Get The App

પામેલાઓને પ્રિય પેપલમ પેટર્નના પોશાક

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
પામેલાઓને પ્રિય પેપલમ પેટર્નના પોશાક 1 - image

- 'ઈસ્ટ ઓર વેસ્ટ, પેપલમ ઈઝ ધ બેસ્ટ'

થોડા સમય પહેલા અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ એક કાર્યક્રમમાં શરારાનો 'આધુનિક અવતાર' ધારણ કરીને ગજબનું આકર્ષણ પેદા કર્યું હતું. સામાન્ય રીતે શરારાનું ટોપ જાંઘ સુધી આવતું હોય છે અને તેની બોટમ ઘૂંટણ પાસેથી ઘેરદાર હોય છે. પરંતુ તૃપ્તિએ સ્ટ્રક્ચર્ડ પેલ્લમ ટોપ અને પારદર્શક લેસી પેન્ટની પેટર્નનો શરારા પહેરીને આ પરંપરાગત પોશાકને આધુનિક લુક આપ્યો હતો. ખાસ કરીને તેનું બોડીસ પેટર્નનું પેપલમ ટોપ પેપલમની ફેશન પરત ફરી હોવાનું સૂચવતું હતું.

હા, હમણાં ફેશનનું ચક્ર ફરી ફરીને ફરીથી પેપલમ પર અટક્યું છે. દેશી -વિદેશી  સેલિબ્રિટીઓમાં પેપલમ પ્રિય થઈ પડયું છે. પેપલમ એટલે એવો ડ્રેસ કે ટોપ જેને કમર પાસેથી ઘેરદાર બનાવવામાં આવે. અલબત્ત, તેની ઘેર લહંગા જેટલી ન હોય. મોટાભાગે તેની ઘેર ફ્રોક જેટલી હોય. પેપલમ પ્લીટ્સ આપીને પણ બનાવી શકાય. જ્યારે કેટલીક સેલિબ્રિટીઓએ પરી જેવી દેખાવા સિન્ડ્રેલા પેટર્નના પેપલમ ડ્રેસ પણ પહેર્યાં છે. આ પેટર્નમાં ઊંધી છત્રી જેવી ડિઝાઈન પણ ખૂબ જચે છે. આવા પેપલમ ટોપ સાથે સ્કીની સ્કર્ટ કે ડેનિમ અત્યંત સુંદર લાગે. તેવી જ રીતે ફ્રોક જેવા ઘેરવાળા ટોપમાં નીચેની બાજુ વિરોધાભાસી રંગની લેસ પણ શોભી ઉઠે. આવા ટોપ સાથે એવા જ રંગની ટાઇટફીટ બોટમ કે સ્લીટવાળું એ-લાઈન સ્કર્ટ પાર્ટીવેઅર તરીકે બેસ્ટ ઓપ્શન બની રહે.

થોડા સમય પહેલા જ એક વિદેશી સેલિબ્રિટીએ રિવર્સ પેપલમ ડિઝાઈનમાં ઝગમગતા ગુલાબી રંગનું ગાઉન પહેરીને વજબનું આકર્ષણ પેદા કર્યું હતું. આવી ડિઝાઈનમાં ટોપ અથવા ડ્રેસની કમર પાસેની ઘેર માત્ર પાછળ તરફ હોવાથી તેને રિવર્સ પેપલમ કહેવામાં આવે છે.

હવે તૃપ્તિ ડિમરીના અનોખા પેપલમ શરારાની વાત પર પરત ફરીએ તો તેના શરારાની પારદર્શક લેસી બોટમમાંથી અભિનેત્રીના ઘૂંટણ સુધીના પગ ધ્યાનાકર્ષક બની રહ્યાં હતાં. જ્યારે ઢીંચણથી નીચેના ભાગની બોટમની ઘેર ઝાલરની જેમ ઝૂલી રહી હતી.

ફેશન ડિઝાઈનરો કહે છે કે કોઈપણ પોશાકને ચોક્કસ રીતે ધારણ કરવામાં આવે તો તેની શોભા અનેકગણી વધી જાય. પેપલમને આ વાત ખાસ લાગૂ પડે છે. અને જ્યારે ભારતીય માનુનીઓ પેપલમ ડિઝાઈન પર પસંદગી ઉતારે ત્યારે તેમને અમુક બાબતો પ્રત્યે સજાગ રહેવું પડે. આનું કારણ આપતાં તેઓ કહે છે કે સામાન્ય રીતે ભારતીય મહિલાઓની ઊંચાઈ વિદેશ રમણીઓ કરતાં સહેજ ઓછી હોય છે અને કાયા પુષ્ટ. આવી સ્થિતિમાં સ્કીની બોટમ કે સ્કર્ટ સાથે ફ્રોક જેવું અથવા પ્લીટ્સવાળું પેપલમ ટોપ વધુ સારું લાગશે. તેમને ઊંધી છત્રીની ડિઝાઈનવાળું કે સ્ટ્રકચર્ડ પેટર્નનું પેપલમ નહીં શોભે. હા, આ ડિઝાઈન લાંબી-પાતળી પામેલાને સરસ લાગશે.

તેઓ વધુમાં કહે છે કે જે રમણીઓની ઊંચાઈ ઓછી હોય તેમણે ઊંચી એડીના પગરખાં પહેરવા. પાર્ટીમાં જતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. જ્યારે કેઝ્યુઅલવેઅર તરીકે બોક્સ પ્લીટ્સવાળું પેપલમ ટોપ રિલેકસ્ડ ડેનિમ અને લેસવાળાં જૂતાં કમ્ફર્ટેબલ રહેશે.

અહીં એ વાતની નોંધ લેવી રહી કે વિક્ટોરિયાના સમયમાં શરૂ થયેલી પેપલમ ડિઝાઈન સમયાંતરે ફેશન જગત પર રાજ કરતી રહી છે. હાલના તબક્કે પણ 'ઈસ્ટ ઓર વેસ્ટ, પેપલમ ઈઝ ધ બેસ્ટ' જેવો તાલ જોવા મળી રહ્યો છે.