વીંછીના ડંખ સમાન પીડા - આમવાત
- આરોગ્ય સંજીવની
આજકાલ જનસામાન્યમાં દુ:ખાવો અને તેમાં પણ વાયુનાં કારણે શરીરમાં થતો દુ:ખાવો એ ઘણી સામાન્ય બાબત છે. વાયુના રોગોમાં દુ:ખાવો સંધિવાત એટલે કે Ostioarthritis અને આમવાત એટલે કે Rhymeto arthritis એમ બંને પ્રકારે જોવા મળે છે.
આજ-કાલ તો સંધિવાત અને આમવાત એટલા સામાન્ય રોગો બની ગયા છે કે, યુવાઓ માટે પણ તેનાં લક્ષણો જોવા મળે છે. આજે આપણે 'આમવાત' ઉપર વાત કરવા જઈ રહ્યા છે. આયુર્વેદના મંતવ્ય મુજબ જે રોગમા વિંછીનાં ડંખ જેવી વેદના કે પીડા થાય તેને આમવાત તરીકે ઓળખવામાં આવે છે. આમવાત બે શબ્દથી બનેલ છે. આમ અને વાત આમ એટલે નહિં પચેલો અપકવ આહાર રસ. આ અપકવ આહાર રસ જ્યારે વાયુ દ્વારા પ્રકુપિત થાય છે ત્યારે વેદના અને શોથ ઉત્પન્ન કરે છે. આ આમવાતનું મુખ્ય લક્ષણ છે.
નિદાન-કારણો : આમવાત થવાના કારણોની જો વાત કરીએ તો, વિરુદ્ધ આહાર લેવાથી, ઠંડા પીણા વધુ પ્રમાણમાં પીવાથી, અજીર્ણ હોય તેમાં ભોજન કરવાથી, કસરત ન કરવી, ખટાશવાળી વસ્તુ તેમજ ઠંડો અને વાસી ખોરાક વધુ લેવાથી, ઉજાગરા કરવાથી, દિવા સ્વપ્ન એટલે કે દિવસે વધુ ઊંઘવાથી, વધુ પ્રમાણમાં મિઠાઈ કે મેંદાની આઈટમો લેવાથી 'આમવાત' રોગ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.
લક્ષણો : આ રોગમાં, ૧. અંગો અક્કડ થઈ જાય. ૨. અંગોમાં શૂન્યતા વર્તાય છે, ઘણીવાર ખાલી ચડી જતી હોય તેવું લાગે છે. ૩. આળસ આવે છે. ૪. તાવ આવે છે. ૫. અંગમર્દ થાય છે, અંગોમાં પીડા થાય છે. ૬. ખાવાની ઇચ્છા થતી નથી - અરુચિ લાગે છે. ૭. તરસ વધારે લાગે છે. ૮. આ રોગનું સામાન્ય લક્ષણ છે. વિંછીનાં દંશ જેવો દુ:ખાવો શરીરમાં થાય છે. આ રોગ શરીરમાં થાય ત્યારે હાથ-પગ, માથુ, ઘુંટી, કમર, ઘુંટણ અને શરીરના બધા જ સાંધાઓમાં વેદના સાથે સોજો જોવા મળે છે. જઠરાગ્નિ મંદ પડે છે. મુખમાંથી લાળ ટપકે છે. ઉત્સાહ શૂન્યતા જોવા મળે છે. ઘણીવાર શરીરમાં બળતરા તથા વારંવાર પેશાબ જવાની ઇચ્છા થાય છે.
આ રોગમાં દુ:ખાવો અને સોજો એક જ જગ્યાએ સ્થિર રહેતો નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ તે ફરતો રહે છે, તેથી સામાન્ય ભાષામાં આ રોગને 'ફરતો વા' પણ કહે છે.
સારવાર : આ રોગમાં અનુભવી વૈધની સલાહ મુજબ ચિકિત્સા કરવી જોઈએ. જેમાં અજમોદાદી ચૂર્ણ, શ્રૃઁગભસ્મ, આમપાચનવટી, રસોનાદી ગૂગળ, યોગરાજ ગૂગળ, રાસ્નાદિ કવાથ વગેરેનું વૈદકીય સલાહ મુજબ સેવન કરવું જોઈએ.
* સિંહનાદ ગુગળ - ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને સુખોષ્ણ જળ સાથે લઈ શકાય છે.
* મહાવાતવિધ્વંસ રસ ૧ ગોળી ૨ વાર પાણી સાથે લેવી.
* વેદના અધિક હોય તો બૃહવાત ચિંતામણી રસ ૧ ગોળી ૨ વાર મધ સાથે લેવી.
* સૂંઠ અને એરંડભુષ્ટ હરડે પણ ઉપયોગી છે.
* સૂંઠ, હરડે અને ગુડુચીનાં ઉકાળામા ગૂગળ મેળવી આપવાથી આમવાતમાં ફાયદો થાય છે.
* દિવેલ બે ચમચી લઈ તેમાં એક ચમચી સૂંઠ મેળવી વૈદકીય સલાહ મુજબ લેવું.
આમવાતમાં ફાયદાકારક
લંઘન (ઉપવાસ), લસણ, અજમો, હીંગ, કારેલા, પરવળ, જૂના ચોખા, જવ, ગોખરુ, સૂંઠ બથવાની ભાજી, અગ્નિપ્રદીપક પદાર્થો વગેરે લાભકારક છે.
નિષેધ : આમવાતનાં દર્દી માટે દુધ, દહીં, ઘી, ગોળ, અડદના લોટની વસ્તુઓ, મેંદાના લોટની વસ્તુઓ, મિઠાઇ, ભારે પદાર્થો, માંસાહાર, ઠંડી-વાસી- વાયડી વસ્તુઓ ઠંડા પીણા, ઉજાગરા વગેરેનો નિષેધ બતાવ્યો છે.
યોગ્ય આહાર-વિહાર અને ઔષધોનો ઉપયોગ આમવાતનાં દર્દીને આ રોગની પીડામાંથી મુક્તિ અપાવે છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
- જ્હાનવીબેન ભટ્ટ