Get The App

કાબેલ પત્નીની આવડતને વખાણો .

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
કાબેલ પત્નીની આવડતને વખાણો                      . 1 - image

- પત્નીનું પતિથી વધુ સફળ હોવું પરસ્પરના પ્રેમને ક્યારેક ધિક્કારમાં બદલી નાખે છે પરંતુ  કેટલીક નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તે સંસાર સારો ચાલે છે

રાત્રે જેવો મેઘનાએ ઘરમાં પગ મૂક્યો ત્યારે ભવાં ચઢાયેલ રમણ તરત તેની નજીક આવીને ઊભો થઈ ગયો. તે ડ્રાઈવરને સવારે સમયસર આવી જવા માટે જેટલો સમય સૂચનો આપતી રહી, તેટલા સમય સુધી રમણ તેને ખાઈ જતી નજરોથી ઘૂરકતો રહ્યો. ડ્રાઈવરના ગયા બાદ મેઘના રમણને જોયા વિના પોતાના રૂમમાં ચાલી ગઈ. ગુસ્સો તો તેને પણ ખૂબ આવી રહ્યો હતો, પરંતુ તે ચુપ રહી. એક તો તે થાકેલી હતી. તે ઉપરાંત ૩ દિવસ બાદ એક કોન્ફરન્સમાં સિંગાપુર જવાનું હતું અને તે પહેલાં તેણે ત્યાં પ્રેઝન્ટ માટેના પેપર્સ પણ તૈયાર કરવાના હતા, વળી બીજી પણ અનેક પ્રકારની તૈયારીઓ કરવાની હતી. તેથી જ તે આ સમયે રમણ સાથે વાદવિવાદ કરવાના મૂડમાં હતી નહીં. આમ પણ રમણનો આ પ્રકારનો વ્યવહાર હવે તો સામાન્ય વાત થઈ ચૂક્યો હતો. જ્યારથી મેઘના તેના કરતાં વધુ સફળ થઈ રહી હતી, ત્યારથી તે વાતેવાતે તેને નીચી દેખાડવાના પ્રયત્નો કરતો હતો.

''આખરે પોતાની જાતને તું શું સમજે છે? કેવળ એક તું જ છે જે નોકરી કરે છે અથવા તો પછી અભિમાન થોડું વધુ ચઢી ગયું છે.'' ગુસ્સો ઠાલવતો રમણ રૂમમાં આવ્યો.

મેઘના તેમ છતાં ચુપ રહી. કશું કહીને પણ શું પરિણામ મળવાનું હતું. ઉપરથી વાત વધુ વણસતી.

''હું તારી સાથે જ વાત કરી રહ્યો છું. જવાબ આપ મને કે આટલું મોડું કેમ થઈ ગયું?''

રમણનું બોલવું નજરઅંદાજ કરીને મેઘના ચુપચાપ ટુવાલ ઉઠાવીને નહાવા ચાલી ગઈ. રમણ ખાસી વાર સુધી ત્યાં ઊભોઊભો બબડતો રહ્યો અને પછી તકિયો ઉઠાવીને બીજા રૂમમાં સૂવા ચાલ્યો ગયો.

બીજા દિવસે જ્યારે મેઘનાએ પોતાની વાત પોતાની દીદીને ફોન પર કરી ત્યારે તે બોલી, ''તારે રમણને જડબાતોડ જવાબ આપવો જોઈતો હતો. આખરે તે પોતાની જાતને સમજે છે શું? તું તેની ગુલામ નથી, કે તે હંમેશાં તારા પર હુકમ ચલાવતો રહે છે. હવે તો દિવસેદિવસે તેનું વર્તન ખરાબ થતું જઈ રહ્યું છે.'' દીદી ખૂબ જ ગુસ્સામાં હતી.

''દીદી, શું લાભ થશે તેને જવાબ આપીને? તેનાથી તો ઉપરથી વિવાદ વધશે જ. મને તો લાગે છે કે રમણ જ્યારે પણ ગુસ્સે થાય ત્યારે નજરઅંદાજ કરવો જ વધુ યોગ્ય છે. હું જાણું છું કે મારી કામયાબીથી તેનો અહમ્ ઘવાય છે, તેથી ચુપ રહેવું જ યોગ્ય છે. આપણા સમાજમાં તો પતિની સફળતા પર વાહવાહી કરવામાં આવે છે, પરંતુ પત્નીની સફળતા પતિની આંખમાં ખટકવા લાગે છે. હા, એ વાત અલગ છે કે તેને ઘરમાં રૂપિયા આવતા ખરાબ નથી લાગતા.'' મેઘના દુઃખી હૃદયે બોલી.

