આમવાત અને આયુર્વેદ .
- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ
'આમવાત'એ એક એવી વ્યાધિ છે કે જેમાં રોગીને વીંછીનાં ડંખ સમાન પીડા થાય છે. આજે આ રોગ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
વાયુનાં રોગોમાં દુ:ખાવો સંઘિવાત એટલે કે osticarthritis અને Rhumetoasthritis બંને પ્રકારે જોવા મળે છે.
આજ-કાલ તો સંઘિવાત અને આમવાત એટલા સામાન્ય રોગો બની ગયા છે કે, યુવાઓમાં પણ તેનાં લક્ષણો જોવા મળે છે. આજે આપણે 'આમવાત' વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આમવાત શબ્દ 'આમ' અને 'વાત' એમ બે શબ્દોથી બનેલો છે. આમ એટલે નહીં પચેલો અપકવ આહારરસ, આ અપકવ આહારરસ જ્યારે વાયુ દ્વારા પ્રફુલિત થાય છે. ત્યારે વેદના અને શોય ઉત્પન્ન કરે છે. આ આમવાતનું મુખ્ય લક્ષણ છે.
નિદાન- કારણો:
આમવાત થવાનાં કારણોની જો વાત કરીએ તો ,
૧) વિશુધ્ધ આહાર લેવાથી,
૨) ઠંડા પીણા વધુ પ્રમાણમાં પીવાથી,
૩) અજીર્ણ હોય તેમાં ભોજન કરવાથી
૪) કસરત ન કરવાથી
૫) ખટાશવાળી વસ્તુ તેમજ ઠંડો અને વાસીખોરાક વધુ લેવાથી
૬) ઉજાગરા કરવાથી
૭) દિવા સ્વપ્ન એટલે કે, દિવસે વધુ ઊંઘવાથી,
૮) વધુ પ્રમાણમાં મિઠાઈ કે મેદાની આઈટમો લેવાથી
'આમવાત' રોગ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.
લક્ષણો : આ રોગમાં,
૧) અંગો અક્કડ થઈ જાય છે.
૨) અંગોમાં શૂન્યતા વર્તાય છે.
૩) ઘણીવાર ખાલી ચડી જતી હોય તેવું લાગે છે.
૪) આળસ આવે છે.
૫) તાવ આવે છે.
૬) અંગદર્દ થાય છે, અંગોમાં પીડા થાય છે.
૭) ખાવાની ઇચ્છા થતી નથી- અરુચિ લાગે છે.
૮) તરસ વધારે લાગે છે.
આ રોગનું સામાન્ય લક્ષણ છે. કે, વિંછીનાં દંશ જેવો દુ:ખાવો શરીરમાં થાય છે.
આ રોગ શરીરમાં થાય ત્યારે હાથ-પગ, માથું, ઘુંટી, કમર, ઘુંટણ અને શરીરનાં બધાં જ સાંઘાઓમાં વેદના સાથે સોજો જોવા મળે છે. જઠરાગ્નિ મંદ પડી છે. મુખમાંથી લાળ ટપકે છે. ઉત્સાહ શૂન્યતા જોવા મળે છે. ઘણીવાર શરીરમાં બળતરા તથા વારંવાર પેશાબ જવાની ઇચ્છા થાય છે.
આ રોગમાં દુ:ખાવો અને સોજો એક જ જગ્યાએ સ્થિર રહેતો નથી, એક જગ્યાઓથી બીજી જગ્યાએ તે ફરતો રહે છે, તેથી સામાન્ય ભાષામાં આ રોગને ફરતો વા પણ કહે છે.
સારવાર : આ રોગમાં અનુભવી વૈદ્યની સલાહ મુજબ ચિકિત્સા કરવી જોઈએ.
જેમાં અજમોદારી ચૂર્ણ, શ્રૂગભસ્મ, આમપાચનવટી, રસોનાદી ગુગળ, યોગરાજ ગુગળ, રાસ્નાદિ ક્વાથ, વગેરેનું વૈદકીય સલાહ મુજબ સેવન કરવું જોઈએ.
- સિંહનાદ ગુગળ ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને સુખોષ્ણ જળ સાથે લઈ શકાય છે.
- મહાવાતવિધ્વંસ રસ ૧ ગોળી ૨ વાર પાણી સાથે લેવી.
- વેદના અધિક હોય તો, બૃ. વાત ચિંતામણી રસ ૧ ગોળી ૨ વાર મઘ સાથે લેવી.
- સૂંઠ અને એરંડભ્રષ્ટ હરડે પણ ઉપયોગી છે.
- સૂંઠ, હરડે અને ગુકુચીનાં ઉકાળામાં ગુગળ મેળવી આપવાથી આમવાતમાં ફાયદો થાય છે.
- દિવેલ બે ચમચી લઈ તેમાં ૧ ચમચી સૂંઠ મેળવી વૈદકીય સલાહ મુજબ લેવું.
આમવાતમાં ફાયદાકારક :
લંઘન (ઉપવાસ), લસણ, અજમો, હીંગ, કારેલાં, પરવળ, જૂના ચોખા, જવ, ગોખરું, સૂંઠ બથવાની ભાજી, અગ્નિપ્રદીપક પદાર્થો વગેરે લાભકારક છે.
નિષેધ : આમવાતનાં દર્દી માટે દૂધ, દહીં, ઘી, ગોળ, અડદનાં લોટની વસ્તુઓ મેંદાના લોટની વસ્તુઓ મિઠાઈ, ભારે પદાર્થો, માંસાહારી, ઠંડા વાસી વાયડી વસ્તુઓ, ઠંડાપીણા, ઉજાગરા વગેરેનો નિષેધ બતાવ્યો છે.
યોગ્ય આહાર-વિહાર અને ઔષધોનો ઉપયોગ આમવાતનાં દર્દીને આ રોગની પીડામાંથી મુક્તિ અપાવે છે, તેમાં શંકાને સ્થાન નથી.