ફોનના કનેક્શન વધ્યા પણ મનના ઘટી ગયા
- રિલેશનના રિ-લેસન - રવિ ઇલા ભટ્ટ
- ફોન ખોટકાય તો સ્વીચઓફ કરીને સ્વીચઓન કરીશું તો કદાચ નેટવર્ક પાછું આવી જશે પણ મનનું અને સંબંધનું નેટવર્ક ખોરવાઈ જશે તો ક્યારેય જોડાશે નહીં. મનના નેટવર્કની સૌથી મોટી ખાસીયત એ છે કે, એક વખત તેના ટાવર જતા રહ્યા પછી ઈમર્જન્સી નંબર પણ ડાયલ નહીં થાય. તે વખતે ખરેખર નિઃસહાય થઈ જઈશું.
તમારી પાસે ફલાણી વ્યક્તિનો નંબર છે, ભાઈ પેલા મણીનગરવાળા કાકાનો નંબર આપ તો, બરોડાવાળા મોટા માસીનો નવો નંબર યાદ છે તને.. આ વાતો અત્યાર માટે નથી. આ તો બધું બે દાયકા પહેલાનું કન્વર્ઝેશન છે. જે સમયે સ્માર્ટફોન હજી એટલા સ્માર્ટ નહોતા અને માણસો એટલા ડફોળ થયા નહોતા. કિપેડવાળા ફોનનું ચલણ શરૂ થયું હતું અને ઘરમાં લેન્ડલાઈન ફોન અસ્તિત્વ ધરાવતા હતા. તે વખતે ખિસ્સામાં નાની ટેલિફોન ડાયરી રહેતી, ઘરે મોટી ડાયરી રહેતી અને મગજમાં અનેક નંબરો સેવ રહેતા જે તરત જ જીભ ઉપર આવી જતા ક્યાં આંગળીઓના ટેરવેથી ડાયલ થઈ જતા. હવે બધું વિસરાઈ ગયું છે કારણ કે સ્માર્ટ ફોન બધું સાચવે છે. નંબર હોય કે, લાગણી, ફોટો હોય કે વીડિયો, વાત હોય કે વતેસર બધું જ ફોનમાં સચવાય છે અને તેથી સંબંધોમાં પણ કૃત્રિમતા વ્યાપવા માંડી છે.
મોબાઈલ, ઈન્ટરનેટ, સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ વગેરેના કારણે તેના માટે દુનિયા નાની થતી જાય છે અને સાથે સાથે લોકોનું માનસ પણ નાનું થતું જાય છે. તેમાંય સોશિયલ મીડિયાનો ફેલાવો થતાં લોકો વર્ચ્યુઅલી એકબીજાની વધુ નજીક આવ્યા છે. ફોનનું નેટવર્ક લંબાતું જાય છે પણ મનનું નેટવર્ક ઘટતું જાય છે. વોટ્સએપ આવ્યા પછી તો માણસના વર્તુળ નાના થતા ગયા છે. પહેલાં પરિવારના નામનું ગ્રૂપ પાછું તેમાં જેન્ટ્સ, લેડિઝ અને કિડ્ઝના ત્રણ પેટા ગ્રૂપ. આવું તો અનેક ગ્રૂપમાં થતું હોય છે.
પહેલાં એસટીડીમાં જઈને બહારગામ કે વિદેશ ફોન થતો હતો પણ હવે વોટ્સએપ પર મેસેજ નાખીને સારા નરસા સમાચારની માહિતીની આપ-લે થતી હોય છે. બાબો આવે તો કોન્ગ્રેચ્યુલેશન અને બાપો ગુજરે તો આરઆઈપીના મેસેજનો વરસાદ વરસી જાય પણ લાગણીનું એકેય ટીપું મેસેજ રિસિવ કરનારને ભીંજવી શકતું નથી. સવાર પડતાની સાથે ફિલગુડ મેસેજ, પત્ની વાંચી ન શકે તેવા, બાળકો જોઈ ન શકે અને બોસને ખબર ન પડે તેવા મેસેજનું આવન જાવન શરૂ થઈ જાય છે. આપણે માણસને પહેલાં સંબંધથી ઓળખતા હતા હવે માત્ર દસ આંકડાના નંબરથી યાદ કરીએ છીએ.
