Get The App

પ્રોટીન વિરોધાભાસ : ઓવરડોઝના છૂપા જોખમ

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
પ્રોટીન વિરોધાભાસ : ઓવરડોઝના છૂપા જોખમ 1 - image

તાજેતરના વર્ષોમાં પ્રોટીન અનેક ડાયટ યોજનાનો આધારસ્તંભ બની ગયું છે અને તેને સ્નાયુ વિકાસ, વજન ઘટાડા તેમજ એકંદર આરોગ્ય માટે સૌથી શ્રેષ્ઠ પોષક ઘટક તરીકે બિરદાવવામાં આવ્યું છે. પ્રોટીન પાવડરો, સપ્લીમેન્ટ અને હાઈ-પ્રોટીન ડાયટ અતિશય લોકપ્રિય થઈ રહ્યા છે અને લોકો તેમના શરીરને ખરેખર જરૂર છે તેનાથી વધુ પ્રોટીન આરોગી રહ્યા છે.

જો કે હવે નિષ્ણાંતોએ વધુ માત્રામાં પ્રોટીન સેવન સામે લાલબત્તી ધરી છે અને ચેતવણી આપી છે કે આટલું પ્રોટીન લાભ કરતા હાનિ વધુ કરી શકે અને તેનાથી કિડની સમસ્યા, સોજા તેમજ આરોગ્ય સંબંધિત અન્ય સમસ્યા સર્જાઈ શકે. આથી જ ડાયટમાં માત્ર પ્રોટીનને પ્રાથમિકતા આપવાના સ્થાને પોષણશાસ્ત્રીઓ સંતુલિત આહારને મહત્વ આપી રહ્યા છે જેમાં તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મોજુદ હોય.

પ્રોટીનના અતિ સેવનના જોખમો

તાજેતરમાં યોજાયેલા એક મેડિકલ સેમિનારમાં નિષ્ણાંતોએ વધુ પ્રમાણમાં પ્રોટીન સેવનના વધતા ટ્રેન્ડ વિશે ચર્ચા કરી હતી. આ વલણ ખાસ કરીને યુવાનોમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. અનેક લોકો ફિટનેસ ટ્રેન્ડ અને ગેરમાહિતીથી દોરવાઈને તેમની પ્રવૃત્તિના સ્તર માટે ભલામણ કરાયેલ ૬૦થી ૮૦ ગ્રામ પ્રોટીનથી ઘણુ વધુ લગભગ ૧૨૫ ગ્રામ પ્રોટીન દરરોજ સેવન કરે છે. આ વધુ પ્રમાણમાં પ્રોટીન, ખાસ કરીને જ્યારે તે પ્રાણીજન્ય સ્રોતમાંથી મેળવાયેલું હોય ત્યારે કિડની સમસ્યા, સોજા અને ઓટોઈમ્યુન વિકૃતિ તરફ દોરી જાય છે.

વિશેષ કરીને પ્રાણીજન્ય સ્રોતમાંથી મેળવાયેલું પ્રોટીન ચરબી અને કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારીને હૃદય રોગ તેમજ આથેરોસ્ક્લેરોસિસની સમસ્યા સર્જે છે. પ્રોટીન શરીર માટે જરૂરી હોવા છતાં તેનું પ્રમાણ મહત્વનું છે. માટે ઉચ્ચ પ્રોટીન આહાર પર નિર્ભર રહેવાના સ્થાને નિષ્ણાંતો વનસ્પતિ જન્ય પ્રોટીનની અનેક વેરાયટી આહારમાં સામેલ કરવાની ભલામણ કરે છે જે વધુ પ્રમાણમાં ચરબીના વધારાના જોખમ વિના જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

વધુ પ્રોટીનની ગેરમાન્યતા ફગાવો

લોકોમાં એવી માન્યતા પ્રચલિત થઈ છે કે ઉચ્ચ પ્રોટીન ડાયટથી લાંબા ગાળે વજનમાં ઘટાડો અને ફિટનેસમાં વધારો શક્ય બને છે. જો કે રિસર્ચ એનાથી વિપરીત સુચવે છે. લાંબા સમય સુધી અતિ પ્રોટીનયુક્ત  આહાર વજન ઘટાડા અથવા ચયાપચય આરોગ્યમાં વધારો કરે તેવી માન્યતા પાછળ વૈજ્ઞાાનિક પુરાવા નથી. એનાથી વિપરીત વધુ પ્રમાણમાં પોટીન સેવન હાડકા અને કિડનીની સમસ્યા માટે કારણભૂત બની શકે તેવા પ્રમાણ મળ્યા છે.

આથી જ પ્રોટીનના સેવનમાં વધારો કરવા પર ધ્યાન આપવાના સ્થાને નિષ્ણાંતો સંતુલિત આહાર અપનાવવાની સલાહ આપે છે. આ હાંસલ કરવાની સરળ પણ અસરકારક રીત છે અનાજ અને કઠોળનું ત્રણથી એકના અનુપાતમાં સેવન કરવું. એનાથી શરીરને એમિનો એસિડનો પૂર્ણ સેટ મળશે અને કિડની અથવા પાચન ક્રિયા પર વધુ પડતો બોજ નાખ્યા વિના મહત્તમ આરોગ્ય માટે તમામ જરૂરી પોષક તત્વો પણ સુનિશ્ચિત કરી શકાશે.

