Get The App

ઈવનિંગ ગાઉન વધારે પાર્ટીની શાન

Updated: Oct 3rd, 2017

GS TEAM

Google News
Google News
ઈવનિંગ ગાઉન વધારે પાર્ટીની શાન 1 - image

જો તમે એમ માનતા હો કે રેડ કાર્પેટ પર ચાલવાનું જેમને સૈભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા સેલિબ્રિટીઓ જ ઈવનિંગ ગાઉન પહેરી શકે તો તમે ખોટાં છો. હવે તો ઈવનિંગ ગાઉન મધ્યમવર્ગીય પાર્ટીઓથી લઈને કૉલેજ ફંક્શનોની શાન બનવા લાગ્યા છે. રૅમ્પ પર કેટવૉક કરતી મૉડલો હોય કે સામાન્ય કદકાઠી ધરાવતી સ્ત્રી, ઈવનિંગ ગાઉન સૌ કોઈને શોભે છે. તેનું ચલણ ઝડપથી વધી રહ્યું છે.

ઈવનિંગ ગાઉન એ પાશ્ચાત્ય પરિધાન છે જેને કોઈ ખાસ અવસરે પહેરવામાં આવે છે. એક સમય હતો કે જ્યારે સામાન્ય દુકાનોમાં આ પરિધાન વેચાતાં નહીં, જ્યારે આજે તમને તે કોઈ પણ સ્ટ્રીટ માર્કેટમાં કે શૉપિંગ આઉટલેટ્સમાં સહેલાઈથી મળી જશે.

જો તમે બ્રાન્ડેડ ઈવનિંગ ગાઉન ખરીદવા માગતા હો તો પછી બજેટ પર ધ્યાન આપવું બેકાર છે. જોકે તમને એક સાધારણ ઈવનિંગ ગાઉન ૮૦૦ થી ૧,૦૦૦ રૃપિયાની વચ્ચે મળી રહેશે.  આ ઈવનિંગ ગાઉન સિલ્ક, શિફૉન, જૉર્જેટ, ક્રેપ, વેલ્વેટ, નેટ તથા અન્ય મટીરિયલમાંથી પણ બને છે. તેના પર સ્ટોન, સિકવેંસ, ઍમ્બ્રૉઈડરી અને લેસથી સજાવટ પણ કરવામાં આવે છે.

ભારતમાં ઈવનિંગ ગાઉનનું ચલણ સેલિબ્રિટી અને ફિલ્મસ્ટારોને કારણે જ વધ્યું છે. આ પૂર્વે તે ઑસ્કાર સમારોહમાં ઍવૉર્ડ લેવા જતી એક્સટ્રેસોના તન પર જ જોવા મળતું, જ્યારે આજે કોઈ યુવતીને ઈવનિંગ ગાઉન પહેરેલી જોવી એ સાવ સામાન્ય બની ગયું છે.

મોટામોટા ફૅશનડિઝાઈનરો ઍવૉર્ડ ફંક્શન માટે બોલિવૂડ એસ્ટ્રેસોના મોંઘા અને અત્યંત સુંદર ઈવનિંગ ગાઉન ડિઝાઈન કરતા હોય છે. ઘણી વાર તો તેને તૈયાર કરવા આખું વર્ષ તેની પર કામ કરવામાં આવે છે, કે જેથી તે યુનિક દેખાય. ઈવનિંગ ગાઉન જુદાજુદા પ્રકારોમાં બનાવવામાં આવે છે. જેમ કે,

ફૂટયુઅર ગાઉન :

'ફૂટયુઅર' એ સામાન્ય રીતે હાઈલી ફૅશનેબલ વસ્ત્રો માટે ઉપયોગમાં લેવાતો શબ્દ છે. આ પ્રકારનો ગાઉન ખૂબ જ મહેનતપૂર્વક અને ખંતપૂર્વક બનાવવામાં આવતો હોય છે. સેલિબ્રિટીસ જાણીતા ફૅશનડિઝાઈનરો પાસે કોઈ ખાસ અવસર પર પહેરવા ફૂટયુઅર ગાઉન તૈયાર કરાવે છે, જેમાં ગુણવત્તા બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. સ્વાભાવિક છે કે તે બધાંની પહોંચમાં નથી હોતું.

પ્લેન શીથ :

આ ગાઉન વજનમાં ખૂબ જ હલકા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તેમાં વજનદાર લાગતી ઍમ્બ્રૉઈડરીનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારના ગાઉન મોટા ભાગે કોઈ ચળકતા મટીરિયલમાંથી બનતા હોય છે, જેથી તેની પર કોઈ વધારે ડિઝાઈન કરવાની આવશ્યક્તા રહે નહીં.

કૉલમ ગાઉન :

આને તમે આકારવિહોણો ગાઉન કહી શકો. ઉપરથી નીચે સુધી તે એક જ સરખા માપનું તે બનાવાય છે અને વળી, તે મોટા ભાગે વિધાઉટ શોલ્ડર પહેરવામાં આવે છે.

ફિશ કટ ગાઉન :

આ ગાઉનને પહેરી તમે બિલકુલ જળપરી જેવાં લાગશો. કમરથી ટાઈટ ફિટિંગથી લઈને પગ પાસે તેને ખૂબ મોટો ગોળાકાર ઘેરાવો આપવામાં આવે છે.

આ સિવાય પણ અનેક પ્રકારના ઈવનિંગ ગાઉન હોય છે જેને તમે અજમાવી શકો. જોકે ઈવનિંગ ગાઉન પહેરતાં પહેલાં તમારી પાસે તમારા ફિગર અને તમારા સ્કિન ટોનની પૂરતી જાણકારી હોવી જરૃરી છે. તમે જો આ અજાણ્યા વગર જ ઈવનિંગ ગાઉન પહેરશો તો ભલે પછી તે ગમે તેટલો મોંઘો કેમ ન હોય તે તમને શોભશે નહીં.

માટે ઈવનિંગ ગાઉન પહેરતાં પહેલાં કોઈ વિશેષજ્ઞાની સલાહ અવશ્ય લો. આ ઉપરાંત ઈવનિંગ ગાઉન સાથે પહેરવામાં આવતા ફૂટવેર, મૅચિંગ જ્વેલરી, ઍસેસરીઝ, બૅગ વગેરેની પણ પૂરતી માહિતી રાખો. આમ કરવાથી જ તમારું ગાઉન પરફેક્ટ લાગશે. - નયના
 

Tags :