Get The App

ઑર ટાઈટ...ઑર ડાર્ક

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
ઑર ટાઈટ...ઑર ડાર્ક 1 - image

- ફૅશનેબલ વસ્ત્રપરિધાન સ્વાસ્થ્ય માટે ખતરનાક

ટીવી સિરિયલો, મોડેલિંગને લગતા કાર્યક્રમો, દેશી-વિદેશી ફિલ્મો અને સુંદરી સ્પર્ધાઓ જોઈને આજકાલની ભારતીય તરૂણીઓએ પણ ટાઈટ જીન્સ ને ટીશર્ટનો પોષાક અપનાવી લીધો છે. આવા વસ્ત્રો શરીર સાથે સજ્જડપણે ચીપકી રહેતા હોવાથી તે પહેરનારનું ફીગર બરાબર જોઈ શકાય છે. શરીરના ઘાટનું પ્રદર્શન કરીને આકર્ષણનું કેન્દ્ર બનવા માગતી યુવતીઓ જીન્સ ને ટીશર્ટ પહેરે છે.

ભલે આ વસ્ત્રો તમને આધુનિકમાં ખપાવતા હોય અને પહેરવામાં સુગમ પણ પડતા હોય છતાં એક વાત જાણી લો કે આવા ચુસ્ત પોષાક પહેરવાની આદત લાંબા ગાળે અનેક રોગ મેળવી આપે છે.

સૌથી પહેલી વાત કે ચુસ્ત વસ્ત્રો પહેરવાથી પરસેવાની ક્રિયામાં બાધા ઉત્પન્ન થાય છે. માણસના શરીરનું તાપમાન અમુક- તમુક મર્યાદામાં જાળવી રાખવા માટે શરીરની સુરક્ષા પ્રણાલી દ્વારા વખતોવખત ત્વચાના છીદ્રોમાંથી પ્રસ્વેદરૂપે પાણી બહાર ફેંકવામાં આવતું હોય છે. આ પાણી બાષ્પીભવન થવાથી ઉડી જાય છે અને પોતાના સાથે શરીરની કેટલીક ગરમી પણ લેતું જાય છે. પરિણામે શરીરનું આદર્શ તાપમાન જળવાઈ રહે છે. પણ ટાઈટ કપડાં પહેરવાથી પ્રસ્વેદના બાષ્પીભવનનો વેગ ધીમો પડે છે. આથી ગરમી વધે છે અને બીજી અનેક વ્યાધિને આમંત્રણ મળે છે. જાણકારો કહે છે કે જો તમને ચુસ્ત જીન્સ પહેરવાની આદત હોય તો અપચા સામે રક્ષણ મેળવવાના ઉપાયો વિચારવા માંડજો. આજે નહીં તો કાલે, પણ ટાઈટ પેન્ટ પહેરનારાઓને અપચો થયા વિના નથી રહેતો. આયુર્વેદમાં કહ્યું છે કે પેટ જ બધી બીમારીનું મૂળ છે. તેથી જીન્સ પેન્ટ પહેરનારનું જો પેટ બગડે તો બીજા રોગો એક પછી એક ચાલ્યા આવે છે. કામચલાઉ રાહત માટે ડોમ્પ્રાઈડોન નામની દવા ગળવાની સલાહ આપવામાં આવે છે પણ દાક્તરની સલાહ લીધા વિના તે ગળવી નહીં.

પુરુષોને ટાઈટ પેન્ટ જુદી રીતે અસર કરે છે. ટાઇટ પેન્ટ અને ચુસ્ત જાંધિયો પહેરવાની આદતવાળા પુરુષોને વૃષણનું કેન્સર થવાની શક્યતા હોય છે. ઉપરાંત બિન ફળદ્રુપ થઈ જવાનું જોખમ તો ખરું જ. ફેશનના નામે આજે મહિલાઓ ટાઇટ બ્રા અને પેન્ટી પહેરે છે. આ બાબત નુકસાનરૂપ સાબિત થઇ શકે છે. અગાઉના જમાનામાં એસ આકારની ટાઇટ બોનસ પહેરવાનું જે ચલણ શરૂ થયું હતું તેને કારણે અનેક મહિલાઓના ઉરોજોના ઘાટમાં વણજોઈતા ફેરફાર થઈ ગયા હતા. ચુસ્ત પેન્ટી અને પેન્ટ પહેરનારી સ્ત્રીઓના નિતંબ તથા પેટના ઘાટમાં પણ મધ્યમ ગાળે ફેરફાર નોંધાય છે. સ્તનોનું કદ મોટું દેખાય એટલા માટે ઘણી સ્ત્રીઓ પીવીસી કે રબરની જાડી બ્રા પહેરે છે. આ વલણ પણ ખૂબ ખતરનાક છે. સિન્થેટીક મટિરિયલને ત્વચાના સંપર્કમાં જેટલું ન આવવા દેવાય તેટલું સારું છે. પણ આજકાલની યુવતીઓને સમજાવે કોણ? હવે તો પેલી પામેલા એન્ડરસન અને જેનીફર લોપેઝના રવાડે ચઢીને કોલેજિયન યુવતીઓ અનુક્રમે સ્તન અને નિતંબનું કદ વધારવાના ઓપરેશનો પણ કરાવવા માંડી છે.

