સહિયર સમીક્ષા -નયના .
- મને 24 વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. પરંતુ તાજેતરમાં તેણે બીજી એક યુવતી સાથે વેવિશાળ કરી લીધા તો મારે શું કરવું? યોગ્ય સલાહ આપશો.
ભણતો હતો ત્યારે મને એક યુવતી સાથે પ્રેમ થયો હતો. અમે બંને ઘણા ગંભીર હતા અને લગ્ન કરવા માગતા હતા. તેના માતા-પિતા રાજી હતા. પરંતુ મારા પરિવારજનો આની વિરુધ્ધ હતા. આથી તેમની જીદને કારણે મારે બીજી યુવતી સાથે લગ્ન કરવા પડયા. અને મને એક સંતાન છે. પરંતુ હું મારી પ્રેમિકાને ભૂલ્યો નથી. તે હજુ પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. મારે શું કરવું?
એકભાઇ (મુંબઇ)
* તમે જરા પણ સમજુ હોત તો આ પ્રશ્ન પૂછવાનો સમય જ આવતે નહીં. તમારી પ્રેમિકાને ભૂલી તમારે તમારા જીવનમાં આગળ વધવું જોઇએ. અને તમારી પ્રેમિકાને કોઇ યોગ્ય પાત્ર શોધી પરણી જવાની સલાહ આપવી જોઇએ. શું એ યુવતી સાથે તમે સુખી જીવન વિતાવી શકશો? શું તમારી પત્ની અને સંતાન તરફનો અપરાધી ભાવ તમને ખુશ રાખી શકશે? તમારા એક મોહ માટે તમે બે નિર્દોષની જિંદગી બરબાદ કરી રહ્યા છો. તમારી પ્રેમિકા તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે એ વાત તેની નાદાની સૂચવે છે. તમે પણ થોડા નાદાન અને નાસમજુ લાગો છો. તમારે બંનેએ મેચ્યોર બની પરિસ્થિતિ સાથે સમાધાન કરી પોતપોતાના જીવનમાં આગળ વધવાની જરૂર છે.
મારા એક નજીકના સંબંધીના લગ્નને આઠ વરસ થયા છે. પરંતુ હજુ સુધી તેઓ સેક્સ સંબંધ બાંધી શક્યા નથી. આ ભાઇનું કહેવું છે કે તેમનામાં કોઇ સમસ્યા નથી. પરંતુ તેઓ તેમની પત્નીને આ બાબતે કહી શકતા નથી. તેમજ તેમની પત્નીને પણ સેક્સમાં રસ નથી. આ બંને સામાન્ય જીવન જીવે એનો ઉપાય દેખાડવા વિનંતી.
એક ભાઇ (ગુજરાત)
* તેમની સમસ્યાના સમાધાન પૂર્વે આ બંનેએ કોઇ નિષ્ણાતની સલાહ લેવાની જરૂર છે. તેમજ તેમનામાં કોઇ ખામી નથી એની શારીરિક તપાસ પણ જરૂરી છે. તેમણે સમય નહીં ગુમાવતા કોઇ સેક્સોલોજીસ્ટ કે મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઇએ. યોગ્ય તબીબી પરીક્ષણ પછી જ ઇલાજ શક્ય છે.
હું ૨૧ વરસની છું. મારી સાથે કામ કરતા ૨૪ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરતો હતો. પરંતુ તાજેતરમાં તેણે બીજી એક યુવતી સાથે વેવિશાળ કરી લેતા મને ઘણો આઘાત લાગ્યો છે. હવે તે મારી સાથે બોલતો પણ નથી. મારે આ શહેર છોડી બીજા શહેરમાં જતા રહેવું છે. પરંતુ હું આમ કરી શકુ તેમ નથી. તો મારે શું કરવું? યોગ્ય સલાહ આપશો.
એક યુવતી (વડોદરા)
* સમસ્યા તમારા શહેર સાથે નથી. તમારી સાથે જ છે. તમારો પ્રેમી ગંભીર નહોતો. તેને મન આ એક ટાઇમપાસ હતો અને તમે તેને ખુશી ખુશી સાથ આપ્યો હતો. પરિસ્થિતિથી ભાગતા ફરવાનો કોઇ અર્થ નથી. તેને એક ભૂતકાળ સમજી આગળ વધી જાવ અને આમ પણ તમારી ઉંમર હજુ નાની છે. ભવિષ્યમાં તમને આના કરતા પણ સારો સાથી મળી જશે. શહેર છોડીને જતા રહેવાને બદલે તમે નોકરી બદલી શકો છો. ભગવાનનો પાડ માનો કે આવા લાગણી શૂન્ય યુવક સાથે તમારા લગ્ન થયા નહીં.