ડાયાબીટીસના દરદીઓ માટે ડાયટ મહત્વની બાબત છે. મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સથી ભરપૂર અને સેચ્યુરેટેડ ફેટ્સ ઓછું હોય તેવું ડાયટ ડાયાબીટીસના દરદીઓ માટે ઉત્તમ ગણાય છે કારણ તે તેનાથી બળતરા ઓછી થાય છે અને કોલેસ્ટેરોલના સ્તરમાં ઘટાડો થાય છે. પરિણામે ગ્લુકોઝ મોટાભાગે નિયંત્રણમાં રહે છે. મોનો અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર પિસ્તાનું સેવન ડાયાબીટીસના જોખમમાં ૨૭ ટકાનો ઘટાડો કરે છે. આવા પ્રકારના ફેટના આરોગ્ય સંબંધિત અનેક લાભ હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત આ ડ્રાયફ્રુટ ડાયાબીટીસના દરદીઓ માટે નિષ્ણાંતો દ્વારા ભલામણ કરાયેલા મેડિટરેનિયન ડાયટનો મહત્વનો હિસ્સો છે. અનસેચ્યુરેટેડ ફેટ અને ફાઈબર, મેગ્નેશિયમ, સેલેનિયમ તેમજ વિટામીનોથી ભરપૂર પિસ્તા ડાયાબીટીસને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી થઈ શકે.
પિસ્તા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ વર્તણૂકો ધરાવતી પ્રથમ ૫૦ ખાદ્ય ચીજોની યાદીમાં સ્થાન ધરાવે છે જે ઇન્સ્યુલિનની અસંવેદનશીલતાને સુધારવામાં, સ્વાદુપિંડના કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી સુરક્ષિત કરવામાં, કોલેસ્ટરોલના સ્તરને સુધારવામાં અને હાઈપરગ્લાયકેમિઆનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે. આથી ડાયાબીટીસના દરદીઓના ડાયટમાં પિસ્તાને સામેલ કરવાથી ઘણા લાભ થઈ શકે છે.
પિસ્તામાં કેલરી ઓછી છે
એક અભ્યાસ મુજબ પિસ્તામાં અન્ય ડ્રાયફ્રુટની સરખામણીમાં ઓછી કેલરી અને ચરબી હોય છે અને તે ખાવાથી તૃપ્તિની લાગણી થાય છે જેના કારણે જલદી ભૂખ સંતોષાય જાય છે અને વજન કાબુમાં રહે છે. આથી દિવસ દરમ્યાન ઓછી કેલરી ગ્રહણ થાય છે.
ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઓછું
ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઓછો હોય તેવો ખોરાક ગ્લુકોઝના સ્તરમાં અચાનક થતી મોટી વધઘટ કાબુમાં રાખે છે, વ્યક્તિને લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી અને સુગરના સ્તરને કાબુમાં રાખે છે. પિસ્તાનું પણ ગ્લાઈકેમિક ઈન્ડેક્સ ઓછું હોવાને કારણે ડાયાબીટીસના દરદીઓમાં ભોજન પછી ગ્લુકોઝમાં થતો વધારો નિયંત્રણમાં રહે છે.
અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું વધુ પ્રમાણ
પિસ્તામાં મોનો અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ અન્ય ડ્રાયફ્રુટની સરખામણીએ વધુ હોય છે. આ સારા ફેટ કોલેસ્ટેરોલને કાબુમાં રાખે છે અને હૃદયરોગના જોખમ તેમજ ડાયાબીટીસના કોમ્પ્લીકેશનમાં ઘટાડો કરે છે.
એન્ટીઓક્સીડન્ટ્સનું વધુ પ્રમાણ
એક અભ્યાસ મુજબ પિસ્તા એકમાત્ર એવું ડ્રાયફ્રુટ છે જેમાં લુટીલિન, ઝીક્સેન્થીન, બેટા-કેરોટીન અને ગામા-ટોકોફેરોલ જેવા કુદરતી એન્ટીઓક્સીડન્ટ્સ તેમજ ફ્લેવોનોઈડ્સ અને સેલેનિયમ ભરપૂર માત્રામાં છે. એનાથી સ્વાદુપિંડના બેટા સેલ્સને રક્ષણ મળે છે. આ બેટા સેલ્સ ઈન્સ્યુલીનના ઉત્પાદન માટે જવાબાદર છે તેમજ મુક્ત રેડિકલ્સની ખરાબ અસરથી રક્ષણ આપવાનું કામ કરે છે.
