કાચા પપૈયાના લાભ પાકા .
લીલા પપૈયાને કાચા પપૈયા કહેવાય છે જ્યારે પાકા પપૈયા પીળા અથવા કેસરી હોય છે. કાચા પપૈયાનો માવો સફેદ હોય છે અને પાકા પપૈયા કરતા તેનો સ્વાદ અલગ હોય છે. પાકા પપૈયા વધુ મીઠા હોય છે જ્યારે કાચા પપૈયાનો સ્વાદ તુરો હોય છે.
પણ આરોગ્ય પ્રત્યે સભાન લોકો કાચા પપૈયા પસંદ કરે છે. કાચું પપૈયું અનેક રીતે ગુણકારી છે. કેટલીક બાબતોમાં તો તે પાકા પપૈયા કરતા વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. ઉપરાંત કાચા પપૈયાનું સેવન કરવું સરળ છે અને તેને સલાડ, ડેઝર્ટ, અથાણા અથવા સ્મૂધી જેવી વાનગીઓમાં ઉમેરીને શ્રેષ્ઠ નાસ્તો બનાવી શકાય છે. તો ચાલો આપણે કાચા પપૈયાના કેટલાક આરોગ્ય લાભ વિશે જાણી લઈએ.
* કાચા પપૈયામાં સુગર ઓછી હોય છે. પપૈયું જેમ પાકે તેમ તેમાં સુગરનું પ્રમાણ વધતું જાય છે.
* કાચું પપૈયું તાત્કાલિક શક્તિ પૂરી પાડે છે.
* કાચા પપૈયામાં ફાઈબર વધુ અને ચરબીની માત્રા ઓછી હોય છે.
* કાચા પપૈયામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ તેમજ ફોસ્ફરસ અને સોડિયમ જેવા ખનિજ તત્વોનું પ્રમાણ વધુ હોય છે.
* કાચા પપૈયામાં સક્રિય એન્ઝાઇમ્સ પેપેઇન અને કીમોપેપેઇનમાં વધારે પ્રમાણમાં છે જે શરીરમાં બહુવિધ કાર્યો કરે છે.
* કાચા પપૈયામાં કુદરતી રીતે લેટેક્ષ હોય છે જેનાંમાં આંતરડા સાફ કરવાનો ગુણધર્મ છે.
* પાકા પપૈયામાં ગાજર અને ટમેટાની સરખામણીએ બેટા-કેરોટીન અને લાયકોપીન વધુ પ્રમાણમાં હોય છે.
* કાચા પપૈયામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે જેના કારણે તેનો બગડયા વિના લાંબો સમય સુધી સંગ્રહ થઈ શકે છે.
* કાચા પપૈયામાં જીવડા પડવાની સંભાવના ઓછી છે.
* કાચા પપૈયામાં આલ્કોલોઈડ્સ, સેપોનિન્સ, કાર્ડેનોલાઈડ્સ, ટેનિન્સ અને એન્થ્રાકિનોન્સ જેવા ફાઈટોકેમીકલ્સ વધુ માત્રામાં હોય છે.
કાચા પપૈયાથી પાચનક્રિયામાં સુધારો થાય છે
કાચા પપૈયાનો ઉપયોગ જઠરાંત્રિય સમસ્યાઓનમાં કુદરતી ઉપચાર તરીકે થાય છે એવું એક અભ્યાસમાં જણાવાયું છે. તે અસામાન્ય પાચન, હાર્ટબર્ન, પેટનું ફૂલવું, કબજિયાત, ઈરિટેબલ બાવેલ સિંડ્રોમ, આંતરડાના કૃમિ અને પાચનતંત્રની ઘણી તકલીફોની સારવારમાં મદદ કરી શકે છે. પેપેઈન અને કીમોપાપેઈન જેવા બે શક્તિશાળી કુદરતી અન્ઝાઈમ અને ડાયેટરી ફાઈબરની હાજરીને કારણે આવું શક્ય બને છે.
