આરોગ્ય પ્રશ્નોત્તરી- વત્સલ વસાણી
હાઇટસ હર્નિયા (Hiatus Hernia), ઓછી ભૂખ, ઓડકાર, કબજિયાત, જમ્યા પછી પેટમાં ભાર
હાઇટસ હર્નિયા (Hiatus Hernia), ઓછી ભૂખ, ઓડકાર, કબજિયાત, જમ્યા પછી પેટમાં ભાર.
પ્રશ્ન : ગુજરાત સમાચાર જેવા વરીષ્ઠ સમાચાર માધ્યમ દ્વારા આરોગ્યની પરબ માંડી આપ જે જનસેવા કરો છો તે ખરેખર અભિનંદનીય છે.
હું એક ૬૧ વર્ષનો રિટાયર કર્મચારી છું. મારું વજન ૮૫ કિલોગ્રામ છે. મારા દર્દ વિશેની વિગત ટૂંકમાં રજુ કરું છું તો વાંચી 'સહિયર' દ્વારા જલદીથી જવાબ આપી આભારી કરશો.
મને ઘણા સમયથી ભૂખ ઓછી લાગે છે. ઓડકાર આવે છે. કબજિયાત રહે છે. જમ્યા બાદ પેટ ભારે રહે છે. અને છાતીમાં દુખે છે. એન્જિયોગ્રાફી કરાવેલ. હૃદયની બિમારી નથી તેવું નિદાન થયેલ છે. હવે પેટની બિમારી માટે એમ.એસ. ડોકટરને બતાવતા છ માસમાં બે વાર દુરબીન નાખીને એન્ડોસ્કોપી કરી ત્યારબાદ એમનું નિદાન છે કે 'તમને હાઇટસ હર્નિયા - લ્લૈચોજ લ્લીહિૈચ ની તકલીફ છે. આથી તમો ખાઓ - પીઓ ત્યારે અન્નનળીમાંથી હોજરીમાં ખોરાક જાય ત્યારે નીચે જવાને બદલે ઉપર દબાણ કરે છે. અને તેથી આ તકલીફ થાય છે.'
એમની સલાહ છે કે તાકીદે તમારે હાઇટસ હર્નિયાનું ઓપરેશન કરાવવું પડશે. દવાથી રાહત થશે પણ મટશે નહીં. આ સાથે એમણે એવી સલાહ આપી છે કે જમ્યા બાદ તરત પથારીમાં પડીને આરામ ન કરવો. ખાટલા નીચે ઈંટો મૂકી છાતીનો ભાગ ઊંચો રાખવો. ભૂખ કરતા ઓછું ખાવું. ભારે ખાવું નહીં વગેરે.
હવે મને આયુર્વેદની સલાહ લેવાની ઈચ્છા છે તો આયુર્વેદ વિજ્ઞાાનમાં હાઇટ્સ હર્નિયાનો કોઇ મૂળગામી ઉપચાર હોય તો હું હાઇટ્સ હર્નિયામાંથી છૂટકારો મેળવી શકીશ. અને ઓપરેશનની ઝંઝટમાંથી બચી જઇશ. જવાબ જલદી આપશો કેમકે ડોકટરો ડરાવી દઇ ઓપરેશન કરાવવા તાકીદ કરે છે. એ લોકો કહે છે કે જો ઓપરેશન નહીં કરાવો તો હોજરીમાં ચાંદા-અલ્સર થશે, એટલું જ નહીં કેન્સર થશે એવો ભય પણ બતાવે છે.
ઘણીવાર મારું પેટ ફૂલી જાય છે. વાછૂટ થાય તો રાહત થાય છે તો આયુર્વેદની સારી દવા જણાવવા વિનંતી. મને હાઇ બી.પી. પણ રહે છે. આપનો વિશ્વાસુ...
- એક દુખી નિવૃત્ત કર્મચારી
ઉત્તર : જ્યાં અનિવાર્ય હોય ત્યાં ઓપરેશન કરાવી લેવાની તો આયુર્વેદ પણ તરફેણ કરે છે. એટલે દરેક વખતે ઓપરેશન બિનજરૃરી હોય છે એવું માનવું નહીં. હા, કાકડાના મોટા ભાગના કેસ ઓપરેશન વિના પણ આયુર્વેદ દ્વારા સારા થાય છે. એપેન્ડિક્સમાં તાત્કાલિક ઓપરેશન કરાવી લેવાની સલાહ મળી હોય એવા કેસમાં પણ નિયમિત દવા લેવાથી થોડા સમય બાદ ઓપરેશનની જરૃર જ ન પડે એવા કેસ મારી ચિકિત્સા વ્યવસાય દરમિયાન મેં અનેક જોયા છે.
