વાર્તા
ફેસલો
અવિરલને લાગ્યું કે આભા એની તરફ આકર્ષાયેલી છે. તે બંને અવાર-નવાર ઓફિસની બહાર મળવા લાગ્યા. એક દિવસના સાંજે લો-ગાર્ડનમાં બેઠાબેઠા આભાએ અવિરલના ખભા પર માથું મૂકી દીધું અને આંખ બંધ કરી દીધી. અવિરલે એના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. તે પણ એને લપેટાઈ ગઈ.
વરલે ટેક્સીમાંથી ઊતરી ઝડપી પગલે નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં પ્રવેશ કર્યો. સવારના ૭.૩૫ વાગી ચૂક્યા હતા. એ પ્લેટફોર્મ નં.૧ પર ઊભેલી શતાબ્દી એક્સપ્રેસના એસી ચેરકારના પોતાના ડબ્બામાં પ્રવેશ્યો અને પોતાની સીટ પર બેસી ગયો. એની વચ્ચેથી જવાના રસ્તાની બાજુવાળી સીટ હતી.
એને કાલે સાંજે જ સૂચના મળી હતી કે આજે પંજાબ સરકારના અધિકારીઓ સાથે ચંદીગઢમાં મિટિંગ છે, એટલે એને સવાર-સવારમાં જ ચંદીગઢ જવા માટે નીકળી જવું પડયું. સાંજે જ એણે આભાને ફોન કરવાનો વિચાર કર્યો, પરંતુ તેના ઘરમાં બેમતલબ બબાલ ઊભી થાય એવું વિચારીને ફોન કરવાનું ટાળ્યું.
''તમારું શતાબ્ધી એક્સપ્રેસમાં જે દિલ્લીથી પાણીપત, કુરુક્ષેત્ર, અંબાલા, ચંદીગઢ થઈને કાલકા જઈ રહી છે, સ્વાગત છે...'' એવી જાહેરાત થઈ.
આ જ સમયે ચા અને બિસ્કિટની સેવા શરૃ થઈ ગઈ. ચા પીધા પછી અવિરલે આંખ બંધ કરી. આંખ બંધ થતાંની સાથે જ એની આંખ સામે આભાનો હસતો ચહેરો તરવરવા લાગ્યો. તે આભા વિશે વિચારવા લાગ્યો, જ્યારે તેણે આભાને પહેલીવાર જોઈ હતી.
આભા સાથે એની પહેલી મુલાકાત ૬ મહિના પહેલાં અચાનક એક પાર્ટીમાં થઈ હતી. એ વખતે એની પત્ની સુધા બીમાર હતી. આ પાર્ટી એના બોસ રાહુલ સાબેહની દીકરીનાં લગ્નની હતી, એટલે એને તેમાં હાજરી આપવી પડી હતી. આભા પણ એકલી જ આવી હતી.
પાછળથી જાણવા મળ્યું કે એના પતિને પાર્ટીઓથી નફરત છે. આભા એક કંપનીમાં ડાયરેક્ટર હતી. એની કંપનીનો રાહુલ સાબેહની કંપની સાથે વ્યવસાયિક સંબંધ હતો, એટલે એને પણ ઔપચારિકતા ખાતર પાર્ટીમાં આવવું પડયું હતું.
''તમે એકલા જ છો?'' અવિરલે આભા પાસે જઈને પૂછ્યું.
''હવે નથી, તમે જો આવી ગયા છો!'' આભાએ સ્મિત વદને કહ્યું.
થોડી જ વારમાં તેઓ એટલા હળીમલી ગયા જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. પાર્ટી પછી અવિરલ એને ઘર સુધી મૂકવા માટે ગયો. છૂટા પડતી વખતે આભાએ ધીરેથી એનો હાથ દબાવીને કહ્યું, ''આભાર, હું આશા રાખું છું કે આ આપણી છેલ્લી મુલાકાત નહીં હોય.''
એ રાતે અવિરલના વિચારોમાં આભા છવાયેલી રહી, ''હું આશા રાખું છું કે આ આપણી છેલ્લી મુલાકાત નહીં હોય.'' એનું આ વાક્ય એના મનમાં વારંવાર ગુંજતું રહ્યું.
