છૂટાછેડા લેતાં પૂર્વે યોગ્ય કાનૂની સલાહ જરૃરી
લગ્ન પછી સંસારરથને સારી રીતે ચલાવવાની જવાબદારી પતિ અને પત્ની બંનેની હોય છે. આમ છતાં ક્યારેક વાત એટલી હદે વણસી જાય છે કે તેમના માટે સાથે રહીને જીવવું અશક્ય બની જાય છે.
લગ્નસંબંધનો કાયદેસર અંત લાવવા માટે છૂટાછેડા લેવા ખૂબ જરૃરી છે. કેમકે છૂટાછેડા લીધા વિના પતિપત્ની બંનેમાંથી કોઈપણ નથી બીજું લગ્ન કરી શકતું કે નથી એમની એકબીજા પ્રત્યેની જવાબદારીઓ પૂરી થતી.
કદાચ જો કોઈ છૂટાછેડા લીધા પહેલાં બીજું લગ્ન કરે, તો હિંદુ લગ્ન ધારા ૧૯૫૫ની કલમ ૧૧ મુજબ આ લગ્ન થયાં જ નથી એવું માનવામાં આવે છે. ઉપરાંત, દોષિત પક્ષકારને ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૪ મુજબ, સાતથી દસ વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.
પ્રાચીન હિંદુ પ્રથામાં છૂટાછેડા લેવાની કોઈ વ્યવસ્થા નહોતી, છતાં હિંદુ લગ્ન ધારા ૧૯૫૫ની કલમ ૧૩ પ્રમાણે છૂટાછેડા લેવા માટે પતિ અને પત્ની માટે જુદા જુદા આધાર છે. આ પ્રમાણે છે :
વ્યભિચાર (એડલ્ટી) : લગ્ન પછી પોતાના જીવનસાથી સિવાય બીજા સાથે શારીરિક સંબંધ બાંધવો, તે વ્યભિચાર કહેવાય છે અને આ બાબત સાબિત કરવાથી પતિ કે પત્નીને છૂટાછેડા મળી શકે છે. જોકે વ્યભિચાર સાબિત કરવાનું સરળ ન હોવાથી આ આધારનો વધારે ઉપયોગ કરાતો નથી. ખાસ બાબત તો એ છે કે હિંદુ લગ્ન ધારા હેઠળ બંને પક્ષકાર એટલે કે સ્ત્રી અને પુરુષ વ્યભિચારી હોઈ શકે છે, છતાં ફોજદારી ધારા હેઠળ વ્યભિચાર બદલ સજાની જોગવાઈ માત્ર પુરુષ માટે છે.
ત્રાસ (ક્રૂઅલ્ટી) : ત્રાસ, ક્રૂરતાના આધારે પણ પતિ અને પત્ની છૂટાછેડા મેળવી શકે છે. માત્ર પતિ જ પત્નીને ત્રાસ આપતો હોય એવું નથી. ઘણી વાર પત્ની પણ પતિને ત્રાસ આપે છે. જોકે આનો આધાર સામાન્ય રીતે સ્ત્રીઓ વધારે લે છે.
ક્રૂરતા એટલે શું?
આપણા કાયદામાં ક્યાંય ત્રાસની વ્યાખ્યા આપવામાં આવી નથી અને તેનું કંઈ નક્કી પ્રમાણ પણ નથી. ત્રાસ શારીરિક કે માનસિક હોઈ શકે છે. દરેક દાવામાં મામલાની હકીકતના આધારે અદાલત પોતાની રીતે નક્કી કરે છે કે અમુક દાવામાં ત્રાસ ગણાય કે નહીં. ત્રાસની વ્યાખ્યામાં એવા તમામ પ્રકારના શારીરિક અને માનસિક ત્રાસનો સમાવેશ થાય છે, જેની યોગ્યાયોગ્યતાના આધારે કહી શકાય કે આવી સ્થિતિમાં દંપતી એકસાથે ન રહી શકે.
