Get The App

સગર્ભા સ્ત્રી આહારમાં આટલી કાળજી જરૂર રાખે

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
સગર્ભા સ્ત્રી આહારમાં આટલી કાળજી જરૂર રાખે 1 - image

- આરોગ્ય સંજીવની

ગર્ભવસ્થ શિશુ પોતાનું પોષણ માતાના શરીરમાંથી માતા સાથે જોડાયેલા નાળ દ્વારા મેળવે છે. અમુક બેન સગર્ભા છે તે ખબર પડતાં તેને જે ખાવું હોય તે ભલે ખાય, અગર બરાબર આજે નહિતર બાળકને પૂરતું પોષણ નહીં મળે, વગેરે જેવી સલાહ આપવામાં આવે છે. પણ અહીંયા જ પહેલી ભૂલ થાય છે કેમ કે બાળકના શરીરની વૃદ્ધિ ચાર માસ પૂરા થતા બાદ ઝડપથી થવા લાગે છે. ચાર માસના અંત સુધી તો ગર્ભસ્થ શિશુ કદમાં માત્ર ચાર પાંચ ઈંચ જેટલું જ હોય છે તો એને કેટલું પોષણ જોઈએ ? એક સમજવા જેવી વાત એ છે કે ચાર માસ પૂરા થયા પહેલાં ગર્ભસ્થ શિશુને માટે ખાસ કોઈ જ વધારે ખોરાક લેવાની જરૂરત પડતી નથી. કેટલીક સ્ત્રીઓને શરૂઆતમાં ઊલટી થાય અગર ઉબકા આવતા હોય છે તથા અમુક ખોરાકની વાસ આવતા અકળામણ થાય છે. આમ થવાના કારણોમાં મુખ્ય કારણ માનસિક છે. જેમ કે ગભરાટ, નવા ઘરમાં બરાબર ટેવાઈ નહોય ચિંતા વગેરે આ ઉપરાંત નાળનું સ્થાપન સ્થિર ન થાય ત્યાં સુધી પણ તથા શારીરિક નબળાઈને કારણે પણ થાય. વિટામિન બી અથવા થાયામીનની ખામી હોય તો પણ આમ બની શકે એવી તકલીફ હોય તો વિટામિન બી વધુ લેવું જોઈએ. આ માટે ડૉક્ટરની સલાહ હિતાવહ છે. આ સમયગાળાને ગર્ભાવસ્થાના પ્રથમ તબક્કા તરીકે ગણવામાં આવે છે. કામમાં રત રહેતી સ્ત્રીઓને તથા તંદુરસ્ત સ્ત્રીઓમાં આવી તકલીફનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

માનસિક નબળાઈવાળી સ્ત્રીઓ ઘણીવાર આવી પરિસ્થિતિમાં મૂંઝવણ અનુભવે છે, વળી સારા વિચાર, ખોરાક, આરામ વગેરેની અસર નવજાત શિશુ પર પણ અનુકૂળ જોવા મળે છે. પાંચમો મહિનો બેઠા બાદ સ્ત્રીને ભૂખ પણ જરા વધુ લાગવા માંડે છે તથા ગર્ભસ્થ બાળક પણ વૃદ્ધિ પામવા માંડે છે. શરીરની વૃદ્ધિ માટે પ્રોટીન, હાડકાની વૃદ્ધિ માટે કેલ્શિયમ તથા ફોસ્ફરસ વધુ લેવું જરૂરી છે. તેથી આવા પોષકતત્વો વધુ મળે તેવો ખોરાક લેવો જોઈએ. પ્રોટીન માટે દૂધ તથા દૂધની બનાવટો, કઠોળ પલાળેલા, ઉગાડેલા, અનાજની આથો આવેલા લોટ કે ખીરાની વાનગીઓ, મગફળી, દાણાવાળા લીલા શાકભાજી વગેરે વધારે લેવા. 

કેલ્શિયમ માટે : દૂધ, દૂધની બનાવટો, બાજરી, બાવટો, સૂકા ફળો, કઠોળ વગેરે વધારે લેવા.