માણસ સતત વ્યસ્ત થઈ રહ્યો છે. તેની પાસે સંબંધો માટે સમય જ નથી. જૂનો મિત્ર, નવો મિત્ર, પાડોશી, સગાં કે સંબંધી કે પછી પત્ની એમ કહે કે સાંજે બેસીએ શાંતિથી તો આપણી પાસે જવાબ છે કે મારી પાસે ટાઈમ જ નથી. બીજી તરફ કોઈની પાસે બિઝનેસ લેવા ગયા હોઈએ અને તે કહે કે બે કલાક બેસવું પડશે તો આપણે ત્રણ કલાક બેસવા તૈયાર થઈ જઈએ છીએ. ત્યારે આપણી પાસે સમય જ સમય હોય છે. જૂના સંબંધો સાચવવાના સમય નથી પણ બિઝનેસ માટે નવા સંબંધો વધારતા જઈએ છીએ. ક્યારેક એવું થાય છે કે, આપણે કંઈક ટીવી, ફિલ્મ કે અન્ય સ્થળે જોઈએ, જાણીએ કે સાંભળીએ ત્યારે આપણને એવું એક નામ કે એવા કેટલાક નામ યાદ આવી જાય છે જે જીવનના પસાર થયેલા સમયની સ્મૃતિઓને માનસપટ ઉપર લઈ આવે છે. આવા સંબંધોની આપણે સતત ઉપેક્ષા કરીએ છીએ. તેમના માટે આપણી પાસે સમય નથી અને કદાચ છે તો પ્રસંગોપાત મળવાનો અને વ્યવહાર પૂરો કરીને નીકળી જવાનો. એના કરતા પણ ભયાનક સ્થિતિ ઘરમાં થઈ છે.
ઘરના ડ્રોઈંગરૂમમાં ચાર લોકો બેઠા હોય છે પણ ચારેય પોતાના મોબાઈલમાં, લેપટોપમાં કે ટેબલેટમાં વ્યસ્ત હોય છે. ઘણી વખત તો પતિ અને પત્ની બેડરૂમમાં એક જ બેડ ઉપર હોવા છતાં પોતાના જુદા જુદા મોબાઈલમાં વ્યસ્ત હોય છે. મારે આ મેસેજ આવ્યો, તારે આવ્યો છે... આજે તો સવારથી આવા મેસેજ બહુ ફરતા થયા છે... તે ફલાણો વીડિયો જોયો હતો... તારામાં પેલો ઢીકણો વીડિયો પડયો.... આ સીવાય સરખી વાત કરતા નથી. કોઈને આમંત્રણ આપવું હોય તો પણ મેસેજ અને આવેલું આમંત્રણ ટાળવું હોય તો પણ મેસેજ. આપણે વાત કરતા જ નથી, અથવા તો એમ કહીએ કે વાત કરવા માગતા નથી. કોઈના વિશે ગોસિપ કરવી હોય તો પણ મેસેજ દ્વારા કરીએ છીએ. આ મેસેજમાં હવે તો શબ્દો પણ ઘટવા લાગ્યા છે. ઈમોજીથી કામ ચાલતું હોય તો શબ્દ લખવા જેટલી પણ ઈચ્છા વ્યક્તિમાં રહી નથી. મૂડને આધારે કે લાગણીને આધારે આપણે ઈમોજી મૂકી દઈએ અને સામેવાળાએ સમજી જવાનું.
આપણે ફોનનું નેટવર્ક વધારવામાં, બિઝનેસનું નેટવર્ક વધારવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે મનના ટાવરમાં કોઈ સિગ્નલ આવતા જ નથી તેની પરવા કરવા જેવી ફુરસદ પણ આપણી પાસે નથી. આ નેટવર્ક ઘટયું છે તેની જાણ હોવા છતાં દરકાર કરતા નથી. ઘરની પાસે રહેતો મિત્ર રસ્તામાં મળી જાય તો નજર ચુકાવીને ભાગી જવાની ફિરાકમાં હોઈએ છીએ પણ જો એક સરખા બિઝનેસ કરતી વ્યક્તિ રસ્તામાં દેખાય તો કાર ઊભી રાખીને પણ મળી આવીએ છીએ. મુલાકાત બાદ નફ્ફટાઈથી કહીએ છીએ કે યાર ક્યારેક કામમાં આવી જાય કોને ખબર.
