Get The App

અનાનસ : ઔષધીય ગુણો ધરાવતું ખટમધુરું આ મીઠું ફળ પણ કેટલાક દુર્ગુણ ધરાવે છે

Updated: Jan 3rd, 2022

GS TEAM

Google News
Google News
અનાનસ : ઔષધીય ગુણો ધરાવતું ખટમધુરું આ મીઠું ફળ પણ કેટલાક દુર્ગુણ ધરાવે છે 1 - image


સંસ્કૃતના બહુ પ્રાચીન ગ્રંથોમાં આ ફળનો ઉલ્લેખ નથી. પરંતુ અર્વાચીન નિઘટું રત્નાકર જેવા ગ્રંથમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે.

વર્તમાન સમયે અનાનસ કોંકણ, મલબાર તથા બંગાળમાં ખાસ વાડીઓમાં થાય છે. મોટાભાગે પર્વતના પ્રદેશોેમાં  થાય છે. અને બહુ લાંબા ગાળે પાકે છે.  નાસ મૂળરૂપે એક વિદેશી ફળ છે. તેનોે જન્મ દક્ષિણ અમેરિકાના બ્રાઝીલ દેશમાં થયો હોવાનું મનાય છે. પણ હવે તે ભારત સહિત વિશ્વના ઘણાં ખરાં દેશોમાં થાય છે. ક્વીન્સલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ફ્લોરિડા, ઉત્તર આફ્રિકા, અજોરસ દ્વીપ તથા માલાયામાં  ભરપૂર પ્રમાણમાં થાય છે. 

અનાનસ ઉષ્ણ કટિબંધમાં થતો છોડ છે. તે સામાન્ય રીતે ૨૦-૨૫ વર્ષ સુધી ફળ આપે છે. અનાનસનો છોડ લગભગ ત્રણ ફૂટ જેટલો ઊંચો હોય છે. ચાર-પાંચ વખત ફળ આપ્યા પછી ફળોનો આકાર નાનો થતો જાય છે. અતિ સ્વાદિષ્ટ અને સુગંધી એવું અનાનસ પ્રોટીનને પચાવે છે અને હૃદયરોગને દૂર રાખે છે. આમાં વિટામીન એ,બી, સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, શર્કરા, અલ્મત્વ વગેરે  વધુ પ્રમાણમાં હોય છે. આ ફળને છોલીને અથવા અન્ય ફળોના રસમાં ભેળવીને તેનું સેવન કરી શકાય છે.  આખો છોડ કાંટાદાર હોય છે. ફળ ઉપર પણ કાંટાદાર લીલા રંગના પાન હોય છે. આ ફળને 'ફળોનો તાજ' પણ કહે છે. ફળ ઉપર કાપેલા આકારનાં છોડાં હોય છે. આ ફળ કાચું હોય ત્યારે ખાટું હોય છે.  ફળ પાકે ત્યારે ખટમીઠું, કંઈક  પીળા રંગનું અથવા જરાક લાલાશ પડતું હોય છે. આ ૧।। શેરથી માંડી ૪-૫ શેરના વજનના હોઈ શકે છે. ફળની અંદરનો મધ્ય ભાગ બહુ કઠણ હોય છે. આ કઠણ મધ્યભાગ ખાવાથી નુકસાનકર્તા બને છે માટે તે કદાપિ ન ખાવો જોઈએ. 

ગુણધર્મો : 

આયુર્વેદિક દ્દષ્ટિએ અનાનસનું કાચું ફળ રુચિકારક, હૃદયને હિતકર, પચવામાં ભારે, કફ તથા પિત્ત વધારનાર તથા શ્રમ  અને ગ્લાનિનો નાશ  કરે છે.  જ્યારે પરિપક્વ ફળ સ્વાદિષ્ટ, હૃદયને બળ આપનાર, પિત્ત (ગરમી)નો નાશ  કરનાર, મધુર, ઠંડુ, તૃપ્તિ જન્માવનાર, રસ-વિકૃત્તિ, લૂ લાગવી તથા ગરમીના વિકારો દૂર કરે છે. 

