Get The App

પ્રસુતિની તારીખ લંબાય તો ગભરાવા જેવું નથી

Updated: Mar 13th, 2018

GS TEAM


Google News
Google News
પ્રસુતિની તારીખ લંબાય તો ગભરાવા જેવું નથી 1 - image

સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રી ગર્ભાધાનના નવ મહિના પૂર્ણ થયેસંતાનને જન્મ આપે છે. તબીબો સગર્ભાના પરીક્ષણના આધારે પ્રસૂતિની સંભવિત તારીખ પણ અગાઉથી જણાવી દેતા હોય છે. આમ છતાં ક્યારેક એવું પણ બને છે કે નવ મહિનાનો સમય વીતી જવા છતાં પણ પ્રસવ ન થાય. આતુર મને  બાળકના જન્મની રાહ જોઈ રહેલી માતા નવ મહિના વીતી ગયા પછીના પ્રત્યેક દિવસ ખૂબ જ બેચેનીમાં ગાળે છે.

હજુ એક વર્ષ પૂર્વે જ પ્રભુતામાં પગલાં પાડનાર આશાને પણ કંઈક આવા જ પ્રકારનો અનુભવ થયો હતો. ડૉક્ટરે આપેલી તારીખ નજીક આવતાં જ પ્રથમ સંતાનને આવકારવા તે સર્વ રીતે તૈયારી કરી હતી. એરંડિયું પીવાથી પ્રસૂતિ સરળ બને છે એવી દાદીમાની અને માની સલાહ માની ડોક્ટરે આપેલી તારીખના દસ દિવસ પહેલાં તેણે રોજ દિવેલ પીવાની શરૃઆત કરી દીધી હતી, પરંતુ રાજહઠ, સ્ત્રીહઠષ અને બાળહઠ સામે કોનું  ચાલે છે? ખાસ કરીને બાળહઠનો અનુભવ આશાને થયો બાળજન્મ માટે આશા જેટલી આતુર હતી એટલો જ તેનો બાળક તેના ઉદરમાં શાંતિની નિંદર  લઈ રહ્યો હતો. દર અઠવાડિયે ડૉક્ટરને બતાવવા જતી ત્યારે ''પેટમાં દુખે તો આવી જજો નહીં તો આવતા સોમવારે બતાવી જજો.'' એવા ડોક્ટરના વાક્યથી આશા હજી કેટલી વાર છે એમ વિચારી અકળાતી જતી હતી.

છેવટે ડોક્ટરે આપેલી તારીખ પછી લગભગ ૧૮ દિવસે આશાએ હષ્ટપુષ્ટ પુત્રને જન્મ આપ્યો. તબીબોએ નિશ્ચિત કરેલાં સમય પછી થતી આવી પ્રસૂતિને 'ડિલેયડ ડિલીવરી' કહે છે. એકલી આશા જ નહીં ઘણી સ્ત્રીઓને આવી વિલંબિત પ્રસૂતિનો સંતાપ અનુભવવો પડે છે.

ડોક્ટરે આપેલી તારીખ પછી હજી ત્રણ-ચાર દિવસ પસાર થયા નથી કે ગર્ભવતી સ્ત્રી અને તેના કુટુંબીજનોની ઉત્કંઠા તેમ જ ચિંતા વધી જાય છે. સુખરૃપ પ્રસૂતિ માટે અનેક બાધા આખડીઓ રાખવામાં આવે છે અને ડોશીમાનું વૈદુ અજમાવવામાં આવે છે. પરંતુ પરિણામ શૂન્ય આવતાં ગભરામણમાં ઓર વધારો થાય છે.

ગર્ભ ૪૦ સપ્તાહથી વધુ સમય સુધી માનાં ઉદરમાં સલામત રીતે ઉછેર પામી શકે એ વાતના પૂરાવા હોવા છતાં પણ ડોક્ટર અને દરદી ચિંતામાં પડી જાય છે. મહાભારતમાં પણ અભિમન્યુ તેની માતાના ગર્ભમાં  ૧૮ મહિના સુધી રહ્યો હોવાનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે. મહાભારતની વાત બાજુએ મૂકીએ તો પ્રસવના સમયનો આધાર જાતિ,સ્ત્રીના માસિક ધર્મના ચક્ર પર અને અન્ય બાબતો પર નિર્ભર કરે છે.