સ્વાર્થના સિગ્નલ ઉપર ચાલી રહેલી માનવતા વચ્ચે ખરેખર વિચારીએ તો એવા કેટલાક લોકો આપણી આસપાસ હોવા જોઈએ જેમની પાસે આપણે મુક્તમને જઈ શકીએ અને તે પણ આપણી પાસે આવી શકે. આપણો બિઝનેસ, પોઝિશન, પાવર, પ્રોપર્ટી કે અન્ય કોઈ બાબતો તેને અસર ન કરવી જોઈએ. તે માત્ર આપણામાં રહેલા આપણને ઓળખીને આપણને અપનાવે અને પોતાની જાતને સમપત કરી દે. આ એવા લોકો છે જે ખરેખર આપણું પ્રતિબિંબ બની શકે તેમ છે. તે આપણામાં રહેલી સારી અને નરસી બાબતોને સ્પષ્ટતાથી આપણી સામે લાવી શકે છે. તેને સારું કહેવાથી બિઝનેસ વધી જવાનો નથી અને ખોટું કહેવાથી ઘટી જવાનો નથી પણ એક વાત ચોક્કસ છે કે તમારામાં રહેલી લાગણીઓની તેને અસર થાય છે.
માણસ જ્યારે પ્રગતીના પંથે હોય અને સતત ઉપર જતો હોય ત્યારે તેણે એક વાત મનમાં લખી રાખવી જોઈએ કે, તેને નેતા, અભિનેતા, લેખક, બિઝનેસમેન કે કોઈપણ પોઝિશને જેટલી વ્યક્તિઓ ઓળખે છે માત્ર તેની પોઝિશનના કારણે ઓળખે છે. એક વખત આ પોઝિશન, પાવર, પ્રોપર્ટી જતા રહેશે તો એટલા જ લોકો ઓળખશે જે તેને પહેલાં ઓળખતા હતા. આ લોકો જ સાચા સ્નેહી છે. ફોનની બેટરી ઉતરી જાય કે ચાર્જર ભુલી જઈએ તો પણ આપણે એટલા વલખાં મારીએ છીએ જાણે શ્વાસ ઘટી ગયા હોય. ફોન ઘરે ભુલી જઈએ કે ઓફિસમાં ભુલી જઈએ કે કારમાં રહી જાય તો આપણે સાવ નિઃસહાય જેવા ફરતા હોઈએ છીએ. મારો ફોન ભુલી ગયો છું કે ભુલી ગઈ છું એ કહેવામાં પણ નાનમ અનુભવાય છે. તેમાંય કોઈ કહી દે કે હું વોટ્સએપ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો નથી તો બધા તેની સામે એવી રીતે જૂએ છે જાણે કે તે બીજા ગ્રહ ઉપરથી આવ્યો હોય. સાવ એલિયન જેવી લાગણી તે વ્યક્તિને કરાવવામાં આવે છે.
જીવનના કોઈપણ તબક્કે ફોનનું, કે બિઝનેસનું નેટવર્ક વધારવા ધમપછાડા કરીએ પણ મનનું નેટવર્ક ખોટકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. ફોન ખોટકાય તો સ્વીચઓફ કરીને સ્વીચઓન કરીશું તો કદાચ નેટવર્ક પાછું આવી જશે પણ મનનું અને સંબંધનું નેટવર્ક ખોરવાઈ જશે તો ક્યારેય જોડાશે નહીં. મનના નેટવર્કની સૌથી મોટી ખાસીયત એ છે કે, એક વખત તેના ટાવર જતા રહ્યા પછી ઈમર્જન્સી નંબર પણ ડાયલ નહીં થાય. તે વખતે ખરેખર નિઃસહાય થઈ જઈશું. આપણી સાથે રહેતા કે જોડાયેલા લોકોને માત્ર દસ આંકડાના નંબર નહીં પણ લાગણીઓની જોડાયેલા રાખવા પડે છે. નંબર તો કદાચ બદલાઈ શકે પણ જો માણસ બદલાઈ જશે તો તમે આપોઆપ તેના નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર જતા રહેશો અને ત્યારે કોઈ રોમિંગ નેટવર્ક કામમાં નહીં આવે.