મેઘના રમણના વ્યવહારથી સ્તબ્ધ હતી, પરંતુ રમણ દ્વારા તેને વારંવાર ઉશ્કેરવા પર અને ખરીખોટી વાતો સંભળાવવા પર પણ તે તેની વાતોને નજરઅંદાજ કરવી જ ઉચિત સમજતી હતી. તેને થઈ આવતું કે પોતે પણ જો સામે બોલવા લાગશે તો ઘર લડાઈનું મેદાન બની જશે અને તે કદાપિ એવું ઈચ્છતી ન હતી.

બીજી તરફ લીલા છે. તે એક કંપનીમાં સીઈઓ છે, જ્યારે તેનો પતિ એક બેંકમાં બ્રાંચ મેનેજર છે. જોકે તે લીલા કરતા કોઈ વાતે ઊતરતો નથી, તેમ છતાં તે તેની સફળતાથી ચિડાય છે, જેનું પ્રમાણ તેની વાતો પરથી મળી જાય છે. પ્રત્યક્ષ રૂપે તો તે એવો જ દેખાડો કરે છે કે પોતે ખૂબ ખુશ છે, પરંતુ ક્યારેક-ક્યારેક એટલું ખરાબ વર્તન કરી બેસે છે કે લીલા પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે.

પરંતુ પોતાના પતિની વાતો સાંભળીને તે ચુપ બેસી નથી રહેતી અને તરત જવાબ આપે છે, ''મારી પ્રગતિ થઈ છે તો તેમાં મારો શું વાંક છે? અને પછી તેનો લાભ તો ઘરમાં જ આવી રહ્યો છે ને? જિંદગી બદલાઈ ગઈ છે આપણી. બાળકોને આપણે સારું શિક્ષણ આપી શકીએ છીએ. સમજાતું નથી કે તમે કેમ ચિડાઓ છો? ઘરની તમામ જવાબદારીઓ પણ હું જ નિભાવું છું, આખો દિવસ મહેનત કરું છું તેમ છતાં તમને ચેન પડતું નથી. બે મીઠા શબ્દો પ્રેમના બોલવાને બદલે મહેણાં જ મારતાં રહો છો.'' અને બાદમાં લીલા ૨-૪ આંસુ વહાવે છે અને પછી કામમાં પરોવાઈ જાય છે. 

તેનો પતિ પણ તે સમયે ચુપ થઈ જાય છે. બીજી તરફ લીલા પણ અંદર ભરાઈ રહેલો પોતાનો ગુસ્સો બહાર નીકળી જતાં હળવાશ અનુભવે છે.

''અરે બાપ રે, તું તો કશું પણ કહેતાંની સાથે જ મોરચો માંડીને બેસી જાય છે.'' એક દિવસ તેના પતિએ આ શબ્દો ઉચ્ચારતા લીલા પણ હસી પડી અને બોલી ઊઠી, ''મનમાં ને મનમાં જ ગુસ્સો ભરીને બેસી રહું તો કામ જ કરી શકીશ નહીં, તેથી બોલી નાખીને તમામ બળાપો કાઢી નાખું છું. મને તો આ જ વધુ યોગ્ય લાગે છે.''

''વાસ્તવમાં હું પણ તને ત્યારે જ કહેતો હોઉં છું જ્યારે અન્ય લોકો મારી મજાક ઉડાવતા હોય કે તારી પત્ની તારા કરતાં વધુ કમાય છે. સારું એ જ રહેશે કે તું મારી કહેલી વાતને ગંભીરતાથી લેવાને બદલે મને ૪ વાતો સંભળાવી દે છે અને તારા મનનો સઘળો ગુસ્સો બહાર કાઢી નાખે છે.''

પતિની વાત સાંભળીને લીલા હસ્યા વિના રહી શકી નહીં, પરંતુ તે આ વાતને પણ સારી રીતે જાણતી હતી કે તેનો પતિ તેની સફળતાથી થોડો ચિડાય તો જરૂર છે જ. આખરે તે તેને અન્ય છે પતિઓની જેમ કેદ કરીને રાખવામાં નિષ્ફળ રહે છે. 

પરંતુ જો તે ચુપ રહેશે તો તે જાણે છે કે એક દિવસ જરૂર કોઈ અન્ય પ્રકારે તેના ગુસ્સાનો જ્વાળામુખી ફાટી શકે છે, તેથી તેને પોતાના પતિને જવાબ આપી દેવો જ વધુ યોગ્ય લાગે છે. આમ થવાથી બંને જણ સંતુલિત રહે છે અને ઘરની સુખશાંતિ પણ ટકી રહે છે.

