Get The App

પાર્ટીમાં અતિથિ-સત્કારની એટિકેટ્સ .

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
પાર્ટીમાં અતિથિ-સત્કારની એટિકેટ્સ                         . 1 - image

પાર્ટીમાં સામેલ થનાર પ્રત્યેનું વર્તન શરૂઆતથી અંત સુધી મહત્ત્વનો ભાગ ભજવે છે. આજના યુગમાં આ વ્યવહારને તમે પળ બે પળ માટે નહીં, જિંદગીભર વીડિયો કેમેરામાં કેદ કરી શકો છો અને જ્યારે ઇચ્છો ત્યારે તમે પોતાની સામે લાવી શકો છો.

પાર્ટીમાં તમારા વ્યવહાર અને રીતભાતને યોગ્ય રૂપ આપવામાં  તમારો પોશાક સહાયક બને છે, પરંતુ તે પાર્ટીને અનુરૂપ હોવો જોઈએ. ક્યાંક એવું ન બને કે પોતાના બાળકના જન્મદિવસની પાર્ટીમાં સૌમ્ય વસ્ત્રોમાં બાળકો વચ્ચે વ્યવસ્થા સંભાળવાને બદલે તેની મમ્મી લો-કટ ગળાનો પોશાક અને હાઈ હીલનાં સેંડલ પહેરીને ઠમક-ઠમક કરતી પોતાના સૌંદર્યનું પ્રદર્શન કરતી રહે છે.

નિમંત્રણ અનુસાર મહેમાન પોતાના પહોંચવાની કે ન પહોંચવાની સૂચના યજમાનને અગાઉથી આપે દે, તે વધુ ઉચિત રહેશે. એક વાતનું ધ્યાન રાખવું કે નિમંત્રણ વિના તમારી સાથે ફોજ ન લઈ જવી. જો મહેમાન યોગ્ય સમયે પહોંચી ગયા હોય, તો યજમાને પાર્ટીની શરૂઆત કરી દેવી જોઈએ.

નિમંત્રિત મહેમાનોના સ્વાગત માટે ઊભેલા યજમાનોના કુશળ વ્યવહાર તથા મહેમાનોનાં મુખમાંથી નીકળતા શુભેચ્છાના બે શબ્દો એવી પ્રતીતિ કરાવે છે કે, તમે વ્યવહારકુશળ છો અને પાર્ટીમાં સામેલ થવાની યોગ્ય રીતથી પણ પરિચિત છો.

જો પાર્ટી મોટી હોય, તો એમાં કેટલાક એવા મહેમાન પણ હોવાના, જે એકબીજાથી અપરિચિત હોય. આવા મહેમાનોનો પરિચય કરાવવો એ યજમાનની ફરજ છે, પણ યજમાન કોઈ ખાસ કામમાં રોકાયેલા હોવાને લીધે જો પરિચય ન કરાવી શકે, તો મહેમાનોમાં પણ પરસ્પર વાતચીત કરવાની પ્રવીણતા હોવી જોઈએ. ભોજન દરમિયાન પોતાની બાજુમાં બેઠેલા કે ઊભા રહેલા મહેમાનોએ જાતે જ વાતચીતની શરૂઆત કરવી જોઈએ અને એકબીજાની સાથે હળી-મળીને વાતાવરણ વધારે ઉલ્લાસપૂર્ણ બનાવવું જોઈએ. મોઢું મચકોડીને એક બાજુ બેસી જવું, એ શોભાસ્પદ નથી. જો કોઈ મહિલાની સુંદરતાની પ્રશંસા થતી હોય, તો તમે તેની સામે ગુસ્સે થઈ તાકી ન રહેશો, કારણ કે તમારા વ્યવહારની પણ નોંધ લેવાતી હોય છે.

હસવાની વાત હોય તો જરૂર હસો, પણ મર્યાદામાં રહીને. લોકો હેરાન-પરેશાન થઈ જાય, એવું કંઈ ન કરવું. તમારા વર્તનથી પાર્ટીનું વાતાવરણ સહજ અને સુખદ બનાવવાની કોશિશ કરવી.

પાર્ટીમાં આવેલી સાહેલીઓ સામે પોતાનાં જ ઘરેણાંની બડાઈ મારવી કે બીજાનાં કપડાં ઘરેણાંને અડી-અડીને જોવાં, એ આમ તો સામાન્ય બાબત છે, પણ આવું વર્તન અશિષ્ટ કહેવાશે.

