આ લો, વરસાદની સિઝન તો જતી પણ રહી, ઋતુ કેટલી ખુશનુમા થઈ ગઈ છે અને લાઈનબંધ તહેવારો પણ તૈયાર જ છે. દશેરા, દિવાળી, ક્રિસમસ, નવું વર્ષ એટલે કે તહેવાર જ તહેવાર. આવી તહેવારોની ઋતુમાં દરેક સ્ત્રી એવું જ ઈચ્છતી હોય છે કે તે આ વખતે પોતાના ઘરને નવો લુક આપે જેથી તેનું ઘર સ્વચ્છ અને સુંદર લાગે. જમીન પર ડાઘા ન દેખાય. બારીઓ, ટયૂબલાઈટો, પંખાઓ વગેરે પર ધૂળ ન જામેલી હોય. બધું જ નવું હોય એમ ચોખ્ખું ચકચકાટ લાગે. પણ તકલીફ એ છે કે તમારા ઘરના ફર્નિચર, જમીન, બારીઓ, સિંક, ટયૂબલાઈટો વગેરેને કેવી રીતે સાફ કરવામાં આવે કે જેથી સમય પણ ઓછો લાગે અને વસ્તુઓ પણ ચકચકાટ લાગે. તેને માટે એ જરૂરી છે દરેક સ્ત્રી પોતાના ઘરમાં સફાઈ અભિયાન શરૂ કરતાં પહેલાં એક યોજના બનાવી લે.
યોજનાના સાત મંત્ર
- એ નક્કી કરી લો કે ઘરમાં વાઈટ વૉશ કરાવવો છે કે નહીં. કરાવવો હોય તો કયા રૂમમાં કયો રંગ કરાવશો તે પણ નક્કી કરી લો. દિવાળીના લગભગ ૨૦ દિવસ પહેલા વાઈટવૉશ કરાવી લો. ધોળાવવાથી એ લાભ થાય છે કે જાળાં, ધૂળ-માટી વગેરે સાફ થઈ જાય છે અને દીવાલોનું નાનું-મોટું સમારકામ પણ થઈ જાય છે.
- જો વાઈટ વૉશ ન કરાવવો હોય તો તે તમારે જ નક્કી કરવું પડશે કે રૂમમાંથી બધો સામાન બહાર કાઢીને સાફસફાઈ કરવી છે કે પછી ઉપર ઉપરથી ઝાપટઝૂપટ કરવી છે.
- વાઈટ વૉશનું કામ તો કારીગર જ કરશે. પણ બારીબારણાં, પંખા, ફર્નિચર વગેરેની સફાઈ તો જાતે જ કરવી પડશે. ધ્યાન રાખો, એક જ દિવસમાં આખા ઘરની સફાઈ માથે ન ઉપાડશો. એક દિવસ બેડરૂમની તો બીજા દિવસે ડ્રોઈંગરૂમની, પછી બાળકોના રૂમની, ચોથા દિવસે કિચનની સફાઈ કરો. એટલે કે એક દિવસમાં એક જ રૂમની સફાઈ કરો.
- ઘરનાં બધાં જ સભ્યોની મદદ લો. બધી જવાબદારી તમારા પોતાનાં માથા ઉપર જ ન ઉપાડી લેશો.
- જે પણ સામાન ખરીદવો હોય તે પહેલેથી જ ખરીદી લો જેમ કે પડદા, સોફાના કવર, વોલ હેંગિંગ વગેરે.
- પ્રયત્ન એવો કરો કે રજાના દિવસે કામ શરૂ થાય જેથી બધાંની મદદ મળી શકે. ફ્રિજમાં એક દિવસ અગાઉ જ ખાવાનું મૂકી દો, ફક્ત ભાત અથવા રોટલી જ બનાવવાની બાકી હોય. ફ્રૂટ, રેડીમેડ ખાદ્યપદાર્થો પણ રાખી મૂકો જેથી સફાઈ દરમિયાન ભૂખ લાગે ત્યારે કંઈપણ બનાવવાની ઝંઝટ ન રહે અને સફાઈ એક મજબૂરી નહીં પણ આનંદદાયક કામ લાગે.
- ઘરનો ભંગાર જેમ કે બગડેલું મિક્સર, ઘડિયાળો, ધાતુના ડબાઓ, પેપરની પસ્તી વગેરેને કાઢીને ભંગારવાળાને આપી દો, જેથી સામાન મૂકવો માટે જગ્યા થઈ જાય.
