- આ વૃક્ષ સ્વાદ-સોડમ-ઔષધીય ગુણોનો ભંડાર છે
કોઈ ખૂબસુરત યુવતીનું ફિગર આકર્ષક હોય, તેની ચાલમાં સ્ત્રીને છાજે એવી નઝાકત ઝલકતી હોય, તે છટાદાર શૈલીમાં વાત કરતી હોય અને અત્યંત બુદ્ધિશાળી પણ હોય તો આપણે તેને પરફેક્ટ બ્યુટી વિથ બ્રેન કહીએ છીએ. પરંતુ જો તેમાં ગુણોનો ભંડાર હોય તો તે સર્વગુણસંપન્ન કહેવાય. જો આ વાત વૃક્ષને કે છોડને લાગુ પાડવી હોય તો તેમાં રોઝમેરીનું નામ અચૂક આવે. રોઝમેરી, એટલે બારેમાસ લીલું રહેનારું સુગંધી ઝાડ. ઔષધિય ગુણોનો ભંડાર, રંગબેરંગી ફૂલો, ખુશ્બોદાર પાંદડા, વિશેષ પ્રકારનો સ્વાદ અને અલંકારિક દેખાવ રોઝમેરીને સુર્વગુણસંપન્નની શ્રેણીમાં મૂકે છે.
રેસ્ટોરાંના શેફ ભલે તેમના વ્યંજનોને વિશેષ સ્વાદ-સોડમ આપવા રોઝમરીનો વપરાશ કરે પણ આ વાનગીઓ ખાનારને તેના ઔષધિય ગુણોનો લાભ પણ મળે છે. તેમાં રહેલું કાર્સિનોલ સ્તન કેન્સર, આંતરડાના કેન્સર, લ્યુકેમિયા અને ત્વચાના કેન્સર સામે રક્ષણ આપે છે. તેની સોડમ સ્મૃતિવર્ધક પણ છે. એક અભ્યાસ દરમિયાન કેટલીક ઓફિસોની ક્યુબિક્સમાં રોઝમેરીનો છંટકાવ કરવામા ંઆવ્યો ત્યારે ત્યાંના કર્મચારીઓની યાદશક્તિ તીવ્ર બની હતી. સંશોધકો કહે છે કે રોઝમેરી પાચનશક્તિ સુધારે છે, છાતીમાં બળતરા અને માસિક દરમિયાન થતા પેટના દુખાવામાં રાહત આપે છે. એટલું જ નહીં તે અલ્ઝાઇમર અને વધતી જતી વય સાથે ઘટતી જતી સ્મૃતિને પણ જાળવી રાખે છે. રોઝમેરીમાં અત્યાવશ્યક ફેટી એસિડ હોય છે. તે એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મ પણ ધરાવે છે. જોકે હવે રોઝમેરી ભારતના બજારમાં પણ તૈયાર મળે છે, તેથી તમે તમારા રોજિંદા આહારમાં તેનો સમાવેશ કરી શકો છો. નિષ્ણાતો કહે છે કે રોઝમેરીમાં આપણા શરીરના કોષોને નવજીવન આપવાનો ગુણ હોવાથી તે ત્વચામાં કરચલી પડતી અટકાવે છે અને ચામડીને લવચીક રાખે છે.
રોઝમેરીનું તેલ પણ આરોગ્ય પર જાદુઈ અસર કરે છે. જો તમારા વાળ પાતળા હોય, તેમાં ખોડો હોય, કેશ બરછટ થઈ ગયા હોય તો માથામાં રોઝમેરીના તેલથી માલિશ કરો. તેનાથી રક્તપરિભ્રમણ ઝડપી બનશે, અને તેના એન્ટિબેક્ટેરિયલ ગુણો તમારા વાળની સમસ્યા દૂર કરવામાં મદદ કરશે. અનિદ્રાના રોગીને માથા અને પીઠ પર રોઝમેરી ઓઇલથી મસાજ કરવાથી તે નીંદ્રાધીન થઈ શકે છે. જો તમને ચહેરા પર ખીલ નીકળતા હોય તો રોઝમેરીયુક્ત સાબુ, સ્ક્રબ કે લોશનનો વપરાશ અસરકારક પુરવાર થશે.
જોકે ઘણાં લોકો રોઝમેરીની તીવ્ર સુગંધ સહન કરી શકતા નથી. નિષ્ણાતો જણાવે છે કે ઘણીવાર વધારે પડતા ગુણ પણ અવગુણમાં પરિણમે તેમ રોઝમેરીનો વધારે પડતો ઉપયોગ હાનિકારક પુરવાર થઈ શકે. તેથી તેના વપરાશમાં પ્રમાણભાન જાળવવું જરૂરી છે. રોજિંદા ખાણામાં જ્યાં વધારે તેલની આવશ્યક્તા હોય ત્યાં રોઝમેરીનું તેલ ન વાપરી શકાય. તેના લીધે એસિડિટી થઈ શકે. તેવી જ રીતે જો ગર્ભવતી સ્ત્રી વધારે પડતું રોઝમેરી તેલ ખાય તો ગર્ભાશય સંકોચાય અને ગર્ભપાત થવાની ભીતિ પણ રહે. તેવી જ રીતે રોઝમેરીથી બ્લડ પ્રેશર વધતું હોવાથી હાઈ બ્લડ પ્રેશરના દરદીઓએ તેનો ઉપયોગ ટાળવો. કહેવાય છે કે પૌરાણિક ગ્રીકમાં એક પુરુષે તેની સ્ત્રીમિત્રને વફાદારી અને પ્રેમના પ્રતિક તરીકે તેમ જ યાદગીરીરૂપે આ બારેય માસ લીલું રહેનારું સુગંધી રોઝમેરી આપ્યું હતું. રોમના તબીબો વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસોમાં રાત્રે ઓશીકા નીચે રોઝમેરી રાખીને સુવાની સલાહ આપતા. યુરોપના કેટલાક દેશમાં મૃતકની અંતિમયાત્રા વખતે તેની સ્મૃતિરૂપે રોઝમેરી લઈ જવાની પ્રથા છે.


