Get The App

રંગપર્વ : ગુલાબી લાગણીઓ અને વ્હાલપનો વસંતોત્સવ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
રંગપર્વ : ગુલાબી લાગણીઓ અને વ્હાલપનો વસંતોત્સવ 1 - image

- જીવનને રંગીન બનાવવું હોય તો એકબીજામાં ભળી જાવ અને ઉર્ધ્વગતિ કરવી હોય તો પણ પોતાના પૂર્વગ્રહોને છોડીને મૂળ સ્વરૂપે સમાઈ જાઓ. ઈશ્વર અને કુદરતની નિયતી પોતાની રીતે કામ કરતી રહેશે અને બધું જ ફુલગુલાબી કરી નાખશે. ફાગણ જ્યારે ફોરમતો આવે ત્યારે મનમાં અને લાગણીઓમાં લાલાશ આવતી જાય છે. તેને જ વ્હાપલનો સાચો વસંતોત્સવ કહેવાય છે. 

આજે હોળીનો પર્વ છે. આપણા માટે હોળી હવે માત્ર રજાનું કારણ અને એક અવિચારી ઉજવણીનો અવસર બની ગયો છે. હોળીમાં હવે સાત્વિકતા, સાધના, સાયુજ્ય અને સમજણ તથા સંવેદના ક્યાંક ધુમાડાની જેમ અલોપ થવા લાગ્યા છે. હવે હોળી માત્ર એક ઉજવણીનો ભાગ અને ખાસ કરીને બીજા દિવસે ઉજવવામાં આવતી અવિચારી ધુળેટીનો એક ભાગ બની ગયો છે. ધૂળેટી એટલે રંગપર્વ પણ આપણે તેને ભાંગપર્વ, શરાબપર્વ, ડ્રગ્સપર્વ અને અશ્લિલતાના એમ્બેસેડર સમાન તહેવાર બનાવી દીધો છે. વ્હાલપના વસંતોત્સવના વધામણા કરવાની જગ્યાએ વ્યાભીચારની છોળો ઉડાડવા લાગ્યા છીએ. રંગપર્વના મુખ્યત્વે બે ભાગ છે. એક હોળી અને બીજી ધૂળેટી. બંનેની ઉજવણી અને પરંપરાઓ અલગ છે. બંને પાછળના મહાત્મ્ય અને લાગણીઓ અલગ છે. ધામક રીતે જોઈએ તો બંને સાથે ભગવાન વિષ્ણુ સંકળાયેલા છે. એકમાં નરસિંહ તો બીજામાં કૃષ્ણ પણ તેનાથી વિશેષ તો આ તહેવારની લાગણીઓને સમજવી પડશે. 

હોળીની સાથે કાયમ ભક્ત પ્રહલાદ અને તેના પિતા હિરણ્યકશ્યપુની વાર્તા આપણે યુગોથી કરતા આવ્યા છીએ. આ વાર્તાનો સાર આપણને ધામક રીતે ખબર છે પણ વ્યવહારિક રીતે પણ તેના વિશે વિચાર કરવો જોઈએ. હિરણ્યકશ્યપુ કે પછી હોલિકાનો અંત શા માટે થયો તે વાર્તા આપણે જાણીએ છીએ પણ ખરેખર કેમ થયો તેના તરફ નજર કરતા નથી. આપણે બહારથી પ્રહલાદ જેવા થઈને ફરીએ છીએ પણ અંતરમનની સ્થિતિ જે ખરેખર તો હોલિકા જેવી છે તેને બતાવતા નથી અથવા તો બહાર લાવી શકતા નથી. તેના કારણે જ્યારે આપણા સંબંધો અને જીવતર એક એવા પડાવ ઉપર પહોંચે છે જ્યારે કોઈ એક જ બાબત બચી શકે તેમ છે ત્યારે આપણે પ્રહલાદ થવા મથીએ છીએ પણ આખરે સ્થિતિ હોલિકા જેવી થાય છે અને બધું ગુમાવીએ છીએ. 

