ચિકિત્સા વિજ્ઞાાને માનવશરીરની ઘણી સમસ્યાઓ સમજીને એનાથી છુટકારો અપાવવાના ભરપૂર પ્રયાસ કર્યા છે. સ્ત્રીપુરુષ સમાન્ય રીતે એકસમાન રોગનો ભોગ બને છે, પરંતુ શારીરિક માળખાની દ્દષ્ટિએ મહિલાઓમાં કેટલાંક વિશિષ્ટ અંગો હોય છે. જે પુરુષમાં નથી હોતા. ગર્ભાશય, યોનિ, સ્તન, ઓવરી વગેરે વિશિષ્ટ અંગોમાં ઊભી થનારી સમસ્યાઓનો મહિલાઓએ ભોગ બનવું જ પડે છે.
કિશોરાવસ્થામાં પ્રવેશ કરતી યુવતીમાં માસિકધર્મની શરૂઆતની સાથે સાથે તેનામાં શારીરિક વૃદ્ધિ અને પરિવર્તનની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે. માસિકધર્મ શરૂ થાય અને નિયમિત આવે તે સ્ત્રી સંપૂર્ણ હોવાની નિશાની મનાય છે, પરંતુ માસિકધર્મમાં રક્તસ્ત્રાવનું વધુ અથવા ઓછું પ્રમાણ બંને સ્થિતિ સ્ત્રી કોઈ ગંભીર રોગનો ભોગ બની હોવાનો સંકેત આપે છે. પુખ્ત મહિલાઓ અથવા યુવતીઓમાં માસિકધર્મ અથવા રક્તસ્ત્રાવના અભાવને ચિકિત્સકીય ભાષામાં એમેનોરિયા અથવા ઋતુરોધ નામ આપવામાં આવ્યું છે. એમેનોરિયાના બે પ્રકાર હોય છેઃ
પ્રાઈમરી એમેનોરિયા અથવા ઋતુરોધની પહેલી સ્થિતિ ઃ આ પ્રકારમાં યુવતી અથવા ૧૬ વર્ષની કિશોરીને ઋતુસ્ત્રાવની શરૂઆત ન હોવા અંગે ફિઝિશિયન ડૉક્ટર કહે છે કે કેટલીક યુવતીઓનું શરીર વિકસિત થઈ જાય છે, પરંતુ ગર્ભાશય બાળક જેવું જ રહી જાય છે. યુવતીઓમાં ગર્ભાશયનો અભાવ પણ એમેનોરિયા એટલે કે ઋતુરોધનું કારણ ગણાય છે. માટે સામાન્ય સ્થિતિમાં જો ૧૫-૧૬ વર્ષની ઉંમર સુધી માસિકધર્મની શરૂઆત ન થાય તો ડોક્ટરનો અવશ્ય સંપર્ક કરો.
- જો મહિલા અથવા યુવતીમાં ગર્ભાશયનો અભાવ હોય અથવા એ અવિકસિત હોય તો એમાં ચિકિત્સાની અસર થતી નથી અને યુવતીને માતૃત્વનું સુખ પ્રાપ્ત થતું નથી.
એમેનોરિયાનું બીજું સ્વરૂપ એટલે સેકેન્ડરી એમેનોરિયાઃ આમાં શરૂઆતમાં માસિકધર્મ યોગ્ય અને નિયમિત સ્વરૂપે આવે છે, પરંતુ પાછળથી એ એક-બે માસ માટે અથવા એનાથી ઓછા અથવા વધુ સમય માટે અટકી જાય છે.
પરિણીત મહિલાઓમાં એમેનોરિયાનું એક કારણ સગર્ભાવસ્થા પણ હોઈ શકે છે. પરંતુ આ સ્થિતિ કુંવારી અથવા વિધવા મહિલાઓમાં ઊભી થાય તો ગંભીર બાબત ગણાય છે.
શારીરિક સ્વરૂપે મહિલાઓમાં સંપૂર્ણ પુખ્તતા હોવા છતાં એમેનોરિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે. જેમ કે ઋતુ પરિવર્તન, આબોહવા પરિવર્તન, સ્થાન અને કાર્ય પરિવર્તનના કારણે.
એમેનોરિયાનું એક કારણ ઓવરી ડિસઓર્ડર પણ હોઈ શકે છે. ઓવરીનું વ્યવસ્થિત તથા યોગ્ય રીતે કાર્ય ન કરવું. જેમ કે યોનિમાં ભીનાશનો અભાવ, હોટ ફ્લેશિઝ, રાત્રે અચાનક પરસેવો થવો આ તમામ લક્ષણો ઓવરી ફેલ્ચોર તરફ સંકેત કરે છે.