ફોસ્કરસ માટે : દૂધ તથા દૂધની બનાવટો, સૂકાં ફળ, શીંગોડા, મેથી, મૂળો વગેરે.

આ ઉપરાંત પાણી દ્રાવ્ય વિટામીનો રોજબરોજ સારા પ્રમાણમાં લેવા કેમ કે એવા વિટામીનોનો શરીરમાં સંગ્રહ થઈ શકતો નથી. આવા વિટામીનોમાં 'બી જૂથ' તથા 'સી' આવે. આ સમય દરમિયાન પેટ સાફ રહે તો ઘણું જ જરૂરી હોવાથી પેટ સાફ થવા માટે રેસાવાળા શાક, છોડવાળા કઠોળ, ફળ વગેરે વધુ લેવા તથા પ્રવાહી પણ ઠીક ઠીક લેવું.

આમ બીજો તબક્કો પાંચથી સાત મહિનાનો ગણાય એ યાદ રાખવું જરૂરી છે કે આ આખા નવ મહિનામાં માતાના મૂળ ખોરાકમાં માત્ર ૨૦%નો જ વધારો થાય છે. આ ઘણા ભૂલી જઈને વધુ ખાઈ ખાઈને જાડા થાય છે અને બાળક વધુ પડતું જાડું થાય તો તેનો સાદા પ્રસવથી જન્મ ન થતા સીઝેરીયન કરવું પડે છે, જે સહેજ ધ્યાન રાખવાથી ટાળી શકાય. વળી બાળકનું જન્મ્યા પછી એકાદ કિલો વજન વધારવું કંઈ મુશ્કેલ નથી. વળી બાળક ભારે થઈ જતા માતા છેલ્લા દિવસોમાં ઘણો જ ભાર લાગવાથી સતત બેચેન રહે છે જે તેના તથા બાળક બંને માટે સારું નથી.

ગર્ભસ્થ શિશુનો  વિકાસ પાંચથી સાત મહિનામાં ઝડપથી થાય છે. તેથી આ ગાળા દરમિયાન સગર્ભા સ્ત્રીએ ખાસ ધ્યાન રાખીને સમતોલ આહાર લેવો જોઈએ. એમાં ખાસ પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ તથા વિટામિનો સારા પ્રમાણમાં લેવા જોઈએ.

જમ્યા બાદ થોડો આરામ અને તે પણ ખાસ કરીને પગ જરા ઊંચા રાખીને સૂવાથી સારું પડે છે. થોડી ઘણી ચાલવાની કસરત પણ સારી રહે છે. તે ઉપરાંત થોડી બીજી કસરત ડૉક્ટરની રજા લઈને કરવી જોઈએ. આ સમય દરમિયાન અમુક પ્રકારની કસરતો કરવાથી પ્રસવ વખતે પણ સારું પડે છે. આ દિવસ દરમિયાન કબજીયાત ન રહે તે તે માટે રાત્રે સૂતા પહેલાં કેળું અથવા ગરમ દૂધ અથવા રોજિંદા ખોરાકમાં થોડા રેસા તથા છૂંછાવાળા ફળ અને શાકભાજી, કઠોળ વગેરે પણ બહુ સારા, પાણી જરૂરત પ્રમાણે પીવું, બહું વધારે કે બહું ઓછું ન પીવું.

વિટામિન ડી માટે સૂર્યના કુમળા તડકામાં થોડો વખત બેસવું અથવા ફરવું. કેમ કે સૂર્યના કિરણો ચામડી પર પડવાથી તેમાં રહેલી ઈરગોસ્ટીરોલ નામની ચરબી વિટામિન ડીમાં ફેરવાય છે. વાતાવરણ વાદળછાયું લાંબો સમય હોય તો થોડું કોડલીવર ઓઈલ લેવું અથવા અમુક ઋતુમાં ખાસ તડકો આપણા શરીર પર પડતો જ નથી હોતો તેવી ઋતુમાં કોડલીવર ઓઈલ લેવું.

ખોરાકની વાનગીઓ સુપાચ્ય તથા ઓછા મરી મસાલાવાળી હોય તેટલુ સારું. ઉપરાંત બહુ થાક ન લાગે તે જોવું જોઈએ. એકધાર્યું કામ કરવાનું ટાળવું. વચ્ચે બને તેટલો આરામ કરી લેવો. ખોટી ખોટી ચિંતા પણ ટાળવી. આમ કરવાથી વિપરીત અસર ગર્ભસ્થ શિશુ પર પડે છે. આથી જ કદાચ પ્રસવ વખતે દીકરીને માતાને ઘેર જવાનો રિવાજ રાખ્યો હશે.

આ અવસ્થા દરમિયાન ચારેક ગ્લાસ દૂધ અથવા તેટલા જ પ્રમાણમાં દૂધની કોઈપણ બનાવટ લેવી જોઈએ. સારા પ્રમાણમાં તાજા ફળ અને તે ન મળે તો સૂકા પણ લેવા જોઈએ. શાકભાજી પણ બને તેટલા કાચા, થોડા ચડાવેલા અથવા શાકરૂપે લેવા. અનાજ કઠોળ વગેરે બરાબર રંધાઈને ચઢી ગયેલા લેવા. કે કઠોળ ફોતરા (છોડા) સાથે ખાઈ શકાય તેવા હોય તે છોડા સાથે જ લેવા.

ઈન્ડિયન મેડિકલ રીસર્ચ કાઉન્સિલે સામાન્ય પુખ્તવયની સ્ત્રી માટે જે પોષણની જરૂરિયાત દર્શાવી છે ઉપરાંત સગર્ભા સ્ત્રીએ નીચે પ્રમાણે પોષક તત્વો લેવા જોઈએ.

કેલેરી જેટલી જોઈએ તે કરતાં + ૩૦૦ પ્રોટીન જેટલું જોઈએ તે કરતાં + ૧૦ લોહ ૪૦ મી.ગ્રામ

વિટામિન એ ૭૫૦ (૩૦૦૦ ઈ. યુનિટ) થાયામિન જેટલું જોઈએ તે કરતાં +૦.૨ નીકોટિનિક એસિડ જોઈએ તે કરતાં + રવિટામિન સી ૫૦ મી. ગ્રામ

ફોલિક એસિડ ૧૫૦ થી ૩૦૦ માઈક્રો ગ્રામ

વિટામિન-બી ૧.૫ મી. ગ્રામ

કેલ્શિયમ ૧૦ ગ્રામ.

હવે છેલ્લો તબક્કો જે ૮ થી ૯ મહિનાનો ગણાય. આ ગાળા દરમિયાન ગર્ભસ્થ શિશુની વૃદ્ધિ લગભગ પૂર્ણ થઈ ગઈ હોય છે, માત્ર તે વધુ મજબૂત થાય છે અને જે કંઈ વૃદ્ધિ બાકી હોય તે પૂર્ણ થાય છે. માટે આ ગાળા દરમિયાન આગળ જણાવેલા ખાદ્ય પદાર્થો યોગ્ય પ્રમાણમાં લેવા તથા બને તેટલું સામાન્ય કાર્ય તથા હલન ચલન ચાલુ રાખવા. આ ગાળા દરમિયાન ૧/૫% કેલોરીની જરૂરીયાત વધે છે.

માત્ર ખૂબ ભારે વજન ન ઉંચકવું તથા પડવા વાગવાથી સંભાળવું. ખોટી દોડા દોડી અને ધમાલ ન કરતાં શાંત જીવન જીવવા પ્રયત્ન કરવો. ધાર્મિકવૃત્તિ પણ મન શાંત કરવામાં મદદરૂપ બને છે.

એકધાર્યું આહારનું આયોજન સગર્ભા સ્ત્રીને ખોરાક પ્રત્યે અણગમો ઉત્પન્ન કરી શકે, તો એ અંગે પણ ધ્યાન રાખવું જોઈએ. બરાબર રાંધેલો થોડો થોડી નવીનતાવાળો, જરા મનગમતો વાનગીઓવાળો આહાર તેનું મન આનંદમા રાખે છે.

-  જ્હાન્વીબેન ભટ્ટ