એક અઠવાડિયા પછી તે એને પોતાની ઓફિસની ગેલરીમાં મળી ગઈ. પૂછવાથી જાણવા મળ્યું કે એ કોઈ મીટિંગમાં આવી હતી. બપોરનો જમવાનો સમય થઈ ગયો હતો. અવિરલે એને જમવા માટે આમંત્રણ આપ્યું તો એણે તરત જ સ્વીકારી લીધું.
અવિરલને લાગ્યું કે આભા એની તરફ આકર્ષાયેલી છે. એની વાતો પરથી અણસાર મળ્યો કે પતિની મોટી ઉંમરનાં કારણે એ પોતાનાં સાંસારિક જીવનથી અસંતુષ્ટ છે. તે બંને અવાર-નવાર ઓફિસની બહાર મળવા લાગ્યા.
એક દિવસના સાંજે લો-ગાર્ડનમાં બેઠાબેઠા આભાએ અવિરલના ખભા પર માથું મૂકી દીધું અને આંખ બંધ કરી દીધી. અવિરલે એના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. તે પણ એને લપેટાઈ ગઈ.
''તું મને દગો તો નહીં આપેને. મને સાથ આપીશ ને?''
''જરૃર.'' અવિરલે કહ્યું.
''હવે આપણે પાણીપત રેલવે સ્ટેશને પહોંચી રહ્યાં છીએ. આ સ્થળ ઈતિહાસમાં ૩ યુદ્ધ માટે વિખ્યાત છે.'' જાહેરાત થઈ.
અવિરલે આંખ ખોલી ઘડિયાળમાં જોયું.
૯ વાગ્યા હતા, કેમ કે ગાડી ૧૫ મિનિટ મોડી દોડી રહી હતી. એણે આભાને ફોન કર્યો.
''શું કરે છે?''
''હજુ હમણાં જ ઓફિસ આવી છું.''
''હું અત્યારે શતાબ્દી એક્સપ્રેસમાં ચંદીગઢ જઈ રહ્યો છું. તારી યાદ આવે છે.''
''એકાએક ચંદીગઢ કેમ?''
''પંજાબ સરકારના અધિકારીઓ સાથે અચાનક મીટિંગ નક્કી થઈ છે. હું આજે મોડી રાત સુધીમાં પાછો ફરીશ. એટલે આજે નહીં પણ કાલે સાંજે મળીએ છીએ.''
મેં કાલે સપનામાં જોયું કે આપણે લગ્ન પછી ગોવા જઈ રહ્યાં હતાં. હું આ સપનાંને સાકાર કરવા માટે કંઈપણ કરવા તૈયાર છું, અને તું?
''હું પણ.'' અવિરલે કહ્યું.
''હું સાંજે ૬.૦૦ વાગ્યે વાત કરીશ. અત્યારે મીટિંગમાં જવાનું છે. આઈ લવ યૂ ટુ મચ.'' એવું કહીને આભાએ ફોન કાપી નાખ્યો.
અવિરલે હસીને પોતાનો મોબાઈલ ફોન બંધ કર્યો.
તેને અચાનક લાગ્યું કે કોઈએ એને ધક્કો માર્યો છે. એણે પાછું વળીને જોયું તો એક વૃદ્ધ સજ્જન અને એક મહિલા ખૂબ ધીમેધીમે ચાલીને રસ્તાની બીજી બાજુવાળી ૨ સીટ પર બેસી ગયાં. એને વૃદ્ધનું મોં વાંકુ હોય તેવું લાગ્યું. ધ્યાનથી જોતાં ખબર પડી કે તેની એક બાજુનું અંગ લકવાનો ભોગ બન્યું છે.
''માફ કરજો.'' મહિલાએ અવિરલને કહ્યું.
''કોઈ વાંધો નહીં.''
''તું આ બધું નકામું કરી રહી છે. કશું થવાનું નથી.'' વૃદ્ધે મહિલાને કહ્યું.
''હું તમારી ધર્મપત્ની છું. છેલ્લી ઘડી સુધી આશા નહીં છોડું. સાંભળ્યું છે કે સાધુ-બાબામાં અદ્ભુત શક્તિ છે. બાબા, બસ બે દિવસ માટે અંબાલા આવી રહ્યા છે. મને આશા છે કે તમે જરૃર સાજા થઈ જશો.'' મહિલાએ પોતાના પતિનાં મોંને લૂછતાં કહ્યું.