નવ મહિના પેટમાં ભાર વેંઢાર્યા પછી સ્વાભાવિક રીતે જ કોેઈપણ પ્રસૂતા એવું ઈચ્છે છે કે હવે તો જલ્દીથી કંઈક રિઝલ્ટ આવે અને છૂટકારો થાય આવી પરિસ્થિતિમાં પૂરા નવ મહિના વીતી ગયા છતાં કોઈ પરિણામ ન આવે તો સહજ રીતે જ ગર્ભવતી સ્ત્રી કંટાળો અનુભવે છે.  ક્યારેક માતૃત્વ પામવાનો તેના ઉત્સાહ પણ ઓસરી જાય છે. છેવટનો મહિનો તેને માટે ખૂબ જ ત્રાસદાયક નીવડે છે. જેમ જેમ દિવસો લંબાતા જાય તેમ કશુંક અજુગતું બનવાનો ભય માથે ઝળુંબ્યા કરે છે.

આમ તો નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પ્રસૂતિની તારીખ આપવામાં થાપ ખાતા નથી. કદાચ એકાદ દિવસ આગળ પાછળ થાય. અલબત્ત, ચોક્કસ કયા દિવસે ડિલીવરી થશે એ તારીખ નિશ્ચિત કરવા માટે વાપરવામાં આવતી પધ્ધતિનું વ્યવસ્થિત જ્ઞાાન હોવું જરૃરી છે.

દિવસો ગણવા માટે વપરાતી 'નેજલ્સ રૃલ' નામની આ પધ્ધતિ પૂરેપૂરી ફુલપ્રૂફ હોવાનું ઘણા ખરા તબીબો માનતા નથી. તેમનું કહેવું એમ છે કે આ પધ્ધતિ હેઠળ નવ મહિનાની ગણતરી કરવામાં ડોક્ટરો ભૂલ કરે છે અને 'ડિલીવરી ડેટ' કહેવી જોઈએ તે કરતાં વહેલી તારીખ નિશ્ચિત કરે છે.
 

આ પધ્ધતિ પ્રમાણે સામાન્ય પ્રસૂતિકાળ છેલ્લા માસિકના પહેલા દિવસ પછી નવ મહિના અને સાત દિવસનો હોય છે. આ ગણતરી સૌ પ્રથમ લૅડન યુનિવર્સિટીના હેમેન હૉહેવ નામના મેડિસિન અને વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસરે રજૂ કરી હતી જેને ફ્રાન્સ કાર્લ નેજેલે સ્વીકારી હતી. એક અભ્યાસ પ્રમાણે ગર્ભવતી સ્ત્રીઓમાંની અડધી સ્ત્રીઓ ડૉક્ટરે આપેલા સમયથી બે સપ્તાહ અગાઉ અને અડધી સ્ત્રીઓ બે સપ્તાહ પછી બાળકને જન્મ આપે છે.

માત્ર પાંચ ટકા મહિલાઓને નિર્ધારિત તારીખે પ્રસૂતિ થાય છે. લંડનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં મહિલાઓને કુદરતી પ્રસવ પીડા ન ઉપડે ત્યાં સુધી રાહ જોવાનું જણાવ્યું હતું. તેમાં એક સ્ત્રીને ૪૫ સપ્તાહ બાદ પ્રસવ થયો હતો. આપેલી તારીખ માત્ર માર્ગદર્શક ન સાબિત થાય છે. તેના પર આધાર રાખવો નકામો છે.

અમેરિકામાં ૧૯૯૦ની સાલમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે માસિક ધર્મ ૨૮ દિવસ પછી આવતો હોય તેવી ૧૧૪ મહિલાઓએ ૪૧ સપ્તાહ અને એક દિવસ પછી સંતાનને જન્મ આપ્યો હ તો અને બીજા સંતાનોને ૪૦ સપ્તાહ અને ત્રણ દિવસ પછી જન્મ આપ્યો હતો.