આ સિવાય કીમોથેરપિ અથવા રેડિએશન પણ ઓવરી ફેલ્યોરનું કારણ માની શકાય છે. આનાથી મહિલાઓ સેકેન્ડરી એમેનોરિયાનો ભોગ બને છે.
જો માસિકધર્મ નિયમિત હોય અને અચાનક એમાં વિધ્ન આવવા લાગે તો સ્પષ્ટ છે કે તમે સેકેન્ડરી એમેનોરિયાનો ભોગ બની રહ્યા છો. જો આવું બને અને તમે કુંવારા હો તો એ જરૂરી નથી કે શરીરની કોઈ આંતરિક સમસ્યાના કારણે તમે એમેનોરિયાનો ભોગ બની રહ્યા છો, પરંતુ કોઈ શંકા, ચિંતા એગ્જાઈટી લેવલ હાઈ થવું. વ્યસ્તતા અથવા શોક પણ એમેનોરિયાનું કારણ હોઈ શકે છે.
એ સિવાય એમેનોરિયાનાં નીચેનાં કારણો હોઈ શકે છેઃ
- હોઈપોથિલિયમ પિટયુટરી ડિસઓર્ડર
- એનોરેક્સિયા બુલીમિયા
- કોઈ ગંભીર રોગ
- વજનમાં ઘટાડો.
કુપોષણ : એવી યુવતીઓ અને મહિલાઓ જે ડાયેટિંગના નામે પોષકતત્ત્વો ખાવાના બંધ કરી દે છે એમને એમેનોરિયાની સમસ્યા થવા માંડે છે.
જરૂર કરતાં વધુ વ્યાયામના પરિણામે પણે એમેનોરિયાની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યા ખેલાડીઓમાં જોવા મળે છે. નશીલા પદાર્થો જેવા કે, કોફીન વગેરેનું સેવન અથવા વધારે પડતું ધૂમ્રપાન પણ સેકેન્ડરી એમેનોરિયાનું કારણ હોઈ શકે છે.
એક આયુર્વેદિક મતાનુસાર શરીરમાં વાયુની વૃદ્ધિની સેકેન્ડરી એમેનોરિયાને કારણે થઈ શકે છે. વધુ કડવા, ખાટા પદાર્થોનું સેવન ઋતુરોધનું કારણ બની શકે છે. એનાથી શરીરમાં લોહતત્ત્વની ઊણપ ઊભી થાય છે. પરિણામે મહિલાઓને એનીમિયા થઈ જાય છે.વધુ ઠંડાં પીણાં અથવા બરફ વગેરેનો ઉપયોગ પણ ઋતુરોધનું કારણ હોઈ શકે છે. કારણ કે એ વાયુવર્ધક છે. જે માસિકધર્મમાં વિધ્ન ઊભું કરે છે.
જો તમારું માસિક વ્યવસ્થિત આવતું હોય અને અચાનક રોકાઈ જાય તો પૌષ્ટિક ખોરાક, વ્યાયામ અને આરામ કરવાનું ફરીથી શરૂ કરી દો. આ સ્થિતિમાં કોઈ લોહવર્ધક સિરપનું સેવન કરવું લાભદાયી હશે, પણ એ લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો.
આ રોગનું કારણ વાયુ પણ માનવામાં આવે છે માટે માલિશ, યોગ્ય વ્યાયામ, કબજિયાત દૂર કરવાના ઉપાય, ગરમ પાણીમાં ટબબાથ અથવા હિપબાથ, રક્તવર્ધક પદાર્થો, માછલી, અડદની દાળ વગેરેનો ઉપયોગ યોગ્ય રહેશે.
જો માસિકધર્મ અટકી ગયા પછી તમારી ભૂખ ઘટી જાય, શરીરમાં આળસ રહેતી હોય, માથામાં દુખાવો રહેતો હોય, સ્વાસ્થ્ય સારું રહેતું ન હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો.
જો તમારું માસિક બંધ થઈ ગયું હોય તો ડરના માર્યા રક્તસ્ત્રાવ માટે દવાઓનો સહારો ન લો. કારણ કે શક્ય છે કે અંગોને આરામ આપવા માટે અથવા અન્ય કોઈ બચાવ માટે રક્તસ્ત્રાવ બંધ થયો હોય અને એ ખાસ પરિસ્થિતિનો અંત આવતાં જ ફરીથી શરૂ થઈ જાય.


