Get The App

પંગું લંઘયતે ગિરીમ્ .

Updated: Feb 14th, 2022

GS TEAM

Google News
Google News
પંગું લંઘયતે ગિરીમ્                         . 1 - image

- અંતર- રક્ષા શુક્લ

હથેળીમાં વૃક્ષો ઉગાડયાં છે આપે,

તો લ્યો, મારાં અશ્રુઓ સિંચાઈ માટે.

રઝળતી દીવાલોને ઘરભેગી કરવા,

અમે સાથિયા ચીતર્યા છે કમાડે.

એ શોભે છે જગ્યા પીડા સ્થાપવાની,

કહી આવો એને કે મારામાં સ્થાપે.

જણસમાં તો કેવળ નિસાસા રહ્યા છે,

હું ઇચ્છું કે કોઈ દિલાસા ન આપે.

તમે આંખ ઢાળી શું રસ્તો બતાવ્યો !

અમે ઊભા ઊભા જ પહોંચ્યા મુકામે.

- જિત ચુડાસમા

યુ.એસ.ની દિવ્યાંગ તૈરાક, સાઈબીરિયાની જેસિકા જન્મી ત્યારે તેના નીચેના પગમાં કોઈ હાડકાં હતા જ નહીં. માબાપને કહેવામાં આવ્યું કે તેઓ જેસિકાની સંભાળ નહીં રાખી શકે એટલે તેમણે તેને એક અનાથાલયને સોંપી દીધી. જેને પછીથી એક અમેરિકન દંપતી દ્વારા દત્તક લેવામાં આવી. ૧૮ મહિનાની જેસિકાના બંને પગ તો કાપી જ નખાયા હતા. પરંતુ એ કપાયેલા પગ તેના જિમ્નેસ્ટિક્સના જુનૂનને ઓછું ન કરી શક્યા. પરંતુ ૧૦ વર્ષની ઉંમરે પગને વધુુ ઈજા પહોચશે એવા ડરથી તે જિમ્નેસ્ટિક્સ છોડવા મજબૂર બની અને તે એક કુશળ તૈરાકી બનવા તરફ વળી. બે વર્ષ પછી ૨૦૦૪માં માત્ર ૧૨ વર્ષની ઉંમરે તેણે પ્રથમવાર પેરાલિમ્પિક રમતોમાં ભાગ લીધોે. જ્યાં તેણે ત્રણ સુવર્ણચંદ્રક જીત્યા. ૨૪ વર્ષની થઇ ત્યાં સુધીમાં તે ૧૨ સુવર્ણચંદ્રક જીતી ચૂકી હતી. તેના નામે ૧૪ રેકોર્ડઝ છે. સફળ અને અસફળ વ્યક્તિ વચ્ચેનો તફાવત મોટાભાગે દ્રઢતાપૂર્વક મથવાનો છે. કદી મેદાન ન છોડો. દુનિયામાં એવી અનેક હસ્તીઓ પડી છે જે દર્દને ગળે વળગાડી તેને પોતાની સફરમાં ફ્યુઅલ-બળતણ તરીકે વાપરે છે. જેસિકા લોંગ કહે છે કે “What doesn’t kill you makes you stronger’’

વ્હીલચેર સાથે બંધાયેલા અને આધુનિક સમયના સૌથી પ્રભાવશાળી બ્રહ્માંડવિજ્ઞાાની અને ભૌતિકવિજ્ઞાાની સ્ટીફન હોકિંગે ૨૦૧૧માં પહેલીવાર વિશ્વ વિકલાંગતા રીપોર્ટમાં લખ્યું હતું કે 'વિકલાંગતા સફળતા માટે બાધરૂપ નથી હોતી.' આ વાતને સુપેરે સાબિત કરી ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં ૧૯૮૮માં જન્મેલાં અરૂણિમા સિન્હાએ. એવરેસ્ટના શિખર પર પહોંચનારી વિશ્વની સૌપ્રથમ દિવ્યાંગ મહિલા તરીકેનો વિશ્વવિક્રમ સર્જનારી ભારતની આ અરૂણિમા સિન્હાએ એન્ટાર્ટીકાના સૌથી ઊંચા શિખર 'સેંટ. વિન્સન' સર કરીને નવો ઈતિહાસ રચી દીધો. અરૂણિમાની સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવોએ બિરદાવી હતી. ભૂતકાળમાં અરુણિમા સિંહા રાષ્ટ્રીય કક્ષાના ફૂટબાલ અને વાલિબાલનાં ખેલાડી પણ રહી ચૂક્યાં છે.  

