યૌવનની સમસ્યા : યૌવનપિડિકા .
- આરોગ્ય સંજીવની
સુંદર ચહેરો એ વ્યક્તિની ખૂબસુરતી અને તેના વ્યક્તિત્વ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. આ સૌંદર્યને હણી નાખનાર અને સુંદરતામાં અવરોધક બનતા હોય ખીલ એ યુવાનીમાં ખૂબ મોટી બાધા યુવાનો માટે બને છે. યુવાવસ્થા એ માનવજીવનનો ખૂબ શ્રેષ્ઠ તબક્કો છે અને આ અવસ્થામાં જ આવા બાધક ખીલ સમસ્યારૂપે જોવા મળે છે. જેથી તેને ''યૌવનપિડિકા''ના નામે પણ ઓળખવામાં આવે છે. ખીલની ગાંઠ થવી, કાળાં ડાઘા પડી જવાં, ક્યારેક ખાડા પણ પડી જવાં વગેરે તકલીફો શરૂ થાય છે.
આધુનિક સમયમાં દોડધામભરી જિંદગી, તનાવમય વાતાવરણ, ભરપુર તેલ મસાલાવાળું ખાવાના શોખીન યુવાવર્ગને વાતાવરણ અને ઉંમરની અસર તથા હોર્મોન્સનાં ફેરફારોને કારણે આ સમસ્યા ખૂબ સતાવતી હોય છે.
યુવાવસ્થામાં કે કિશોરાવસ્થામાં અંત:સ્ત્રાવોનું ઉત્પાદન વધે છે. હોર્મોન્સમાં અનેક ફેરફાર થાય છે, અને જેના લીધે ત્વચાના તેલીયકોષોની પ્રક્રિયા વધી જાય છે. આયુર્વેદમાં ખીલ થવાના મુખ્ય કારણમાં કફ, વાયુ અને લોહીના બગાડને મુખ્ય માનેલ છે. આપણા શરીરની ત્વચામાં મેદપિંડો રહેલા છે. જે મોંની ત્વચામાં વધારે હોય છે. યુવાનીમાં પિત્તદોષની પ્રાધાન્યતા છે અને વધેલું પ્રિત લોહીને બગાડે છે. આ દૂષિત લોહી કફ સાથે ભળીને મોંના મેદપિંડોને પુરી દે છે. અને ખીલની ઉત્પત્તિ થાય છે. ખીલ મોટે ભાગે મોં, ક્યારેક છાતીની વચ્ચે, ક્યારેક પીઠ, ખભા કે ગળા ઉપર પણ થાય છે. આયુર્વેદમાં ખીલનાં વાતજ-પિત્તજ-કફજ-રક્તજ એમ ચાર પ્રકાર બતાવેલા છે.
હોર્મોન્સના ફેરફાર ઉપરાંત પેટ બરાબર સાફ ન થવું, કબજીયાત હોવી, અસંતુલિત આહાર, વધારે પડતા તીખાં-તળેલાં, અથાણાં, લીલા મરચાનો ઉપયોગ, ઉજાગરા, અપૂરતું પોષણ, અનુચિત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ, યુવાવસ્થામાં થતા હોય છે. અને આમ આવા સમયે ચહેરાને ખીલથી બચાવવા તત્કાલીક ઉપચાર શરૂ કરી દેવો જોઈએ. નહિંતર કેટલીક વાર ખીલના ડાઘ પુરી જીંદગી સુધી પણ રહી જતા જોયા છે.
સારવાર
(૧) જેમને કબજિયાતની સમસ્યા હોય તેમણે ત્રિફળા ચૂર્ણ રોજ રાત્રે ૧ ચમચી ગરમ પાણી સાથે લેવું જોઈએ. ત્રિફળા સેવનથી ત્રણેય દોષ સમાન અવસ્થામાં રહેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને જેથી વિરૂદ્ધ આહાર-વિહાર કદાચિત થઈ જાય તો પણ તે નડતરરૂપ થતો નથી.
(૨) મહામંજીષ્ઠાદિકવાથ ૫-૫ સન ની માત્રામાં સવાર-સાંજ લેવો જોઈએ.
(૩) ત્રિફળા ગુગળ નામની ગોળી ખીલ પર સારું પરિણામ આપે છે અને પરુ સામે રક્ષણ આપે છે. જેથી બે ગોળી બે વખત પાણી સાથે ભૂકો કરીને લેવી.
(૪) ત્વચાની સ્વચ્છતા માટે વારંવાર લીમડાનાં પાણીથી મોઢું સાફ કરતા રહેવું.
(૫) ગંધક રસાયણ, કૈસોર ગુગળ, આરોગ્યવર્ધીની વટી વગેરેનું સેવન પણ વૈદ્યની સલાહ અનુસાર કરી શકાય છે.
(૬) આહાર હંમેશા પૌષ્ટિક જ લેવો. જંકફૂડ, અથાણાં, લસણ, લીલા મરચા, તીખું-તળેલું વગેરે બંધ કરવું.
(૭) મેંદાની વસ્તુઓ ન ખાવી.
અપૂરતી ઊંઘ, ઉજાગરા, દિવસની ઉંઘનો ત્યાગ કરવો. ઘણી વખત માથામાં ખોડો હોય તો ખોડાના કારણે પણ ખીલ થતા હોય છે. તો પહેલા ખોડાને દૂર કરી ખીલનો ઈલાજ કરવો. ખીલની સમસ્યા માત્ર કિશોરીઓની જ છે એવું નથી. કિશોરોને પણ આ સમસ્યા હોઈ શકે છે. અને આ સમસ્યાને જડમૂળમાંથી મટાડતા વાર લાગે છે. જેથી ધીરજપૂર્વક ઉપચાર ચાલુ રાખવાથી આ સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
આ ઉપરાંત નીચેના પ્રયોગોથી પણ ખીલ માટે ઉપચાર કરી શકાય છે. જેમાં,
(૧) શિમળાનાં કાંટાને દૂધમાં વાટીને મુખ પર લગાવવાથી ખીલના ડાઘા દૂર થઈ ત્વચામાં નિખાર આવી જાય છે. આ પ્રયોગ ઓછામાં ઓછા ત્રણ દિવસ કરવો.
(૨) દૂધમાં મસુર વાટીને તેમાં ઘી મેળવીને સાત દિવસ સુધી લેપ કરવાથી ચહેરો કમળનાં પાનની જેમ સુંદર અને કોમળ બને છે.
(૩) અર્જુનની સૂકી છાલ અથવા મજીઠમાં મધ મીક્સ કરી મોઢા ઉપર લગાવવાથી ચહેરાના ખીલ તથા ડાઘા દૂર થાય છે.
(૪) રક્તચંદન, લોધ્ર, હળદર અને ગુલાબજળ આ ચારેયને સમભાગે લઈ લેપ લગાવવો પંદર મિનિટ સુધી રહેવા દઈને હુંફાળા પાણીથી મોં ધોઈ લેવું.
ઉપરોક્ત આયુર્વેદિક પ્રયોગોથી યુવાનોને યૌવનપિડિકાથી અવશ્ય મુક્તિ મળશે તે વાતમાં શંકાને સ્થાન નથી.
- જહાનવીબેન ભટ્ટ