આજકાલ દરેક ત્રીજા ઘરમાં એવું જોવા મળે છે કે આજે જે છોકરી લગ્ન કરી ગઈ હોય તે કાલે એટેચી ઉઠાવી પાછી ફરે છે. આખરે આવુ શા માટે બને છે?
છોકરીઓ વિચારે છે કે અમે ભણેલગણેલ છીએ. કમાઈ રહ્યાં છીએ તો પછી દાબમાં શા માટે જીવવું? પરંતુ તે એ વાત ભૂલી જાય છે કે અહીં પ્રશ્ન દાબમાં રહેવાનો નથી, પોતાના ઘરને બનાવવાનો, વસાવવાનો છે.
આજકાલની માતાઓ પાસે સમય જ નથી કે છોકરીઓને પારકા ઘરમાં જઈ કેવી રીતે રહેવાય તેની શીખ આપવાનો. નાની કે દાદી પાસે વધુ સમય રહી શકતી નથી. બીજી રીતે તેઓ જુનવાણી લોકો લાગે છે. આ છોકરીઓ એક અહમ્ સાથે સાસરે જાય છે. ત્યાં જતાં જ પતિના અહમ્ સાથે તેનો અહમ્ ટકરાય છે અને તેમાંથી આત્મઘાતી વિસ્ફોટ ઊભો થાય છે.
દામ્પત્યજીવનને સુખમય અને આનંદમય રાખવા માટેની જવાબદારી બંને પર છે, પરંતુ પત્ની પર જરા વધુ ભાર હોય છે. તે ઈચ્છે તો તેની સમજણથી ઘરમાં આનંદનું વાતાવરણ બનાવી શકે છે.
આજકાલ હનીમૂન પર જવાનો રિવાજ ચાલી નીકળ્યો છે. જ્યાં પતિપત્નીને પાંચ-સાત દિવસ એકબીજાને સમજવાનો સારો મોકો મળે છે. ત્યાં ધ્યાનથી જોવાનું રહે છે કે પતિની રૂચિ શામાં છે, તેને કેવા પ્રકારનું ભોજનમ પસંદ છે, રહેણીકરણી કેવી ગમે છે, તેની સૌથી વધુ નજીક કોણ છે, તે સૌથી વધુ કોને પ્રેમ કરે છે, તમારી પાસેથી તે શી આશા રાખે છે. આ બધું જાણી તેને અનુકૂળ થવાનો પ્રયાસ કરવો ઘટે.
રૂચિ હનીમૂન પર ગઈ ત્યારે તેને જાણવા મળ્યું કે તેનો પતિ માંસાહારી છે. જ્યારે રૂચિ શુદ્ધ શાકાહારી હતી. પતિએ જેવી માંસાહારની વાત કરી ત્યારે તેને ચીતરી ચડી, થૂ... થૂ કરવા લાગી.
''ના, હું તો નહીં જમું.'' તેણે ઘસીને ના કહી.
''તારે ખાવું જ પડશે.'' પતિએ રૂઆબ છાંટયો.
આમાં હુંસાતુંસી ચાલતાં વાત એટલી આગળ વધી ગઈ કે બંને વચ્ચે જબરો ઝઘડો થયો અને બીજા જ દિવસે ઘરે પાછા આવતા રહ્યા. ઘરમાં પગ મૂકતાંની સાથે રૂચિ એટેચી લઈ પોતાની માને ઘરે ચાલી ગઈ. ત્યાંથી એ કદાચ પાછી ન આવી.
હવે નીરજાનો દાખલો જુઓ. નીરજા અને આલોકનાં લગ્ન થયાં. આલોક માંસાહારી હતો. તેણે નીરજાને કહ્યું, ''બહાર હોટલમાં નોનવેજ ખાઈશું.''
''સારું. તમને ગમે તેમ.'' નીરજાએ જવાબ આપ્યો.
''આમ પણ મેં કદી નોનવેજ ચાખ્યું નથી. આજે ચાખીશ કે કેવું લાગે છે.''
સાંજે બંને હોટલમાં ગયા. વાનગી આવી ગઈ. નીરજાએ પહેલા પાપડ ખાધો. પછી સેલડ પર મારો ચલાવ્યો. ક્યારેક મૂળો તો ક્યારેક ટામેટાં ખાધાં. થોડો ભાત લીધો. પરોંઠાંનો ટુકડો તોડી મીટના રસમાં ડુબાડી મોંમાં મૂક્યો. બે કોળિયા ખાધા પછી ખાઈ શકી નહીં.
''હવે મારાથી નથી ખવાતું.'' તે બોલી.
''ના ખાઈશ.'' આલોકે કહ્યું.
''તું દહીં લે, સૂકી ભાજી લે.''
હોટલથી પછા ફર્યા પછી તેને જોરદાર ઊલટી થઈ કે આલોક ગભરાઈ ગયો. આલોકને પસ્તાવો થવા લાગ્યો કે તેણે તેને માંસ ખાવાનું કહ્યું જ શા માટે! તે અપરાધ કર્યો હોય તેવી લાગણીમાં ડૂબી ગયો. ત્યારપછી નીરજાને કદી માંસાહારી ભોજનમ કરવાનું કહ્યું નહીં.
નીરજાએ પોતાની સમજણથી પોતાની વાત મનાવડાવી. વાતાવરણ પણ હળવું રહ્યું અને તે લોકો જેટલા દિવસ હનીમૂન પર રહ્યા તેટલા દિવસ ખુશ રહ્યા.
હનીમૂન પર આશાના પતિએ આશાને કહ્યું, ''મમ્મી અને બહેન માટે કશી ભેટ લેતાં જઈશું?''
આશાને આ વાત નકામી લાગી. તેણે મોં મચકોડી કહ્યું, ''શું જરૂર છે ભેટ લઈ જવાની? આપણે હનીમૂન પર આવ્યા છીએ, કોઈ સરકારી પ્રવાસે થોડાં જ આવ્યાં છીએ?''
પતિને તેનું આ વર્તન સારું ન લાગ્યું. તે જાતે દુકાન પર ગયો અને પોતાની ઈચ્છા મુજબ બધાં માટે કશું ને કશું લઈ આવ્યો. આશા બધાં માટે કશું ને કશું લઈ આવ્યો. આશા ઈર્ષાની આગમાં સળગતી દુકાન બહાર જ ઊભી રહી.
આનાથી જુદી વાત મધુ અને તેના પતિ આલોકની છે. આલોકે મધુને કહ્યું, ''મમ્મીપપ્પા, ભાઈબહેન માટે કશું લઈ જવું જોઈએ.'' ત્યારે મધુએ તેની વાતમાં સૂર પુરાવી કહ્યું, ''હા, હું પણ એવું જ વિચારતી હતી.''
દુકાન પર જઈ તેમણે સાસુ માટે એક સરસ શાલ લીધી. સસરા માટે સ્વેટર, નણંદ માટે એક સૂટ, દિયર માટે એક ટીશર્ટ લીધું. એટલું જ નહીં એક વધુ ટીશર્ટ પણ પેક કરાવી લીધું. પછી અંદર ગઈ અને બીજું પેકેટ બનાવી આલોક જાણે નહીં તેમ પર્સમાં સેરવી દીધું.
ઘરે આવી સૌને તેમની ભેટ આપી ત્યારે બધાંને ગમી. રાત્રે જ્યારે બંને પોતાના રૂમમાં ગયા ત્યારે મધુએ પેલું પેકેટ કાઢી આલોકને આપ્યું. આલોક આશ્ચર્ય પામ્યો. ખોલીને જોયું તો સરસ મજાના કુરતા-પાયજામા હતાં, ''અરે! આ તેં ક્યારે લીધું, મને તો ખબર પણ ન પડી.'' તે એટલો ભાવવિભોર બની બની ગયો કે પત્નીને પકડી છાતીસરખી ચાંપી દીધી.
''તું ટીશર્ટ તો બે લાવી છે. કમલને તો તેં એક જ આપ્યું.'' આલોકે સવાલ કર્યો.
''તે હું મારા ભાઈ માટે લાવી છું.''
કેટલીક પત્ની ઈચ્છે છે કે લગ્ન પછી તેમના પતિ એકદમ બદલાઈ જવો જોઈએ. તેણે તેની મા, બહેન, બીજાં સગાંસંબંધી સાથેના બધા સંબંધ તોડી કાઢવા જોઈએ. પત્ની કહે તેમ રહેલું. કરવું જોઈએ. પત્નીઓની આ વિચારસરણી સાવ ખોટી છે.
જે માનવી પોતાનાં મમ્મીપપ્પા, ભાઈબહેન સાથે જન્મથી રહ્યો હોય છે તે નવી નવી પત્ની માટે એકદમ કેવી રીતે બદલાઈ જશે. સમય સાથે જરૂર ફેરફાર થશે.
પતિનો લગાવ સૌથી વધુ તેની માતા સાથે હોય છે. એટલે જો તમારે તમારા પતિને ખુશ રાખવો છે તો સૌ પહેલાં તમારી સાસુનું દિલ જીતવાનો પ્રયાસ કરશો.
નવા પતિ સાથે સંપૂર્ણ સમર્પિતના ભાવ સાથે રહેશો. પ્રેમની શરૂઆતમાં નખરાં કરવાં બરાબર નથી. થોડાંઘણાં ઠીક છે. વધુ કરવાથી ગરબડ ઊભી થઈ શકે છે.
પતિના અહમ્ને તોડવાના પ્રયાસ કદાપિ ન કરવા જોઈએ, પરંતુ સંપૂર્ણ સમર્પણના ભાવથી રહેવું જોઈએ. તેને વારંવાર વિશ્વાસ કરાવવો પડે કે જે તમે કહેશો તે મુજબ જ થશે. તેનાથી તેના અહમ્ને બળ મળશે. આમ કરવાથી તમે હારશો નહીં, તમારી જીત થશે. કારણ કે પતિના દિલને જીતવાનું સહેલું બની જશે. તમારા વિચારો સકારાત્મક (પોઝિટિવ) રાખશો તો બધાં કામ સરળ બની જશે. જેટલું તમે તમારા નવા નવા પતિની ઈચ્છા મુજબ કરશો એટલું તમે વધુ નજીક જશો. પરસ્પરનો પ્રેમ વધશે, તમારા દામ્પત્યજીવનના પાયા મજબૂત બનશે. કશું પામવા માટે કશું છોડવું પડે છે. થોડું સહન કરવું પડે છે ત્યારે જીવનમાં આનંદ મળે છે. આખરે પરિણામ એવું મળે છે કે તમે જેટલું ખોયું છે તેનાથી ઘણું વધુ મેળવ્યું છે.
- નયના