પથરીમાં જ્યાં ઓપરેશનની સલાહ મળી હોય ત્યાં દવાથી જ પથરી નીકળી ગયાના અનેક કેસ છે. એજ રીતે વધુ પડતું માસિક આવતું હોય અને દિવસો સુધી બંધ ન થતું હોય એવા કેસમાં ગર્ભાશય કઢાવી નાખવું જ એક માત્ર ઉપાય છે એવી સલાહ મળી હોય તેવા કેસમાં પણ માત્ર ઔષધીય સારવારથી - ઓપરેશન નિવારી શકાયું હોય.
જુની શરદી અને સાયનસમાં ઓપરેશનની જ સલાહ મળતી હોય છે પણ નિયમિત દવા લેવાથી અને 'નસ્ય' ચિકિત્સાથી આમાં પણ ઓપરેશન નિવારી શકાય છે. આમ છતાં જ્યાં ઓપરેશન અનિવાર્ય હોય ત્યાં અમે લોકો પણ ઓપરેશન કરાવી લેવાની સલાહ આપતા હોઇએ છીએ. કોઇ પણ પથીની દવા કરવા છતાં જો પરિણામ ન મળે તો જરૃર જણાય ત્યારે ઓપરેશન કરાવી લેવું એજ સાચી સલાહ છે.
હાઇટસ હર્નિયામાં અન્ન નળી અને હોજરીને જોડતો વાલ્વ પહોળો કે ઢીલો થવાથી હોજરીનો ભાગ ઉપર અન્નનળી તરફ દબાણ કરવા લાગે છે. હોજરીમાં ગયેલો ખોરાક વાલ્વ ઢીલો પડવાથી અને અન્ન નળીનો નીચે તરફનો ભાગ પહોળો થવાથી ઉપર તરફ ઠેલાય છે.
ગેસ પણ ઉપર ચડે છે. ખોરાકમાં ભળેલા પાચક સ્રાવોની ખટાશ અને ગેસ્ટ્રીક એસિડ પણ ઉપર ચડી દાહ કરે છે. અને એટલે તો હાઇટસ હર્નિયાના દરદીને જમીને તરત પથારીમાં પડી સૂઇ ન જવું એવી સલાહ મળે છે. જમીને તરત સૂવાથી કે ઓશિકાનો ભોગ જો ઊંચો ન રાખવામાં ન આવે તો ખોરાક અને ગેસ ઉપર તરફ ધકેલાવાથી ખાધેલો ખોરાક પાછો પડે છે.
માથા તરફનો ભાગ ઊંચો રહે એ માટે માથા તરફના ભાગે પલંગ નીચે ઈંટો મૂકવી પડે છે. અથવા તો હોસ્પિટલમાં હોય છે એવા યાંત્રિક પલંગ પણ મળે છે જે જરૃરત પ્રમાણે ઊંચાનીચા કરી શકાય. હાઇટસ હર્નિયાના દરદીએ ઠાંસી ઠાંસીને ન ખાવું. ભૂખ કરતા કાયમ થોડું ઓછું જ ખાવું. જેથી હોજરી છલોછલ ભરાઇ જવાથી ખોરાક ઉપર તરફ દબાણ ન કરે.
આયુર્વેદના આચાર્યોએ વર્ષો પહેલા એવી સલાહ આપી છે કે હોજરીના ચાર ભાગ કલ્પી બે ભાગ રોટલી, પૂરી, રોટલા, ભાત, ખીચડી જેવા ઘન ખોરાકથી ભરો. એક ભાગ દૂધ, છાશ, દાળ, કઢી સૂપ કે પાણી જેવા પ્રવાહી ખોરાક માટે રાખો અને છેલ્લો ચોથો ભાગ હવાના સંચાર માટે રાખો જેથી ખોરાક બરાબર વલોવાઇ શકે અને અન્ન નળી તરફ દબાણ કરી હાઇટસ હર્નિયા જેવા રોગનું નિર્માણ ન કરે.