૨૦૧૧માં અરૂણિમા સીઆઈએસએફની પરીક્ષા આપવા માટે પદ્માવતિ એક્સપ્રેસ ટ્રેનમાં લખનૌથી દિલ્હી જઈ રહ્યાં હતાં. ત્યારે ટ્રેનમાં લૂંટારુઓએ તેમનો સામાન અને ગળામાં રહેલી સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યાે હતો. ત્યારે તેમનો સામનો કરતાં લૂંટારુઓએ તેમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધાં હતાં. આ દુર્ઘટનામાં તેને એક પગ ગુમાવવો પડયો હતો. અકસ્માતમાં એક પગ ગુમાવ્યા પછી હિંમત હાર્યા વિના અરૂણિમા એવરેસ્ટ ચડવાના સાહસને પોતાનું લક્ષ્ય બનાવે છે અને માત્ર બે જ વર્ષમાં એ પૂર્ણ કરીને પણ બતાવે છે અને ૨૦૧૩માં એવરેસ્ટ પર પહોંચવામાં સફળતા હાંસલ કરે છે. માત્ર આટલું જ નહીં, એ દુનિયાના સૌથી ઊંચા સાત શિખરો પણ સર કરે છે. લૂટારુંઓએ તેને ફેંકી દીધા પછી તેઓ પાટા પર પડયાં હતા અને સામેથી આવતી ટ્રેન નીચે તેમનો પગ આવી જતાં તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટના અંગે વાત કરતા અરૂણિમા પોતાની વબસાઈટ પર લખે છે કે 'એ રાત્રે હું બે પાટા વચ્ચે પડેલી અને મારી બાજુમાંથી લગભગ આઠ ટ્રેન નીકળી હતી. હું મારી જગ્યા પરથી ખસી પણ શકતી નહોતી ત્યારે મને થયું કે જોે આ સ્થિતીમાં હું જીવી ગઈ તો મને હવે કંઈ જ નહીં થાય.'વાત મહત્વની એ છે કે How you take the thing… નાની લાગતી માણસના વલણની વાત અંતમાં ખૂબ મોટું પરિણામ આપે છે. એ  પછી અરૂણિમાએ નક્કી કર્યું કે તે દુનિયાનું સૌથી અઘરું કામ - એવરેસ્ટ સર કરવાનું કરશે. ત્યારે લોકોએ તેને મુર્ખ ગણી કહ્યું કે એક પગ જ રહ્યો નથી તો એવરેસ્ટ કેમ ચડશે ? સારવાર દરમિયાન પોલીસ તપાસમાં પણ તેના પર આક્ષેપ કરવામાં આવ્યા કે તેણે આત્મહત્યા કરવાની કોશિશ કરી કે જાતે ટ્રેનમાંથી પડી ગઈ. પરંતુ માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી આઈઆઈએમ, અમદાવાદમાં એક મુલાકાત દરમિયાન અરુણિમાએ કહેલું કે 'મારી હાજરીમાં જે લોકો મારા વિશે ખરાબ બોલી શકતા હોય એ હું ન બચી હોત તો શું બોલત. મારી આ સિદ્ધિ એ દરેક લોકોને જવાબ છે.' જર્મન ફિલોસોફર અને વિવેચક ફ્રેડરિક નીત્ઝ્શે એક કાવ્યમાં ખૂબ સુંદર વાત લખી છે કે...

