નવવધૂ સાથે વરને પણ શણગારો શાનથી
વૈભવી કુરતા અને નેકલેસ શોભાવે વરને
એક સમય એવો હતો જ્યારે નવવધૂ સોળે શણગાર સજે તોય વર જોધપુરી સુટ કે વેસ્ટર્ન સુટમાં જ જોવા મળે. પરંતુ છેલ્લાં થોડા વર્ષ દરમિયાન ફેશન ડિઝાઈનરોએ આ સિનારિયો પલટી નાખ્યો છે. હવે વર માટે પણ વિવિધ પ્રકારની શેરવાની તેમ જ અન્ય ડિઝાઈનર પોશાક સહેલાઈથી મળી રહે છે.
એટલું જ નહીં, દર વર્ષે તેમાં કોઈક નવીનતા ઉમેરાય છે. મઝાની વાત એ છે કે તેમાં નવવધૂને છાજે એવી પેટર્ન અને રંગો પણ જોવા મળે છે. આ વર્ષે પણ પુરૃષોના (વરના) પરિધાનમાં આ પ્રથા જળવાઈ રહી છે. ફેશન ડિઝાઈનરો તેના વિશે માહિતી આપતાં કહે છે....
જરૃરી નથી કે વર માત્ર હળવા રંગના કુરતા-ચુડીદાર પહેરે. તે ઘેરા રંગના અને હળવા રંગના ચુડીદાર સાથે કલરફૂલ જેકેટનું કોમ્બિનેશન રચી શકે. ચાહે તે પ્રિન્ટેડ હોય કે પછી એમ્બ્રોઈડરી કરેલું. ધ્યાન માત્ર એટલું જ રાખવાનું કે તે કુરતા સાથે મિક્સ એન્ડ મેચ થઈ જતું હોય. આ સિવાય તમે જેકેટને બંધ ગળા સાથે ફૂલ સ્લીવ્ઝમાં બનાવડાવી શકો. તેની બટન પટ્ટી સીધી રાખવાને બદલે ક્રોસ પણ રાખી શકાય.
તેને નીચેના ભાગમાંથી બટન ખુલ્લું રહી ગયું હોય એવો કટ આપી શકાય. રાજકીય નેતાઓ પહેરે એવું સાદુ જેકેટ બનાવવાની ભૂલ ન કરવી. આ પરિધાન સાથે વર જેકેટ અથવા કુરતાના રંગને મળતી આવતી મોજડી પહેરી શકે. માથે સાફો બાંધવો હોય તો તે ચુડીદારના રંગનો લેવો. સાફા પર માંગ ટીકો લટકાવીને તેને શણગારી શકાય.
એવું નથી કે દુપટ્ટા માત્ર મહિલાઓ જ ધારણ કરી શકે. વર તેના કુરતા અથવા શેરવાની સાથે દુપટ્ટો પહેરી શકે. અલબત્ત, યુવતીઓની જેમ આગળથી લઈને પાછળની તરફ નહીં, બલ્કે શાલ ઓઢતા હોઈએ એવી રીતે. આમ છતાં થોડી સ્ટાઈલમાં. એ દુપટ્ટાનો રંગ તમારા પોશાક સાથે શોભે એવો હોવો જોેઈએ. તેની લંબાઈ પણ એટલી બધી ન હોવી જોઈએ કે તે જમીન પર ઘસડાય. દુપટ્ટાની ચારેકોર કુરતાના ભરતકામ સાથે મેળ ખાય એવું વર્ક કરાવવું અથવા હળવી પટ્ટી મૂકાવવી. આ ડ્રેસ સાથે હાફ શૂઝ સરસ લાગશે.
