Get The App

હેલ્થ માટે બહુ ગુણકારી રુબાર્બમાં થોડાક ભયસ્થાનો પણ છે

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
હેલ્થ માટે બહુ ગુણકારી રુબાર્બમાં થોડાક ભયસ્થાનો પણ છે 1 - image


કેટલાંક વાચકમિત્રોને પ્રશ્ન થશે કે આ રુબાર્બ વળી શું છે? રુબાર્બ હકીકતમાં એક વિદેશી વેજિટેબલ - ફ્રૂટ છે, જેને ગુજરાતીમાં રેવંચી કહેવાય છે. ઝાડી દાંડી ધરાવતા રુબાર્બ કે રેવંચીનો સ્વાદ ખાટો છે અને એ સામાન્યપણે રાંધીને અને ખાંડ નાખીને ખવાય છે. પહેલાંના જમાનામાં માત્ર રુબાર્બના મૂળિયા (રુટસ)નો ઉપયોગ થતો અને એ પણ ફક્ત ઔષધ તરીકે. જો કે હવે રેવંચીની દાંડીઓ સ્વીટ સુપ્સ, જામ્સ, સૉસ, કોકટેલ અને વાઈન બનાવવા માટે વપરાય છે.

રુબાર્બનો સ્વાદ ગ્રીન એપલ્સ (સફરજન) તેમ જ સેલરિ નામના સલાડને મળતો આવે છે. આ પ્લાન્ટની માત્ર દાંડી જ ખોરાક તરીકે વાપરી શકાય છે કારણ કે એના ત્રિકોણી પાંદડામાં ઓકસેલિડ એસિડ મોટા પ્રમાણમાં હોવાથી એ હેલ્થ માટે નુકસાનકારક છે.

સૌપ્રથમ, રુબાર્બને સ્ટોર કરવાની રીત જાણી લઈએ. પહેલા આ વેજિટેબલ-ફ્રૂટના પાંદડા અને બીજો નકામો ભાગ કાપી નાખો. પછી એની દાંડીઓને બરાબર ધોઈ સુકવી દો. પછી રુબાર્બને સમારી એના નાના અને એકસરખા કટકા કરો પછી એને પેપર ટોવેલ કે ફોઈલમાં વીંટાળી ફ્રીઝમાં મૂકી દો. લાંબા સમય સુધી બગડે નહિ એ માટે એને પ્લાસ્ટિકની ફ્રીઝર બેગમાં પણ મુકી શકાય, પરંતુ ફ્રીઝરમાં મૂક્યા પહેલા બેગમાંથી હવા કાઢી લેવાનું યાદ રાખવું.

રુબાર્બના હેલ્થ બેનિફિટ્સ : પાચનથી લઈ વજન ઉતારવા (વેઈટ લોસ) સુધી આ ફ્રુટ-વેજિટેબલના સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી છે. એ ખાવાથી આપણી પાચન-ક્રિયા સુધરે છે અને હાડકાંના ગ્રોથને પણ વેગ મળે છે. રુબાર્બ કે રેવંચીના ફાયદા ટૂંકમાં જાણી લઈએ :

૧. વેઇટ લોસમાં મદદગાર : 

વિદેશી મૂળની આ વનસ્પતિમાં કેલેરીનું પ્રમાણ અત્યંત ઓછું હોવાથી ડાયેટિશિયનો પોતાનું એકસ્ટ્રા વેઈટ ઘટાડવા ઇચ્છતા લોકોને રુબાર્બના સેવનની ભલામણ કરે છે. ફ્રૂટમાના ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ આપણી ચયાપચયની ક્રિયા (મેટાબોલિઝમ)ની ગતિ હેલ્ધી રીતે વધારી દે છે, જેને પરિણામે બૉડીની ફેટ (ચરબી) બાળી નાખવાની ક્ષમતામાં ઉમેરો થાય છે.

૨. ડાયજેશન માટે વરદાન :

 રુબાર્બમાં મોટા પ્રમાણમાં રહેલું ડાયેટરીફાઈબર (પાચક રેસા) પાચનની પ્રોસેસમાં સુધારો કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. ફાઈબર મળને બાંધીને એના વિસર્જનને આસાન બનાવી દે છે. એ બેટર બોવેલ મૂવમેન્ટમાં મદદરૂપ થાય છે. રુબાર્બ ખાઈને કબજિયાત ઉપરાંત પેટ ફુલવું અને પેટમાં ચુંક આવવી જેવી આંતરડાની તકલીફોનો ઈલાજ થઈ શકે છે.

૩. હાર્ટને હેલ્ધી રાખે :

 રુબાર્બમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાથી એ કોલેસ્ટોરલ લેવલ નીચું લાવવામાં મદદરૂપ બને છે. એક સંશોધનમાં એવું પૂરવાર થયું છે કે રુબાર્બનું પ્રમાણસર સેવન કોલેસ્ટોરલ લેવલ્સના નિયમનમાં સારું એવું અસરકારક પૂરવાર થાય છે.

