Get The App

ઘરને રીસ્ટાઈલ કરો અને તે પણ સાવ મફતમાં

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
ઘરને રીસ્ટાઈલ કરો અને તે પણ સાવ મફતમાં 1 - image

- વ્યક્તિને માતાના ખોળા પછી પરમ સુખ, શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ અન્યત્ર ક્યાંય થતો હોય તો તે તેના ઘરમાં થાય છે.

આપણામાં કહેવત છે કે ધરતીનો છેડો ઘર ! આખી દુનિયા ફર્યા પછી પણ જે અધુરપ જણાય, અજંપો અનુભવાય, અશાંતિ લાગે એ તમામ પોતાના ઘરે પહોંચતાં જ દૂર થાય. ઘર એ માત્ર આશ્રયસ્થાન નથી. ઘર એટલે નિરાંત, શાંતિ, સુરક્ષિતતા, સ્વસ્થતા, સુખ, આનંદ તથા પારિવારિક લાગણીઓનો પરમ અનુભવ કરાવતું તીર્થધામ.માનવીય ગુણો અને સંસ્કારોની ગળથૂથી એટલે ઘર.સર્વાંગી તથા સર્વતોમુખી વિકાસ સુધી લઈ જતી પાઠશાળા એ પણ ઘર જ છે.ક્યાંય ન મળે એવી મુક્તિ, મૉકળાશ, આઝાદી, સ્વતંત્રતાની અનુભૂતિ એટલે ઘર. આત્મવિશ્વાસ,શ્રદ્ધા આસ્થા, સકારાત્મક ઉર્જા અને અનુકંપન (એનર્જી/વાઈબ્રેશન)નું ઉદગમ સ્થાન પણ ઘર જ છે. જીવનન માટેના ઉત્સાહ, ઝનૂન, જોશ અને ખંતનો પ્રચંડ ધોધ એટલે ઘર.

આમ ઘર અનેક રીતે આશીર્વાદરુપ છે. પરંતુ તેની આ વિશેષતા હંમેશાં જળવાઈ રહે એવું વાતાવરણ સર્જવું અને તેને જાળવી રાખવું એ આપણો 'ધર્મ' છે. આ 'ધર્મ'નું પાલન કરવામાં મનની પ્રસન્નતા અતિ મહત્વની છે.

આ પ્રસન્નતા મેળવવા ઘરની સાજસજાવટ, રાચરચીલાની ગોઠવણી વગેરેમાં સમયાંતરે ફેરફાર કરતા રહો.ગોઠવણીની દ્રષ્ટિએ દરેક રુમની ડિઝાઈનમાં એવા ફેરફાર કરો કે નવેસરનો લૂક ઊભો થવા સાથે તમે એક

નવી તાજગી અનુભવો.સાવ ઓછા ખર્ચે કે લગભગ મફતમાં આ રીતે  ઘરને રીસ્ટાઈલ કરવું એ એક કલા છે! અને આ કલા માત્ર ઇન્ટિરિયર ડેકોરેશન કે ડિઝાઇનની નહીં પણ સંતોષકારક જીવન જીવવાની કલા છે! ઘરને આશીર્વાદરુપ બનાવવાની કલા છે!

અવસાદની કોઈ ક્ષણે તમને એવું લાગ્યું છે કે તમારા ઘરનો અત્યારનો ડિઝાઈનર લૂક જૂનોપૂરાણો થઈ  ગયો  છે? લિવિંગ રુમ,  બૅડરૂમ કે  આખા  ઘરના  દેખાવને  એક નવેસરનો ઓપ આપવા ઈચ્છો છો? પણ આ માટે સ્ટ્રક્ચરલ ડિઝાઇન બદલવા કે સુશોભન સામગ્રી ખરીદવા સહેજ પણ ખર્ચ કરવા તૈયાર નથી?

એમ છતાં પણ તમે તમારા ઘરને તદ્દન નવેસરનો અને પ્રેરક  લૂક આપી  શકો  છો! બસ,આ માટે તમારે સુશોભનના નિષ્ણાતની જેમ સર્જનાત્મક વિચારણા  કરવાની  રહેશે.

આવી વિચારણાની કેટલીક ઝલક તમને કંઈ પણ ખર્ચ વગર તમારા ઘરના રીસ્ટાઈલિંગમાં ઉપયોગી થઈ રહેશે. જેમકે; 

ફર્નિચરની ફેર ગોઠવણી : 

તમારા ઘરનો હાલનો લૂક હવે તમને  એટલો આકર્ષક નથી લાગતો એવું તમને લાગે તો તમે લિવિંગરુમ, બૅડરૂમના ફનચરની  ગોઠવણમાં  ફેરફાર  કરો. સોફા, ખુરશીઓ, બૅડ, ડાઇનિંગ  સેટ, સાઈડ ટેબલ, રાઇટિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ અને અન્ય રાચરચીલાની ગોઠવણ તમારી પસંદગી મુજબ ફરીથી કરો.આમ કરવાથી દરેક રૂમને એક નવો લૂક મળશે અને એ સાથે તમે નવીનતમ તાજગી અનુભવશો!

