કાચા કેળાંની પેટીસ .
- દાવત
સામગ્રી : કાચાં કેળાં ૭, આરારૂટ સવા કપ, કોથમીર ૧ ઝુડી, વાટેલા આદુ-મરચાં ૨ ચમચી, કાજુ ૮-૧૦, તલ ૨ ચમચી, ખાંડ ૩ ચમચી, ૧ લીંબુનો રસ, ગરમ મસાલો ૧ ચમચી, મીઠું પ્રમાણસર, કોપરાનું ખમણ ૫૦ ગ્રામ, કિસમિસ ૧૦-૧૨, વરિયાળી ૨ ચમચી...
રીત : - સૌપ્રથમ કેળાંંને બાફી નાખવા. પછી તેને છોલીને તેનો છુંદો કરવો. પછી તેમાં વાટેલા આદુ-મરચાં, તલ, કોપરાનું ખમણ, મીઠું, ગરમ મસાલો, કાજુ, કિસમિસ, વરિયાળી, લીંબુનો રસ અને ખાંડ નાખીને બરાબર હલાવવું. તેમાં આરારૂટ નાખીને બરાબર મિક્સ કરીને પેટીસ વાળી લેવી.
ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈને ગેસ ઉપર ગરમ મૂકીને તેમાં પેટીસને તળી લેવી. પછી ગરમ ગરમ પેટીસ ચટણી સાથે પીરસવી.
- કાચા કેળાંની પાનકી
સામગ્રી : કાચાં કેળાં ૭, આરારૂટ ૩ ચમચા, ખાટું દહીં દોઢ કપ, લીલા મરચાં ૬, ઘી ૩ ચમચા, રાઈ ૧ ચમચી, હિંગ ચપટી, આદુ-મોટો કટકો, કેળનાં પાન બે, કોથમીર પ્રમાણસર, મીઠું પ્રમાણસર જીરું, ૨ ચમચી, જીરું વઘાર માટે, લાલ આખા મરચાં.
- રીત : - કેળાંંને આખે આખા ગરમ પાણીમાં બાફવા. પછી તેની છાલ ઉતારીને છીણી નાંખવી. પછી આરારૂટ, દહીં, સમારેલી કોથમીર, લીલા મરચાં અને આદુ સમારીને તેમાં નાંખવા. પછી તેમાં વાટેલું જીરું નાખીને પાણી વટે પાતળું ખીરૂં બનાવવું.
ત્યારબાદ કેળાંના પાનના કટકા કરવા. તેની ઉપર થોડુંક ઘી લગાવવું. પછી તેની ઉપર તૈયાર કરેલું ખીરૂં લગાડવું. પછી તેની ઉપર બીજું કેળનું પાન મુકવું. ઉપર થોડું તેલ લગાડવું. પછી પાનકીને ધીમા તાપે બાફવી.
પછી એક કડાઈમાં તેલ લઈ ગેસ ઉપર ગરમ મૂકીને તેમાં રાઈ, જીરું હિંગ અને આખા લાલ મરચાંનો વઘાર કરીને તેમાં પાનકીના ટુકડા નાખીને વઘારવા. પછી તેને ચટણી અને, ચા સાથે પીરસવા.
- કાચા પાકા કેળાંની અવનવી વાનગીઓ
- ભરેલાં ગળ્યાં કેળાંં
- સામગ્રી : પાકાં કેળાં ૭, લીલા નાળિયેરનું ખમણ દોઢ ચમચો, ૫ એલચીનો ભૂકો, ખાંડ ૩ ચમચી.
- રીત : થ પાકાં કેળાં લઈને છાલ ઉતારીને તેના બબ્બે ઈંચના ટુકડા કરવા. પછી ચપ્પુવડે કેળાંમાં કાપા કરવા.પછી ખાંડ નાળિયેરનું ખમણ. મીઠું એલચીનો ભૂકો મિક્સ કરીને આ મસાલો કેળાંના કાપામાં ભરવો. પછી એક તપેલી લઈ તેમાં ઘી લઈને ગેસ ઉપર ગરમ કરીને તેમાં ભરેલાં કેળાંં નાખીને દસેક મિનિટ સુધી ધીમા તાપે ગેસ ઉપર રાખવું. પછી ગરમ ગરમ પીરસવા.
- કાચાં કેળાંંના મૂઠિયા
- સામગ્રી : થ કાચાં કેળાંં ૯, કોપરાંનું છીણ ૩ ચમચા, ૧ લીંબુનો રસ તેલ પ્રમાણસર, મીઠું પ્રમાણસર, કોથમીર ૧ ઝુડી, વાટેલા આદુ-મરચાં ૨ ચમચી, ખાંડ દોઢ ચમચો. સીંગનો ભૂકો ૨ વાટકી.
- રીત : કાચાં કેળાંંના છાલ સાથે ગોળ કટકા કરવા, પછી તેને ગેસ ઉપર ગરમ પાણીમાં બાફવા, કેળાંં બરાબર બફાઈ જાય એટલે તેની છાલ કાઢી નાખવી. પછી તેનો છુંદો કરીને માવો બનાવવો. માવામાં વાટેલા આદુ મરચાં લીંબુનો રસ, મીઠું સમારેલી કોથમીર અને સીંગનો ભૂકો નાંખીને હલાવવું. પછી તેના મૂઠિયાં વાળવાં. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં મૂઠિયા તળી લેવા. પછી ગરમાગરમ મૂઠિયા ચટણી સાથે પીરસવા.
કેળાંંનું શાક
સામગ્રી : કાચાં કેળાંં ૬, ૩ એલચીનો ભૂકો, કોથમીર ૧ ઝૂડી, મગફળીનો ભૂકો દોઢ ચમચો, કાજુ ૧૫ દાણા, દૂધ એક કપ, મરીનો ભૂકો દોઢ ચમચી, જીરૂ પોણી ચમચી, કોપરાનું ખમણ એક ચમચો, મલાઈ થોડીક, કિસમિસ ૧૫ દાણા, એક લીંબુનો રસ, ઘી પ્રમાણસર, મીઠું પ્રમાણસર.
રીત : કાચાં કેળાંંની છાલ ઉતારી નાખવી. પછી તેના નાના ટુકડા કરવા. પછી એક કડાઈમાં ઘી લઈને તેને ગેસ ઉપર ચડાવીને તેમાં જીરાનો વઘાર કરીને તેમાં કેળાંનાં કટકા વઘારવા. પછી તેમાં મીઠું અને મરીનો ભૂકો નાખીને અને શાકને ચડવા દેવું. પછી તેમાં સીંગનો ભૂકો, કોપરાનું ખમણ, કાજુ, કિસમિસ અને એલચીનો ભૂકો નાંખવો. એક વાસણમાં મલાઈ અને દૂધ ભેગા કરીને તેને ઝેરણી વડે વલોવી લેવું. પછી તેને કાચાં કેળાંંના શાકમાં રેડવું, પછી બધું ઉકળે એટલે નીચે ઉતારી લેવું. ઉપર સમારેલી કોથમીર ભભરાવવી. રાજગરાની પૂરી સાથે કેળાંંનું શાક પીરસવું.
-હિમાની