સોફાના કાપડ અને કુશનોની સફાઈ
- જો તમે સોફાનું કવર બદલવા ન માંગતા હો તો ચિંતા ન કરો. સોફાના કવરની સફાઈ માટે એક કપ ગરમ પાણીમાં ૬ મોટા ચમચા કોઈ પણ ડિટર્જન્ટ પાઉડર અને ૨ નાની ચમચી એમોનિયા અથવા ટંકણખોર ભેળવી દો. ઠંડુ થયા પછી આ મિશ્રણને કોઈ મલમલના કપડાની મદદથી સોફાના કવર પર લગાવો અને હળવા હાથે ઘસો. ત્યાર પછી સ્વચ્છ પાણીમાં પલાળીને નિચોવેલા કપડાથી લૂછી નાખો. સુકાયા પછી સોફાનું કવર સ્વચ્છ દેખાશે.
- જો વેલ્વેટના કુશન ઉપર કોઈ ડાઘો પડી ગયો હોય તો ૧/૪ કપ હુંફાળા પાણીમાં ૨ નાની ચમચી એમોનિયા મિક્સ કરીને ડાઘાવાળા ભાગ પર લગાડીને જૂના મુલાયમ ટૂથબ્રશથી ઘસો, ડાઘો ગાયબ થઈ જશે.
પંખા, ટયૂબલાઈટ, બલ્બ અને સ્વિચબોર્ડની સફાઈ
- પંખાની ધૂળ ઝાપટીને સોપ સોલ્યુશનથી સાફ કરો. ત્યાર પછી તેની બ્લેડોની કિનારીઓ ઉપર મીણ લગાડો. મીણ પંખા પર ધૂળને જમા નથી થવા દેતું.
- ટયૂબલાઈટ અને બલ્બને પણ નીચે ઉતારીને તેના પર સોપ સોલ્યુશન લગાડીને સ્વચ્છ કપડાથી લૂછો. તેનાથી પ્રકાશ વધારે આવે છે.
- સ્વિચબોર્ડ પર કોલિન અથવા ઓલપર્પઝ ક્લિનિંગ એજન્ટ લગાડીને જૂના ટૂથબ્રશથી સાફ કરો. પછી સૂકા કપડાથી લૂછી નાખો. ઘણી વખત એવું જોવા મળે છે કે ઘર ચોખ્ખું હોય અને સ્વિચબોર્ડ ગંદુ હોય.
- ટીવીને પાછળથી સાફ કરીને તેમાં ૨-૩ નેફ્થાલિન બોલ્સ મૂકી દો, જાળાં અને જીવડાં નહીં થાય.
ફર્નિચરની સફાઈ
- લાકડાનાં ફર્નિચરની સફાઈ સરસવનું તેલ અને કેરોસીન મિક્સ કરીને કરો.
- લાકડાનાં ફર્નિચર ઉપર તમે જાતે પણ પોલીશ કરી શકો છો. તેના માટે ૧૦૦ ગ્રામ અળસીના તેલમાં ૧૦૦ ગ્રામ ટર્પેન્ટાઈન તેલ, ૫૦ ગ્રામ મેથિલેટેડ સ્પિરિટ અને ૫૦ ગ્રામ સરકો ભેળવીને મિશ્રણ તૈયાર કરો. તેને કોઈ મુલાયમ કપડાથી ફર્નિચર ઉપર લગાડો. સુકાઈ જાય પછી સૂકા મુલાયમ કપડાથી ઘસો. તેનાથી ફર્નિચરમાં ચમક આવશે.
- કાર્વિંગવાળા ફર્નિચરને સાફ કરવા માટે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરો. તે એવા ખૂણાઓમાંથી ધૂળ સાફ કરશે જ્યાં તમારી આંગળી પણ બરાબર પહોંચતી ન હોય.
- સનમાઈકના ફર્નિચર પર કોલિન લગાવીને સાફ કરો.
- લાકડાનાં ફર્નિચર પર પડેલા ઘસરકાઓ વદૂર કરવા માટે ઓલિવ ઓઈલમાં સરખા ભાગે મેથિલેટેડ સ્પિરિટ મિક્સ કરીને કપડાની મદદથી ઘસરકાવાળા ભાગ ઉપર ઘસો. તિરાડોને ભરવા માટે બજારમાં તૈયાર પદાર્થ મળે છે પણ નાની -મોટી નુકસાની માટે મીણને ઓગાળીને ભરી દો. પછી પોલીશ કરો.
- જો ફર્નિચર ઉપર પાણીના ડાઘા પડયા હોય તો ઓલિવ ઓઈલમાં થોડું મીઠું ભેળવીને ઘસો.
- લાકડાનાં બનેલા કબાટો અને ટેબલોનાં ખાનાઓમાં ભેજને કારણે દુર્ગંધ આવવા લાગે છે. એવી જગ્યાઓ ઉપર સૂકાના ચૂનાના કેટલાક ટુકડાઓ મૂકી દો. ચૂનો જ ભેજ ચૂસી લે છે.
- જો ફર્નિચરમાં ઊધઈ લાગી ગઈ હોય તો ઊધઈ મારવાનિી દવા તે જગ્યાએ લગાવી દો. ટર્પેન્ટાઈન ઓઈલ પણ કામમાં આવી શકે છે.,
- ચામડાના ફર્નિચરની સફાઈ માટે સેન્ડલ સોપ (બૂટ બનાવારાઓ પાસે મળી શકે) લગાડો. ચામડા ઉપર લાગેલા ડાઘા પેટ્રોલની મદદથી દૂર કરો.
- પ્લાસ્ટિકના ફર્નિચરને હૂંફાળા પાણીમાં સોપ સોલ્યુશન નાખીને સાફ કરો.
- રોટ આયર્નના ફર્નિચર ઉપર કાટ લાગી ગયો હોય તો તે જગ્યાને કેરોસીનથી સાફ કરી દો. પછી ગ્રીસ ચોપડી દો, કાટ ફેલાશે નહીં.
- લોખંડના ફર્નિચરને ગરમ પાણીમાં એમોનિયા નાખીને પણ સાફ કરી શકાય છે.
- વપરાઈ ચૂકેલી ચાની ભૂકીને પાણીથી એકવાર ધોઈને તડકામાં સૂકવી દો. તેની એક પોટલી બનાવીને તેના ઉપર સરસવના તેલના કેટલાંક ટીપાં નાખો અને તેને ફરનિચર પર ઘસો, લાકડાનું ફર્નિચર ચમકવા લાગશે.
સિંક, વૉશબેસીન અને ટાઈલ્સની સફાઈ
- સિંક અને વોશબેસીનમાં પણ બ્લીચીંગ પાઉડર બરાબર છાંટી દો. પછી બ્રશથી રગડો, એકદમ ચમકી જશે.
- ટાઈલ્સ પર ચમક લાવવા માટે કોઈપણ ટોયલેટ ક્લિનર જેમ કે હાર્પિક વગેરેને ટાઈલ્સ પર લગાડી દો અને થોડીવાર પછી ધુઓ, સાફ થઈ જશે.
- કિચનનો સ્લેબ સાફ કરવા માટે સોપ સોલ્યુશનને જૂના મોજા ઉપર લગાડીને ઘસો પછી સ્વચ્છ કપડાથી લૂછી નાખો.
તહેવારમાં આ રીતે ઘરને સજાવો
- મુખ્ય બારણાં પર તાજાં ફૂલોની માળાઓ લગાવો, રંગોળી બનાવો, જેથી પ્રવેશદ્વાર સુંદર લાગે.
- ઘરની અંદર લિવિંગ રૂમમાં કે એન્ટ્રેસ લોબીમાં એક મોટા બાઉલમાં પાણી ભરો. તેમાં તાજાં ગુલાબની પાંખડીઓ નાખોે અને ફ્લોટિંગ કેન્ડલ્સ લગાડો.
- દરેક રૂમમાં મુખ્ય ફર્નિચરથી તદ્ન અલગ એક હોય એવું એક ફર્નિચર મૂકો, તે લાકડાનું કે લોખંડનું હોઈ શકે.
- સુંદર લાગતા લીલા પાંદડાવાળા છોડવાઓ, જે રૂમમાં સારા લાગી શકે તેમની વચ્ચે કેટલાક સિલ્કના ફૂલો સજાવો દો, સુંદર લાગશે અથવા મોટા વૃક્ષોેની ડાળીઓને નાની નાની રંગબેરંગી ક્રિસમસ લાઈટથી શણગારી દો.
- બે બારીઓની વચ્ચે સામેની દીવાલ ઉપર એક મોટો મીરર લગાવી દો. તેનાથી બારીઓ જ બારીઓ હોવાનો ભ્રમ થશે.
- જૂના ડ્રેસિંગ ટેબલના અરીસાને લિવિંગ રૂમમાં આડો મૂકી દો અને તેના ઉપર નાની નાની સુંદર વસ્તુઓ અને નાનો લેમ્પ મૂકી દો, સારું લાગશે.
- બારી,મીરર કેસેટનું કબાટ અથવા નાનાં નાનાં કબાટો ઉપર આકર્ષક ગિફ્ટ રેપિંગ પેપર ચોંટાડો જેથી તે ફ્રેમ જેવું દેખાય.
- દાદર, જે ઘરની અંદર હોય, એટલે કે ડુપ્લેક્સ ટાઈપ ઘર હોય તો દાદરની વચ્ચે ટેરાકોટાની મૂર્તિઓ મૂકો. ઘંટડીઓ લટકાવી દો, ઈચ્છા હોય તો કોઈ રમકડું પણ લટકાવીમ શકો છો.
- જુદા રંગોથી દાદરને પેઈન્ટ કરાવો અથવા બજારમાં ચોંટાડવાના જુદા જુદા રંગોના અથવા તો રંગોળી ટાઈપ પોસ્ટરો ચોંટાડી દો.
- જમીન ઉપર પાથરેલા ગાલીચના ઉપર એક નાનો ગાલીચો પાથરો, સારું લાગશે.
- પડદા લગાડવાના રોડને કોઈપણ ઘેરા રંગથી પેઈન્ટ કરી લો.
- કેટલીક ખાસ પ્લેટો, જેને તમે વિશેષ પ્રસંગો માટે રાખી હોય તેને દીવાલ ઉપર લટકાવી દો અથવા સ્ટેન્ડ ઉપર કલાત્મકતાથી સજાવો.
- કબાટનું બારણું ખોલવાના હેન્ડલ ઉપર કોઈ મોટું ફુમતાવાળું દોરડું લટકાવી દો.
- તમારા સુંદર દુપટ્ટાને કોઈ એક બારીના પડદા તરીકે લગાવો.
- કૂંડાઓને સુંદર રંગોથી રંગી લો.
- રૂમનો કોઈ ભાગ, જેને તમે હાઈલાઈટ કરવા માંગતા હો, ત્યાં વૉલપેપર લગાડી દો.
- બાથરૂમની બારીઓ પર પડદા લગાવવાને બદલે સુંદર ઍડહેસીવ પેઈન્ટિંગ કાચ ઉપર લગાડો.
બારી બારણાની સફાઈ
- બારીઓના કાચ આગળ અને પાછળ એમ બંને તરફથી સાફ કરો. તેને માટે વિન્ડો ક્લિનરનો ઉપયોગ કરો અથવા એક ગેલન પાણીમાં ૨-૩ ચમચા સરકો મિક્સ કરીને તેનાથી કાચ ધુઓ અને જૂના અખબારથી સાફ કરો. બારીઓના કાચ ચમકવા લાગશે.
- કાચને ચૂનો ભેળવેલું પાણી અથવા સમુદ્રી ફીણથી સાફ કરી શકો છો. કાચ ચમકવા લાગશે.
- બારણાંને સોપ સોલ્યુશનથી સાફ કરીને ફર્નિચર ચમકાવવાનું પોલીશચ લગાડી દો.
ફ્લોરની સફાઈ
- આમ તો ફ્લોરની સફાઈ ઘરમાં રોજ જ થતી હોય છે પણ જો ફ્લોર પર ડાઘા પડી ગયા હોય તો તેને કાઢવા માટે સોેડા બાય કાર્બોનેટ થોડા પાણીમાં મેળવીને પેસ્ટ બનાવો અને ડાઘાવાળી જગ્યાએ લગાડો, ફ્લોર ચોખ્ખું થઈ જશે.
- માર્બલ અને ટાઈલ્સવાળા ફ્લોરિંગની સફાઈ કરતી વખતે કોેઈપણ ખરબચડું ક્લિનર ન વાપરો. ગરમ પાણીમાં એમોનિયા નાખીને સાફ કરો. થોડું બ્લીચ નાખીને નાયલોન બ્રશથી ઘસો.
- વિનાયલ ફ્લોર હોય તો તેને ચમકાવવા માટે બજારમાં મળતું મીણનું લીક્વીડ લઈ આવો. ૧ લીટર ગરમ પાણીમાં ૧ ચમચો સરકો નાખો અને ફ્લોર ઉપર ફેલાવો. તેને લૂછીને સ્પંજની મદદથી મીણવાળું મિશ્રણ પાથરો અને લૂછો.
- ઓટલો કે ફરસ બાથરૂમની ફરસ કે રસોડામાં ગટરની પાસે જો લીલ જામી ગઈ હોય તો રાત્રે ત્યાં બ્લીચીંગ પાઉડર છાંટી દો અને સવારે સળીઓવાળા ઝાડુ અથવા નાયલોનવાળા બ્રશથી ઘસીને સાફ કરી દો. ફ્લોર ચમકવા લાગશે.
વાસણોની સફાઈ
- પિત્તળનાં વાસણોને ચમકાવવા માટે લીંબુનો રસ અથવા સફેદ સરકામાં સોડિયમ કાર્બોનેટ મિક્સ કરીને લગાડો. પછી બ્રશથી ઘસો, ચમકી જશે.
- તાંબાની વસ્તુઓ અને વાસણોની સફાઈ માટે પીતાંબરી પાઉડર લઈ આવો. વાસણને વિમથી સાફ કરી લીધા પછી આ પાઉડરને એક પોલીથીન પર મૂકીને તાંબાના વાસણ ઉપર ઘસો, વાસણો ચમકવા લાગશે.
- નોનસ્ટિક વાસણો ઉપર પડેલા ડાઘને દૂર કરવા માટે ૧ કપ પાણી ડાઘાવાળા વાસણમાં નાખો. તેમાં અડધો કપ સરકો અને ૧ ચમચો ખાવાનો સોડા નાખીને ૧૦ મિનિટ ઉકાળો. વાસણમાંથી ડાઘ નીકળી જશે.
- પ્રેશરકૂકરને સાફ કરવા માટે તેમાં અડધું લીંબુ અને એક મોટો ચમચો સરકો નાખો અને અડધા કુકરને પાણીથી ભરી દો. સીટી વગાડો. પ્રેશરકૂકર સાફ થઈ જશે.
- લોઢાના તવા અને કઢાઈને પણ પીતીંબરી પાઉડરથી સાફ કરો.
- ચાંદીના વાસણોની સફાઈ માટે તેના પર ટૂથપેસ્ટ ઘસો. વાસણ સાફ થઈ જશે. જો ખૂબ ગંદા હોય તો ઊકળતાં પાણીમાં પલાળીને સાફ કરો.
આ ઉપરાંત રસોડામાં વપરાતાં ઈલેક્ટ્રોનિક સાધનો જેવાં કે ફ્રિજ, ઓવન, માઈક્રોવેવ, ટોસ્ટર, મિક્સર, તંદૂર વગેરેની પણ સફાઈ કરો.
ઉપરની મુખ્ય વસ્તુઓ ઉપરાંત ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેની સફાઈ ફક્ત તહેવારોમાં જ થાય છે જેમ કે ઘોડો. ઘોડામાં મૂકેલી ઉપયોગમાં ન આવવી વસ્તુઓને ફેંકી દો અથવા ભંગારવાળાને આપી દો અને જે પણ સામાન ત્યાં મૂક્યો હોય તેનું એક લિસ્ટ બનાવી લો. લેમ્પશેડ્સ અને સજાવટના બીજા સામાનને સાફ કરો. પડદાને ધોઈને પ્રેસ કરીને જ લગાડો.
બાથરૂમમાં લગાડેલા પ્સાસ્ટિકના પડદા, જૂના સોપ કેસિસ જેમાં ચારે બાજુ સાબુ ચોંટી ગયો હોય, જૂના ટંબલર, તૂટેલી ડોલો, તૂટેલાં ફૂટેલા કૂંડા વગેરેની જરૂર ન હોય તો ફેંકી દો અથવા સાફ કરીને જ વાપરો. કૂંડા ઉપર પોલિશ કરો. કિચનની બારીની જાળી, એક્ઝોસ્ટ ફેન વગેરેને સાફ કરો. એટલે કે સફાઈ કરીને ઘરનો ખૂણેખૂણો સુંદર બનાવી દો. જેથી લોકો કહી શકે કે વાહ, થઈ ગઈ ઘરની કાયાપલટ.