અકરાંતિયા બનીને જે લોકો હોજરીમાં ખોરાક ઠાંસી ઠાંસીને ભરે છે તે આખરે પાચનતંત્રનો કોઇ રોગ ઘર કરી જાય ત્યારે પસ્તાય છે. હાઇટસ હર્નિયાના દરદીએ જેમ વધુ પડતો ખોરાક ન ખાવો જોઇએ તેમ પચવામાં ભારે હોય એવો ખોરાક પણ શક્ય હોય ત્યાં સુધી છોડવો જોઇએ. કાયમ ઓછો અને સુપાચ્ય ખોરાક લેવામાં આવે તો ઓપરેશનને નિવારી શકાય છે.
પેટ પર વધુ પડતી ચરબી હોય એવા લોકોએ ચરબીના થર ઓછા થાય એ માટે આહાર વિહારનું આયોજન કરી જમ્યા બાદ કે રોજ સવારે થોડીવાર ચાલવું જોઇએ. જમ્યા બાદ તરત સૂઇ જવાને બદલે આરામ મળે છતાં માથું ઊંચું રહે એ રીતે બેસવું જોઇએ. ઘણીવાર હાઇટસ હર્નિયાના દરદીને હૃદયમાં શૂળ થતું હોય કે હાર્ટએટેક આવી રહ્યો હોય એ રીતે ગભરામણ થાય છે.
પણ એ ખરેખર હૃદયરોગના કારણે નહીં પણ વાયુની ગતિ અવળી થવાથી ખોરાક તથા ગેસ ઉપર તરફ દબાણ કરે ત્યારે રીતસર એન્જાઇના પેક્ટોરિસ જેવો અનુભવ થાય છે. ઘણીવાર જમ્યા પછી તરત સૂઇ જવાથી ખાધેલા ખોરાકની ઊલટી પણ થઇ શકે છે. શરીરમાં ફિક્કાશ અને દુર્બળતા પણ દેખાવા લાગે છે. ખાધેલો ખોરાક ગળા નીચે સરળતાથી ઊતરતો ન હોય અને ક્યાંક કશુંક અટકતું હોય એવું લાગે છે. ક્યારેક કેે વારંવાર હેડકી પણ આવે છે.
આવું બધું ન થાય અને ઓપરેશનને શક્ય ત્યાં સુધી નિવારી શકાય એ માટે એકી સાથે પેટ ભરીને ન ખાવું. દિવસમાં ભલે ચારેક વાર પણ ભૂખ લાગે ત્યારે થોડું થોડું ખાવું. ભારે, તળેલો કે આથાવાળો ખોરાક ન ખાવો. મદ્યપાન, ધૂમ્રપાન તો એકદમ વર્જિત છે. વજન વધે નહીં અને વધારે હોય તો ઘટે તેનું ધ્યાન રાખવું. ઔષધો આ પ્રમાણે લેવા.
(૧) શંખવટી બે બે ટીકડી જમ્યા બાદ ચૂસવી. પેટમાં બળતરા ન થતી હોય અને ગેસ જો ઉપર ચડતો હોય કે ખોરાક બરાબર પચતો ન હોય તો જમ્યા બાદ બે બે ગોળી લશુનાદિ વટીની ચૂસી જવી.
(૨) વાયુનું અનુલોમન થાય, ઉપર તરફ દબાણ કરતો ગેસ નીચેથી નીકળી જાય અને કબજિયાત ન થાય એ માટે રોજ રાત્રે એક ચમચી જેટલું એરંડભૃષ્ટ હરીતકી ચૂર્ણ ફાકી જવું.
(૩) પેટમાં બળતરા થતી હોય, ખાટા ઓડકાર આવતા હોય કે એસિડિટી જેવું લાગતું હોય તો અવિપત્તિકાર ચૂર્ણની બે બે ટીકડી સવાર સાંજ લેવી.
(૪) ચાર ચમચી અભયારિષ્ટમાં આઠ ચમચી પાણી મેળવી જમ્યા બાદ પીવું.
(૫) હાઇ બી.પી.ની તકલીફ દૂર થાય એ માટે રોજિંદા ખોરાકમાંથી મીઠાનું પ્રમાણ ઘટાડી દેશો. સર્પગંધા ઘનવટીની બે બે ગોળી સવાર સાંજ લેશો. હાઈ બી.પી. માટે અનેક જાતની આયુર્વેદિક પેટન્ટ દવાઓ પણ બજારમાં મળે છે.
(૬) વજન ઘટે એ માટે આરોગ્યવર્ધિની બે બે ટીકડી સવાર-સાંજ લઇ શકાય.
- વત્સલ વસાણી