પ્રતિકાર શક્તિમાં વધારો કરે છે
કાચા પપૈયાની પ્રતિકાર શક્તિ વધારવાની અસર મુખ્યત્વે સેપોનિન્સ, ટેનિન્સ, બેટા-કેરોટીન, મેગ્નેશિયમ અને ફ્લેવોનોઈડ્સ જેવા મહત્વના એન્ટીઓક્સીડન્ટ્સની હાજરીને કારણે છે. આ એન્ટીઓક્સીડન્ટ્સ શરીરમાં પેથોજીન્સને પ્રવેશતા અટકાવવા અસરકારક ભૂમિકા ભજવતી આઈજીજી અને આઈજીએમ એન્ટીબોડીઝના પ્રમાણને વધારીને શરીરની સુરક્ષા યંત્રણા જાળવવામાં સહાય કરે છે.
હૃદયરોગનું જોખમ ઘટાડે છે
કાચા પપૈયામાં રહેલા કાર્ડેનોલાઈડ્સ અને સેપોનિન્સ હૃદયના સ્નાયુઓના સંકોચનને મજબૂત કરીને કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોરની સારવારમાં મદદ કરી શકે છે. ઉપરાંત કાચા પપૈયામાં રહેલા બેટા-સિટોસ્ટેરોલ અને કર્ટીસીન આંતરડા દ્વારા કોલેસ્ટેરોલના શોષણને સહાય કરીને લોહીમાં તેનું પ્રમાણ ઓછું કરે છે જેના કારણે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. મેગ્નેશિયમ પણ હૃદયની તંદુરસ્તી જાળવવામાં સહાય કરે છે.
કેમોપ્રિવેન્ટીવ ગુણધર્મો
એક અભ્યાસ મુજબ કાચું પપૈયું તેની દાહ-વિરોધી પ્રવૃત્તિને કારણે ૭૧.૨ ટકા અસર સાથે ગાંઠ ઉત્પન્ન કરતી પ્રવૃત્તિને અટકાવી શકે છે. ટયુમર નેક્રોસીસ ફેકટર અલ્ફા (ટીએનએફ અલ્ફા) વિરોધી ગુણને કારણે ગાંઠને રોકવામાં કાચું પપૈયું મહત્વની ભૂમિકા ભજવે છે. ટીએનએફ અલ્ફા કેન્સરના જોખમ અથવા એપોપ્ટોસીસ તરફ દોરી જતા સોજા અને તીવ્ર બળતરા ઉત્પન્ન કરવા કોષોને સંકેત આપે છે. બળવાન બળતરા વિરોધી ગુણધર્મો સાથે, કાચા પપૈયા કોષોના પ્રસારમાં અને કેન્સરના જોખમને રોકવામાં મદદ કરી શકે છે.
મોટા આંતરડાને સાફ રાખે છે
પપૈયામાં રહેલા પપૈન, વિટામીન અને ડાયેટરી ફાઈબર આંતરડા સાફ રાખવામાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરીલા પદાર્થ કાઢી નાખે છે. એક અભ્યાસ મુજબ ખાલી પેટ પર કાચા પપૈયાનું સેવન કરવાથી આંતરડા સાફ રહે છે અને વિષયુક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. સારા પરિણામ માટે ખાલી પેટે કાચું પપૈયું ખાધા પછી ઓછામાં ઓછા એક કલાક સુધી કંઈ ખાવું નહિ.
ડાયાબીટીસને નિયંત્રણમાં રાખે છે
એક અભ્યાસ મુજબ કાચા પપૈયામાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિન્ક, ક્રોમિયમ અને કેલ્શિયમ જેવા ખનીજો વધુ પ્રમાણમાં હોવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રણમાં રહે છે. ઉપરાંત કાચું પપૈયું ટાઈપ ટુ ડાયાબીટીસ માટે જવાબદાર શરીરમાં એન્ઝાઈમ્સને અટકાવે છે જેના કારણે ડાયાબીટીસ નિયંત્રણમાં રહે છે.
ચેપ સામે સંરક્ષણ આપે છે
એક અભ્યાસ મુજબ કાચા પપૈયાનો માવો બેકીલસ સબટાઈલીસ, સાલમોનેલા ટાઈફી, સ્ટેફાઈલોકોકસ ઓરસ જેવા બેકટેરીયા સામે એન્ટીમાઈક્રોબાયલ ગુણધર્મો ધરાવની પરંપરાગત જડીબુટ્ટી છે. તે મુત્રાશય માર્ગના ચેપ સામે સંરક્ષણ આપે છે.
- ઉમેશ ઠક્કર