ઉપયોગો :

ત્વચા રોગો: અનાનસ ત્વચાને સુંદર બનાવે છે. આ ફળમાં તેના પાંદડાઓમાં અને થડમાં બ્રોમેલિન નામનું તત્વ હોય છે જે ત્વચા પર લગાડતા મૃત કોષો દૂર થાય છે અને કોમળ ત્વચા બહાર આવે છે. દાઝી ગયેલી ત્વચા પર પમ બ્રોમેલિનનો ઉપયોગ કરવામાં આવે છે. જખ્મ રૂઝાવા માટે અનાનસનો છુંદો કરી તેનો લેપ બાંધવાથી રૂઝ જલ્દી આવે છે. દાઝેલી અને મૃત ત્વચા દૂર કરીને તેના પર શરીરના અન્ય ભાગમાંથી લીધેલી ત્વચાનું પ્રત્યારોપણ કરવામાં આવે ત્યારે બ્રોમેલીનનો પ્રયોગ અત્યંત લાભદાયક હોય છે. તે સોજો ઓછો કરવાની સાથે ઘા પણ જલદી મટાડે છે.

હૃદયરોગ : અનાનસમાં બ્રોમેલિન નામનું તત્વ હૃદયરોગના ઉપચારમાં ઘણું મદદરૂપ થાય છે. પ્રોટીનના કણો રક્તવાહિનીઓમાં ગઠ્ઠા બનાવીને રક્તપ્રવાહ રોકી દે છે અને રક્તપ્રવાહમાં અડચણ આવતા વ્યક્તિ અકાળે મૃત્યુ પણ પામી શકે છે. તેથી બ્રોમેલિન રક્તવાહિનીઓમાં બનેલા આ ગઠ્ઠાઓ નષ્ટ કરીને રક્તપ્રવાહ સુગમ બનાવે છે અને પ્રોટીનને બરાબર પચાવે છે.

પક્વ ફળના ટુકડા કરી તેના પર કાળા મરી તથા સિંઘાલૂણ ભભરાવીને ખાવાથી અજીર્ણ (અપચો) મટે છે. તેના ટુકડા પર કાળા મરી તથા સાકર ભભરાવીને ખાવાથી અમ્લપિત્ત મટે છે. ફળના નાના ટુકડા પર લીંડીપીપરનું ચૂર્ણ ભભરાવી ખાવાથી બહુ-મૂત્રનો રોગ મટે છે. અનાનસ દરરોજ ભોજન પછી મધ સાથે ખાવાથી આંતરડાની વર્ષો જૂની ગરબડ અથવા વિકૃત્તિ દૂર કરે છે. ખાવામાં વાળ જતો રહ્યો હોય તો અનાનસ ખાવાથી તે ગળી જાય છે. અનાનસ  ખાવાથી કરમિયાં (કૃમિ) પણ મટે છે. અનાનસના સુપક્વ ફળના રસમાં કાળી દ્રાક્ષ તથા મીઠું ભેળવી ખાવાથી અરુચિ દૂર થાય છે. તે ફળમાં આંસોદ, લીંડીપીપર તથા સાકરનું ચૂર્ણ તથા મધ મેળવી લેવાથી ક્ષય (ટી.બી.) રોગમાં પણ સારો લાભ જણાય છે. તે જ રીતે અનાનસના રસમાં સાટોડીના મૂળનું ચૂર્ણ તથા મધ ભેળવી લેવાથી પાંડુ રોેગમાં લાભ થાય છે. તેના રસમાં જેઢીમધ, આમળાં, ધાણા, લવીંગ તથા સાકર મેળવી સેવન કરવાથી તૃષામાં લાભ થાય છે.

અનાનસનો રસ કંઠરોહિણી (ડિપ્થેરિયા)નાં દર્દમાં પણ ખૂબ ગુણકારી છોે. આ ફળનો રસ રોગીને પિવડાવવો જોઈએ.

 આધુનિક મતે અનાનસના રસમાં માંસ-પાચનધર્મ કિંચિત અલ્પ પ્રમાણમાં છે. ફળ રોચક, પાચનકર્તા, વાયુને સવળી ગતિ આપનાર તથા ગર્ભાશયને માટે ઉત્તેજક છે. જેમને ધાન્ય કે માંસ કોઈ પદાર્થ પચતો નથી. તેમને માટે વધુ ઉપયોગી છે. આ ફળ સાથે સુગંધી પદાર્થો (ગુલાબજળ, એલચી, લવિંગ જેવા) તથા સૂંઠ મરી, પીપર અને સિંધવ જેવા ક્ષાર આપવાથી સારું જણાય છે. ભોજન પછી થોડીવારે પેટ ફૂલીને બેચેની થતી હોય તો અનાનસનો રસ (ભોજન પછી) લેવાથી લાભ જણાય છે. એ જ રીતે તે મધુમેહ (ડાયા બીટીસ)ના દર્દીને પણ લાભપ્રદ છે. પરંતુ આ ફળ ગર્ભવતી સ્ત્રીને કદી ન આપવું જોઈએ. પક્વ ફળનો રસ સ્કર્વી રોગને દૂર  કરે છે. પેશાબ સાફ લાવે છે. મૃદુ વિરેચક અને ઠંડક લાવનાર છે. તથા માંસ અને પિષ્ટમય પદાર્થોને પચાવવામાં સહાય કરે છે. કાચું ફળ વધુ ખાટું, રક્તા વરોધક, વિશેષ મૂત્રલ, કૃમિનાશક અને રજ:પ્રવર્તક છે. વધુ પ્રમાણમાં લેવાથી તે ગર્ભપાતક બને છે. પક્વ ફળનો રસ જ્વરજન્ય આમાશયના ક્ષોભને શાંત કરે છે. વળી, તે કમળામાં પણ લાભપ્રદ છે.

