દરેક પ્રસંગ અને સમય માટે નોખુ
એક સુંદર સુગંધની છાપમાં કાયમ કંઈક જાદુઈ હોય છે. તમે જ્યારે કોઈની પાસેથી પસાર થાવ અને તેની સુગંધ હવામાં પ્રસરેલી હોય, ત્યારે તે એક છાપ છોડે છે, સૌમ્ય છતાં અવિસ્મરણીય. પરફ્યુમ એક સૌંદર્ય પ્રસાધનથી વિશેષ છે, તે એક મૂક વાર્તાકાર પણ છે, એક એવી આભા છે જે એકપણ શબ્દ બોલ્યા વિના તમારા વ્યક્તિત્વને છતુ કરે છે. યોગ્ય સુગંધ આખા દિવસ માટેનો મૂડ સેટ કરી શકે, જેવી કે કોઈ મહત્વની મીટિંગ અગાઉ તમારા આત્મવિશ્વાસને વધારવો, સહજ આઉટિંગને રમતિયાળ વળાંક આપવો અથવા તમે યાદગાર બનાવવા માગતા હો તેવી રાત્રિને રહસ્યમયી પણ બનાવી શકે.
વ્યક્તિત્વની સુગંધ
પરફ્યુમ એટલે માત્ર ઉત્તમ સુગંધ નહિ, પણ તેનાથી તમારું વ્યક્તિત્વ પણ છતુ થાય છે. આથી જ કોઈ પરફ્યુમ પસંદ કરવાની બાબત શોપિંગનો વિષય નથી, પણ તે સ્વશોધની સફર છે. એવી સુગંધ વિશે વિચારો જેમાં તમારી આંતરિક ઊર્જાનું પ્રતિબિંબ પડતું હોય. જેવી રીતે તમારુ હાસ્ય અથવા તમારી શૈલી બધાથી અલગ હોય છે, તેવી જ રીતે તમારી સુગંધ પણ તમારી લાક્ષણિકતા હોવી જોઈએ. પણ યોગ્ય સુગંધ પસંદ કરવા તમારે પહેલા તમારી પોતાની ઓળખ કરવી પડશે. શું તમે બિનધાસ્ત અથવા સાધારણ છો? હસમુખ અથવા સૌમ્ય છો? તમારા પરફ્યુમમાં આ સારનું પ્રતિબિંબ પડવું જોઈએ.
એક આત્મવિશ્વાસુ વ્યક્તિત્વ ઘણીવાર બોલ્ડ ઓરિયન્ટલ, વૂડી અથવા ચામડાની સુગંધ તરફ આકર્ષાય છે, જે સુગંધો શક્તિ અને સુસંસ્કૃતતા ધરાવે છે. બીજી તરફ સૌમ્ય અને રોમેન્ટિક લોકો ગુલાબ, ચમેલી અથવા પિયોની જેવા ફુલોના સૂરોની કોમળતાને પસંદ કરે છે. જો તમારો સ્વભાવ સાહસિક હોય તો તમને લીંબુ, જળીય અથવા લીલા રંગની તાજગી આકર્ષિત કરશે. અને જો તમે ગાઢ અને રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા હો તો તમને ઉદ, અંબર અથવા કસ્તુરીની સમૃદ્ધ મિશ્રણ યોગ્ય લાગશે. પ્રત્યેક સ્વર એક અલગ કહાની દર્શાવે છે, જે તમારી લાગણીઓ, તમારી મહાત્વાકાંક્ષાઓ અને તમારા મૂડ સાથે મેળ ખાય.
