છે. આ તે દેશ છે જ્યાં લોકો પૂરી રીતે એન્જોય કરવા આવે છે. બોડી ટેટૂ પણ અહીં સૌથી વધારે બનાવવામાં આવે છે.

* ટેટૂ દોરાવતી વખતે એ વાતનું ધ્યાન જરૃર રાખો કે આ ટેટૂ તમે આખી જિંદગી માટે બનાવડાવી રહ્યા છો, એટલે કોઈ એવી ડિઝાઈન ના દોરાવડાવો જે પાછળથી ખરાબ લાગે.

એતો તમને ખબર જ હશે કે આપણાં દાદાદાદી, નાનાનાની જેવા મોટા વડીલોને પણ ટેટૂ કરાવવાનો ઘણો શોખ રહેતો હતો બસ, ફેર એટલો હતો કે જે જમાનામાં આ આર્ટ 'છૂંદણું' તરીકે ઓળખાતી હતી અને ઘણા લોકો પોતાનું કે પોતાના જીવનસાથીનું નામ કે ધાર્મિક ચિહ્ન છૂંદાવવાનું પસંદ કરતા હતા.

પણ હવે તેને બોડી ટેટૂ મેકિંગ કહેવામાં આવે છે અને આજકાલના લોકો માત્ર નામ જ નહીં બલકે અલગ અલગ ડિઝાઈનો બનાવડાવવાનું પણ પસંદ કરે છે. તે સમયે લોકો મોટા ભાગે પોતાનાં હાથ પર જ આ આર્ટને બનાવડાવતા હતા. બહુ બહુ તો પગ પર દોરાવી લેતા હતા. પણ હવે લોકો મુશ્કેલ અને મોટાં મોટાં ટેટૂની ડિઝાઈન શરીરના કોઈ પણ ભાગમાં કરાવી લેતા હોય છે.

ખેર, આ વાત થઈ બોડી ટેટૂનાં શોખીનોની. હવે વાત કરીએ છીએ આ શોખીનોના શોખની. અલગ અલગ લોકોને અલગ અલગ ટેટૂની ડિઝાઈન પસંદ હોય છે. છોકરાં અને છોકરીઓની પસંદમાં અને નાની અને મોટી ઉંમરનાં લોકોની પસંદમાં ફેર તો જોવા મળે જ છે. આવો, જાણીએ, આજકાલ લોકોને કેવા પ્રકારનાં ટેટૂની ડિઝાઈન પસંદ આવે છે.

નવી ઊંચાઈ સર કરતી ટેટૂની ફેશન 2 - imageદિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં જુદાજુદા મોલ, બજારોમાં હવે તો ટેટૂ પાર્લરો હોય છે, જ્યાં તમે ટેટૂ કરાવી શકો છો. અમદાવાદમાં તમે લો ગાર્ડન પાસે લાઈફસ્ટાઈલ મોલ, વી માર્ટ પાસે. અલગ અલગ બોડી ટેટૂ પાર્લરો પાસે ટેટૂ દોરાવી શકો છો.

એ વાત અલગ છે કે તમને તે ટેટૂ બોડી પર દોરાવતી વખતે બહુ પીડા થશે, કારણ કે તેમાં સ્કિનને સોયથી છેદ પાડવામાં આવે છે. તે પછી ઈન્જેક્શનથી તમારી સ્કિનમાં તમને મનપસંદ રંગની ઈન્ક ભરવામાં આવે છે. નાનામાં નાનું ટેટૂ બનાવવામાં ઓછામાં ઓછા ૩-૪ કલાક થઈ જાય છે અને જો તમે બહુ મોટું ટેટૂ દોરાવતાં હોય તો તમારે આખો દિવસ આપવો પડે કે પછી બીજા દિવસે પણ જવું પડે.

જો ડિઝાઈન વધારે મોટી હોય તો ટેટૂ દોરાવવામાં બહુ મહેનત થાય છે. જો થોડી ભૂલ થાય તો તમારે જિંદગીભરની પીડા સહન કરવી પડે છે. એટલે બોડી ટેટૂ હંમેશાં પ્રોફેશનલ વ્યક્તિ પાસે કરાવવાં જોઈએ. એક ટેટૂ નિષ્ણાતના કહેવા અનુસાર, ''બોડી ટેટૂ માત્ર તે લોકો જ દોરાવતા હોય છે જે ક્રિએટિવ નેચરના હોય છે.

નવી ઊંચાઈ સર કરતી ટેટૂની ફેશન 3 - imageજેમ કે ફેશન ડિઝાઈનર, કલાકાર, મેકઅપમેન, ગ્લેમર સાથે જોડાયેલા લોકો વગેરે. પણ એ જરૃરી નથી કે આ સિવાયના બીજા લોકોને એ પસંદ ના પણ હોય. એ લોકોના પોતાના શોખ પર નિર્ભર કરે છે. બની શકે કે તમે એન્જિનિયર છો પણ તમે ક્રિએટિવ  નેચરના પણ છો તો તમને બોડી ટેટૂ બનાવવામાં કોઈ મુશ્કેલી નથી થઈ શકતી.

''બોડી ટેટૂ બનાવવામાં પહેલાં બોડી પર જાયલોકેન નામની દવા લગાડવામાં આવે છે. જેથી ટેટૂ દોરાવતી વખતે થતી પીડા સહન ન કરવી પડે. ટેટૂ બનાવડાવતી વખતે પીડાનો તો અનુભવ નહી થાય પણ તેના બીજા દિવસે પીડા થઈ શકે છે.''