'ઠીક. તો આ બંને પતિ-પત્ની છે. કોઈ સાધુબાબા પાસે લકવાનો ઉપચાર કરાવવા જઈ રહ્યા છે. ૨૧મી સદીમાં પણ આ લોકો આવી વાતોમાં વિશ્વાસ કરે છે. છે ને મૂરખ!' અવિરલે વિચાર્યું.
એ જ સમયે ટ્રેન પાણીપતથી નીકળી ગઈ. અવિરલનો સેલ ફોન રણકી ઊઠયો. અવિરલે ફોન ઉપાડયો. અક્ષયનો ફોન હતો, જે એનો સેક્રેટરી હતો.
''હેલો સર, હું અક્ષય બોલું છું.''
''બોલ અક્ષય.''
''સાહેબ, મારી પત્નીની તબિયત વધારેે લથડી ગઈ છે. હું એક અઠવાડિયું નોકરી પર નહીં આવી શકું. ડોક્ટરે પણ કહી દીધું છે કે કેન્સર આખા શરીરમાં ફેલાઈ ગયું છે.''
''અક્ષય, તમારા ઘરમાં જો બીજું કોઈ સારસંભાળ રાખનાર હોય તો નકામી રજાઓ ન બગાડ.''
''સાહેબ, આવા વખતે હું તેને સાથ નહીં આપું તો ક્યારે આપીશ?''
''સારું.'' અવિરલે અક્ષય સાથે વધુ ચર્ચા કરવાના બદલે ફોન કાપી નાખ્યો. 'આ લોકો ક્યારેય વ્યવહારુ નહીં બને.' એણે વિચાર્યું.
આ જ સમયે ખાન-પાન સેવા શરૃ થઈ હતી. અવિરલે જોયું કે મહિલા પતિને પોતાનાં હાથથી ખવડાવી રહી હતી. કદાચ એનાં શરીરનો જમણો ભાગ લકવાગ્રસ્ત હતો.
અવિરલનો સેલ ફોન ફરીથી રણકી ઊઠયો.
''હેલ્લો પપ્પા, હું નિશા બોલું છું. અમારે આજથી જ દશેરાની એક અઠવાડિયાની રજા છે. સ્કૂલ બાળકોને નૈનીતાલ લઈ જવાનો કાર્યક્રમ બનાવી રહી છે, પણ હું નથી જવાની.''
''કેમ બેટા?'' તારે ચોક્કસ જવું જોઈએ.
''નહીં પપ્પા, હું રજાઓ મમ્મી સાથે ગાળવા માંગું છું. મમ્મી તમારી સાથે વાત કરવા માંગે છે.''
''હેલો, હું સુધા બોલું છું. સવારે મને કહ્યા વગર જતા રહ્યાં. મારાથી નારાજ છો કે શું?''
''ના, એવી કોઈ વાત નથી. તું સૂતી હતી એટલે તને જગાડવી એ મને યોગ્ય ન લાગ્યું.''
''મેં જોયું છે કે તમે ઘણા દિવસથી ગુમસૂમ રહો છો. શાંતિથી વાત પણ નથી કરતાં. જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો.'' સુધા ધુ્રસકે ને ધુ્રસકે રડવા લાગી.
અવિરલે ફોન કાપી નાખ્યો અને આંખ બંધ કરી દીધી. એણે નિર્ણય કર્યો કે છૂટાછેડા પછી પણ તે સુધા અને નિશાને સંપૂર્ણ મદદ કરશે. એમની બધી જરૃરિયાતો પૂરી કરશે. આખરે એમનો તો કોઈ વાંક જ નથી.
''હવે આપણે કુરુક્ષેત્ર રેલવે સ્ટેશન પહોંચી રહ્યાં છીએ...'' એવી જાહેરાત થઈ. અવિરલે ઘડિયાળમાં જોયું તો ૧૦ વાગ્યા હતા.
'એટલું કે ટ્રેન ૩૦ મિનિટ મોડી ચાલી રહી છે.' એણે વિચાર્યું.
એણે બાજુમાં જોયું તો વૃદ્ધ સજ્જન આંખ બંધ કરી સૂતા હતા. એની નજર મહિલા પર પડી. તે મહિલા એની સામે થોડું હસી.
''એમને કેટલા સમયથી આવું છે?''
