રેકટલ ડીસીઝ અને તેની આર્યુવેદિક સારવાર
- આરોગ્ય સંજીવની
આજે આપણે ગુદામાં થતાં વિકારો અને તેનાં સમાધાન વિશે વાત કરવાનાં છીએ. ગુદામાં થતાં સામાન્ય વિકારો-રોગોની વાત કરીએ તો તેમાં હરસ-મસા (Piles) ફીશર અને ભગંદર (Fistula)નોં મુખ્યત્વે સમાવેશ કરી શકાય છે.
આયુર્વેદમાં પાઈલ્સ-મસાને 'અર્શ' તરીકે ઓળખવામાં આવે છે. ''અરિવત્ પ્રણાન શૃણાતિ રિર્નાસ્ત ઈતિ અસર' જે રોગ શત્રુની જેમ પ્રાણને કષ્ટ આપી તેનો નાશ કરે છે. તેનો અર્શ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આયુર્વેદની ભાષામાં વાત કરીએ તો રેકટમની અંદરની ત્વચા, માંસ અને મેદ દૂષિત થઈ દોષો સાથે મળીને 'અંકુરો' કે 'મસા'નું રૂપ ધારણ કરી લે છે. તેને 'અર્શ' તરીકે આયુર્વેદમાં વર્ણવવામાં આવેલ છે.
તેવી જ રીતે ફીશરની જો વાત કરીએ તો, 'ફીશર'ને સાદી ભાષામાં ગુદામાં પડતાં ચીરા કહી શકાય. વધારે પડતી કબજિયાત જે દર્દીઓને રહેતી હોય અને જેનો મળ ખૂબ જ કઠણ સ્વરૂપમાં આવતો હોય તેવા લોકોને વારંવાર ફીશરની તકલીફ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. જેમ પગમાં વાઢીયા કે ચીરા પડે છે. અને પગમાં બળતરા શરૂ થઈ જાય છે. તેવી જ રીતે કઠિન અને કષ્ટતાપૂર્ણ મળપ્રવૃતિનાં કારણે ગુદાની અંદરની શ્લેષ્મકલામાં ચીરા પાડવા લાગે છે. અને તે ચીરામાંથી મળત્યાગ પહેલા, મળત્યાગ વખતે અને મળત્યાગ પછી લોહી આવે છે. અને અતિશય ભયંકર પીડા થાય છે. આયુર્વેદમાં તેને પરિકર્તિકા રોગ તરીકે અને મોર્ડન સાયન્સમાં 'Anal Fissure'તરીકે આ રોગને ઓળખવામાં આવે છે.
'ભગંદર' એટલે કે '‘Fistula''માં પણ ગુદાભાગમાં એક નાની પિડિકા કે ફોલ્લી થાય છે, અને ધીમે-ધીમે તે પાકીનેં તેનું પરુ ઘાતુઓ સુધી ફેલાય છે અને નાડીવ્રણ કે 'Sinus'' જેવું બનાવે છે. જેમાંથી પરુ પડયા કરે છે. જેને ભગંદર તરીકે ઓળખવામાં આવે છે.
મળમાર્ગનાં રોગો થવામાં મુખ્ય કારણ કબજિયાત છે, આ ઉપરાંત કઠણ આસન પર લાંબો સમય સુધી બેસી રહેવું. મળ અને વાયુનાં વેગને રોકવો, સ્ત્રીઓને માલિક સંબંધી ફરિયાદો કે વારંવાર ગર્ભસ્ત્રાવ- ગર્ભપાત તેમજ આગળનું ભોજન બરાબર પચ્યું ન હોય છતાં પેટભરીને ભોજન કરતાં રહેવું વગેરે કારણોસર આ રોગો થતાં હોય છે, ઉપરાંત વાયુ વધારે તેવાં આહાર જેવા કે વાલ, વટાણા ચોળાં તેમજ મરચાં અને અતિશય તીખા, તળેલા અને મસાલેદાર આહારનું સેવન પણ આ રોગો માટે જવાબદાર માનવામાં આવ્યું છે.
આ રોગોનાં સામાન્ય લક્ષણો જોઈએ તો, અર્શ (હરસ-મસા)માં ગુદદાની અંદર કે બહારનાં ભાગમાં ખીલ જેવાં કઠણ અંકુરો ઉત્પન્ન થાય છે. જેમાંથી ઘણીવખત લોહી પણ પાડે છે. અને દર્દીને ભયંકર પીડા થાય છે. ફીશરમાં ગુદાની અંદર ના ભાગમાં ચીરા પડેલ હોવાથી તેમાંથી લોહી પડે છે.
આ રોગોમાં મંદાગ્નિનાં કારણે ખોરાકનું પાચન બરોબર થતું ન હોવાથી નહીં પચેલો ખોરાક આમરૂપ બનીને નીચેથી નીકળે છે, જેથી ઘણીવાર ફીશરમાં લોહીની સાથે ચીકાશ પણ પડે છે. આવાં દર્દીઓનેં મળત્યાગની પ્રવૃત્તિ વખતે અતિશય ભયંકર પીડા થતી હોવાથી મળત્યાગની પ્રવૃત્તિથી તેઓ ખૂબ ભયભીત રહે છે.
હરસ-મસા અને ભગંદર માટે આયુર્વેદમાં શસ્ત્રક્રિયા અને ક્ષારસૂત્ર બતાવવામાં આવેલ છે. જેનાં ઉપચાર પણ સારા પરિણામ આપે છે. પરંતુ ઘણાં વાંચકમિત્રો મને પૂછે છે કે, શું ઓપરેશન વગર આ રોગો ન મટી શકે ? તો તેનોં જવાબ છે કે ચોક્કસ મટી શકે. જો થોડીક સહનશક્તિ અને ધીરજ રાખવાની તૈયારી હોય તો ચોક્કસ આ ગુદામાર્ગનાં રોગો સરળ ઔષધોપચારથી પણ મટાડી શકાય છે. અહીં થોડા સચોટ અને સરળ ઉપચારો સૂચવું છું.
૧) સૌ પ્રથમ તો ગુદમાર્ગનાં તમામ રોગોમાં રેકટમનો ભાગ ડૂબે તે રીતે સહન થઈ શકે તેટલાં ગરમ પાણીમાં દરરોજ ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેસવાનું રાખો. આ પ્રયોગથી દુ:ખાવામાં પણ તુરંત જ રાહત મળશે.
૨) ત્યારબાદ જાત્યાદિ તેલ કે કરંજાદિ ધૃતને સુખોષણ કરી પ્લાસ્ટીકની સીરીંજ વડે આ ધૃત કે તેલ ગુદામાં નાખવું અને ત્યારબાદ ૧૫ મિનિટ સૂઈ રહેવું.
૩) શુધ્ધગૈરિકનોં ગાયનાં ઘી માં મલમ બનાવી ૩-૩ કલાકનાં અંતરે રેકટમનાં ભાગમાં લગાવતાં રહેવું, જેનાથી બળતરા અને પીડા બંનેમાં ઝડપથી ફાયદો જણાશે.
ઔષધોપચારમાં અર્શકુઠાર રસ, ભગંદરારિ રસ, મહાગંધકરસાયન, દશમૂલાશીષ્ટ, આરોગ્યવર્ધીની વટી, ત્રિફળાકવાથ વગેરે ઔષધો નિષ્ણાતવૈધની સલાહ મુજબ લઈ શકાય છે.
આ રોગ ફરી-ફરીને ન થાય તે માટે આહારમાં ખૂબ જ સંયમ રાખવો જરૂરી છે. જેમાં દૂધ, ઘી, માખણ, સૂરણ, આમળાં, તૂરીયા, મોળી છાશ, લીલા શાકભાજી, ચોખા, તથા હલકું ભોજન અને અગ્નિપ્રદીપ્ત કરે તેવો દરેક ખોરાક પથ્ય છે. જ્યારે, મરચું, લસણ, ડુંગળી, બાજરી, રીંગણ, ગુવાર, અડદ, મેદાંની આઈટમો જંકફૂડ વગેરે ખૂબ જ અહિતકર છે. કબજિયાત ન રહે તેની કાળજી અને ખોરાકનું સુપાચન વ્યવસ્થિત થાય તેની સાવધાની નિ:સંશય આ રોગોથી વ્યક્તિને જોજનો દૂર રાખે છે.
- જ્હાનવીબેન ભટ્ટ