Get The App

કીમતી 'પશ્મિના' શાલની જાળવણી

Updated: Jan 2nd, 2023

GS TEAM


Google News
Google News
કીમતી 'પશ્મિના' શાલની જાળવણી 1 - image


મોંઘા અને લક્ઝુરિયસ મટિરિયલની વાત  થાય એમાં એક નામ કાશ્મીરની સ્પેશ્યલ  પશ્મીના શાલનું જરૂર આવે. બકરીના ઊનમાંથી બનતી પશ્મીના  નામની આ શાલ  દુર્લભ અને કીંમતી   છે. પશ્મીના  ડાયમન્ડ ફેબ્રિક અને એશિયાના સોફ્ટ  ગોલ્ડ તરીકે પણ ઓળખાય છે. પશ્મીના શાલ સૌથી નરમ અને પાતળી હોવા છતાં કડકડતી  ઠંડીમાં  સારો ગરમાવો  આપે છે. પશ્મીના શાલની કિંમત જેમ ખૂબ  હોય છે એમ એની જાળવણી પણ ખૂબ  સ્પેશિયલ  છે. કીમતી અને નાજુક એવી પશ્મીના શાલને સામાન્ય ફેબ્રિકની જેમ ટ્રીટ ન કરી શકાય. જો કે એની  સંભાળ બીજા કપડાંઓ કરતાં સરળ છે. જોેઈએ પશ્મીની શાલને જાળવવા  કરવા માટેની કેટલીક ટિપ્સ.

પશ્મીના  શાલ ખૂબ  ઉત્તમ ગુણવત્તાના કાશ્મીરી   ઊનમાંથી બનાવવામાં આવેછે એટલે એની ખૂબ નાજુક અને સારી રીતે કેર કરવાની જરૂર પડે છે. ફક્ત સાબુવાળા  પાણીમાં બોળી કાઢવાથી આ લક્ઝુરિયસ ઊનની બધી જ સોફ્ટનેસ ગાયબ થઈ જશે. પશ્મીના  શાલને નવશેકા પાણીમાં તમારા ફેવરિટ શેમ્પૂ વડે ધોવાથી અને કોઈ નુકસાન નહીં થાય અને શેમ્પૂ  પછી  કન્ડિશનર ફેબ્રિકને સુંવાળુ  રાખશે.

જો તમે તમારા બીજાં વુલન સ્વેટર્સની જેમ પશ્મીના શાલને  પણ બ્લીચ કરવા ચાહતા હો તો એ એની સોફ્ટનેસ છીનવી લેશે. શાલને ધોતી વખતે ક્યારેય નિચોવવી કે ઘસવી નહીં. આવું કરવાથી શાલનો  આકાર  તેમ જ પોત  બગડી જશે.

શાલને  સૂકવતી વખતે એને દોરી પર કે હેન્ગરમાં  ટાંગવાને બદલે ફક્ત પાથરીને રાખી દો અને કુદરતી  રીતે  હવામાં સુકાવા દો. આ શાલને  સૂર્યના તડકાથી  દૂર રાખો. એને જો ઈસ્ત્રી કરવી હોય તો એના પર બીજું  મલમલનું કપડું રાખીને ખૂબ ઓછી ગરમ આયર્ન એના પર ફેરવો.

પશ્મીના  શાલને કબાટમાં મૂકો ત્યારે એને બરાબર ઘડી વાળીને  ટિશ્યૂમાં કે પ્લાસ્ટિકના એરટાઈટ ડબ્બામાં ભેજ, તડકા અને ભીનાશથી  ખૂબ દૂર સાચવો.

શાલને સાચવીને કબાટમાં રાખતાં પહેલાં જરૂરી  છે કે તમે એના પરથી જ  બધા જ પ્રકારના ડાઘ કાઢી નાખો.  ખાસ કરીને  કોઈ ખાવાની ચીજના ડાઘ, કારણ કે  તેના  ડાઘ એકવાર બેસી ગયા પછી એ ફેબ્રિકની અંદર ઊતરીને એને નુકસાન પહોંચાડશે. એટલેપશ્મીના શાલને સાચવતાં પહેલાં અને સાફ કરીને મૂકવી.

પશ્મીના શાલને રાખતી વખતે એમાં ડામરની ગોળીઓ મૂકી શકાય તેમ જ એને જો ટિશ્યુમાં રાખવાના હો તો પેપર પર પર્ફ્યૂુમ છાંટી શકાય જેથી ફેબ્રિક સુગંધિત રહે.

પશ્મીના શાલનો ઉપયોગ વારંવાર નહીં પણ પ્રસંગોપાત જ કરો. અથવા તે બે-ચાર દિવસના અંતરએ ઓઢો.

પશ્મીના શાલને ક્યારેય પણ ખરબચડા ફેબ્રિક, મેટલ કે  ભારે અલંકારો  સાથે ન પહેરો.

શાલ કરતા કંઈક વધુ

ઓરિજિનલ પશ્મીનામાંથી ફક્ત શાલ જ બને છે, પણ પશ્મીનામાં સિલ્ક  મિક્સ કરીને હવે દુપટ્ટા, સાડીઓ, સ્કાર્ફ તેમ જ કુરતીઓ પણ મળતાં થઈ ગયાં છે. પશ્મીના  જેટલું પાતળું  અને સોફ્ટ  એટલી જ એની કિમત વધુ છે.  કાશ્મીરમાં  પશ્મીના મટિરિયલ પર દોરા વડે હેન્ડ-એમ્બ્રોઈડરી પણ કરવામાં આવે છે. એની એક શાલની કિંમત ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ રૂપિયા સુધીની હોય છે તેમ જ એ વજનમાં ૧૦ થી ૨૦ ગ્રામ જેટલી હલકી-ફૂલકી હોય છે.

Tags :