આરોગ્ય પ્રશ્નોત્તરી- વત્સલ વસાણી
હાજત થયા પછી પેશાબ રોકી શકાતો નથી. કંઈપણ પ્રવાહી લેવાયું હોય તો થોડી વારમાં જ મૂત્ર પ્રવૃત્તિ માટે જવું પડે છે
પ્રશ્ન : મને હાલમાં નીચે મુજબની તકલીફ છે.
(૧) દિવસમાં પાંચથી છ વાર સંડાસ જવું પડે છે.
(૨) છેલ્લે સંડાસમાં ચીકાશ નીકળે છે.
(૩) રાત્રિના સમયે પેટમાં 'ગડગડ' અવાજ આવે છે.
(૪) પેટમાં ને લીવરના ભાગે દુખ્યા કરે છે.
(૫) આ બીમારી છેલ્લા ૧૫ વર્ષથી છે.
નોંધ : વર્ષ ૧૯૯૬માં એન્ડોસ્કોપી કરાવેલ તથા વર્ષ ૨૦૦૫માં કોલોનોસ્કોપી કરાવેલ તેના રિપોર્ટ આ સાથે મોકલું છું. આપશ્રીને મારી નમ્ર વિનંતી છે : આ દર્દથી હું કંટાળી ગયો છું. કૃપા કરી યોગ્ય સલાહ અને ઉપચાર જણાવવા વિનંતી.
- ચેતનભાઈ (પાલીતાણા)
ઉત્તર : જૂના રિપોર્ટની સાથે તમે જે નવા રિપોર્ટ મોકલ્યા છે તેમાં 'એક્યૂટ એપેન્ડિસાઈટીસ' એટલે કે 'એપેન્ડિક્સમાં સોજો છે' એવું નિદાન થયું છે. ૧૫ વર્ષથી તમે પેટની તકલીફથી પીડાવ છો. તમારા રિપોર્ટમાં 'કોલોઈટીસ' એટલે કે (મોટા) આંતરડામાં સોજો છે. રિપોર્ટ પ્રમાણે લિવરમાં પણ થોડી તકલીફ તો છે જ. જો વ્યવસ્થિત સારવાર અને પૂરતી કાળજી તરફ ધ્યાન નહીં અપાય તો રોગમુક્તિ રોજેરોજ મુશ્કેલ થતી જશે.
સૌથી પહેલા તો તમારે લંઘન-(નકોરડા) ઉપવાસથી જ એપેન્ડિસાઈટીસની સારવાર શરૃ કરવાની છે. ત્રણ દિવસ તરસ લાગે ત્યારે માત્ર ઉકાળેલું પાણી પીવાનું છે. બને તો હૂંફાળું જ પાણી પીવું. ફ્રીજ કે કુલરનું-ઠંડું પાણી પીવાનું નથી.
ત્રણ દિવસના નકોરડા ઉપવાસ પછી સૂંઠ નાખેલું મગનું પાણી કે ઓસામણ લેવું. દિવસમાં બે કે ત્રણ વાર મગનું પાણી અથવા તો મગની દાળનું ઓસામણ લઈ શકાય. બે દિવસ આ પ્રમાણે પરેજી પાળ્યા પછી મમરા, ખાખરા, દાડમના દાણાનો થોડો જ્યૂસ લઈ શકાય. ઉપવાસ દરમિયાન નાળિયેરનું પાણી, ફ્રૂટ જ્યૂસ કે દૂધ-કોફી જેવું કશું ન લેવું. આવા સંપૂર્ણ લંઘનથી આંતરડામાં રહેલો આમ (ચીકણો પદાર્થ) બળીને ખાખ થઈ જાય છે. અને સોજો પણ ઉતરે છે. છઠ્ઠા દિવસે થોડા દાળ ભાત કે ગળેલી ખીચડી લેવી.
પરવળ અને દૂધીનું ગળી ગયેલું શાક પણ રુચિ હોય તો લઈ શકાય. સાતમા દિવસે ભૂખ પ્રમાણે દાળ-ભાત-ખીચડી-કઢી લઈ શકાય. સતત એક મહિના સુધી આવો હળવો જ ખોરાક લેવો. રોટલી, ભાખરી, પરોઠાં, પૂરી કે એવું કશું લેવાનું નથી. મીઠાઈ, કેળા, ભારે ખોરાક નહિં. પાણી પણ આ દિવસો દરમિયાન સૂંઠના ટૂકડા નાખીને ઉકાળેલું જ પીવું. ઉકાળતી વખતે પા ભાગનું પાણી બળી જવા દેવું. ૪૦૦ મિ.લિ. મુક્યું હોય તો ૧૦૦ મિ.લિ. બળી જવા દેવું.
ઔષધો આ પ્રમાણે શરૃ કરી શકો.
(૧) અગ્નિતુંડી વટી એક એક ગોળી સવાર સાંજ પાણી સાથે.
(૨) આમ પાચની વટી બે-બે ટીકડી સવાર સાંજ પાણી સાથે.
(૩) ચિત્રકાદિ વટી તથા શંખવટી બે બે ટીકડી જમ્યા બાદ ચૂસવી.
(૪) કુટજ ધનવટી, વત્સકાદિ ધનવટી (અથવા આમદોષાન્તક ટીકડી) તથા આમ રાક્ષસી બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લઈ શકાય. દિવસમાં માત્ર એક કે બે વાર ઝાડો થતો થાય ત્યારે ફોન કરી જાણ કરવી એટલે દવામાં કઈ રીતે ફેરફાર કરવો તે જણાવી શકાય.