‘Doesn’t mean I’m lonely 

when I’m alone

Thanks to you I got a 

new thing started

Thanks to you I’m 

not the broken-hearted

Thanks to you 

I’m finally thinking ‘bout me

You know in the end the day 

to left was just my beginning

In the end’ 

'પંગું લંઘયતે ગિરીમ્ ।' ની સંસ્કૃત ઉક્તિ અરૂણિમા જેવી મૂઠી ઊંચેરી હસ્તી સાર્થક કરીને ઈશ્વરકૃપાને વંદન કરે છે. ૨૦૧૧માં પોતાના ભાઈના સહકારથી તેમણે એક દિવસ બચેન્દ્રી પાલ સાથે ફોન પર વાત કરી અને તેમને પર્વતારોહણ માટેની તાલીમ આપવા માટે સહમત કર્યાં. ૨૦૧૨માં ઉત્તરકાશીમાં ટાટા સ્ટીલ અડવેન્ચર ફાઉન્ડેશનમાં તેમણે પોતાની તાલીમ શરૂ કરી. અને ૨૦૧૨માં પ્રાયમરી તાલીમ રૂપે આઇલન્ડ પીક સર કર્યું હતું. આ બધું સરળ ન હતું. તાલીમ દરમ્યાન અનેક વાર તેના કૃત્રિમ પગનું બાઉલ લોહીથી ભરાઈ જતું. પણ તે હિંમત ન હારી. બચેન્દ્રી પાલ પાસે બે વર્ષ સુધી તાલીમ લીધા બાદ તેમણે ૫૨ (બાવન) દિવસમાં એવરેસ્ટનું શિખર સર કર્યું હતું. ૨૧ મે, ૨૦૧૩માં સતત ૧૭ કલાકના કપરા ચઢાણ બાદ કુલ ૮,૮૪૮ મીટર ઊંચો એવરેસ્ટ તેમણે સર કરેલો. 

અહીંથી ન અટકીને તેમણે દુનિયાનાં અન્ય સૌથી ઊંચાં સાત શિખરો સર કરવાનો નિર્ણય કર્યો. જેમાં તાન્ઝાનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલિમંજારો, રશિયાનું માઉન્ટ એલ્બ્રસ, આસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કોઝિયુઝ્કો, આર્જેન્ટિનાનું માઉન્ટ એન્કોકાગ્વા, ઇન્ડોનેશિયાનો માઉન્ટ કાર્સ્ટેન્સઝ સર કર્યા હતો. ત્યાર બાદ બે વર્ષના વિરામ બાદ અરુણિમાએ અન્ટાટકાનું માઉન્ટ વિન્સન શિખર સર કર્યું. પછી તેમનું આગામી લક્ષ્ય અલાસ્કાનું ઊંચું શિખર માઉન્ટ મેકકિન્લી હતું. અરુણિમા સિંહાએ જણાવ્યા અનુસાર તેમની પ્રેરણા કન્સર સામે લડેલા ક્રિકેટર યુવરાજ સિંહ છે. માઉન્ટ વિન્સન મિશન માટે નીકળતાં પહેલાં કરેલા પોતાના ફેસબુક લાઈવમાં અરુણિમાએ જણાવ્યું હતું કે મારી પાસે જીવન જીવવાનું લક્ષ્ય ટકી રહે તે માટે હું એક પછી એક શિખર સર કરતી રહું છું. દિવ્યાંગ માણસ પાસે  ‘can do’ નામનું જોરદાર ફેક્ટર હોય છે.

 અરૂણિમાનું કહેવું છે કે વિક્લાંગતા વ્યક્તિની વિચારસરણીમાં હોય છે. માણસે જે છે એ જીવનને સ્વીકારી લેવું જોઈએ અને એને ભરપુર પ્રેમ કરવો જોઈએ. સામેની વ્યક્તિ ગમે તેટલી નેગેટીવ હોય પણ એના કારણે વ્યક્તિએ પોતાના વિચારો બદલીને, પોતાનું ગમતું કાર્ય અટકાવવાની કોઈ જરૂર નથી. કોઈએ સરસ કહ્યું છે કે  ‘My pride taught me not to lower my head in front of the public but to stay tall and claim that I was broken’.  નિષ્ફળતા એ અંતિમ હાર નથી જ. પણ ફરી પ્રયાસ ન કરવો એ હાર છે. 

દુર્ઘટનાની એ કાળી રાત અરુણિમા આજે પણ ભૂલી નથી. પણ પોતાની એ શારીરિક નબળાઈને અરુણિમાએ તાકાત બનાવી અને પ્રતિકુળ સંજોગોમાં જરા પણ વિચલિત થયા વગર તેણે પોતાના લક્ષ્યને કેન્દ્રમાં રાખ્યું અને એટલે જ સફળતાએ તેના પગ ચૂમ્યા. દિવ્યાંગપણું એ કોઈ વ્યક્તિની પોતાની નબળાઈ નથી. 

