Get The App

રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ શું તમને પણ બેઠાં બેઠાં પગ હલાવવાની ટેવ છે?

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ શું તમને પણ બેઠાં બેઠાં પગ હલાવવાની ટેવ છે? 1 - image

ભરતભાઈની ઊંઘમાં પગ હલાવવાની ટેવને પગલે રંજનબેન હેરાન-પરેશાન થઈ ગયા હતા. કેટલીક વખત તો ભરતભાઈ નીંદરમાં એટલી ઝડપથી પગ હલાવતાં કે રંજનબેનને તેમના પગ સતત વાગતા રહેતા, તેમની નીંદર હરામ થઈ જતી. સવારના પહોરમાં ઘરના કામે વળગવાનું હોવાતી રંજનબેન છ વાગ્યામાં ઉઠી જતાં. પરંતુ રાત્રે ઊંઘમાં ખલેલ પડવાને કારણે તેમને સુસ્તી વરતાતી રહેતી. છેવટે ભરતભાઈ ઉઠે એટલે પતિ-પત્ની વચ્ચે આ બાબતે જીભાજોડી થતી.

એક વખત ભરતભાઈના પિતાએ તેમની વચ્ચે થઈ રહેલી આ રકઝક સાંભળી લીધી અને તરત જ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લી લીધી. તેમણે પુત્ર અને પુત્રવધૂને તબીબની મુલાકાત લેવા જણાવ્યું. પતિ-પત્નીની વાત સાંભળીને તબીબે તેમને કહ્યું હતું કે ભરતભાઈ રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ (આરએલએસ)થી પીડાય છે. તેમણે તેમને આ વ્યાધિ વિશે વિસ્તારપૂર્વક સમજાવતાં કહ્યું હતું કે આ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલી બીમારી છે. તબીબી ભાષામાં તને વિલિસ-એકબૉમ ડિસીસ નામે ઓળખવામાં આવે છે. એક અભ્યાસ અનુસાર પગ હલાવવાથી શરીરમાં ડોપામાઇન હોર્મોનનો સ્ત્રાવ થાય છે. પરિણામે જે તે વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય છે. પ્રારંભિક તબક્કે પગ હલાવવાની ઇચ્છા ભીતરથી થાય છે. પણ ધીમે ધીમે તે આદત બની જાય છે.

તબીબે તેમને વધુમાં કહ્યું હતું કે આ એક ન્યુરોસેંસરી ડિસઑર્ડર છે જે સાંજ અને રાતના સમયે જોર પકડે છે. જ્યારે વ્યક્તિ બેઠી કે સુતી હોય ત્યારે તેનું જોર વધે છે. આ સમસ્યા કોઈપણ ઉંમરે શરૂ થઈ શકે છે અને વધતી જતી વય સાથે સ્થિતિ વણસતી જાય છે. આ ક્રોનિક ન્યુરોસેંસરી ડિસઑર્ડરમાં પગ હલાવવાની ઇચ્છા તીવ્ર બને છે. આ વ્યાધિ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે અને જો તેનું જોર વધી જાય તો રોજિંદા કામ કરવામાં પણ સમસ્યા પેદા થાય છે.

જોકે નિષ્ણાતો એમ પણ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી બેસી કે સુઈ રહે ત્યારે ત્યારે આ સમસ્યા સર્જાય છે. તેમાં જે તે દર્દીના પગ ફફડવા લાગે છે, તેમાં ખંજવાળ આવે છે કે પછી પગમાં ધબકારા થતાં હોય એવું લાગે છે. ખાસ કરીને મોટર કે વિમાનમાં લાંબા કલાકો સુધી પ્રવાસ કરવામાં આવે ત્યારે ઉપરોક્ત લક્ષણો દેખા દે છે. તેઓ વધુમાં કહે છે કે વિલિસ-એકબૉમ ડિસીસથી પીડાતી વ્યક્તિ ઊંઘતી હોય ત્યારે તેના પગ હાલવા લાગે છે અને કેટલાંક લોકો તો લાતો સુધ્ધાં મારવા લાગે છે. દર્દીના પગમાં ખાલી ચડી જવી, નસો ખેંચાવી જેવી સમસ્યા પણ જોવા મળે છે. જો આવું થાય તો તરત જ પગને આગળ-પાછળ અને આડાઅવળા હલાવવા માંડવા જોઈએ. જોકે વારંવાર આવું બને તો તબીબનો સંપર્ક કરવો સલાહભર્યો ગણાય.

નિષ્ણાતો આ વ્યાધિ વિશે હજી વધુ જાણકારી આપતાં કહે છે કે ઊંઘમાં પગ હલાવતી વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય છે. આ એક પ્રકારની ડીપ સ્લીપ હોય છે જેમાં દર્દી સક્રિય દેખાય છે, તેની આંખો પણ ખુલ્લી હોય છે. પરંતુ તેનું મગજ નિષ્ક્રિય હોય છે. કેટલીક વખત તેની ગણના સ્લીપ ડિસઑર્ડરમાં પણ થાય છે. આનું કારણ એ છે કે ઊંઘ પૂરી ન થવાને કારણે શરીર થાકી જાય છે અને થાકને કારણે પગ હલાવવાની આદત પડી જાય છે. આ ટેવ દર્દીમાં એકાગ્રતા લાવે છે જેથી તે હળવાશ અનુભવે છે. જોકે હવે આ વ્યાધિ સામે કેટલાંક સંશોધનો લાલબત્તી ધરે છે. ઊંઘવામાં મુશ્કેલીનો સામનો કરવો, નીંદરમાં નસ ચડી જવી અને લાંબા સમય સુધી ઊભા રહેવામાં તકલીફ અનુભવવી જેવી સમસ્યાઓ કવચિત્ આત્મહત્યા સુધી પણ દોરી જઈ શકે. જે લોકોને આ બીમારી હોય તેઓ પોતાને જ નુકસાન પહોંચાડી બેસે એવી ભીતિ રહે છે.

સંશોધકો રેસ્ટલેસ લેગ સિંડ્રોમના કારણો જણાવતાં કહે છે કે શરીરમાં લોહ તત્વની ઊણપ, મદિરાપાન, ધૂમ્રપાન, વધારે પડતાં કેફીનયુક્ત પીણાં લેવાની ટેવ આ વ્યાધિ માટે જવાબદાર ગણાય છે. તદુપરાંત કિડની, ડાયાબિટિસ, સાંધાના દુખાવા જેવી વ્યાધિઓનો ચાલી રહેલો ઉપચાર પણ આ સિન્ડ્રોમ નોંતરે છે. ગર્ભવતી મહિલાઓ પણ આ સમસ્યામાંથી બાકાત નથી રહેતી. ખાસ કરીને ત્રીજા ત્રિમાસિકમાંથી પસાર થઈ રહેલી ગર્ભવતી મહિલાઓ. જોકે સામાન્ય રીતે શિશુના જન્મ પછી આ સમસ્યા આપોઆપ દૂર્ થઈ જાય છે. સંશોધકો ઉમેરે છે કે ડોપામાઇન અસંતુલન, ખનિજ તત્વોની ઊણપ અથવા હોર્મોન્સમાં આવતું પરિવર્તન પણ આરએલએસ માટે કારણભૂત બની શકે.

- વૈશાલી ઠક્કર