સીધી ભાષામાં કહીએ તો આપણને ઘણા લોકો સામે વાંધા હોય છે, ઘણાથી તકલીફો હોય છે, ઘણા સામે પૂર્વગ્રહો હોય છે, વેરભાવ હોય છે, પોતાની જ વાત બીજા કેમ સાચી ન માને તેવું પણ સતત આપણે ઈચ્છતા હોઈએ છીએ. આ તમામ માન્યતાઓ હિરણ્યકશ્યપુના પ્રયાસો જેવી જ છે. આપણે શા માટે બીજાને કંઈક સાબિત કરવું અથવા મનાવવું પડે. આપણે ખરેખર સનાતન સત્ય જેવા હોઈએ તો લોકો આપણને સ્વેચ્છાએ સ્વીકારવાના જ છે. હોલિકા દહનની જ વાત કરીએ તો તેમાં પણ શું હતું. હોલિકાને પોતાની શક્તિ ઉપર પોતાની જાત ઉપર પોતાના વરદાન ઉપર ઘમંડ હતો. હિરણ્યકશ્યપ પોતાને ભગવાન માનતો હતો. પોતાને અજેય અને અમર માનતો હતો. આપણી તકલીફ પણ આવી જ છે. જ્યાં સુધી પરિસ્થિતિ આપણા ઈગો, આપણા પૂર્વગ્રહો અને આપણા ઘમંડને બાળતી નથી કે પછી કુદરત નરસિંહની જેમ આપણા પૂર્વગ્રહો અને ધારણાઓને ચિરવા મોકલતી નથી ત્યાં સુધી આપણે તામસી થઈને જ ફરીએ છીએ. આ તામસી વૃત્તિ જીવનના સાચા રંગોને ઉડાડી કાઢે છે. 

આપણે સતત એમ ઈચ્છીએ છીએ કે સામેની વ્યક્તિ મને સમજે, મારું માન જાળવી, હું કહું તેમ કહે અને હું ઈચ્છું તેમ જ થાય. આ હું પણાનું વરદાન લઈને જ્યારે સત્યની અગ્નિમાં પ્રવેશવાનું થાય છે ને ત્યારે આપણી સ્થિતિ હોલિકા જેવી જ હોય છે. વ્યક્તિ તેમાંથી બહાર નીકળે ત્યારે માત્ર ચિંથરેહાલ હું વધ્યો હોય છે જેને નથી સમાજ માન આપતો કે નથી તેને આત્મસન્માન જેવું કશું વધતું. બસ ચારે તરફ આક્રોશનો અગ્નિ પ્રજ્વલિત થયેલો દેખાતો હોય છે. તેના બદલે જો પ્રહલાદ જેવો પ્રેમ લઈને, સત્ય લઈને ફરીએને તો અગ્નિપરીક્ષાઓ સાવ રમતમાં પસાર થઈ જતી હોય છે. ત્યારે આપણે કોઈને પરાણે સ્વીકૃત થવું નથી પડતું પણ લોકો આપોઆપ આપણને પામવા અધિરા થાય છે. 

રંગપર્વના બીજા પડાવની વાત કરીએ તો તે છે ધૂળેટી. ધૂળેટી એક એવો પર્વ છે જેમાં માણસ એકબીજા ઉપર રંગ નાખે છે અને આનંદ કરે છે. માણસ તનને મેઘધનૂષી કરવા મથે છે. તનની સાથે સાથે મનને પણ મેઘધનૂષી કરવાનો આ પર્વ છે. બાળપણમાં જ્યારે સ્કૂલમાં પ્રકાશનું વક્રીભવન ભણવામાં આવતું હતું ત્યારે સ્વપ્નેય વિચાર નહોતો આવતો કે આ પ્રિઝમ ખરેખર શું સુચવે છે. ત્રિકોણાકાર કાચનું બનેલું આ સાધન પોતાના મનમાંથી પ્રકાશ આરપાર જવા દે અને બીજા છેડે સતરંગી દુનિયાનું સર્જન કરી દે. શ્વેત પ્રકાશમાં રહેલા સાત ઘટકોને વિવિધ સ્તરે અલગ પાડીને રજૂ કરી દે છતાં મનમાં તો એક જ ભાવ હોય. 

જાણીતા વૈજ્ઞાાનિક સર આઈઝેક ન્યૂટનને દીવાલની નાનકડી તિરાડમાંથી અંદર જતાં પ્રકાશને જોઈને તેના ઘટકો અલગ પાડવાની પ્રેરણા મળી હોવાની વાયકા છે. વાયકા જે હોય તે પણ તેમણે પ્રિઝમ દ્વારા સાબિત કરી બતાવ્યું કે, સફેદ દેખાતા પ્રકાશમાં ખરેખર સાત રંગો રહેલા છે. તેને પ્રિઝમમાંથી વક્રીભવન દ્વારા અલગ કરી શકાય છે. માણસના મન અને ચરિત્રનું પણ આવું જ છે. જો તે પારદર્શક હોય તો સંબંધોને મેઘધનૂષી કરવા માટે પૂરતું છે. તેના ઉપર પડતો પ્રેમનો પ્રકાશ બીજી બાજુ રહેલા સંબંધનોને સાત રંગોથી તરબતર કરી દે છે. માણસની લાગણીઓ મેઘધનુષી થઈ જાય છે. 