''૨ વર્ષ પહેલાં અચાનક એમને લકવો થઈ ગયો હતો. ઘણી જગ્યાએ સારવાર કરાવી પણ કોઈ ફરક ન પડયો. સાંભળ્યું છે કે અંબાલામાં કોઈ ચમત્કારી સાધુ આવી રહ્યાં છે.''
''તમે આ બધામાં માનો છો?'' અવિરલના મોંમાંથી નીકળી ગયું.
''જ્યારે આશાના બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે કંઈપણ માની લેવાનું મન થાય છે. હું હિંમત નથી હારી. છેલ્લી ઘડી સુધી સાથ આપીશ અને કોશિશ કરતી રહીશ.''
ટ્રિન, ટ્રિન, ટ્રિન...
'હેલો.'' અવિરલે કહ્યું.
'હેલો, યાર હું કુમાર બોલું છું.''
કુમાર અવિરલનો મિત્ર હતો જે હેડ ઓફિસમાં હતો.
''બોલ, કુમાર કેવું ચાલે છે?''
''યાર, તારા માટે ખુશખબર છે, પણ પહેલાં પાર્ટીનું પ્રોમિસ આપ.''
''ચોક્કસ આપીશ, યાર.''
''તને પ્રમોસન મળી ગયું છે. બોસે હમણાં જ તારી ફાઈલમાં સહી કરી છે.''
''તારી પાર્ટી નક્કી. હું કાલે ઓફિસ આવું છું પછી પાર્ટીનો પ્રોગ્રામ બનાવીએ છીએ.''
કુમારે ફોન કાપી નાખ્યો.
અવિરલને મનમાં થયું કે આભાને ફોન કરીને જણાવું, પણ એ તો મીટિંગમાં વ્યસ્ત હશે. સાંજ સુધી રાહ જોવાનો વિચાર કર્યો.
''હવે આપણે અંબાલા સ્ટેશન પહોંચી રહ્યા છીએ...'' એવી જાહેરાત થઈ.
વૃદ્ધ સજ્જન અને એમની પત્ની ઊભાં થઈને ધીમેધીમે પાછળ જવા લાગ્યાં. મહિલાએ એકબાજુથી સાચવીને પોતાનાં પતિને પકડી રાખ્યા હતા. વચમાં વૃદ્ધ સજ્જન થોડા લથડવા લાગ્યા તો મહિલાએ એમને જોરથી પકડી રાખ્યા. તેઓ ધીમેથી સ્ટેશન પર ઊતર્યા અને ટ્રેન ઊપડી ગઈ.અવિરલે આંખ બંધ કરી લીધી અને સૂવાની કોશિશ કરવા લાગ્યો. અચાનક એને એવું લાગ્યું કે પોતે વૃદ્ધ સજ્જનના સ્થાને છે. પોતે લકવાગ્રસ્ત થઈ ગયો છે.
નીચે પડી રહ્યો છે. લથડવા લાગ્યો છે, પરંતુ એની બાજુમાં કોઈ એને સંભાળનાર નથી. 'આભા ક્યાં છે?'' એણે વિચાર કર્યો.'આભા એના પતિને એટલા માટે છોડવા માંગે છે, કારણ કે એની ઉંમર વધારે છે, તો પછી એ પોતે અપંગ થશે તો તેની કેવી રીતે સાથ આપશે.' એણે વિચાર્યું.
''સુધા તો છે જ ને.'' 'સુધાને તો એ છૂટાછેડા આપી ચૂક્યો છે. એ અહીયાં એનો સાથ આપવા કેવી રીતે હોઈ શકે? અવિરલને પરસેવો વળી ગયો. એણે આંખ ખોલી. 'સારું થયું કે આ એક સપનું હતું.' એણે વિચાર્યું. ''હવે આપણે ચંદીગઢ રેલવે સ્ટેશન પહોંચી રહ્યા છીએ. આ સ્થળ રોક ગાર્ડન માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે...'' એવી જાહેરાત થઈ.
અવિરલ પોતાની બેગ લઈને ઊતરી ગયો. કંપનીના અતિથિગૃહમાં જઈ તૈયાર થયો અને મીટિંગ માટે જવા રવાના થયો.
આખો દિવસ મીટિંગમાં વ્યસ્ત હોવા છતાં એ ઉદાસ હતો. એની આંખ સામે વારંવાર એક જ દ્રશ્ય તરવરતું હતું. ''મહિલા પોતાના લકવાગ્રસ્ત વૃદ્ધ પતિને સંભાળી રહી છે.''