પોષક તત્વોના શોષણ માટે આંતરડાના આરોગ્યની ભૂમિકા

પોષણનું સૌથી વધુ ઉપેક્ષિત પાસુ છે આંતરડાનું આરોગ્ય, જે શરીર દ્વારા થતા પોષક તત્વોના અસરકારક શોષણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. આંતરડાનું નબળું આરોગ્ય પોષક તત્વોની ખામી માટે જવાબદાર બને છે, પછી ભલે વધુ પ્રમાણમાં પ્રોટીન અથવા અન્ય પોષક તત્વોનું સેવન કરાયું હોય.

નિષ્ણાંતોએ આંતરડાની નબળાઈના વધતા વલણ સામે ચેતવણી ઉચ્ચારી છે. આ એક એવી સ્થિતિ છે જેમાં પ્રોસેસ્ડ ખોરાક અને પશ્ચિમી ડાયટને કારણે આંતરડામાં લાભકારી બેક્ટેરિયાનું સંતુલન વિક્ષેપિત થયું હોય. આંતરડાના આરોગ્યમાં સુધારો કરવા અને પોષક તત્વોનું મહત્તમ શોષણ વધારવા પોષણશાસ્ત્રીઓ પ્રીબાયોટીક અને પ્રોબાયોટીક યુક્ત ખોરાક દૈનિક આહારમાં સામેલ કરવાની ભલામણ કરે છે. પરંપરાગત આથો લાવેલા ચોખા, શાકભાજી અને દહીં જેવા આથો લાવેલો ખોરાક આંતરડામાં લાભકારી બેક્ટેરિયાનું સંતુલન જાળવીને પાચન ક્રિયામાં સુધારો લાવે છે જેનાથી શરીર ખોરાકમાંથી પૂરતુ પોષણ મેળવવા વધુ સક્ષમ બને છે.

મોટી સમસ્યા : પ્રોસેસ્ડ ડાયટ અને પોષણની ખામી

પ્રોટીનના વધુ પ્રમાણમાં સેવન ઉપરાંત આધુનિક ડાયટની સૌથી મોટી સમસ્યા  છે પ્રોસેસ્ડ ખોરાક પર વધતો મદાર. વધુ પ્રમાણમાં પ્રોસેસ કરેલા નાસ્તામાં નમક, સાકર અને રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ વધુ હોય છે જે દૈનિક કેલરી સેવનના દસ ટકાથી વધુ હોય છે. ઉપરાંત આ ખોરાકના સેવનને કારણે ફળો, શાકભાજી અને કઠોળ આહારમાંથી બાકાત થઈ જાય છે. આહારમાં આવેલા આ પરિવર્તનને કારણે સ્થૂળતા, જીવનશૈલી સંબંધિત બીમારીઓ અને એકંદર નબળા આરોગ્યના દરમાં વધારો થયો છે.

આ મુદ્દાઓના સમાધાન માટે નિષ્ણાંતો પોષણ પરત્વે સર્વગ્રાહી અભિગમ અપનાવવાની ભલામણ કરે છે. એવો અભિગમ જે સપ્લીમેન્ટ અને પ્રોસેસ્ડ ખોરાકના સ્થાને આખા, પોષણયુક્ત ખોરાકને પ્રાથમિકતા આપે. પૂરતા પ્રોટીન, તંદુરસ્ત ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ સહિતના સારી રીતે સંતુલિત ડાયટથી વ્યક્તિઓ ટકી ન શકાય તેવી ડાયટ પદ્ધતિને અપનાવવા કરતા બહેતર લાંબા ગાળાનું આરોગ્ય મેળવી શકે છે.

બહેતર પોષણ વિકલ્પ પોષણની અપીલ

વધુ પ્રમાણમાં પ્રોટીન યુક્ત ડાયટની ઘેલછાએ સંતુલિત પોષણના વ્યાપક સિદ્ધાંતોને ઢાંકી દીધા છે. પ્રોટીન ભલે આરોગ્ય માટે જરૂરી હોય, પણ તેનું અતિ સેવન ગંભીર જોખમો સર્જી શકે છે. આરોગ્ય નિષ્ણાંતો વ્યક્તિઓને પ્રોટીન યુક્ત ભારે ડાયટની ફેશનના સ્થાને સંયમ, આંતરડાના આરોગ્ય અને આખા અનાજને પ્રાથમિકતા આપીને પોષણ પ્રત્યે તેમના અભિગમ વિશે ફેરવિચાર કરવાની અપીલ કરે છે. વધુ સંતુલિત અને માહિતીસભર ડાયટરી વ્યૂરચના અપનાવીને લોકો તેમના લાંબા ગાળાના આરોગ્યને જોખમમાં મુક્યા વિના સ્થાયી સુખાકારી હાંસલ કરી શકે છે.

- ઉમેશ ઠક્કર