ભાગ્યે જ કોઈ પતિ એવા હોય છે, જેમને પત્નીની સફળતા કઠતી ન હોય. સામે ભલે તેઓ અણગમો વ્યક્ત કરતા ન હોય, પરંતુ તેમનો અહમ્ તેમને અંદર ને અંદર ધિક્કારતો રહેતો હોય છે કે જો તું પાછળ રહી ગયો અને તારી પત્ની આગળ નીકળી ગઈ.

વર્તમાનની આધુનિક જીવનશૈલીમાં સ્ત્રીઓનું કામકાજ કરવું ન કેવળ અનિવાર્ય બની ગયું છે પરંતુ છોકરાઓ પણ નોકરી કે વ્યવસાય કરતી છોકરીઓ સાથે જ લગ્ન કરવા પસંદ કરે છે. હવે તો મહિલાઓ સમયની સાથે પુરુષો કરતા વધુ સફળ બની જતી હોય છે ત્યારે તેમાં તેમનો શું દોષ? આ સ્થિતિમાં જો કોઈ છોકરીઓ પતિ તેની સફળતાના કારણે તેને હેરાન કરે અથવા તો તેનામાં વિના કારણ દોષ શોધે તો તેનો જવાબ આપવો વાજબી બની જાય છે.

પરંતુ મનોવૈજ્ઞાાનિક આ બાબતની બીજી બાજુ પણ ધ્યાન ખેંચે છે. મનોવૈજ્ઞાાનિક સરલા આહુજા જણાવે છે કે પતિ જો તમારી સફળતાને કારણે ચિડાતા હોય તો જાહેર છે કે તમારા માટે સ્વયં પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બનશે, કારણ કે એક તો તમે કમાઓ છો અને બીજું એ કે તેનાથી વધુ આવક તમારી છે.

તમારું પોતાનું એક અલગ અસ્તિત્વ છે અને તમે તમારી મરજી મુજબ જીવન જીવવા ઈચ્છો છો. જોકે મોટાભાગની નોકરી વ્યવસાય કરતી સ્ત્રીઓ સમજૂતી સાધીને પોતાની જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવે છે. તેમ છતાં જો તેમને પોતાના પતિનો સહયોગ ન મળે તો તેઓ પોતાના તરફથી પ્રતિકાર કરશે જ.

પરંતુ આ પરિસ્થિતિમાં વાતને નજરઅંદાજ કરવી છે કે પછી જવાબ આપવો છે, તેનો નિર્ણય કેવળ તે વખતની સ્થિતિ અનુસાર જ કરવો જોઈએ.

જો ક્યારેક બોલવું પડે તો ચુપ ન રહો અને જો ચુપ રહેવું જ તે સમયે વધુ યોગ્ય હોય તો વાતને નજરઅંદાજ કરી દો. બંને પરિસ્થિતિઓમાં પતિને પોતાની ભૂલનો ખ્યાલ આવી જશે.

સામાન્ય રીતે જ્યાં સ્ત્રીઓ સ્વયંને સર્વશ્રેષ્ઠ અને પતિને પોતાનાથી ઊતરતી કક્ષાનો સમજવા લાગે છે, ત્યાં પતિ વધુ મહેણાંટોણાં મારતાં હોય છે. પતિ આમ કેમ કરી રહ્યા છે, તેની પીડાને જો તેની પત્ની સમજી લે તો વાત લડાઈઝઘડા સુધી પહોંચશે જ નહીં.

આપણું સામાજિક માળખું હંમેશાં એવું જ રહ્યું છે, જેમાં પુરુષ કમાતો હતો અને સ્ત્રી ઘર ચલાવતી હતી, પરંતુ હવે તો સંપૂર્ણ સામાજિક સંરચના બદલાઈ ગઈ છે, પરંતુ વિચારસરણી હજુ પણ પહેલાં જેવી જ રહી છે, તેથી જ એક પતિ માટે પત્નીની સફળતાને સરળતાથી સહન કરી લેવી સામાન્ય બાબત નથી.

હવે આ વિચારસરણીને બદલવી ન તો સંભવ છે અને ન તો તમે તમારી પ્રગતિને રોકી શકો છો, તેથી વધુ યોગ્ય એ જ રહેશે કે પતિના વિચારો પર ગુસ્સે થવાને બદલે તેને નજરઅંદાજ કરી દો કે પછી પોતાના મનના બોજને હળવો કરી લો. પરસ્પરની વાતચીત તેમજ ચર્ચાવિચારણાથી જ્યારે જુનવાણી વિચારસરણીનાં વાદળો વિખેરાશે ત્યારે તમારા પતિ એક દિવસ જરૂર તમારાં વખાણ કરવા શરૂ કરી દેશે.