પરફ્યુમ ધારણ કરવાની કળા
પરફ્યુમ એક અદ્રશ્ય પરિધાન સમાન છે, જે તમારી લાગણીઓ અને તમારા પ્રત્યે અન્યોના અભિગમને બદલી શકે છે. જેવી રીતે તમે દરરોજ વ્યવસાય, મીટિંગ, લગ્નપ્રસંગ અને સમુદ્ર તટ પર એકસમાન પોષાક ધારણ નથી કરતા, તેવો જ તર્ક પરફ્યુમની પસંદગી માટે પણ લાગુ પડે છે. એક જ પ્રકારની સુગંધ તમામ પ્રસંગ અથવા મૂડને અનુરૂપ ન હોઈ શકે. સુગંધના ચાહકો માને છે કે પરફ્યુમની પસંદગી એટલી જ કાળજીથી કરવી જોઈએ જેવી રીતે પોષાકની કરવામાં આવે છે. તે તમારા વાતાવરણ, ઊર્જા અને મૌસમ સાથે મેળ ખાતુ હોવું જોઈએ.
દાખલા તરીકે ઉનાળાની ગરમીમાં વહેલી સવારે તાજા ખાટા ફળ અથવા દરિયાઈ સુગંધ તાજગીનો અહેસાસ કરાવી શકે, જ્યારે શિયાળાના ઠંડા મહિનાઓ દરમ્યાન ગીચ વૃક્ષો અથવા મસાલેદાર નોટ્સ હૂંફ અને તાજગી આપે છે. દિવસ દરમ્યાન ફૂલો અથવા ફળોની હળવી સુગંધ ઉત્તમ રહે છે જે તમારા વાતાવરણને પ્રભાવિત કર્યા વિના સૌમ્ય છાપ છોડે છે. રાત્રે બહાર જતી વખતે અથવા વિશેષ પ્રસંગોએ ઉદ, અંબર અથવા ઓરિયન્ટલ વૂડ જેવી તાજી સુગંધ તમને સશક્ત અને મનમોહક હોવાનો અહેસાસ કરાવી શકે. સંક્ષેપમાં પરફ્યુમ મૂડની અભિવ્યક્તિ છે, તમે વિશ્વ સમક્ષ કેવા દેખાવા ઈચ્છો છો તેનું વિસ્તરણ છે.
સુગંધની અંગત કેમિસ્ટ્રી
પરફ્યુમની સૌથી આકર્ષક બાબત છે તેની વિશેષતા. એક સુગંધ બે વ્યક્તિઓ ઉપર ક્યારેય સમાન નથી હોતી. તેનું કારણ છે તમારી ત્વચાની કેમિસ્ટ્રી. તેમાં રહેલા કુદરતી તેલ, ઉષ્મા અને પીએચ સંતુલન સુગંધની પ્રસરવાની રીત બદલી નાખે છે. બની શકે કે તમને પહેલા ટોચની સુગંધ મળે, પણ સુગંધના હાર્દ અને મૂળભૂત નોટ્સ જ લાંબો સમય પ્રસરેલા રહે છે. એથી જ કોઈ વ્યક્તિ પર દૈવી જણાતી સુગંધ અન્ય પર એવો જ જાદુ ન પણ કરી શકે.
પરફ્યુમની ચકાસણી કાગળ પર કરવાના સ્થાને હમેંશા તેને ત્વચા પર અથવા ગળા પર ચકાસવી જોઈએ. તેને થોડી મિનિટો રહેવા દેવી અને કેવી રીતે પ્રસરે છે તેનું નિરીક્ષણ કરવું. આ પરિવર્તન આશ્ચર્યજનક હોઈ શકે, ક્યારેક સુગંધ સીધી તીવ્ર અને તેજ હોય છે જે ધીમે ધીમે શાંત અને સૌમ્ય થાય છે. તમારી ત્વચા તેની પોતાની કહાની કહેશે અને પરફ્યુમ તેનો હિસ્સો બની જશે.