૪. હાડકા માટે ઉપયોગી : 

રેવંચીમાં રહેલું વિટામિન કે આપણાં હાડકાંનું સ્વાસ્થ્ય સુધારવામાં આશીર્વાદ રૂપ પૂરવાર થાય છે. વિટામિન કે ઓસ્ટિયોટ્રોપિક એક્ટિવિટી પ્રમોટ કરી હાડકાંના ગ્રોથ અને રિપેરીંગને વેગ આપે છે. એ સિવાય વેજિટેબલ-ફ્રૂટમાંનું વિટામિન અને કેલ્સિયમનું કોમ્બિનેશન શરીરના અસ્થિની આવરદા પણ વધારે છે.

૫. અલ્ઝાઈમરથી બચાવે, બ્લડ સરક્યુલેશન સુધારે : 

બ્રેન રિસર્ચ બુલેટિનમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં જણાવ્યા મુજબ રુબાર્બમાં જોવા મળતું એક રેપોનટિસીન નામનું કમ્પાઉન્ડ આપણી ન્યુરોલોજિકલ સિસ્ટમને એમિલોઈડ બેટાની નેગેટિવ અસરથી બચાવવા અને જ્ઞાનતંતુઓની સુરક્ષા કરવામાં બહુ અસરકારક બની રહે છે. એમિલોઈડ બેટા મગજમાં એમિલોઈડ પ્લેક્સ રચી આ અલ્ઝાઈમરની બિમારી લાવવામાં નિમિત્ત બને છે. રુબાર્બમાં મળતું કોપર અને આર્યન લોહીમાં નવા લાલ રક્તકણો પેદા કરી આપણું આરબીસી કાઉન્ટ વધારે છે. એને લીધે શરીરને વધુ માત્રામાં ઓક્સિજન મળે છે અને આપણું બ્લડ સરક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે.

૬. કેન્સર-ડાયાબિટીસને દૂર રાખે : 

બેટા-કેરોટિન અને લ્યુટિન તથા ઝેકસાનથિન જેવા પોલિફેનોલિક કમ્પાઉન્ડન ોસારો સ્ત્રોત (સોર્સ) ગણાતું રુબાર્બ દેહમાં કેન્સર વિકસતું રોકવામાં ઉપયોગી પૂરવાર થાય છે. એ રેડિકલ ફ્રી સેલ્સનો નાશ કરી આપણી બોડીના સેલ્સને ડેમેજથી બચાવે છે.

બીજુ, રુબાર્બમાં મળતું રેપોન્ટિસીન કમ્પાઉન્ડ શરીરનું બ્લડ સુગર લેવલ મેનેજ કરવા અને સુધારવામાં મદદરૂપ થાય છે. એને લીધે ડાયાબિટીસ જેવા હઠીલા રોગને શરીરમાં ઘર કરતો રોકી શકાય છે.

એ ઉપરાંત આ વેજિટેબલ-ફ્રૂટને ખોરાકમાં સામેલ કરવાના બીજા પણ હેલ્થ બેનિફિટ્સ છે. એ દ્રષ્ટિ સુધારવામાં પણ મદદરૂપ થાય છે અને ચહેરા પર કરચલીઓ જેવી વૃદ્ધાવસ્થાની નિશાનીઓને પણ વહેલી આવતા અટકાવે છે.

સાઇડ ઈફેક્ટસ :

 રુબાર્બ જેવી કુદરતી વનસ્પતિ પણ આડઅસરો (સાઈડ ઈફેક્ટ્સ)થી મુક્ત નથી. એ રેચક (લેકસેટિવ) હોવાથી અમુક લોકોને એ ખાવાથી ડાયરિયા કે વોમિટિંગ જેવી પેટની તકલીફ ઊભી થઈ શકે છે.

રુબાર્બના સેવનથી પેટ ફુલી જવા કે ચુંક આવવા જેવી અથવા ભોજન પ્રત્યે અરુચિ લાગવા જેવી તકલીફ પણ આવી શકે.

કોઈને લિવર, આર્થરાઈટિસ કે કિડની સ્ટોન જેવી બિમારી હોય તો એણે રુબાર્બને દૂરથી જ નમસ્કાર કરવા. બીજું લાંબા સમય સુધી મોટા પ્રમાણમાં આ ફ્રૂટ-વેજિટેબલ ખાવાથી નબળાઈ લાગવા ઉપરાંત હાડકાં નબળા પડવા, પોટેસિયમ ઘટી જવા અને હૃદયના ધબકારા અનિયમિત થવા જેવા પ્રોબ્લેમ્સ પણ આવી શકે.

વળી, ઓકસેલિક એસિડનું હાઈ કોન્સનટ્રેશન બોડીમાં કિડની સ્ટોન્સ પણ ડેવલપ કરી શકે.

ખાસ કરીને ગર્ભવતી અને બાળકને સ્તનપાન કરતી સ્ત્રીઓએ રુબાર્બ કદી ન ખાવું. કોઈ વ્યક્તિ જો ઓવેરિયન કેન્સર જેવી હાર્મોનસેન્સિટીવ વ્યાધિથી પીડાતી હોય તો એણે રુબાર્બની સપ્લિમેંટ્સ લેવાનું નિવારવું અને સૌથી અગત્યની વાત : તમે જો પેટ સાફ આવવા રેચક દવાઓ લેતા હો તો રુબાર્બથી દૂર જ રહેવું. 

- રમેશ દવે

Tags :