સ્ટાઈલીશ અને એકવડો બાંધો ધરાવતા વર કુરતાની પેટર્નમાં નવો પ્રયોગ કરી શકે. જેમ કે સ્ટ્રેટ પેન્ટ પર ઘેરવાળો અસમાન (એક તરફથી ઊંચો અને બીજી તરફથી નીચો) કુરતો. એક જ રંગના પેન્ટ અને કુરતા સાથે ગળામાં પરંપરાગત માળા પહેરો. ચાહે તે સોનાની બોરમાળા હોય કે પછી મોતીની ત્રણ. સેરવાળી માળા. આવા કુરતા સાથે એવા જ બેકગ્રાઉન્ડ કલરમાં અન્ય રંગથી વર્ક કરેલો દુપટ્ટો એક ખભા પર છુટ્ટો નાખી દો. સાથે પગમાં દુપટ્ટાના રંગોવાળી મોજડી પહેરો. જો વરમાં આવો પોશાક પહેરવા જેટલો આત્મવિશ્વાસ હશે તો તેનું વ્યક્તિત્વ ખીલી ઉઠશે.
આટલો જ આત્મવિશ્વાસ ધરાવતો વર સ્કર્ટ અને લોંગ- થ્રી-કટ કુરતો પહેરવાનો પ્રયોગ પણ કરી શકે. આકર્ષક વણાટકામ કરેલા કુરતા સાથે તેના વિરોધાભાસી રંગનું સ્કર્ટ અને ચામડાના જૂતાનું કોમ્બિનેશન તેને અનોખો લુક આપશે.
જે યુવકોને ઢીલાં વસ્ત્રો વધુ આરામદાયક લાગતાં હોય તેમને માટે ધોતી પેન્ટ અને લાંબોે અથવા ટૂંકો કુરતો શ્રેષ્ઠ વિકલ્પ ગણાય. વાસ્તવમાં આપણે ધોતી પેન્ટને પટિયાલા સલવાર પણ કહી શકીએ. આવી બોટમ સાથે સરસ વર્ક કરેલો અથવા વણાટકામ કરેલો કુરતો પહેરો. તેની સાથે લેધર શૂઝ પણ જચે છે. તમે ચાહો તો મોજડી પણ પહેરી શકો. આ લુકમાં નવીનતા લાવવી હોય તો પ્લેન કુરતાની બાંયના કિનારે કફ જેટલું વર્ક કરાવો. અને બંધ ગળું પ્લેન રાખી ગળામાં ચંદનહાર પહેરો.
છેલ્લાં થોડા સમયથી પુરૃષોમાં પણ ઘેરા ગુલાબી રંગના કુરતા પહેરવાની ફેશન પૂરબહારમાં ખીલી છે. ઓફવાઈટ કલરના ચુડીદાર ઉપર ડાર્ક પિંક કલરનો ભરચક વર્ક કરેલો બંધ ગળાનો કુરતો અને ગોલ્ડ કલરની બ્રોચ લગાવેલી મોજડીનું કોમ્બિનેશન ગજબનું આકર્ષક લાગે છે. તેમાંય વર-વધૂ બંને આવા જ રંગના પોશાક ધારણ રે તો ખરેખર રંગ રહી જાય.
આજની તારીખમાં પુરુષો નથ અને માંગ ટીકો પહેરાતં કે મહેંદી લગાવતા પણ ખચકાતા નથી. આવી સ્થિતિમાં નેકલેસ પહેરતા તેમને શી રીતે સંકોચ થાય? જો વિલાંદી અને બીડ્સના કોમ્બિનેશનવાળું ચાર કે છ સેરનું નેકલેસ પહેરવું હોય તો કુરતો હળવો પહેરો. તમે ચાહો તો ક્રોસ લાઈનિંગ સાથે ગોલ્ડન લાઈનિંગ ધરાવતો કલરફૂલ કુરતો પહેરી શકો. આવા કુરતા સાથે તમારો નેકલેસ એકદમ ઉઠી આવશે. જો નેકલેસને વધુ ઉઠાવ આપવો હોય તો જાંબુડી, ઘેરા ગુલાબી, ગોલ્ડન યેલો જેવા રંગનો રૉ સિલ્કનો પ્લેન કુરતો પહેરો. તેની સાથે ઓફવાઈટ સલવાર અને કુરતાના રંગની મોજડી ખૂબ જચશે.
- વૈશાલી ઠક્કર