પરંતુ એ વ્યક્તિને ભીતર પડેલી તાકાતને ઓળખવા કે શોધવા માટે પ્રેરે છે. વિન્સ્ટન ચચલ કહે છે કે તમારી બુદ્ધિ કે બળ નહીં પરંતુ તમે સતત કરેલો પ્રયાસ તમારી અંદરની તાકાત કે સામર્થ્યને જગાડે છે. 

અરુણિમા માને છે કે ઈશ્વરે તેને નવું જીવન આપ્યું છે તો એની પાછળ જરૂર કોઈ સારો હેતુ હોવો જોઈએ. દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવનાર અરુણિમાનું સપનું દિવ્યાંગ લોકો સ્વાવલંબી બની શકે અને ખેલકૂદમાં આગળ વધી શકે તે માટે એક સ્પોર્ટ્સ એકડમી શરૂ કરવાનું છે. જેનું નામ એ 'ચંદ્રશેખર આઝાદ વિકલાંગ ખેલ એકડમી' રાખવા માગે છે. પોતાને મળતી બધી જ મદદ અને પુરસ્કાર અરુણિમા પોતાના ફાઉન્ડેશનના નામે કરે છે. જેથી તેનો ઉપયોગ એ આ એકડમી માટે કરી શકે. અરુણિમા ૨૦૧૨થી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરીટી ફોર્સ (CISF)માં હેડ કોન્સ્ટેબલ છે. અરુણિમાને ૨૦૧૪માં ભારત ભારતી સંસ્થા તરફથી સુલ્તાનપુર રત્ન એવોર્ડ અને ૨૦૧૬માં આંબેડકરનગર મહીત્સવ સમિતિ તરફથી આંબેડકર રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ખેલકૂદના ક્ષેત્રમાં અસાધારણ દેખાવ બદલ ભારત સરકારે ૬૬માં પ્રજાસત્તાક દિને અરુણિમાને પદ્મશ્રીનો પુરસ્કાર એનાયત કર્યાે છે. ૧% ઇન્સ્પિરેશન સાથે ૯૯% પર્સ્પીરેશન હોય ત્યારે મહાનતા તમારા દરવાજે ટકોરા મારે છે. 

કોઈ કિંમત ચૂકવ્યા વિના મળતી સિદ્ધિ કે સફળતા ખોખલી હોય છે. એ જે તે વ્યક્તિને ભીતરનો પરિતોષ કે પ્રસન્નતા આપતી નથી કે સામેની વ્યક્તિને પણ પ્રભાવિત કરતી નથી. 

પદ્મશ્રી અરુણિમા સિન્હાએ લખેલ આત્મકથાનક પુસ્તક “Born again on the Mountain’’નો  સુધાબહેન મહેતાએ ગુજરાતી ભાાષામાં 'વિશ્વાસનું એવરેસ્ટ' શીર્ષક સાથે અનુવાદ કર્યાે છે. ૨૦૧૯માં રાજ્યપાલ ઓ.પી. કોહલીએ પુસ્તક ઃ 'વિશ્વાસનું એવરેસ્ટ'નું  રાજભવન ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલ કોહલીએ કહ્યું હતું કે 'શારીરિક બળની મર્યાદા હોય છે, પરંતુ આત્મબળની કોઇ સીમા નથી. અરુણિમા સિન્હા આત્મબળનું પ્રતીક બની ગયાં છે.' અરુણિમા સિન્હાએ પ્રતિભાવ આપતાં કહ્યું કે 'જીવનમાં પ્રત્યેકનું પોતાનું એક આગવું 'એવરેસ્ટ' હોય છે. એ 'એવરેસ્ટ' ને સર કરવાનો દ્રઢ નિશ્ચય જરૂરી છે. મહિલાઓને દયાની નહીં, થોડા સપોર્ટની જ જરૂર છે.'અરુણિમા સિન્હાએ યુવાનોને જીવનમાં નમ્ર અને વિવેકી બનવા અનુરોધકર્યો હતો. કારણ કે પર્વતો ચઢવા હોય તો માથું નીચું રાખીને ચઢવું પડે, ઉન્નત મસ્તક રાખો તો પર્વતો પર ચઢી શકાતું નથી.