હવે વસ્ત્રોના રંગની વાત કરીએ. કાળઝાળ ગરમીમાં બહાર રખડવું હોય ત્યારે ઘેરા કે કાળા રંગના વસ્ત્રો પહેરવાનો મોહ રાખવો નહીં. ઘેરા રંગો સૂર્યકિરણોનું પરાવર્તન કરી શકતા નથી અને તેને શોષી લે છે. આથી શરીર ગરમ ગરમ થઇ જાય છે. ઉનાળામાં સફેદ અને બીજા આછાં રંગના વસ્ત્રો પહેરવા. બને તો સુતરાઉ કાપડનાં જ કપડાં પહેરવા. કપડા ખુલતા ને પહોળા હોવા જોઈએ. બ્રિટનના પ્રોફેસર જ્હોન ડિક્રિસને વર્ષોના રિસર્ચ બાદ 'જર્નલ ઓફ ઓબ્સેસ્ટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજી' નામનું એક પુસ્તક હજુ ૧૯૯૯માં જ પ્રગટ કર્યું હતું. તેમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ચુસ્ત વસ્ત્રો પહેરવાની ઘેલછા ટીનેજરોમાં બિનફળદ્રુપતા ફેલાવે છે. તેમણે સર્વેક્ષણ કરીને સાબિત કર્યું હતું કે આવા શોખે બ્રિટનમાં વીસ લાખ તરૂણીઓને બિનફળદ્રુપ બનાવી હતી.

પાશ્ચાત્ય દેશોના સંશોધકોને હવે માલુમ પડયું છે કે ભારતીય પરંપરા અનુસારનો સાડી અને ધોતીનો પોષાક જ શરીર માટે બધી રીતે શ્રેષ્ઠ છે. આપણે ત્યાં જો કે આ બંને પહેરવેશનું ચલણ ઓછું થતું જાય છે. છતાં આગામી વર્ષોમાં તેનું મહત્ત્વ સમજાય ને તે ફેશન જગતમાં પાછા ફરે એવી પ્રાર્થના કરીએ. ચૂડીદાર- કૂર્તાનો પહેરવેશ પણ સારો કહી શકાય.

પશ્ચિમની દેખાદેખામાં સૂટ પહેરવાની ફેશન પણ હાસ્યાસ્પદ છે. યુરોપમાં તો ખૂબ ઠંડી પડે તેથી સૂટ ને ટાઈ પહેરવાની પ્રથા છે. પણ આપણે ત્યાં ગરમી ખૂબ પડે છે આથી નાહકની દેખાદેખીમાં સૂટ-ટાઈ પહેરીને સ્વાસ્થ્ય બગાડવામાં માલ નથી. બુટ પહેરવાની ફેશન પણ ભારતમાં ઘર કરી ગઈ છે. જો કે આ પ્રથા આપણા સમાજમાં એટલી હદ સુધી ઘર કરી ગઈ છે કે હવે કોઈને બુટ ત્યજીને ચંપલ કે પાદુકા પહેરવાની સલાહ આપીએ તો ગાંડામાં ખપીએ. પણ બુટની પસંદગીમાં ખૂબ ધ્યાન આપવું જોઈએ. નરમ અને મુલાયમ ચામડામાંથી બનેલા બુટને પ્રાધાન્ય આપવું જોઈએ. પગ જેમાં અનુકૂળતાથી રહી શકે અને ચાલવામાં બાધારૂપ ન થતાં હોય એવા શૂઝ પહેરવા જોઈએ. મહિલાઓએ ઊંચી એડીના ચંપલ કે સેન્ડલનો મોહ રાખવો જોઈએ નહીં. આખો વખત આવા સેન્ડલ પહેરી રાખીએ તો  ઘૂંટણનું દર્દ ઉપડવામાં વાર લાગતી નથી.