પાર્ટીમાં આવેલી મોટા ભાગની મહિલાઓ પોતાનો દુપટ્ટો કોઈના મોં પર કે કોઈની પ્લેટમાં પડી રહ્યો હોય, તે બાબતનું ધ્યાન જ આપતી નથી. આ બાબત પર ધ્યાન આપવું જોઈએ, નહીંતર તમારી છાપ ખરાબ પડે છે. ભોજનના ટેબલ પર પહોંચતાં જ એકસાથે કેટલુંય પ્લેટમાં ભરી દેવું, પછી બીજાને ધક્કા મારીને ત્યાં જ ખાવા લાગવું, એ અશિષ્ટ છે. ભોજનના ટેબલથી થોડે દૂર ઊભા રહેવું. તંદૂરી રોટી કે પૂરીના ટેબલ પાસે આવો, ત્યારે નરમ અને ગરમ રોટલી કે પૂરી શોધવા બધી રોટલીઓ ને પૂરીઓ ઉથલાવવી નહીં. પાર્ટી દરમિયાન ખૂબ ધીરે કે ખૂબ ઝડપથી ન જમવું. તેનાથી આજુબાજુના લોકોને પરેશાની થઈ શકે છે. પાર્ટીમાં મોટે ભાગે ભોજન દરમિયાન અલગ-અલગ ગુ્રપ પડી જતાં હોય છે. એમાં કોઈના નિમંત્રણ વિના કોઈના ગુ્રપમાં ઘૂસી જવું યોગ્ય નથી. જો તમને છરી-કાંટાથી ખાવાની ટેવ ન હોય, તો પરાણે છરી-કાંટો પકડીને મજાકનો મુદ્દો ન બનશો.

જો ખાતાં-ખાતાં કંઈ વાત નીકળે, તો બીજાની વાત અટકાવીને કે રોટલીનો કોળિયો મોંમાં ભરીને ન બોલવું જોઈએ. જો  ગુ્રપમાંથી બહાર જવું પડે, તો 'માફ કરજો' કહેવાનું ન ભૂલવું જોઈએ. ભોજન દરમિયાન કાન કે નાકમાં આંગળી નાખવી કે દાંત ખોતરવા વગેરે ક્રિયાઓ બીજાને ખટકે છે.

ખાધા પછી ટેબલની ચાદરથી હાથ લૂછવા કે ખાવાના વાસણમાં જ હાથ ધોવા એ કેટલાકની કુટેવ હોય છે. ખાવાની પ્લેટમાં એઠું ન છોડવું તથા પ્લેટ-ગ્લાસ વગેરે જ્યાં - ત્યાં મૂકવાને બદલે નિયત જગ્યાએ મૂકવાં. જો તમે માંસાહારી હો, તો શાકાહારી લોકોનું ધ્યાન રાખીને હાડકાંના ટુકડા જ્યાં-ત્યાં ન ફેંકવા.

સામેની ખુરશી પર બેઠેલી સાહેલી પાસે જઈને વાતો કરવી હોય, તો બીજાને ધક્કો મારીને ત્યાં સુધી પહોંચવું કે ત્યાં બેઠેલા કોઈને ખુરશી ખાલી કરવાનું કહેવું ઉચિત નથી. પીરસનારા પાસે કંઈ મંગાવવું હોય, તો તાળીપાડીને કે જોરથી બૂમ પાડીને એને પાસે ન બોલાવશો.

પાર્ટીમાં ઘણા દિવસ પછી મળેલા લોકો સાથે બહુ ગંભીર વાતો ન કરવી કે કોઈ દુર્ઘટના માટે અફસોસ પ્રગટ કરવાની ક્રિયા પણ વધારે લાંબી ન ચલાવવી. ખુશાલીભર્યું વાતાવરણ જ પાર્ટીને જીવંત બનાવે છે.

મહેમાનોને નિમંત્ર્યા પછી યજમાનોની જવાબદારી પૂરી નથી થઈ જતી, પણ હકીકતમાં શરૂ થાય છે. સ્વાગત-સત્કારથી લઈને ભોજન સુધી અને વાતચીતથી લઈને રમત-ગમત સુધી મહેમાનોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.મહેમાનોની રુચિ અને સુવિધાને ધ્યાનમાં રાખવાં જોઈએ.બાળકો તથા વડીલોની જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયોગ કરવો જોઈએ.

જેવી રીતે પાર્ટીમાં આવેલા મહેમાનોનું સ્વાગત કરતી વખતે યજમાનોએ મહેમાનો સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી હતી કે, ''તમારા આવવાથી અમે ઘણા ખુશ છીએ.'' એવી રીતે વિદાય વખતે મહેમાન જ્યારે વ્યવસ્થા અને ભોજન બદલ આનંદ તથા નિમંત્રણ બદલ આભાર વ્યક્ત કરે, ત્યારે પાર્ટીમાં આવવા બદલ યજમાને પણ તેમનો આભાર માનવો જોઈએ.