ઔષધીય  પ્રયોગો :

મધુમેહ : અનાનસના ફળના એક તોલા રસમાં ૦।। તોલો મધ તથા ૧ રતી અંબર મેળવી દિવસમાં  સવાર-સાંજ બે વાર લેવું. અથવા ફળના ૧૦ તોલાં રસમાં તલ, ખસખસ, હરડે, બહેડાં, આમળાં, ગોખરું તથા જાંબુના ઠળિયા દરેક ૧-૧ તોલો લઈ ચૂર્ણ બનાવી તે રસમાં મેળવી દેવું. પછી તેમાં ૩ માત્રા અંબર તથા ૩ તોલા મધ નાંખી મિશ્ર કરી લેવું.  આ ચાટણ સવાર-સાંજ ૦।। થી ૧ તોલો પ્રમાણમાં ચાટવાથી મધુમેહ  તથા બહુમૂત્રના દર્દમાં લાભ લઈ શક્તિની વૃદ્ધિ થાય છે. પથ્યમાં દૂધ તથા ચોખા જ ખાવા આપવા. લાલ મરચું, ખટાશ તથા મીઠું બંધ કરવું.

બહુ મૂત્ર : ફળના ખૂબ નાના ટુકડા કરવા તથા તેની સાથે પછી તેમાં ઘી તથા મધ બંને વધતા ઓછા પ્રમાણમાં (અસમાન) લઈ, એક કાચના વાસણમાં તે બધું ભરી લેવું. આમાંથી રોજ ૧ તોલાથી ૨ તોલા પ્રમાણમાં ખાવાથી બહુ મૂત્ર રોગમાં લાભ થઈ  શક્તિ વધે છે. 

પેટના રોગો :   પક્વ અનાનસના ૧ તોલાં રસમાં ઘીમાં શેકેલી હીંગ ૧ રતી તથા સિંઘાલૂણ અને આદુનો રસ ૨-૨ રતી મેળવી સેવન કરવાથી પેટનું શૂળ તથા ગોળો મટે છે. દવા સવાર-સાંજ લેવી, ફળના રસનાં જ્વખાર, પીપર તથા હળદરનું ચૂર્ણ ૨-૨ રતી મેળવી લેવાથી બરોળ,પેટનાં રોગ તથા ગોળાનું દર્દ થોડા સપ્તાહમાં મટે છે. અનાનસના રસમાં ગોળ મેળવી લેવાથી પેટ તથા નળાશ્રિત (આંત્રનો) વાયુ નાશ પામે છે.

લોહીયા, લોહીના હરસ તથા લોહીનો પ્રમેહ :  નાગકેસર, વંશલોચન, એલચી, જાયફળ અને સંગજરાહતનું ચૂર્ણ ૨ ગ્રામ લઈ ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ફલના ૧ તોલા રસમાં ૧ ગ્રામ પ્રમાણમાં નાંખવું તથા ગાયનું ઘી ૩ ગ્રામ અને સાકર ૬ ગ્રામ મેળવી તેનું સવાર-સાંજ સેવન કરી, ઉપરથી ગાયનું ગરમ કરેલું સાકર મિશ્રિત દૂધ પીવું.

ઉધરસ  - દમ :   પીપરીમૂળ, સૂંઠ, બહેડાં, ભોરીગણીની ખાખ આ ચીજો ૩-૩ ગ્રામ તથા ફુલાવેલ ટંકણખાર ૨ ગ્રામ મેળવી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણમાંથી ૧ ગ્રામ દવા ફળના ૧ તોલા રસમાં મેળવી થોડું મધ મેળવી સવાર-સાંજ સેવન કરાવવું.

