ઘરમાં તોડફોડ કર્યાં વિના કરો વાસ્તુદોષ દૂર
પ્રત્યેક પરિવાર હમેશાં સુખ-શાંતિ- સમૃદ્ધિભર્યું જીવન જીવવા ઈચ્છે તે સ્વાભાવિક છે. અને ઘરમાં સંપ-વૈભવ લાવવામાં વાસ્તુ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોવાથી લોકો પોતાનું મકાન વાસ્તુના મહાત્મ્યને ધ્યાનમાં રાખીને બનાવડાવે છે. જ્યારે કેલાંક લોકો વાસ્તુદોષ દૂર કરવાની વિધિનો સહારો લે છે. આમ છતાં કેટલીક વખત તેમને ઘરમાં ચોક્કસ પ્રકારની તોડફોડ કરાવીને વાસ્તુદોષ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે કેટલાંક વાસ્તુ નિષ્ણાતો કહે છે કે મકાનમાં તોડફોડ કરાવવાથી ઘણું આર્થિક નુકસાન થાય છે. સાથે સાથે જ્યારે આ કામ ચાલી રહ્યું હોય ત્યારે ઘરના સભ્યોને તકલીફ પડે તે અલગ. બહેતર છે કે એવા ઉપાયો અજમાવવામાં આવે જેમાં કોઈપણ પ્રકારનું નુકસાન વેઠયા વિના જ વાસ્તુ દોષ દૂર કરી શકાય. જેમ કે.....
- ઘોડાની નાળ લગાવો : ઘરના પ્રવેશ દ્વારાના ઉપરના હિસ્સામાં ઘોડાની નાળ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા નથી પ્રવેશતી. આ રીતે ઘરમાં રહેલો વાસ્તુ દોષ આપોઆપ દૂર થાય છે.
- ઘરનો ઈશાન ખૂણો સક્રિય કરો : વાસ્તુશાસ્ત્ર અવનુસાર ઘરનો ઉત્તર-પૂર્વ, ભાગ એટલે કે ઈશાન ખૂણો સક્રિય કરવાથી પણ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. આને માટે તમે ઘરના આ હિસ્સામાં ઉડતા પક્ષીઓ, ઉગતા સૂર્ય કે નદીની તસવીર લગાવી શકો. તદુપરાંત ઈશાન ખૂણો હમેશાં સ્વચ્છ રહે એ વાતની વિશેષ કાળજી લેવી.
- શનિ યંત્ર પધરાવો : જો તમારા ઘરની પશ્ચિમ દિશામાં વાસ્તુ દોષ હોય તો એ દિશામાં શનિ યંત્રની સ્થાપના કરો. આટલું કર્યા પછી તમે તમારા ઘરમાં કોઈપણ શુભ કાર્ય કરી શકો છો.
- પવનપુત્રની તસવીર મૂકો : જો તમારા ઘરની વાયવ્ય, એટલે કે ઉત્તર-પશ્ચિમ દિશામાં વાસ્તુ દોષની જાણ થાય તો એ ખૂણે હનુમાનજીનો ફોટો પધરાવો. અને એ તસવીર સામે બેસીને દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો.
- વિઘ્નહર્તાનો ફોટો મૂકો : ઘરના અગ્નિ ખૂણામાં, અર્થાત પૂર્વ-દક્ષિણના મધ્ય ભાગમાં વાસ્તુદોષ જણાય તો ગણરાયાની તસવીર અથવા મૂર્તિ પધરાવીને આ દોષ દૂર કરી શકાય. તમે ચાહો તો આ જગ્યાએ મની પ્લાન્ટ લગાવીને પણ ઘરમાં સુખ-શાંતિની સ્થાપના કરી શકો.
- પૂર્વ દિશામાં હમેશાં રાખો અજવાળું : બીમારીઓ તમારા ઘરમાં પાલખી વાવીને નિરાંતે બેસી ગઈ હોય અથવા સમસ્યાઓની વણઝાર રોકાવાનું નામ ન લેતી હયો તો ઘરની પૂર્વ દિશામાં વાસ્તુદોષ હશે એ વાત ચોક્કસ. આ સમસ્યાનું નિવારણ કરવા ઘરની પૂર્વ દિશામાં ઉગતા સૂર્યની કે પછી સાત ઘોડા પર સવાર અરૂણ દેવની તસવીર લગાવો. સાથે સાતે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે એ દિશામાં ક્યારેય અંધારું ન રહે. આ દિશાનૅ હમેશાં પ્રકાશિત રાખો.
- ક્રિસ્ટલનો ઉપયોગ કરો : વાસતુ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ હોય તો ઘરમાં ક્રિસ્ટલની માળા અથવા પત્થર અચૂક રાખો. આમ કરવાતી ઘરની નેગેટિવિટી બહાર ફેંકાઈ જશે. અને પોઝિટિવ ઊર્જા જળવાઈ રહેશે જે છેવટે વાસ્તુ દોષ દૂર કરવામાં સહાયક બનશે.