જેમકે, પતિ કે પત્ની રોજ દારૃ પીને ઝઘડો અને ગાળાગાળી કરે, મારઝૂડ, મિત્રો કે સંબંધીઓની હાજરીમાં ખરાબ વર્તન, કરિયાવારમાં કોઈ વસ્તુની માગણી, ઘરમાં પ્રેમીપ્રેમિકાને લાવવાં, રખાત રાખવી, વેશ્યાગમન, નિરાધાર અનૈતિક સંબંધો કે ચારિત્ર્યહીનતાનો આરોપ મૂકવો, ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવવો વગેરે.
ગિરધારીલાલ વિરુદ્ધ સંતોષ કુમારીના દાવામાં પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવી કે તેમણે એના પર કેરોસીન રેડી એને બાળી મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. આ ફરિયાદના આધારે એના પતિ અને કુટુંબીજનોને જેલ થઈ, જેમને પછી જામીન પર છોડવામાં આવ્યાં.
કેસની સુનવણી દરમિયાન અદાલતે આરોપને વજૂદ વિનાનો માન્યો. તેના આધારે પતિએ છૂટાછેડા મેળવવાની અરજી કરી. અદાલતે આ અરજી સ્વીકારતાં ચુકાદો આપ્યો હતો કે પત્નીએ ખોટી ફરિયાદ નોંધાવવાથી પતિને માનસિક ત્રાસ થયો, જે ક્રૂરતા છે.
પરિત્યાગ : કોઈ જાતના યોગ્ય, પૂરતા આધાર વિના પોતાના જીવનસાથીથી બે વર્ષ કે તેથી વધુ સમય સુધી જુદા રહેવું, એટલે પરિત્યાગ. આના આધારે પતિ અને પત્ની બંને એકબીજાથી છૂટાછેડા મેળવી શકે છે.
હિંદુ ધર્મ ત્યજી બીજો ધર્મ અપનાવવો : પતિ કે પત્નીમાંથી કોઈ એક હિંદુ ધર્મ ત્યાગી બીજો ધર્મ અપનાવે, તો બીજા પક્ષકારને છૂટાછેડા લેવાનો હક છે. જોકે ધર્મપરિવર્તન કરનારને આ આધારે છૂટાછેડા મેળવવાનો હક નથી. વળી ધર્મપરિવર્તનની અગાઉ કરેલાં લગ્નની કાયદેસરતા પર કોઈ અસર પડતી નથી અને તે લગ્ન ફોક થયેલાં ગણાતાં નથી.
માનસિક વિકૃતિ કે મનોવિકાર : જો પતિપત્ની આ બંનેમાંથી કોઈ એક કારણસર સાથે રહી શકે એમ ન હોય, તો તેના આધારે તેઓ છૂટાછેડા લઈ શકે છે. માનસિક વિકૃતિ કે મનોવિકાર એવા પ્રકારનાં હોય કે પક્ષકાર લગ્નસંબંધને બરાબર જાળવી રાખે તેમ ન હોય.
હિંદુ લગ્ન કાયદા અનુસાર ૧૯૭૬ પહેલાં માનસિક વિકૃતિના આધારે છૂટાછેડા મેળવવાનું મુશ્કેલ હતું, કારણ કે માનસિક વિકૃતિ દૂર ન થઈ શકે તેવી હોય તો જ છૂટાછેડા મળી શકતા હતા. આ માનસિક વિકૃતિ છૂટાછેડાની અરજી કર્યાથી ત્રણ વર્ષ પહેલાંની હોય, એ પણ જરૃરી હતું.
જોકે ૧૯૭૬ માં તેમાં સંશોધન કરીને ત્રણ વર્ષની શરત કાઢી નાખવામાં આવી અને માનસિક વિકૃતિની સાથે મનોવિકારનો પણ છૂટાછેડા લેવાના આધાર રૃપે સ્વીકાર કરવામાં આવ્યો.
કોઢ : પતિ કે પત્ની અસાધ્ય કોઢથી પીડાતાં હોય, તો તેના આધારે તેઓ એકબીજાથી છૂટાછેડા મેળવી શકે છે.