આ દવાથી વાયુ તથા કફપ્રધાન દોષથી જન્મેલ ઊધરસ તથા દમ મટે છે. પરંતુ જો દર્દ પિત્ત પ્રધાન હોય તો તે રસમાં ઉપરોક્ત દવાને બદલે જેઠીમધ, બહેડાં તથા સાકરનું ચૂર્ણ નાંખી લેવાથી લાભ થાય છે.

કરમિયાં :  ખોરાક, ખોરાસાની અજમો તથા વાવડિંગ એટલી દવા સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી લેવું. આ દવામાંથી ૦।। થી ૧ ગ્રામ દવા અનાનસ ફળના રસમાં નાખી થોડું મધ મેળવી  આપવાથી નાના-મોટાનો કૃમિ  રોગ મટે છે. પ્રયોગ ૧૫ થી ૨૫ દિવસ કરાવો.

તાવ :   જો તાવમાં પરસેવો ન આવતો હોય તો અનાનસના ફળનો રસ મધ સાથે મેળવી આપવાથી પરસેવો છૂટે છે. પેશાબ સાફ આપે છે અને  તાવ પણ ઓછો થાય છે. 

ધાતુક્ષીણતા : (કમતા કાત ) :  શતાવરી, આંસોધ, સાલમમિશ્રી, ગળોત્સવ, ગોખરું આટલી દવા સમાન વજન લઈ ચૂર્ણ બનાવી લેવું. આ દવામાંથી ૨ થી ૪ ગ્રામ દવા ફળના ૧ થી૨ તોલા રસમાં મેળવી, થોડું મધ મેળવી સવાર-સાંજ લેવાથી વીર્યની ગરમી નાબૂદ થાય છે. પાતળું વીર્ય ઘટ્ટ થાય છે. વીર્ય વધે છે. અને ટકાવશક્તિ પણ વધે છે. જો ગરમીનું પ્રમાણ વધુ હોય તો તેમાં થોડું ઘી ઊમેરી લેવું. અગર પાછળથી દૂધ લેવું. પ્રયોગ ૩૦ દિવસ કરવો જોઈએ.

સોજા : જો આખા શરીરે સોજા ચડી ગયા હોય, મૂત્રનું પ્રમાણ ઘટી ગયું હોય, પેશાબમાં આલ્બ્યુમીન જતું હોય, લીવર વધતુ હોય, જઠરાગ્નિ મંદ હોય તેવા રોગી એ રોજ ૧ ડબ્બો અનાનસનું સેવન કરવું. (૧ થી ૧।। શેર) આ સાથે પરેજીમાં માત્ર દૂધ જ પીવું.

દૂધ સિવાય અન્ય કંઈ પણ ખાવું -પીવું નહિં. ૭-૮ દિવસમાં જ લાભ જણાશે અને ૧૫-૨૦ દિવસમાં તો પૂરેપૂરો લાભ થશે.

કમળો :  અનાનસના પક્વ ફળના ૧-૨ તોલા રસમાં થોડી હળદર અને સાકર મેળવી સેવન કરવાથી લાભ થાય છે.

સાવધાન   : અનાનસના ફળનો મધ્ય ભાગ નુકસાન કર્તા છે. કદાચ ભૂલથી તે ખવાઈ ગયો હોય ને કંઈ ઉપદ્રવ જણાય તો દર્દીને દહીં, ડુંગળી તથા સાકર મેળવી ખાવા આપવાથી વેદના શાંત થાય છે.

અનાનસ કાચું હોય તો ખાટું વધુ હોય છે અને પાકું હોય તો મધુર અમ્લ હોય છે. કાચું ફળ વિશેષ ગરમ મનાય છે.

અનાનસ કદી ખાલી પેટે કે ઉપવાસના દિવસો દરમિયાન ન લેવું જોઈએ. કારણ ત્યારે તેની ઝેર જેવી અસર થાય છે. તેથી અનાનસ હંમેશા ખોરાક ખાધા પછી  જ લેવું જોઈએ. ખાલી પેટે અનનાસ લેવાથી તેનો રસ હોજરીના પડદાને ગાળી નાંખે છે.

એજ રીતે અનાનસ સગર્ભા સ્ત્રીને પણ ખાવા ન આપવું જોઈએ. કારણ તે ગર્ભાશયને સાંકડું બનાવી દે છે જેથી ગર્ભ અંદર દબાઈ જાય છે અથવા સ્ત્રાવ થઈ જાય છે.

-અવન્તિકા

Tags :