''હું હિંમત નથી હારી, છેલ્લી ઘડી સુધી સાથ આપીશ અને કોશિશ કરતી રહીશ.'' મહિલાના શબ્દો ગુંજતા હતા.
''સર, હું આવી પરિસ્થિતિમાં સાથ નહીં આપું તો ક્યારે આપીશ.'' એવા અક્ષયના શબ્દો પણ ગુંજી રહ્યા હતા.
'શું આભા એને મુશ્કેલીઓમાં સાથ આપશે?' એ વિચારતો હતો.
અવિરલ મીટિંગ પૂરી કરીને સાંજે ૫.૩૦ વાગે ચંદીગઢ રેલવે સ્ટેશન પહોંચી ગયો, જેથી એ સાંજે ૬.૦૦ વાગ્યાની શતાબ્દી એક્સપ્રેસમાં દિલ્લી જઈ શકે.
જો ક્યારેક તમે સાંજે ચંદીગઢ રેલવે સ્ટેશન જશો તો જણાશે કે આખું સ્ટેશન ચકલીઓના કલરવથી ગુંજતું હોય છે. પ્લેટફોર્મની અંદરની દીવાલ પર લાગેલી લોખંડની જાળીઓ પર ચકલીઓ રાતવાસો કરે છે. આ સ્ટેશનની ખાસ વિશેષતા છે.
અવિરલ થોડીવાર સુધી ચકલીઓનો અવાજ સાંભળતો રહ્યો. એને લાગ્યું કે દિવસ ભલે ગમે ત્યાં ગુજરે પણ સાંજે દરેક પક્ષી પોતાનાં માળામાં પાછા ફરે છે. અહીં પક્ષીઓ પોતાનાં સુખ-દુ:ખ વહેંચીને કેટલાં ખુશ છે. એને પોતાના પ્રશ્નનો જવાબ આપોઆપ મળી ગયો. એણે આભાને ફોન કર્યો.
''હું તમને જ ફોન કરવાની હતી.''
''મેં તને એ કહેવા માટે ફોન કર્યો છે કે હું મારી પત્ની અને દીકરીને કોઈપણ સંજોગોમાં નહીં છોડી શકું.''
''તો શું તમારો પ્રેમ ખોટો હતો?'' આભાના અવાજમાં ગંભીરતા હતી.
''કદાચ એ એક સપનું હતું, જે તૂટી ગયું.''
''શું આ તમારો આખરી ફેંસલો છે?'' આભાએ કહ્યું.
''હા, હું તને એક મિત્ર તરીકે સલાહ આપીશ કે તું કોઈ મૃગજળ પાછળ ન પડ અને તારું વસાવેલું ઘર બરબાદ ન કર.''
''મને તમારી સલાહની કોઈ જરૃર નથી.'' કહીને આભાએ ફોન કાપી નાખ્યો.
અવિરલે સુધાને ફોન કર્યો.
''હેલો.'' સુધાના અવાજમાં ઉદાસીનતા હતી.
''સાંભળ સુધા, એક ખુશખબર છે. મારું પ્રમોશન થવાનું છે. નિશાને એક અઠવાડિયાની રજા છે. તું અને નિશા કાલે શતાબ્દી એક્સપ્રેસ દ્વારા ચંદીગઢ આવી જાઓ. આપણે એક અઠવાડિયું સાથે વિતાવીશું પછી સિમલા વગેરે જઈશું.''
''સાચે જ?'' સુધાના અવાજમાં આશ્ચર્ય સાથે ખુશી પણ હતી.
''હા. હું મારી ઓફિસે ફોન કરી રજા લઈ રહ્યો છું. કાલે હું તને સ્ટેશન પર મળીશ. તને એક વાત મેં ઘણા સમયથી નથી કહી કે હું તને ખૂબ પ્રેમ કરું છું.''
અવિરલ પોતાની જાતને ઘણી હળવી અનુભવવા લાગ્યો. બરાબર ચીં...ચીં... કરતી ચકલીઓની જેમ. એ થોડીવાર સુધી ચકલીઓનો કલરવ સાંભળતો રહ્યો પછી પોતાની ટિકિટ રદ કરાવી અતિથિગૃહ તરફ જવા રવાના થયો. આવતી કાલે એને પણ પોતાના પરિવારને મળવાનું હતું.