કેસર બહુ કામગરું .
લાલચટક કેસર માત્ર ખાદ્યપદાર્થોના સ્વાદ વધારવા માટે જ નહીં, પણ હેલ્થ અને બ્યુટી-બંને માટે અત્યંત લાભકર્તા છે. કેસર ભલે મોંઘુ મળે પણ તેના લાભ અને ઉપયોગ તો અનેકગણા છે. કેસરનો બહુધા ઉપયોગ તો મસાલા તરીકે ખાદ્ય ચીજવસ્તુઓમાં થાય છે, પણ ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, ટેકસ્ટાઈલ, ડાઈ બનાવતી ઈન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે. ચળકતા લાલ કેસર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેના ઉપયોગ પર એક નજર નાખીએ જે કેસરના ગુણોને ઔર વધારી દેશે.
- કેસરી એન્ટિ-ઓક્સિડેન્ટ, એન્ટિ-ઇન્ફલામેટરી, એન્ટિ ડિપ્રેર્સન્ટ, સ્મૃતિ વધારનાર અને એન્ટિ કેન્સરસ ગુણોથી ભરપૂર છે.
- કેસર ખોરાક પચાવવામાં મદદ કરે છે. પેટ ફૂલી જવું. કબજિયાત, એસિડિટીની સમસ્યામાં આરામ આપે છે. કેસરની ચામાં મધ મેળવીને પીવાથી ફાયદો તો જરૂર થશે.
- રાતે સુતા પહેલા ગરમ દૂધમાં કેસરના રેસા મેળવવીને પીવાથી નિંદર ઘણી સારી આવે છે.
- કેસર આંખોની કોશિકાને નુકસાન નથી પહોંચાડતું. વધતી વયને કારણે મેકુલર ડિજનરેશન અને રેટિના પિગમેટેશન જેવી જોઈ નહીં શકાતી બિમારીની પ્રક્રિયાને ધીમી કરી નાખે છે અથવા ફરી તેને થતી રોકે છે. કેસરને ચંદન સાથે ઘસીને તેના પર લેપ કરવામાં આવે છે, જે લગાડવાથી માથું, આંખ અને મગજને ઠંડક મળે છે. આથી મગજ તેજ બને છે.
- કેસર ખાવાથી હૃદયની સ્થિતિ સુધરે છે. કેસર લોહીમાંથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડના ખતરાને ઓછું કરે છે.
- અસ્થમા થતાં કેસરનો ઉપયોગ કરાતા શ્વાસ લેવામાં સરળતા રહે છે. બાળકોને શરદી-તાવની મુશ્કેલી હોય ત્યારે તેમને કેસરવાળું દૂધ પીવડાવવાથી રાહત રહે છે.
- મહિલાઓ માટે કેસર ખૂબ જ ફાયદાકારક છે. પીરિયડ્સમાં અનિયમિતતા, ગર્ભાશયમાં સોજો, પીરિયડ્સ વેળા થતાં દુ:ખાવામાં કેસર ખાવાથી તેમાં ઘણો ફાયદો થાય છે.
કેસરના ઉપયોગ
- મસાલા તરીકે ખાવા-પીવાની ચીજ-વસ્તુઓમાં તેનો રંગ બદલવા કે તેની ખુશ્બુ વધારવામાં કેસરનો ખૂબ ઉપયોગ થાય છે. કોઈ ડિશની ખુશ્બુ વધારવા અથવા રંગ ઊડી જાય તો તેના માટે ચપટી કેસર પૂરતું સાબિત થાય છે. બેક કરવામાં આવેલી ખાદ્યસામગ્રી, કોન્ફેક્શનરીઝ, કરી, સોસ, સૂપ, બ્રેડ, ચા તથા આઇસક્રિમ વગેરેમાં કેસરનો ઉપયોગ ઘણો થાય છે.
- કેટલીક ડિશમાં તો કેસરના રેસા એમને એમ જ મેળવવામાં આવે છે. કેસરને પીસીને તેની પેસ્ટ બનાવવામાં આવે છે અને એ પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીકવાર તો એક કપ ગરમ પાણી અથવા દૂધમાં ચપટી કેસર મેળવીને તેને થોડો સમય એમનેએમ રહેવા દીધા પછી કોઈ પણ ડિશમાં તેને મેળવી દેવામાં આવે છે, જેથી તેના રંગ અને સ્વાદમાં તફાવત પડે છે.
કેસરનું પ્રમાણ કેટલું લેવું?
- ૩૦ મિલીગ્રામ કેસરનું પ્રમાણ ઘણું વધારે છે. કેસરનું પ્રમાણ વધુ લેવાથી ઉલટી થવી અને માથું દુ:ખવા જેવી ફરિયાદ કરવામાં આવે છે.
- પાંચ ગ્રામથી વધુ માત્રામાં કેસર લેવામાં આવતાં તે યુટરાઇન સ્ટિમ્યુલેન્ટ તરીકે કામ કરી શકે છે અને તેને કારણે અબોર્શન (ગર્ભપાત) થઈ શકે છે આથી જ ગર્ભવતી મહિલાઓને કેસર નહીં લેવાની સલાહ આપવામાં આવે છે.
બ્યુટી માટે લાભપ્રદ
- કેસરના એન્ટિ-બેક્ટેરિયલ ગુણોને કારણે ખીલની સારવાર કરવામાં મદદગાર બને છે. થોડા દૂધમાં કેસરના રેસા બે કલાક માટે ભીંજવીને રાખો. તેને ચહેરા પર લગાડો અને થોડી મિનિટમાં ચહેરાને ધોઈ લો.
- આ ત્વચાને ચમકદાર બનાવે છે. દૂધમાં સૂર્યમુખીના બીજ અને કેસરને રાતભર ભીંજવીને રાખો સવારે આ મિશ્રણને પીસીને ત્વચા પર લગાડો. આમ કરવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે.
- કેસરના કેટલાંક રેસા ઓલિવ, બદામ અને કોપરેલના તેલમાં મેળવો. આ તેલથી માલિશ કરવાથી ત્વચા મુલાયમ બને છે અને તેમાં નિખાર આવે છે.
- કેસર એન્ટિ-ઓક્સિડન્ટસથી ભરપૂર હોય છે, જે હેર-ફોલિકલ્સમાં સુધારે કરે છે અને વાળના ગ્રોથને વધારે છે. આ એલોપોશિયાના ઈલાજ માટે ઉત્તમ દવા છે. એક મોટી ચમચી કેસરને પીસીને બદામ અથવા ઓલિવના તેલમાં ગરમ કરવું. જ્યારે આ સામાન્ય ઉષ્ણતામાન પર આવે ત્યારે તેને બાટલીમાં ભરીને સ્ટોર કરવું અને રોજ થોડું થોડું માથા પર લગાડવું, જેનો વ્યાપક ફાયદો થશે.
- ભૂપેન્દ્ર પટેલ