- સ્વાસ્થ્યના ભોગે ફેશન કરવા સામે લાલ બત્તી
પાતળા દેખાવની ઘેલછા પાછળ માનુનીઓ સ્કીન ટાઈટ જિન્સ પહેરીને પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલી ત્વચાને ચોંટી જાય એટલી ટાઈટ જિન્સ પહેરવાની ફેશન સામે તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય વેબસાઈટે લાલ બત્તી ધરતાં કહ્યું હતું કે જો તમે તમારા સ્વાસ્થ્યના ભોગે ફેશન કરવા માગતો હો તો ભલે કરો. બાકી આ પ્રકારની જિન્સ પહેર્યા પછી જો તમને સંવેદના ન અનુભવાય તો સમજી જજો કે તમારા શરીરને પૂરતું રક્ત નથી મળી રહ્યું.
અમેરિકાના ગ્રેટર બાલ્ટિમોર મેડિકલ સેંટરના ડૉ. કરેન બોયલેએ કહ્યું હતું કે અતિશય ટાઈટ જિન્સ નર્વ ડિસ્ઓર્ડર (નસના કાર્યમાં ગરબડ થવી) પેદા કરે છે જેને મેરાલ્જિયા પેરેસ્થેટિકા તરીકે ઓળખવામાં આવે છે. વેબસાઈટમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે નિતંબના બહારના ભાગની કોઈ નસ દબાય છે ત્યારે આ ગરબડ પેદા થાય છે. મેડિકલ પેપર્સમાં પણ આ નર્વ ડિસ્ઓર્ડરની નોંધ લેવામાં આવી છે. વર્ષ ૨૦૦૩માં માલવિન્દર પરમારે કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં મેરાલ્જિયા પેરેસ્થેટિકાના ત્રણ કેસની નોંધ કરતાં જણાવ્યું હતું કે આ ત્રણે સ્થૂળકાય મહિલા દરદીઓ છેલ્લા છથી આઠ મહિનાથી અત્યંત ટાઈટ અને લો-રાઈઝ ટ્રાઉઝર પહેરતી હતી.
ન્યુરોસર્જનો કહે છે કે મેરાલ્જિયા પેરેસ્થેટિકામાં કટિની આસપાસ આવેલી અને નિતંબના બાજુના ભાગની ત્વચાને રક્ત પૂરું પાડતી લેટરલ ક્યુટિનસ નર્વ (સેન્સરી)ને નુકસાન થાય છે. જ્યારે કોઈનું વજન વધી જાય અથવા કોઈ એકદમ ટાઈટ પટ્ટો પહેરે ત્યારે આ નસ દબાય છે. આ દબાણને કારણે નસનું કાર્ય બદલાઈ જાય છે જેને લીધે હળવો સ્પર્શ પણ જે તે વ્યક્તિને ભારે પીડાદાયક લાગે છે.
તબીબો કહે છે કે સ્કીન ટાઈટ જિન્સ પહેરવાથી પહેલાં કેટલીક વાતો ધ્યાનમાં લેવી જરૂરી છે. ટાઈટફીટ જિન્સ જો નિતંબ પાસેથી વધારે પડતી ટાઈટ હોય તો આ સ્થિતિ પેદા થાય છે. જોકે આની સારવાર શક્ય છે પણ તે આસાન નથી. સૌથી પહેલા તો તબીબો નિતંબ પાસેથી અતિશય ટાઈટ હોય એવી જિન્સ કે ટાઈટ પટ્ટો ન પહેરવાની સલાહ આપે છે. આમ છતાં જો કોઈ મેરાલ્જિયા પેરેસ્થેટિકાનું શિકાર બન્યું હોય તો તેની દબાઈ ગયેલી નર્વને ખુલ્લી કરવામાં આવે છે અથવા તેને સંપૂર્ણપણે કાપી નાખવામાં આવે છે.
નિષ્ણાતો કહે છે કે આ નસ અત્યંત નાજુક હોવાથી સ્થૂળકાય લોકોમાં આ નર્વ દબાઈ જવાની ભીતિ વધારે પ્રમાણમાં રહે છે. જરૂરી નથી કે માત્ર અતિશય ટાઈટ ટ્રાઉઝર પહેરનાર વ્યક્તિ જ મેરાલ્જિયા પેરેસ્થેટિકાનો ભોગ બને. આમ છતાં સાવધાન રહેવું સલાહભર્યું છે. આ વ્યધિનો શિકાર બનનાર દરદીની સંવેદનાને અસર પહોંચે છે. ડાયાબિટિસના દરદીને તે ઝડપથી લાગુ પડે છે. એવું પણ બને કે મેરાલ્જિયા પેરેસ્થેટિકાના દરદીને એક તરફ સંવેદના જ ન થાય અને બીજી તરફ નિતંબના બાહ્ય ભાગમાં બળતરા થાય.
તબીબો કહે છે કે સ્કીન ટાઈટ જિન્સ સાથે જો ઊંચી એડીના પગરખાં પહેરવામાં આવે તો પરિસ્થિતિ વણસે છે. જ્યારે કોઈ માનુની ઊંચી એડીના જૂતાં પહેરે ત્યારે તેના શરીરનું વજન તેના પગના અંગુઠા પર આવે છે જે નાજુક નસોને અસર પહોંચાડે છે. છેવટે આ સમસ્યા મેરાલ્જિયા પેરેસ્થેટિકાની વેદનામાં ઉમેરો કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ તબીબોએ સ્કીન ટાઈટ જિન્સ સામે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે જે પુરુષો બાળક ઇચ્છતા હોય તેમણે ઢીલાં ટ્રાઉઝર પહેરવા જોઈએ. આનું કારણ આપતાં તેમણે કહ્યું હતું કે ટાઈટ ટ્રાઉઝરને કારણે પુરુષના વૃષણો વધારે પડતાં ગરમ થઈ જવાની ભીતિ રહે છે જેને લીધે તેમના શુક્રાણુની સંખ્યામાં ઘટાડો થાય છે.