હોળીના રંગો જીવનમાં રહેલા વિવિધ રંગોને સાંકળીને કંઈક નવું જ ભાવવિશ્વ રચે છે. જેમ નવ રસ છે તેમ નવરંગો પણ છે. આ નવરંગો જીવનને રંગીન બનાવે છે. વ્યક્તિએ સંબંધો સાચવીને સપ્તરંગી બનાવવાના હોય છે. સાત રંગો ભેગા થઈને આપણામાં આવે ત્યારે જ જીવન રંગીન બને છે. આવું કરવા માટે આપણે ચારેતરફ કોઈપણ રંગ વગરના થઈને ફરવું પડે છે. કોઈની જાળવણીનો જાંબલી તો કોઈની નિખાલસતાનો નિલો અને કોઈની પાસેથી વ્હાલનો વાદળી તો ક્યારેક લાગણીઓનો લીલો અને ક્યારેક પીડાનો પીળો ક્યારેક નાનપનો નારંગી અને રાજીપાનો રાતો રંગ જીવનમાં ઉમેરીએ ત્યારે જ સ્નેહનો સંબંધ સપ્તરંગી થયા છે. આ દરમિયાન સત્યના સફેદ રંગને વળગી રહીએ તો જીવનના બાકીના રંગો આપોઆપ આપણી સાથે જોડાવાના જ છે જે નવા રંગોનું સર્જન પણ કરશે.

સામાન્ય રીતે વિચારીએ કે આપણે હોળી રમીએ ત્યારે સતત એક શબ્દ બોલતા હોઈએ છીએ કે, ફલાણી વ્યક્તિને રંગી નાખી અથવા તો ફલાણી વ્યક્તિને રંગી નાખીએ. આ રંગી નાખવું કે રંગાઈ જવું પણ એક અદભૂત લાગણી છે. કોઈના રંગે રંગાવું તે પણ આપણામાં રહેલી લાગણીઓનું પરિણામ છે અને કોઈ આપણા રંગે રંગાઈ જાય તો તેમાં પણ અલ્ટિમેટલી આપણામાં રહેલી સારી બાબતોનું જ પરિણામ છે. કોઈને આપણા રંગે રંગી કાઢવા અથવા તો આપણે કોઈના રંગે રંગાઈ જવું તે સંબંધોની ઉત્તમ અને અનિવાર્ય બાબત છે. આપણે જ્યાં સુધી પોતપોતાનો રંગ લઈને ફરતા રહીશું ત્યાં સુધી એક જ રંગના રહેવાના છીએ પણ જેવા કોઈ રંગ સાથે ભેગા થયા કે કોઈની રંગત લાગી ગઈ તો આપોઆપ જીવનમાં નવા રંગો ઉમેરાવાની શરૂ થઈ જશે. વ્યક્તિ જ્યારે બીજા રંગે રંગાય છે ત્યારે તે સ્વને છોડીને સમાનતાના ધ્યેય સાથે આગળ વધે છે. માણસને પણ જો બધાની સાથે ભળતા ન આવડે તો માત્ર પોતાનો મૂળ રંગ લઈને ફરતા રહેવાની સ્થિતિ આવે. જે દિવસે આપણે હોળીના હુતાશનમાં અહમની આહુતી આપીશું અને સત્યના સફેદ રંગ સાથે કોઈનામાં ભળી જઈશું ત્યારે આપોઆપ જીવન રંગીન થશે અને આપણી સાથે જોડાયેલા તમામ સંબંધો પણ હોળીની જ્વાળાની જેમ ઉર્ધ્વ ગતી જ કરશે.

જીવનને રંગીન બનાવવું હોય તો એકબીજામાં ભળી જાવ અને જો ઉર્ધ્વગતિ કરવી હોય તો પણ પોતાના પૂર્વગ્રહોને છોડીને મૂળ સ્વરૂપે સમાઈ જાઓ. ઈશ્વર અને કુદરતની નિયતી પોતાની રીતે કામ કરતી રહેશે અને બધું જ ફુલગુલાબી કરી નાખશે. ફાગણ જ્યારે ફોરમતો આવે ત્યારે મનમાં અને લાગણીઓમાં લાલાશ આવતી જાય છે. તેને જ વ્હાપલનો સાચો વસંતોત્સવ કહેવાય છે. આ પર્વ ઉજવવામાં ક્યાંર રંગી નાખવું અને રંગાઈ જવું એટલું જ સ્વાભાવિક હોવું જોઈએ જેટલું આકાશમાં વરસાદી બિંદુમાં સૂર્યના કિરણનું સમાઈ જવું અને મેઘધનુષ રચાવું. જીવનના સાચા રંગો તે જ સામે આવશે.