(૫) આજકાલ કોલાઈટીસ, અલ્સરેટીવ કોલાઈટીસ કે લીવર ને લગતી તકલીફ વગેરે પેટના રોગ માટે અનેક પેટન્ટ ઔષધો પણ ઘણી ફાર્મસી બનાવે છે. જેના નામ ફોન કરવાથી જાણી શકાશે.
દરદ દૂર થાય ત્યાં સુધી દવાઓ બંધ ન કરવી. અને અવાર નવાર પત્ર લખી કે ફોન કરીને પરિણામથી વાકેફ કરતાં રહેવું.
પ્રશ્ન : મને વધુ પડતા પેશાબની પરેશાની છે. દિવસ દરમિયાન કંઈ પણ પ્રવાહી, પાણી કે ચા વગેરે પિવાયું હોય તો તેની પાંચથી દસ મિનિટમાં અવશ્ય મૂત્ર ત્યાગ માટે જવું પડે છે. જો વિલંબ થાય તો તુરંત બિન્દુ ટપકવા માંડે છે. અને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. રાત્રે ફક્ત એકાદ બે વખત જ જવું પડે છે. મને મધુપ્રમેહ નથી. તો યોગ્ય ઉપચાર જણાવવા વિનંતી.
બીજુ થોડા સમય પહેલાં પગ લપસવાથી પડી જવાયેલ અને ડાબા થાપે ઈજા થયેલ. અમદાવાદની એક પ્રતિષ્ઠિત સરકારી (એલોપેથિક) હોસ્પિટલમાં બતાવેલ. ફ્રેક્ચર નથી તેવું નિદાન કરેલ અને પગે વજન લટકાવી આરામની સલાહ આપેલ. એક મહિનો આરામ કરવા છતાં દર્દમાં ફરક ન પડવાથી એની એ જ હોસ્પિટલમાં ફરી બતાવવા ગયો ત્યારે 'ફ્રેક્ચર છે, ઓપરેશન કરવું પડશે.' આવું સાંભળી આશ્ચર્ય થયું. પહેલીવાર બતાવ્યા પછી તો સતત આરામ કરતો હતો તો આ રીતે આરામ કરવા છતાં ફ્રેક્ચર કેવી રીતે થઈ શકે? તેથી ઘેર આવી લાક્ષાદિ ગૂગળ, ત્રયોદશાંગ ગૂગળ અને યોગરાજ ગૂગળ લેવાનું શરૃ કર્યું તો થાપાનું ફ્રેક્ચર સંધાઈ ગયું છે. હાલમાં સામાન્ય જેવું દર્દ રહે છે. લાકડીનો ટેકો લઈને ચાલું છું તો આ અંગે પણ જરૃરી સલાહ આપવા વિનંતી.
- એક સિનિયર સિટિઝન
નગર, અમદાવાદ)
ઉત્તર : પત્રમાં લખેલી આપની તકલીફને ધ્યાનમાં રાખી ઉપચાર આ પ્રમાણે સૂચવું છું.
(૧) બહુ મૂત્રાન્તક રસ બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી.
(૨) ચાર ચમચી લોઘ્રાસવમાં એટલું જ પાણી મેળવી જમ્યા બાદ પીવું.
(૩) લોકો એવું માને છે કે સામાન્ય ફ્રેક્ચર કે ક્રેકની પણ આયુર્વેદમાં કોઈ દવા નહીં હોય પણ એ માન્યતા ખોટી છે. પહેલાના જમાનામાં તો સૈનિકો દ્વારા ઘોડા કે હાથી પર બેસીને અથવા ચાલતા ચાલતા આક્રમણ કરીને યુદ્ધ થતું અને ત્યારે વાગવાથી, ઘોડા યા હાથી પરથી પડી જવાથી કે શસ્ત્ર પ્રહારથી ફ્રેક્ચર, ક્રેક તથા જુદી જુદી પ્રકારના ઘા થતાં અને એ વખતના રાજવૈદ્યો તથા હાડવૈદ્યો દ્વારા એની સફળ સારવાર અને સર્જરી પણ થતી.
મેં પોતે પણ આવા કેસમાં ખૂબ સારા પરિણામ મળતા જોયા છે. તમે જે ઔષધો લીધા છે તે બરાબર છે. હવે લાક્ષાદિ તેલ, પંચગુણ તેલ અથવા તો પીડાશામક તેલથી માલિશ કરી હળવો શેક કરો. વાગેલા ભાગ પર સોજો કે દુખાવો હોય તો અસ્થિ સંધાનક લેપ સાથે ગૂગળ મેળવી ગરમ કરી લેપ કરવો. દુખાવો અને સોજો તો શું આ લેપ લગાવવાથી હાડકામાં તિરાડ હોય તો પણ સંધાઈ જાય છે.
રોજિંદા ખોરાકમાં તમે લસણ, સરગવો, મેથી તથા ફુદીનાનો ઉપયોગ ખાસ કરજો. કાકડી કે મૂળા જેવા મૂત્રલ (વધુ પ્રમાણમાં પેશાબ ઉત્પન્ન કરતાં) પદાર્થો હાલ તુરત ન લેશો. ધાર્યું પરિણામ ન મળે તો જાણ કરશો. બીજી અનેક પ્રકારની પેટન્ટ દવાઓ પણ આ માટે મળે છે.
કેલ્શિયમ-સુધાતત્ત્વ વધે એવા આહાર વિહાર અને ઔષધો લેવાથી પણ લાભ થશે.