સુધડતા-ટાપટીપનો આગ્રહ : 

નાણાનોખર્ચ કર્યા વગર ઘરને નવો દેખાવ આપવાના અત્યંત કૉમન  પ્રયાસોમાંનો એક  તે  દરેક રૂમમાં ઉપલબ્ધ જગાને  વ્યવસ્થિત  રાખો. દરેક  વસ્તુ  સુઘડતાપૂર્વક  મૂકવી  જોઈએ. ટાપટીપવાળી ગોઠવણી મનને પ્રસન્ન રાખશે. ઘરને સ્વચ્છ અને સુઘડ રાખવાના આગ્રહથી તેના બાહ્ય દેખાવની આખી સિકલ બદલાઈ જશે.લિવિંગ સ્પેસની તંગીના જમાનામાં  ઘરમાં અનાવશ્યક ફનચર, અન્ય ચીજોનો ખડકલો ન કરો. બહાર રાખવી જરુરી નથી એવી વસ્તુઓને કબાટમાં, અન્ય સ્ટોરેજની વ્યવસ્થામાં રાખો. ટૂંકમાં,ઘરની મોકળાશને જાળવી રાખો,મન ખરેખર શાતા અનુભવશે !

ફૂલછોડના શણગારની સજાવટ : 

તમે ઘરના આંગણા કે વાડામાં નાનકડો બગીચો તૈયાર કર્યો હોય કે કૂંડામાં ફૂલછોડ ઉછેર્યા હોય તો રોજ એનાં તાજાં ફૂલ ફૂલદાનીમાં પાન સાથે સરસ ગોઠવી બેઠક રૂમ, સાઈડ ટેબલ કે ડાઇનિંગ ટેબલ પર મૂકો. કેકટસ, બોન્સાઈ જેવા સુશોભનના છોડ પણ મૂકો.

પ્રકૃતિનાં આવાં નાના પ્રતિકોથી પણ ઘરનું વાતાવરણ પ્રસન્નતાપૂર્ણ રહેશે. 

ગેલેરી વૉલ તૈયાર કરો :

 પરિવારના સૌ સભ્યો સૌથી વધુ સમય વિતાવતા હોય એ રુમની એક દિવાલને વૉલ આર્ટ,ફોટો પ્રિન્ટસ, કેનવાસ વૉલ આર્ટવર્કસ અને એ સિવાયની કળાકૃતિઓથી શણગારો.આવી ગેલેરી વૉલ તૈયાર કરવામાં ઝાઝો ખર્ચ નહીં થાય.લિવિંગ રુમ કે હોમ ઓફિસમાં આવી  ગેલેરી વધુ શોભી ઊઠશે.કળાની રોજની થોડીઘણી ઝાંખીથી પણ નીરસ જીવન મ્હોરી ઊઠે છે !

સુશોભનની ચીજવસ્તુઓની ફેરગોઠવણી : ઘર કે કોઈ રુમની સજાવટ (સ્ટાઈલિંગ)માટે અગાઉ તમે ખર્ચ કરીને વૉલ આર્ટ, ટેબલ પર મૂકવાની કલાત્મક  ચીજો, પુસ્તકો, ફૂલદાની જેવી સુશોભનની ચીજવસ્તુઓ ખરીદી હોય તો ફેરસજાવટ (રીસ્ટાઈલિંગ)માં આ જ ચીજવસ્તુઓને અગાઉ કરતાં વધુ મનોહર રીતે મૂકો. એમાં સુગંધિત મીણબત્તી, હોમ એક્વેરિયમ જેવી મનને ગમે તેવી ચીજો ઉમેરી શકાય.  રીસ્ટાઈલિંગ જેવા સહેલા ફેરફારોથી ઘરને મળતો નવો લૂક આપણામાં નવા ઉત્સાહ, આનંદ અને  સ્ફૂતનો  સંચાર  કરવા  સાથે  વિચારણા કરવાના આપણા દ્રષ્ટિકોણને એક નવો વળાંક આપી શકે છે.એ સાથે ઘરની અનેક રીતે આશીર્વાદરુપ હોવાની વિશેષતા જળવાઈ રહેશે!

- મહેશ ભટ્ટ