અન્ય સંશોધનમાં જાણવા મળ્યું હતું કે અશ્વેત મહિલાઓનો પ્રસૂતિકાળ અમેરિકન મહિલાઓ કરતા ૮.૫ દિવસ ઓછો હતો. જાપાનીસ મહિલાઓ સરેરાશ ૩૮ સપ્તાહ અને પાંચ દિવસ બાદ સંતાનને જન્મ આપે છે. આ ઉપરાંત ૧૯૯૧માં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ૧૯૭૬થી ૧૯૮૦ દરમિયાન થયેલી પ્રસૂતિઓમાંની ૧૦ ટકા પ્રસૂતિ ૪૨ સપ્તાહ બાદ થઈ હતી.

ડૉક્ટરોએ પણ સ્વીકાર્યું છે કે માસિક ધર્મ વચ્ચે વધુ અંતર હોય તેવી સ્ત્રીઓની ગર્ભાવસ્થા પણ લાંબી હોઈ શકે છે. કેટલાક ડૉક્ટરોના મત મુજબ ૪૦ સપ્તાહ પછી બાળકને ઓક્સિજન પૂરો પાડવાની ગર્ભનાળની ક્ષમતા ઘટી જાય છે આથી  ગર્ભાવસ્થા લાંબી ચાલે તેમ તો પ્રસૂતા તેમ જ આવનાર બાળકને માથે જોખમ વધે છે.

આ તો થઈ વિજ્ઞાાનની વાત, પરંતુ જન્મ, મરણ અને લગ્ન વિશે ચોક્કસ ભવિષ્ય ભાખવું મુશ્કેલ છે. આ ઉક્તિની સચ્ચાઈ માટે અત્રે રજૂ કરેલાં બે ઉદાહરણો જ પ્રર્યાપ્ત થશે.

વિશાખાની પ્રથમ સુવાવડ સિઝેરિયનથી થઈ હતી. વિશાખાના બીજા સંતાનના જન્મની ડોક્ટરે આપેલી તારીખ  પિતૃમાસના છેવટના દિવસોમાં આવતી હતી. વિશાખાના પિતા કટ્ટર જ્યોતિષી હોવાથી તેમણે અમેરિકામાં વસતી પોતાની પુત્રી વિશાખાને લખી જણાવ્યું, ''સિઝેરિયન જ કરવાનું હોવાથી બે-ત્રણ દિવસ પછી જ ઠરાવજે એટલે પિતૃમાસ પૂરો થઈ જાય.''

વિશાખા પોતે પણ ડૉક્ટર હતી આથી કોઈ તકલીફ ઊભી થવાનો પ્રશ્ન જ નહોતો. પરંતુ ભગવાનની લીલા કોણ જાણી શક્યું છે! પ્રતિકૂળ સંજોગો ઊભા થયે વિશાખાને પિતૃમાસમાં જ સિઝેરિયનથી સંતાનને જન્મ  આપવાની ફરજ પડી.

બીજા એક કિસ્સામાં અલકાની વર્ષગાંઠ ૨૧મી તારીખે આવતી હતી અને બાળકના જન્મની તારીખ ૧૭મી આપવામાં આવી હતી. સિઝેરિયન જ કરવાનું છે તો ૨૧મી એ જ કરી માતા-બાળકનો જન્મદિવસ એક જ દિવસે આવે તેવી અલકાની ઈચ્છા હતી બીજી બાજુ ડોક્ટરની ઈચ્છા રવિવારે સિઝેરિયન કરવાની હતી, પરંતુ વિધિને બીજું જ મંજૂર હ તું.

અને સંજોગો એવા ઊભા થયા કે બાળકનો જન્મ શનિવારે ૨૩મી તારીખે જ થયો.  કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રસૂતિ માટે ડોક્ટરે અગાઉથી જ જણાવેલી તારીખ વીતી જાય છે છતાં પ્રસવવેદના ઉપડે નહીં તેથી સગર્ભાએ ગભરાવું નહીં. આવી વિલંબિત પ્રસૂતિ માટે માનસિક રીતે સ્વસ્થ રહેશોે એટલી જ સરળતાથી પ્રસૂતિ પાર પડશે.

 - અમલા


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Tags :