માસિક પીરિયડમાં અનિયમિતતા
મહિલાઓએ દર મહિને પીરિયડનો સામનો કરવો પડે છે, આ સમયગાળા દરમિયાન કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે. દા.ત. ફલો આટલો વધાકે કેમ છે? મહિનામાં બે વાર માસિક કેમ આવે છે? જોકે અનિયમિત માસિક કોઈ અસામાન્ય ઘટના નથી, પરંતુ એ સમજવું જરૃરી છે કે આવું શા માટે થાય છે.
દરેક મહિલાઓને માસિક ધર્મનો સમયગાળો અને રક્તસ્ત્રાવનું સ્તર અલગઅલગ હોય છે. પરંતુ મોટાભાગની મહિલાઓની મેંસ્ટુઅલ સાઈકલ ૨૪ થી ૩૪ દિવસની હોય છે. રક્તસ્ત્રાવ સરેરાશ ૪-૫ દિવસ સુધી થાય છે, જેમાં ૪૦ સીસી (૩ ચમચી) લોહીનું નુકસાન થાય છે.
કેટલીક મહિલાઓમાં રક્તસ્ત્રાવનું પ્રમાણ વધારે રહે છે (દર મહિને ૧૨ ચમચી સુધી લોહી વહી શકે છે) જ્યારે કેટલાકને ન બરાબર રક્તસ્ત્રાવ થાય છે.
માનવામાં આવે છે કે અનિયમિત પીરિયડ એટલે જેમાં કોઈ મહિલાને પાછળના કેટલાક માસિક ચક્રોની સરખામણીમાં રક્તસ્ત્રાવ અસમાન્ય હોય. તેમાં ગમે તે સામેલ થઈ શકે છે, જેમ કે માસિક મોડું આવવું, સમય પહેલાં રક્તસ્ત્રાવ થવો, ઓછામાં ઓછા રક્તસ્ત્રાવથી લઈને પ્રીમેન્સ્ટુલ સિંડ્રોમની સમસ્યા ન હોય તો તમે તે પીરિયડને અનિયમિત માની શકો છો, જેમાં આકસ્મિક મરોડ થવા લાગે અથવા તો માથામાં દુખાવો થવા લાગે.
અસામાન્ય પીરિયડના અનેક કારણ હોય છે જેમ કે તાણ, મેડિકલ સ્થિતિ, ભૂતકાળમાં સ્વાસ્થ્ય ખરાબ રહેવું વગેરે. તદુપરાંત તમારી જીવનશૈલી પણ માસિકધર્મ પર સારી એવી અસર કરી શકે છે.
કેટલાક કિસ્સામાં અનિયમિત માસિક એવી સ્થિતિ સાથે જોડાયેલું હોય છે જેને એનોવુલેશન કહે છે. તેનો અર્થ થાય છે માસિક દરમિયાન ડિંબોત્સર્ગ નથી થયો. આ સ્થિતિ સામાન્ય રીતે હોર્મોનના અસંતુલનને કારણે થતી હોય છે. જો એનોવુલેશનના કારણની જાણકારી મળી જાય, તો મોટાભાગના કેસમાં દવા દ્વારા જ તેની સારવાર કરી શકાય છે.
સારવાર શક્ય
જે કારણોથી માસિક અનિયમિત થઈ શકે છે અથવા પીરિયડ મિસ થઈ શકે છે, તે વધારે પડતો વ્યાયામ અથવા ડાયેટિંગ, તાણ, ગર્ભનિરોધક ગોળીઓનું સેવન, પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ, યુટરિન પોલિપ્સ અથવા ફાઈબ્રોઈડ્સ, પેલ્વિક ઈનફલેમેટરી ડિસીસ, એન્ડોમિટ્રિઓસિસ અને પ્રીમેચ્યોર ઓવરી ફેલ્યોર છે.
કેટલીક થાઈરોઈડ સમસ્યા પણ અનિયમિત પીરિયડનું કારણ બની શકે છે. થાઈરોઈડ એક ગ્રંથિ છે, જે વિકાસ, મેટાબોલિઝમ અને ઊર્જાને નિયંત્રિત કરે છે. કોઈ મહિલામાં જરૃરિયાત કરતા વધારે સક્રિય થાઈરોઈડ હોય તો તે બ્લડ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. હોર્મોન પ્રોલેકિટનનું ઊંચું સ્તર પણ આ સમસ્યાનું કારણ હોઈ શકે છે.
જો કોઈ મહિલાને પીરિયડ દરમિયાન ખૂબ દુખાવો, અતિશય રક્તસ્ત્રાવ રહેતા હોય, દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળે, ૭ દિવસ કરતા વધારે સમય સુધી પીરિયડ ચાલે, યોનિમાં રક્તસ્ત્રાવ હોય અથવા પીરિયડની વચ્ચે સ્પોટિંગ, નિયમિત મેંસ્ટુઅલ સાઈકલ પછી પીરિયડ અનિયમિત થઈ જાય, પીરિયડ દરમિયાન ઊલટીઓ થતી હોય, ગર્ભધાન વિના સતત ૩ પીરિયડ ન થાય તો સારું એ જ રહેશે કે સમય ગુમાવ્યા વિના મેડિકલ સલાહ લેવી જોઈએ. જો કોઈ છોકરીને ૧૬ વર્ષની ઉંમર સુધીમાં પણ માસિક શરૃ ન થયું હોય તો તરત જ ડોક્ટરને મળી લેવું જોઈએ.
મહત્ત્વપૂર્ણ સલાહ
* ઓછા ફેટ ધરાવતા ખોરાક અને વ્યાયામ દ્વારા સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરો.
* વજનને ડાયેટિંગથી ઓછું ન કરો.
* તાણ ઘટાડવા અને રિલેક્સ કરવાની ટેક્નિકનો અભ્યાસ કરો.
* જો તમે એથ્લીટ છો તો એક્સર્સાઈઝના કલાક ઘટાડો. વધારે પડતી રમતગમતથી પણ પીરિયડ અનિયમિત થઈ શકે છે.
* ગર્ભનિરોધક ગોળીઓ અથવા અન્ય ઉપાયોનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ જ કરો.
* ઈન્ફેક્શન અટકાવવા માટે દિવસમાં ઓછામાં ઓછી ૨ વાર સેનેટરી નેપ્કિન બદલો.
* સ્ત્રીરોગ નિષ્ણાત પાસે નિયમિત ચેકઅપ કરાવો.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar