૪૯ વર્ષના હરેશભાઈ એક ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર છે. ઘરમાં પત્ની અને બે બાળકો છે. ઘરમાં બધી જ જાતની સુખસગવડો છે. જીવનમાં જે મળ્યું છે તેનો તેમનો પૂરો સંતોષ છે, પરંતુ આજકાલ તેમનંું લગ્નજીવન ડામાડોળ થઈ ગયું છે. લગ્નજીવનમાં આવેલા આ તોફાનનું કારણ છે તેમની સેક્રેટરી સાથેના તેમના માનસિક અને શારીરિક સંબંધ. ઘરમાં કલેશ-કંકાસનું વાતાવરણ છે. પત્ની વાત વાતમાં સંભળાવે છે, ''ઘરમાં બૈરી અને જવાન છોકરાં હોવા છતાં તમને આવાં લફરાં કરતાં શરમ નથી આવતી?'' કંઈક આવો જ કિસ્સો એક સરકારી ઓફિસમાં ક્લાર્કનું કામ કરતા વિનોદ ભાઈનો છે. એમની સાથે કામ કરતા લોકો ઘણીવાર પીઠ પાછળ કહેતા હોય છે કે, વિનોદભાઈને પણ આ ઉંમરે શું સૂઝ્યું કે ઘરમાં પત્ની હોવા છતાંય જ્યાં ત્યાં મોં મારતા ફરે છે? એમને તો લોકલાજની પણ જરાય પડી નથી.''
આ બંને ઉદાહરણોમાં વર્ણવેલા પુરુષ એકબીજાથી ઘણા જુદા હોવા છતાં બંને બીજી સ્ત્રી સાથે માનસિક અને શારીરિક સંબંધ રાખનારા છે. એ વાત તદ્દન બરાબર છે કે આપણાં સામાજિક નીતનિયમો અને નૈતિક રીતે આવા સંબંધ જરાય યોગ્ય નથી, પરંતુ આપણે એની બીજી બાજુનોય વિચાર કરવો જોઈએ. હરેશભાઈને લાગે છે કે એમની પત્નીને એમની સાથે હવે પ્રેમ અને સેક્સમાં જરાય રસ નથી રહ્યો. નાજુક પળોમાં પણ દર વખતે કોઈને કોઈ બહાનું કાઢીને એ સંબંધ ટાળતી રહે છે. હરેશભાઈ કહે છે, ''તે તો ફક્ત પોતાના ઘરસંસાર, બાળકો અને ભૌતિક સુખથી જ ખુશ છે. એને મારી લાગણીઓની જરાય પડી નથી, જ્યારે હવે હું પ્રેમ અને સેક્સની જરૂર પહેલાં કરતાંય વધારે અનુભવું છું, એટલે જ મારી અનિચ્છા છતાં સેક્રેટરીનો સંગ મને ગમે છે.
વિનોદભાઈની સમસ્યા એ છે કે તેમની ગામડિયણ પત્નીને હવે સેક્સમાં જરાય રસ નથી રહ્યો. બાળકોના જન્મપછી તેને લાગે છે કે હવે આની જરૂર નથી. વિનોદભાઈ કહે છે કે, ''અમે પથારીમાં હોઈએ, ત્યારે પણ પત્નીનો વ્યવહાર એવો હોય છે, જાણે હું કોઈ નિર્જીવ વસ્તુ પર જબરદસ્તી કરી રહ્યો હોઉ. આ માનસિક અસંતોષ સહન ન થઈ શકતાં મારા પગ બીજી બાજું કંટાઈ જાય છે.
પુરુષોની વાતચીતમાં ઘણીવાર આ બાબત ચર્ચાનો મુદ્દો બની જાય છે કે ઉંમર વધ્યા પછી ઈચ્છાઓ અને લાલસાઓ તો વધી રહી છે પણ જાતીયસુખમાં હવે એક ધારાપણું આવી ગયું છે. અથવા તો સમાગમ વખતે પત્ની પહેલાં જેવો સાથ નથી આપતી. જો આ જ સ્થિતિ ૪૦ વર્ષ પછીનાં ૧૦-૧૫ વર્ષ સુધી ખેંચાયા કરે, તો સમસ્યા વધારે ગંભીર લાગે છે. આનાથી ઊલટું સ્ત્રીઓનું માનવું છે કે ઉંમરની સાથે સાથે પ્રેમ અને જાતીયસુખનું આકર્ષણ પણ ઓછું થવું જોઈએ અને એક ઉંમર પછી પુરુષો (પતિ) એ તદ્દન સંયમી બની જવું જોઈએ, પણ હકીકતમાં એવું બને છે ખરું?
સેક્સનો ઉંમર સાથે સંબંધ નથી
મુંબઇના એક સેક્સોલોજિસ્ટ ડૉ. માથુર કહે છે, ''ઉંમરની વાત કરીએ તો સેક્સને ઉંમર સાથે કશું લાગતું વળગતું નથી. માણસને જેમ ભૂખ અને તરસ લાગે છે, તેમ સેક્સની ઈચ્છા પણ થાય છે. મોટા ભાગે દરેક ઉંમરે સેક્સની ઈચ્છા થતી હોય છે. પુરુષની વાત કરીએ તો તે ૭૦-૭૫ વર્ષની ઉંમર સુધી સેક્સ માણી શકે છે, પરંતુ મહિલાઓની વાત કરીએ તો માસિક આવતું બંધ થાય તે પહેલાં જ તેમનામાં સેક્સ પ્રત્યે અણગમો અને ઠંડાપણું વધવા લાગે છે. આ અણગમો અને ઠંડાપણું માસિક બંધ થઈ ગયા પછી સ્ત્રીને ઘરડી અને નીરસ બનાવી દે છે, પરંતુ એ ધારણા એકદમ ખોટી છે કે માસિક બંધ થઈ ગયા પછી સ્ત્રી સેક્સ માટે લાયક નથી રહેતી અને સેક્સનો આનંદ માણી નથી શકતી. હકીકત તો એ છે કે પતિ-પત્ની આધેડ ઉંમરે પણ સેક્સનો ભરપૂર આનંદ માણી શકે છે. હા, એ માટે તેઓ તન-મનથી સંપૂર્ણ સ્વસ્થ હોવા જોઈએ, એમનામાં એકબીજા પરનો વિશ્વાસ અને આકર્ષણ પણ અકબંધ હોવા જોઈએ.''
ડૉ.માથુરના મતે એ વાત સો ટકા સાચી છે કે પુરુષને વશમાં રાખવામાં સુંદરતા અને આકર્ષણ બહુ મોટો ભાગ ભજવે છે. આ ગુણ કુદરતે આપ્યા જ હોય એવું જરૂરી નથી, સ્ત્રી પોતે પણ ગુણ કેળવી શકે છે, પરંતુ ઘણી ગૃહિણીઓ પોતાનાં રૂપ અને સુંદરતાની મૂડી જાળવવાની જરાય પરવા કરતી નથી, એટલી વહેલી ઘરડી દેખાવા લાગે છે. એની સાથે આત્મવિશ્વાસ અને સંબંધની હૂંફ જેવી વાતો પર પૂર્ણવિરામ મુકાય જાય છે. સંજોગો અને નકારાત્મક વાતાવરણ પણ મહિલાઓને સેક્સ તથા પ્રેમ પ્રત્યે અણગમો લાવી દે છે, જેના પરિણામે પુરુષ આમતેમ ફાંફાં મારવા લાગે છે,. આમ છતાં જો પુરુષ ઈચ્છે તો તેના લગ્નજીવનમાં પ્રેમ અને સેક્સને છેક સુધી જાળવી રાખી શકે છે, એટલું જ નહીં તે સંબંધોમાં વધારે મીઠાશ ઊભી કરી શકે છે. પતિ-પત્નીને વધતી ઉંમર અને માસિક બંધ થયા પછી પણ યુવાન સંવેદનશીલ, સજાગ અને સેક્સ પ્રત્યે જાગ્રત રાખી શકે છે. આ માટે પતિએ પત્નીમાં વિશ્વાસ જગાડવો જોઈએ. કોઈપણ સંબંધ વિશ્વાસના આધારે જ ટકેલો હોય છે, એટલે એને ડગમગવા ન દેવો જોઈએ.
ડૉ.માથુર કહે છે, તેમ પુરુષે જાતીયસુખ ભોગવતાં પહેલાં એ માટેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. ઉતાવળ કર્યા વગર ધીરજથી કામ લેવું જોઈએ. જો ૪૦ કે એ પછીની વયે લગ્નજીવનમાં પ્રેમ અને સેક્સમાં ઠંડાપણું આવવા માંડે, તો એ માટેનાં ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે, જેમ કે પતિ-પત્નીને એકાંત ન મળવું શારીરિક કે માનસિક બીમારી, માનસિક અકળામણ, ભય, તાણ, અસલામતી જેવી ભાવનાઓ સ્ત્રી કે પુરુષ દ્વારા સેક્સ માટે જરૂરી વાતાવરણ ઊભું ન કરવું, સ્ત્રી નોકરી કરતી હોય તો તેનું શારીરિક કે માનસિક રીતે તૈયાર ન હોવું, એકબીજાના સાથ અને પરસ્પરના વિશ્વાસનો અભાવ જેવી બાબતો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. જો કે આમાંથી કેટલીક સમસ્યાઓ લગ્નજીવનના કોઈપણ તબક્કે ઊભી થઈ શકે છે, પરંતુ મોટા ભાગે આ સમસ્યાઓ ઉંમરની સાથે ભ્રમ વધવાથી ઊભી થાય છે.
પારકી સ્ત્રીનું આકર્ષણ
ઘણા પુરુષોમાં 'ઘર કી મુર્ગી દાલ બરાબર' માનવાની વૃત્તિ પણ હોય છે. તેમને પોતાની પત્ની વાસી અને બીજી સ્ત્રીઓ તાજા ફૂલ જેવી દેખાય છે. ખરેખર તો આવી બાલિશ વિચારસરણીના કારણે જ પુરુષો જ્યાં ત્યાં મોં મારીને તકલીફોને નોતરે છે. સેક્સ સંબંધોની આદર્શ સ્થિતિ એ જ છે કે તે સંબંધ પતિ-પત્ની વચ્ચે જ રહે છે, જે દરેક રીતે યોગ્ય અને જરૂરી છે, નહીં તોે જાતજાતની શારીરિક અને માનસિક પરેશાનીઓની સાથે સાથે સામાજિક બદનામી પણ ઘેરી લે છે.
વધતી ઉંમરે પ્રેમ અને સેક્સમાં ઠંડાપણું આવવાને પરિણામે વૃધ્ધો દ્વારા છેડછાડ જાતીય શોષણ અને બળાત્કારની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે, માટે જ આધેડ સ્ત્રી-પુરુષોએ ઉંમર વધવા છતાં જ્યાં સુધી ઈચ્છાઓ અને શક્તિ જળવાઈ રહે, ત્યાં સુધી સેક્સને સામાન્ય રીતે જ લેવું જોઈએ, નહીં તો અસંતોષ ક્યારે શું કરાવી બેસે, તે કહી શકાય નહીં.
- અશોક