ફૂલોથી લઈને ડ્રેગન, પિસ્ટલ, પક્ષી, સનસાંઈન, દિલનું નિશાન, તીર, મોર, સાપ, વીંછી વગેરે અલગ અલગ પ્રકારનાં ટેટૂ બનાવવામાં આવે છે.

૫૦૦ રૃપિયાથી લઈને ૫૦ હજાર સુધીની રેન્જમાં તમે કોઈ પણ ટેટૂ બનાવડાવી શકો છો. આ તમારા પોકેટ પર આધાર રાખે છે.

નવી ઊંચાઈ સર કરતી ટેટૂની ફેશન 4 - imageટેટૂ બનાવડાવતી વખતે તમે કોઈ પણ પસંદગીના રંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે તમારા ચોઈસના રંગ વિશે ટેટૂ મેકર્સને બનાવવું જોઈએ.

મોટાભાગની યુવતીઓ પોતાની બેક કમર, હિપની ઉપર, દિલની પાસે કે હાથ પર ટેટૂ દોરાવવાનું પસંદ કરે છે. ૨૧ વર્ષની હરિતાએ પોતાની બેક કમર પર હિપની ઉપર મોટું એવું દિલનું ટેટૂ દોરાવડાવ્યું છે અને તે દિલની અંદર તેના બોયફ્રેન્ડનું નામ લખાવ્યું છે. હરિતાનું કહેવું છે કે તે ટેટૂ તેણે ત્યારે બનાવડાવ્યું હતું જ્યારે તેનો બોયફ્રેન્ડ અમેરિકાથી આવવાનો હતો. તેને સરપ્રાઈઝ આપવા માટે તેણે આવું કરાવ્યું હતું.

તેનું જોઈને બોયફ્રેન્ડે પોતાનાં ખભા પર તેનું નામ લખાવી લીધું અને બંને લવબર્ડ્સનાં લગ્ન થઈ ગયાં.
હરિતાનું એમ પણ કહેવું છે કે તે ટેટૂ તેણે હિપ ઉપર એટલે દોરાવ્યું હતું જેથી પપ્પાની નજર તેના પર ના પડે. આ ઉપરાંત છોકરીઓ પોતાનાં પગમાં કાયમી પાયલ દોરાવે છે. જેમ કે છોકરાઓ પોતાનાં ગળામાં હંમેશા માટે મોટી ચેનની ડિઝાઈન દોરાવી લે છે.

મોટાભાગના છોકરાઓ પોતાનાં ખભા, દિલની પાસે, ગળાની પાસે કે પીઠ પર ટેટૂ દોરાવે છે. આ ઉપરાંત યંગ છોકરાઓ ડ્રેગન, ગળામાં મોટી ચેન કે કોઈ ડેંજર ડિઝાઈન દોરાવવાનું પસંદ કરે છે.

હિમાંશુએ પોતાના દિલની પાસે ૨ સુંદર પગ દોરાવ્યા છે. તેમને પૂછતાં તેમણે કહ્યું કે મારી ગર્લફ્રેન્ડ મારા દિલને કચડીને ચાલી ગઈ છે. એટલે કે તેની ગર્લફ્રેન્ડ તેને છોડીને જતી રહી છે એટલે તેમણે તેને બતાવવા માટે પગ દોરાવ્યાં છે.

કેટલાક લોકો તેને ટેટૂ તેમના શોખ અને ફેશન માટે દોરાવે છે તો કેટલાક લોકો તેને અંધશ્રદ્ધાના કારણે દોરાવે છે.

શરીરનાં સોફ્ટ ભાગ પર અને વધારે નસવાળી જગ્યાઓ પર ટેટૂ ના દોરાવતાં, કારણ કે તેનાથી ટેટૂની સોય નસ પર વાગવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. આંગળીઓની આજુબાજુ અને નાજુક જગ્યાએ ટેટૂ ના દોરાવશો. ટેટૂ દોરાવતી વખતે નવી સોયનો ઉપયોગ કરાવવો. નહીં તો સ્કિનમાં ઈન્ફેક્શન થઈ શકે છે અને બીમારી થઈ શકે છે. ટેટૂ ૩૦ વર્ષની ઉંમર સુધીમાં દોરાવવા જોઈએ.

ટેટૂ દોરાવતાં પહેલાં એ ધ્યાન રાખો કે જે ડિઝાઈન તમે દોરાવી રહ્યા છો તેનો અર્થ શું છે. ક્યાંક તમે ડિઝાઈન સમજીને દોરાવી લો અને તેનો અર્થ કાંઈક બીજો જ થતો હોય. એવું પણ થાય છે કે કેટલીક ડિઝાઈન બીજી ભાષાઓની હોય છે, જે જોવામાં બરાબર તો લાગતી હોય છે પણ વાસ્તવિક રીતે તેનો અર્થ કાંઈક ખોટો થતો હોય છે.

તેને દોરાવીને તમે મુશ્કેલીમાં આવી શકો છો. એટલે એ વાતનું ધ્યાન જરૃર રાખવું જોઈએ. ટેટૂ દોરાવ્યા પછી તે જગ્યા એકદમ બળી ગઈ હોય તેવી થઈ જાય છે, એટલે તેનાં પર જોનસન એન્ડ જોનસન કંપનીનું તેલ લગાડવું જોઈએ. કેટલાક લોકો પેનકિલર ગોળીઓ લેતાં હોય છે પણ એવું ના કરવું જોઈએ.  

- જયવંતી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar