યુવાવસ્થામાં પ્રવેશતાં જ યુવતીઓનાં મનમાં તેના સપનાના રાજકુમારની છબી બનવા માંડે છે. અહીં અમે તમને કેટલીક ટિપ્સ આપીએ છીએ, જેના દ્વારા તમને જોવા આવેલા છોકરાના હાવ ભાવ અને શારીરિક બનાવટથી તેના સ્વભાવ વિશે તમે ઘણું બધું જાણી શકો છો.
- આંખ : જ્યારે કોઈ છોકરો તમને જોવા આવે ત્યારે શરમાઓ જરૂર પણ એકવાર તેના ચહેરા તરફ નજર કરીને જુઓ. જો તેની આંખો ચમકદાર, કાળી અને સુંદર હોય, તેમાં ગંભીરતા દેખાય તો એ કોઈપણ વિષયમાં સમજી વિચારીને નિર્ણય લેનારો અને બુદ્ધિશાળી હશે. સાથે જ આવી આંખ તેના સારા સ્વાસ્થ્યને પણ દર્શાવે છે.
જો છોકરાની આંખો બિલાડીની આંખો જેવી નાની અને આમ તેમ જોયા કરે એવી હોય તો સમજવું કે તે ચાલાક અને સ્વાર્થી હશે.
વ્યક્તિની કોઈ વસ્તુ તરફ જોવાની રીત પણ તેના સ્વભાવ વિશે ઘણું કહી દે છે. તમને જોવા આવેલો છોકરો જો તમારું ધ્યાન ન હોય એ રીતે તમારી સામે જુએ અને તમારી નજર તેની તરફ જતાં તે બીજી તરફ જોઈ લે તો તે શરમાળ હોવાની સાથે રોમેન્ટિક સ્વભાવનો હશે.
જો તે ઘરમાં ચારે બાજુ નજર ફેરવીને ધ્યાનથી બધી વસ્તુઓ જુએ તો એ નિરીક્ષક સ્વભાવવાળો હશે.
વાત કરતી વખતે આમ તેમ જોયા કરવું એ પોતાના મનની વાત અને ભાવનાઓ છુપાડી રાખવાનું લક્ષણ છે. અને જો તેની નજર એકીટશે તમને જોઈ રહી હોય તો એ સારું ન કહેવાય.
- કાન : હવે જરા કાન પર ધ્યાન આપીએ, નાના, ચપટા અને વાંકા-ચૂંકા કાન સારા નથી મનાતા. આવા લોકો કંજૂસ અને લોભી પ્રકૃતિના હોય છે. અને પોતાનું કામ કરવા ગેરમાર્ગે વળી શકે છે.
જે છોકરાઓના કાન મોટા, સુડોળ અને થોડાં વાળયુક્ત હોય તેઓ પોતે મહેનત કરીને ખૂબ પૈસા કમાનારા ગણાય છે.
- નાક : જ્યારે નાકની વાત આવે તો આપણે કહી શકીએ કે નાક પણ મહદં્શે સ્વભાવ દર્શાવે છે. જો પોપટ જેવું થોડું વળેલું નાક હોય તો સમજવું કે છોકરો દિલફેંક, હાજરજવાબ અને હસમુખ છે. આવા લોકો પોતાની વાતોથી સામેવાળી વ્યક્તિને પોતાની તરફ આકર્ષી શકે છે અને રોમાંસ કરવામાં પણ તેમનો જવાબ નથી હોતો.
લાંબુ નાક ધરાવનાર બોલવામાં ચતુર હોવાની સાથે લાંબુ આયુષ્ય પણ ધરાવે છે. જ્યારે નાનું નાક હોય તેવા છોકરા અસ્થિર સ્વભાવના અને દરેક પળે નિર્ણય બદલનારા હોય છે. જાડા નાકવાળા આરામપસંદ અને આળસું હોય છે.
- કપાળ : પહોળા અને ઊંચા કપાળવાળી વ્યક્તિ ભાગ્યશાળી મનાય છે. આવા કપાળ પર રેખાઓ કે નસોેનું જાળું નથી હોતું. કપાળ પર જોર પડતાં રેખાઓ દેખાય તો સમજવું કે એ વ્યક્તિ કોઈપણ વિષયમાં ખૂબ સમજી વિચારીને નિર્ણય લે છે અને નાની નાની વાતમાં ચિંતા કર્યા કરે છે.
- હાથ : જે પુરુષોના હાથ પર ખૂબ વાળ હોય છે તો તેઓ સેક્સી અને રોમેન્ટિક હોય છે. અને આવા લોકો ભાગ્યશાળી પણ હોય છે. તેઓને આરામદાયક જીવન જીવવું વધારે પસંદ પડે છે. જ્યારે વાળરહિત હાથવાળા પુરુષો શરમાળ અને સંકુચિત સ્વભાવના હોય છે. આવા લોકો સફાઈપસંદ તેમ જ શિષ્ટ વ્યવહારવાળા પણ હોય છે.
એવી જ રીતે ચીકણા, ઊંચા પર્વત જેવા હાથવાળા લોકો ભાગ્યશાળી હોય છે. બરછટ હાથ જીવનમાં મહેનત અને સંઘર્ષનું સૂચન કરે છે. જો હાથની આંગળીઓ એક સમાન જાડી, લાંબી અને ચીકણી હોય તો એ વ્યક્તિ કળાપ્રિય અને હોંશિયાર હશે પણ જો આંગળીઓ ગાંઠોવાળી હશેતો એ વ્યક્તિ વિચાર કરવાવાળી ચિંતક અને દાર્શનિક પ્રવૃત્તિ ધરાવતી હશે.
- હસવાની રીત : જો તમને કોઈ છોકરો જોવા આવ્યો હોય તો વાતાવણ હળવું રાખવા માટે થોડી મજાક પણ થશે. આવામાં જ્યારે છોકરો હસે તો તમે તેના હસવાની રીત પર પણ ધ્યાન આપો. થોડું મોઢું ખોલીને મધ્યમ અવાજમાં હસવું એ સૌમ્ય સ્વભાવનું લક્ષણ છે અને આખું મોઢું ખોલીને જોર જોરથી હસવું સ્પષ્ટ વ્યવહાર અને ખેલદિલી વ્યક્ત કરે છે. પણ આવા લોકો થોડો દેખાડો કરવામાં પણ માનનારા હોય છે.
હસતી વખતે પોતાના શરીરને વધુ હલાવવું સારું નથી મનાતું. અને નાની નાની વાતમાં પણ હસ્યા જ કરે એવા લોકો પોતાના મનની વાત છુપાવવામાં કુશળ હોય છે. તેમના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું અઘરું છે. હસતી વખતે આંખો ફેરવવી અને આંખો બંધ કરીને હસવાવાળા લોકો ચાલાક, કપટી અને સ્વાર્થી હોય છે.
- વ્યવહાર : વાતચીત કરતી વખતે છોકરો તેના હાથ વધુ પડતા હલાવે અથવા પગ ઉપર પગ રાખીને બેસે તો સમજવું કે તે ખોટો દેખાડો કરવામાં માને છે. અને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા ઈચ્છે છે. કોઈ એમની વાતને મહત્ત્વ આપે એ વધુ પસંદ કરે છે. બેઠા બેઠા પગ હલાવવા, પોતાના હાથ મસળવા, આંગળીઓમાં પહેરેલી વીંટી ફેરવવી અથવા અનાવશ્યક રીતે વારંવાર આમ તેમ જોયા કરવું એ મનની મુંઝવણનું લક્ષણ છે. છોકરાનો આવો વ્યવહાર દર્શાવે છે કે તે આવા વાતાવરણમાં અનુકૂળતા નથી અનુભવી રહ્યો.
શાંત અને સૌમ્ય રીતે બેસીને ધીરે રહીને હળવું સ્મિત કરીને કાંઈ પૂછે અથવા જવાબ આપે તો એ છોકરો સામેવાળી વ્યક્તિની સારસંભાળ લેનારો, સમાજની પરંપરાઓ અને માન્યતાઓનું પાલન કરનારો હોય છે. સાથે જ બીજાની ભાવનારાઓનો પણ પૂરો ખ્યાલ રાખે છે.
બેસતી વખતે સોફાના બેક પર હાથ રાખવો કે હાથમાં પકડેલા સિગારેટ કેસને પંપાળતા રહેવું એ પણ સહાનુભૂતિપૂર્ણ સ્વભાવ દર્શાવે છે.
એવી જ રીતે ચા કે કોફીના કપને નજાકતથી પકડીને અને છરી કાંટાનો અવાજ કર્યા વગર ધીમે ધીમે ખાનારા લોકો શિષ્ટ અને સભ્ય હોય છે.
આનાથી વિપરીત ખાતી વખતે માત્ર ખાવા પર ધ્યાન આપનારા લોકો બિન્દાસ સ્વભાવના અને કોઈપણ વાતાવરણમાં પોતાને ઢાળી દે તેવા હોય છે.
આ રીતે હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓ પર ધ્યાન દઈને તમે જાણી શકો છો કે તમને જોવા આવેલા છોકરામાં તમારા સપનાના રાજકુમાર જેવા ગુણો છે કે નહીં.
- ઉમેશ ઠક્કર