મોસમી અને ભાવનાત્મક ફેરફાર
પરફ્યુમ સ્થિર નથી હોતી, પણ તે તમારા મૂડ, વાતાવરણ અને હવામાન અનુસાર બદલાય છે. જળીય, ખાટા ફળ જેવી અથવા લીલા પાન જેવી હળવી, તાજી સુગંધ ઉનાળામાં શ્રેષ્ઠ રહે છે કારણ કે તે હવાદાર અને સ્ફૂર્તિનો અહેસાસ કરાવે છે. તેનાથી વિપરીત શિયાળામાં ગાઢ, આરામદાયક સુગંધ બહેતર રહે છે જે વૃક્ષ, મસાલેદાર અથવા ફૂલો જેવી હોય. આવી સુગંધ તમને ઉષ્મા આપે છે. એવી જ રીતે તમારા ભાવનાત્મક સ્થિતિ પણ તમારી સુગંધની પસંદ પર પ્રભાવ પાડી શકે છે. એક ખુશનુમા દિવસ માટે ચટાકેદાર અથવા ફળો જેવી સુગંધ પસંદ આવી શકે જ્યારે ચિંતનશીલ સાંજ માટે કસ્તુરી અથવા ધૂમાડાના ટોન જેવી સુગંધ યોગ્ય લાગી શકે.
પરફ્યુમ ભાવનાની ભાષા છે, તેમાં તમને સૌમ્ય બનાવવાની, ઉત્સાહિત કરવાની, આકર્ષિત કરવાની અથવા પ્રેરિત કરવાની શક્તિ છે. એકવાર તમે પરફ્યુમને લાગણીઓ સાથે જોડવાનું શરૂ કરો પછી પરફ્યુમ ધારણ કરવાની બાબત દિનચર્યા નહિ પણ સ્વ-અભિવ્યક્તિનું રૂપ બની જશે.
શોધનો આનંદ
પોતાની ખાસ સુગંધ શોધવી પોતે જ એક રોમાંચ બની શકે છે. પરફ્યુમ પોતાને ટોચની, વચ્ચેની અથવા સૌથી પાછલી નોટ્સ જેવા અનેક સ્તરે પ્રગટ કરતી હોવાથી પૂરી બોટલ ખરીદવાની ઉતાવળ ન કરવી. ડિસ્કવરી સેટ અથવા નાની બોટલ શોધવા જેવા અનેક વિકલ્પો છે જે પ્રયોગ માટે બહેતર રહે છે. સમય જતા તમને એવું પરફ્યુમ મળી શકે છે જે તમને ખાસ લાગે અને તમારા મૂડને વ્યક્ત કરે. આવું પરફ્યુમ તમારી ઓળખ બની શકે છે. આખરે વ્યક્તિ બહુમુખી હોય છે, તેથી તમારા પરફ્યુમનું કલેક્શન પણ એવું જ હોવું જોઈએ. તમારા વ્યાવસાયિક વ્યક્તિત્વ, તમારા રોમેન્ટિક મૂડ અને તમારી ભાવનાને વ્યક્ત કરે તેવા ભિન્ન પરફ્યુમનો સંગ્રહ તમારી પાસે હોવો જોઈએ.
આખરે પરફ્યુમનો અર્થ ટ્રેન્ડ અથવા વિલાસિતા નથી. તે ઓળખની બાબત છે. આ એક અદ્રશ્ય સ્પર્શ છે જે તમારી ઉપસ્થિતિને પૂર્ણ કરે છે. રૂમમાંથી તમારા ગયા પછી પણ સુગંધ લાંબો સમય સુધી તમારી યાદ બનીને રહે છે. યોગ્ય સુગંધની એક લહેરખી તમારા દિવસને ખાસ બનાવી શકે છે, તમારી પોતાની શક્તિ, સુંદરતા અને વ્યક્તિત્વની યાદ અપાવી શકે છે.
સમજી વિચારીની પસંદ કરાયેલા પરફ્યુમ તમારા વ્યક્તિત્વનો હિસ્સો બની જાય છે, જે તમારા પસાર થયા પછી પણ હવામાં તમારી યાદ પ્રસરાવી જાય છે. અને આ જ તો તેની સુંદરતા છે.
- ઉમેશ ઠક્કર