બળતરા અને સોજા સામે રક્ષણ
કેટલાક નિષ્ણાંતોના મતે ડાયાબીટીસનું મુખ્ય કારણ છે ઈન્સ્યુલીન ઉત્પન્ન કરતા સ્વાદુપિંડમાં થતો સોજો. એના કારણે ઈન્સ્યુલીન સામે સંવેદનશીલતા વધી જાય છે. પિસ્તામાં ગેલિક એસિડ, કેટેચિન અને લુટીલિન જેવા પોલીફેનોલ્સની હાજરીને કારણે બળતરા અને સોજા વિરોધી ગુણો હોય છે જેના કારણે ડાયીબીટીસ સામે રક્ષણ મળે છે.
ફાઈબરનું વધુ પ્રમાણ
પિસ્તામાં અન્ય ડ્રાયફ્રુટની સરખામણીએ ફાઈબરની માત્રા પણ વધુ હોય છે. સ્વસ્થ ફેટ અને એન્ટીઓક્સિડન્ટ સાથે ફાઈબરનું પ્રમાણ ગ્લુકોઝના શોષણને ધીમુ પાડીને અને શરીરમાં સુગરના સ્તરને સંતુલિત રાખીને ડાયાબીટીસના જોખમમાં ઘટાડો કરે છે.
હૃદય માટે ઉત્તમ
એક અભ્યાસ મુજબ ડાયાબીટીસના દરદીઓને ડાયાબીટીસ ન હોય તેવી વ્યક્તિઓની સરખામણીએ હૃદયરોગનું જોખમ ૨થી ૪ ગણુ વધુ હોય છે. પિસ્તાને કારણે કોલેસ્ટેરોલનું શોષણ ઓછુ થતા સેરમ કોલેસ્ટેરોલના સ્તરમાં ઘટાડો થઈ શકે છે. એનાથી કોષોની કામગીરીમાં સુધારો થાય છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. આ તમામ બાબતો હૃદયરોગથી રક્ષણ આપવા માટે પિસ્તામાં રહેલા મેગ્નેશિયમ અને આર્જિનીનની વધુ માત્રા હૃદયની ધમનીઓમાં લોહીના પ્રવાહમાં સુધારો કરે છે. આર્જિનીનને કારણે ગ્લુકોઝ ૪૦ ટકા વધુ ઉપયોગમાં લેવાય છે અને ભૂખને નિયંત્રિત કરે છે. ડાયાબીટીસના દરદીઓમાં મોટાભાગે મેગ્નેશિયમ ઓછુ હોય છે. આથી પિસ્તાના સેવનથી મેગ્નેશિયનની દૈનિક જરૂરીયાત પૂરી થઈ શકે છે.
પિસ્તા સેવનની દૈનિક માત્રા અને રીત
પિસ્તા દરરોજ ૨૮ ગ્રામ જેટલા ખાવાની ભલામણ કરાઈ છે. એનાથી ૧૬૦ કેલ શક્તિ મળે છે.
એકલા પિસ્તામાં ભોજન પછીના ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત રાખવાની ઓછી ક્ષમતા છે, પણ તેને વધુ કાર્બોહાઈડ્રેટ ધરાવતા ભાત, પાસ્તા અને બટેટા જેવા ખોરાક સાથે ભેળવીને ખાવાથી ભોજન પછી ગ્લુકોઝના સ્તરમાં આવતો ઉછાળો કાબુમાં રહે છે. બીજી તરફ પિસ્તાને એકલા ખાવાથી બ્લડ પ્રશેર નિયંત્રણમાં રહે છે.
પિસ્તાના સેવનની શ્રેષ્ઠ રીત છે તેનું મેરિનેડ્સ, ગ્રેવી, પાસ્તા, સાલસા અથવા માંસની વાનગીઓમાં ભેળવીને સેવન કરવું. યોગર્ટ અને ફ્રુટ સેલાડમાં ટોપિંગ માટે પણ તે ઉત્તમ સાબિત થાય છે. પિસ્તાની વિશેષતા એ છે કે તેને રાંધવા બાદ પણ તેના રહેલા પોષક તત્વો સલામત રહે છે. આમ છતાં તેને માત્ર શેકીને ખાવા વધુ બહેતર છે.
ઉલ્લેખનીય છે કે પિસ્તા છેક ઈ.પૂ. ૬૦૦૦થી માનવજાત દ્વારા ખાવા માટે ઉપયોગમાં લેવાય છે. વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ પિસ્તાના પોષક તત્વો માટે વિવિધ વાનગીઓમાં તેનો ઉપયોગ કરતી આવી છે. અન્ય સુકામેવાની સરખામણીએ ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવાના તેના ગુણને કારણે ડાયાબીટીસના દરદીઓ તેને સુપરફૂડ માને છે. પિસ્તાનો મહત્તમ લાભ લેવા તેને દૈનિક ખોરાકમાં સામેલ કરવા જરૂરી છે.
- ઉમેશ ઠક્કર