ગુપ્ત રોગ : એકબીજાના સંસર્ગથી ફેલાતા જાતીય રોગોને ગુપ્ત રોગ કહે છે. આ આધારે પતિ કે પત્ની છૂટાછેડા મેળવી શકે છે. ૧૯૭૬ પહેલા રોગી પક્ષકાર છૂટાછેડાની અરજી કર્યાથી બરાબર ત્રણ વર્ષ પહેલાં કે તેથી વધુ સમયથી સતત ગુપ્ત રોગથી પીડાતો હોય તે જરૃરી હતું, પણ ૧૯૭૬ના સુધારા પછી ત્રણ વર્ષની શરત કાઢી નાખવામાં આવી. જો છૂટાછેડા માગનારા પક્ષકારના સંસર્ગથી બીજા પક્ષકારને ગુપ્ત રોગ થયો હોય, તો એ આધારે છૂટાછેડા મળી ન શકે.
સંન્યાસ : કોઈ એક પક્ષકાર જો કોઈ ધર્મ અનુસાર સંન્યાસ લે, તો બીજો પક્ષકાર આ આધારે છૂટાછેડા મેળવવા હકદાર છે.
ગુમ થવું : જો કોઈ પક્ષકાર સતત સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી ગુમ રહે અને એ જીવે છે કે નહીં તે અંગેની કોઈ માહિતી બીજા પક્ષકારને ન મળે, તો એ આધાર પર તેને છૂટાછેડા મળી શકે છે.
સમાગમ ન થવો : કાયદેસર જુદા થવાનું હુકમનામું પસાર થયા પછી જો એક વર્ષ કે વધુ સમય સુધી પક્ષકારો વચ્ચે સમાગમ ન થાય, તો આ આધારે પણ પક્ષકાર છૂટાછેડા લઈ શકે છે.
સુમેળ ન હોવો : પક્ષકાર જો દામ્પત્ય હકોની પુન:સથાપનાના આદેશ હેઠળ હોવા છતાં, સતત એક વર્ષ કે તેથી વધુ સમય સુધી દંપતી વચ્ચે સમાગમ ન થાય, તો આ આધારે પણ પક્ષકાર છૂટાછેડા મેળવી શકે છે.
પત્ની હિંદુ લગ્ન ધારાની કલમ ૧૩ (૨) હેઠળ નીચે જણાવેલા આધારો પર પણ છૂટાછેડાના ચુકાદા માટે અદાલતમાં અરજી કરી શકે છે :
* હિંદુ લગ્ન ધારો, ૧૯૫૫ જાહેર થયા પહેલાં એક પત્ની જીવિત હોવા છતાં જો બીજાં લગ્ન કર્યાં હોય, તો પ્રથમ પત્ની કાયદો જાહેર થયા પછી છૂટાછેડા લઈ શકે છે. હા, છૂટાછેડાની અરજી કરતી વખતે બીજી પત્ની જીવિત હોવી જોઈએ.
* જો પતિ લગ્ન પછી બળાત્કાર, ગુદામૈથુન કે પશુવતમૈથુનનો દોષિત ઠરે, તો પત્ની આ આધારે છૂટાછેડા મેળવી શકે છે.
* જો હિંદુ દત્તકગ્રહણ અને ભરણપોષણ કાયદો, ૧૯૫૬ની કલમ ૧૮ પ્રમાણે દાવામાં કે ફોજદારી ધારોસ ૧૯૭૩ની કલમ ૧૨૫ મુજબ દાવામાં પત્નીને ભરણપોષણ આપવા માટેનો ચુકાદો કે આદેશ પત્ની જુદી રહેતી હોવા છતાં પણ જાહેર કરવામાં આવ્યો છે અને આવો ચુકાદો કે આદેશ જાહેર કરાયેલા સમયના એક વર્ષ કે તેથી વધુ સમય વીતી જવા છતાં પણ પતિપત્ની વચ્ચે સહવાસની ફરી શરૃઆત થઈ ન હોય.
* જો કોઈ સ્ત્રીનાં લગ્ન તે ૧૫ વર્ષથી નાની વયની હોય ત્યારે થયાં હોય અને એ ૧૫ વર્ષની થયા પછી, પણ ૧૮ વર્ષની થયા પહેલાં લગ્ન માન્ય ન રાખે, તો એને છૂટાછેડા મળી શકે છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar