Get The App

નોકરીમાંથી રાજીનામું આપવાની કળા

Updated: Feb 27th, 2018

GS TEAM


Google News
Google News
નોકરીમાંથી રાજીનામું આપવાની કળા 1 - image

નોકરી માટે અરજી કરવી, ઈન્ટરવ્યુ આપવો તથા જોડાવું તમારી આવડત અને કળાને પ્રદર્શિત કરે છે તેવી જ રીતે નોકરીમાંથી રાજીનામું આપીને ચાલતી પકડવી એ પણ એક કળા છે. જે જગ્યાએ તમે કામ કર્યું હોય ત્યાં આગળ 'ગુડબાય' કહીને કાયમ માટે નીકળી જતા પણ આવડવું જરૃરી છે.

નોકરી મોટેભાગે બે કારણસર છોડવાની હોય પ્રથમ તમને આના કરતા વધુ સારી નોકરી મળી હોય અથવા બીજું તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય. બંને સ્થિતિમાં હંમેશા યાદ રાખો કે તમારા જૂના સંબંધો અને ઓળખાણોને હંમેશા યાદ રાખવાના હકારાત્મક અભિગમ સાથે નોકરી છોડો.

કારણ કે એવું પણ બને કે તમને ભવિષ્યમાં કદાચ તમારા જૂના બોસ કે સહકર્મચારીઓની જરૃર પડે અથવા તમારી જૂની કંપની તમને નવા હોદ્દા માટે આમંત્રણ આપે. જો પહેલા નોકરી વટ સાથે છોડી હશે અને સંબંધ બગાડયા હશે તો ફરીવાર ત્યાં કામ કરવું મુશ્કેલ બનશે.

જો તમારા અને તમારા ઉપરી વચ્ચે સારા સંબંધ હશે તો પણ તે તમારી નવી નોકરીની પ્રશંસા નહિ કરે. કારણ કે ત્યાં આગળ તેનો પોતાનો અહમ્ તેને નડશે. છતાં તમે પ્રોફેશનલ બનો અને રાજીનામું લખતી વખતે ખાસ યાદ રાખો કે તમને નવી નોકરીમાં મળનારી વિવિધ સગવડનો ઉલ્લેખ કરો પરંતુ આ નોકરીમાં રહેલી ખામીઓ તથા અસંતોષના કારણો ન લખો.

નોકરીમાંથી રાજીનામુ આપશો ત્યારે તમારો ઉપરી તમને બોલાવીને આ નોકરી છોડવાના કારણો પૂછશે. કારણ કે તમારા જણાવેલા કારણોમાંથી તે પોતાના કર્મચારીઓની ઈચ્છા તથા તેમને  થતી મુશ્કેલી જાણી શકશે. પરંતુ તમારે વધુ પૈસા કે સારા હોદ્દા માટે નોકરી છોડી છે તેમ જણાવવું.

આ ઓફિસની ટીકા ન કરવી. કોઈ પણ જાતની કડવાશ મનમાં રાખ્યા વગર પ્રોફેશનલ વ્યક્તિની જેમ વાતચીત કરવી.  તમને તમારો ઉપરી અધિકારી કંપનીમાં જરૃરી ફેરફારો કે કંપનીના વિકાસ માટેના તમારા વિચારો વિશે પૂછે તો ત્યારે પણ નકારાત્મક બનવાને બદલે જો તમારી પાસે આ અંગેના સારા વિચારો હોય તો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરો.

નોકરીમાંથી રાજીનામું આપતા પહેલા તમારા નોકરી છોડવાના નિર્ણયની તમારા બોસને જાણ કરો. ત્યારબાદ રાજીનામાનો પત્ર બોસને સંબોધીને લખો જેની એક કોપી પર્સનલ ડિપાર્ટમેન્ટને પણ મોકલો. રાજીનામાનો  પત્ર લખવો ખૂબ જરૃરી છે.

નોકરીમાંથી રાજીનામું આપવાની કળા 2 - imageકારણ કે થોડાં વર્ષો બાદ બની શકે તે તમારો ઉપરી અધિકારી પર્સનલ મેનેજર બંને જતા રહે અને જો તમે પત્ર લખ્યો હોય તો તે કાયમ માટે રેકોર્ડમાં હોવાથી નવા ઉપરીને તથા પર્સનલ અધિકારીને જાણ થાય. નહિં તો તમારી ગેરજવાબદારી છતી થશે.

રાજીનામાના પત્રમાં લખો કે કંપનીમાં અમુક વર્ષો કામ કર્યા બાદ તમે નવી નોકરી નવા પડકારો સાથે સ્વીકારવા જઈ રહ્યા છો. તમારી નવી કંપની અને તમારા હોદ્દાનું નામ લખો. ત્યારબાદ જણાવો કે આટલા વર્ષો તમારી નોકરીમાં કામ કરવાથી મને ઘણું શીખવા મળ્યું છે અને તેનો મને ગર્વ છે. રાજીનામાના પત્રમાં વ્યક્તિ કે કંપનીની ટીકા કરવાની ભૂલ કદાપિ ન કરતા.

નોકરી છોડતા પહેલા જરૃરી નોટિસ આપો. જો નવી નોકરીમાં તમને જલ્દી બોલાવવામાં આવે તો પણ પૂરતા  સમયની નોટિસ આપીને નોકરી છોડજો. આનાથી નવી કંપનીમાં પણ તમારી સારી છાપ પડશે.

તે છતાં જો નવી નોકરીમાં જૂની નોકરીના નોટિસ કાળમાં જ જોડાવું પડે તેમ હોય તો એમ કરવું કે ચાલુ નોકરીમાંથી અમુક કલાક વહેલા છૂટીને નવી ઓફિસે જવું. આનાથી તમને નવી નોકરી વિશે જાણવા મળશે અને ચાલુ નોકરી પણ સચવાશે. જો સમયની અનુકૂળતા હોય તો જૂની નોકરી છોડીને થોડા દિવસની રજા લઈને ફ્રેશ થઈને નવી નોકરીમાં જોડાવ. કારણ કે નવી નોકરીમાં પછી જલ્દીથી રજા નહિ લેવા મળે.

તમારા સહકર્મચારીઓ સામે તમારી નવી નોકરીના બણગા ન ફૂંકો, તથા તેમને અગાઉથી જાણ ન કરો. કારણ કે બધાને જ આ ગમે તે જરૃરી નથી. સહકર્મચારીઓને છોડતા તમને દુ:ખ થાય છે તથા તેમ હંમેશા સંબંધ જાળવવાની કોશિશ કરશો એવી વાતચીત સાથે સહકર્મચારીઓથી છૂટા પડો.

જૂની  નોકરીમાં છેલ્લા દિવસ સુધી આવો. કંપની તમારા સ્થાને કોઈ અન્યને રાખે તો તેને કામ તથા તેની સાથે સંલગ્ન પ્રત્યેક વાતથી વાકેફ કરો. બને તો તમારી જગ્યાએ કોઈને મૂકતા જાવ. આનાથી કંપનીને મદદ થશે અને ઉપરી અધિકારીની નજરમાં પણ તમે કાયમ માટે રહી શકશો.

જો તમને ગુસ્સાથી ડિસમીસ કરવામાં આવ્યા હોય તો પણ સામસામે વાક્પ્રહારો કરીને નોકરી ન છોડો. જોકે, આ ખૂબ જ અઘરું છે છતાં તે સમયે હકારાત્મક અભિગમ અપનાવવાની કોશિશ કરજો. તમને કાઢી મૂકવામાં આવે છતાં પરિસ્થિતિ ન બગાડો. આનાથી તમારી થોડી ઘણી ઈજ્જત પણ જતી રહેશે.

નોકરીમાંથી કાઢી મૂકતા એક પ્રકારની નિરાશા   મનમાં ઘર કરી જાય છે તેથી તમારી જાતને સંભાળવા થોડો સમય ઘરે રહો. પરંતુ યાદ રાખો કે ખૂબ લાંબો સમય કામ ગોત્યા વગર બેસવું પણ હિતાવહ નથી કારણ કે જૂની કંપનીના કર્મચારીઓ બજારમાં તમારા વિશે ખોટી ખોટી અફવા ફેલાવતા હોય તો લાંબા સમય બાદ નોકરી મળવી મુશ્કેલ બની જશે.

જો તમને અઠવાડિયાની અંદર નોકરી છોડવાનું કહેવામાં આવે તો તમારા ઉપરી પાસે થોડો વધુ સમય માંગો. ઉપરી અધિકારી ભલે ગુસ્સામાં હોય છતાં તમે તમારી વાત બેસીને શાંતિથી રજૂ કરીને સમય વધારે લો. જેથી તમે નવી નોકરી સરળતાથી ગોતી શકો.

નોકરી છોડતી વખતે તમને અમુક રકમ આપવામાં આવે છે, જે પણ રકમ આપે તેના કરતા વધુ મેળવવાના તમે હકદાર છો તેવું તમારા ઉપરીને જણાવો અને તે અંગે વાતચીત કરો. બને કે, તમને વધુ રકમ મળે.

આમ, કોઈ પણ સંજોગોમાં નોકરી છોડતી વખતે મનની શાંતી જાળવીને વિચારપૂર્વક કામ કરવાથી ભવિષ્યમાં  જૂના સંબંધોને તાજા કરવામાં વાંધો નહિ આવે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Tags :