- એનસીબીના ડાટા અનુસાર દેશભરમાં બનતા એસિડ અટેકના કેસમાંથી લગભગ 50 ટકા પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં બને છે
૧૪ ડિસેમ્બરે દિલ્હીના દ્વારકામાં એક ૧૭ વર્ષની કન્યા સ્કૂલે જઈ રહી હતી ત્યારે પર ત્રણ બદમાશોએ એસિડ હુમલો કર્યો. ચહેરો તેમજ ગળાનો ભાગ વિકૃત થવાની શક્યતા સાથે પીડિતા આઠ ટકા દાઝી ગઈ. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી. પણ આ હુમલાને કારણે દેશમાં ફરી આવા હીન કૃત્યો અને એસિડ જેવા જોખમી પદાર્થોની સરળ ઉપલબ્ધતા વિશે ચર્ચા છેડાઈ છે.
ભારતમાં એસિડ હુમલાની ઘટનાઓ
એસિડ અટેક અત્યંત હીન કૃત્ય છે પણ તે મહિલાઓ સામે થતા અન્ય અપરાધ જેટલો પ્રચલિત નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) પાસેથી મળેલી માહિતી અનુસાર દેશમાં ૨૦૧૯માં આવા ૧૫૦ કેસ નોંધાયા હતા જ્યારે ૨૦૨૦માં ૧૦૫ અને ૨૦૨૧માં ૧૦૨ કેસ નોંધાયા છે. એસિડ હુમલા મોટાભાગે મહિલાઓ સામે જ થતા હોય છે.
સામાન્યપણે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ એસિડ અટેકના સૌથી વધુ કેસ બનતા હોય છે. આ બંને રાજ્યોમાં દેશમાં બનતા કેસો પૈકી ૫૦ ટકા કેસ બને છે.
૨૦૧૯માં એસિડ એટેકનો ચાર્જશીટ દર ૮૩ ટકા અને દોષિત ઠરાવવાનો દર ૫૪ ટકા હતો. ૨૦૨૦માં આ આંકડા અનુક્રમે ૮૬ ટકા અને ૭૨ ટકા હતા જ્યારે ૨૦૨૧માં ૮૯ ટકા અને ૨૦ ટકા હતા. ૨૦૧૫માં ગૃહ મંત્રાલય (એમએચએ) દ્વારા એસિડ અટેકના કેસોમાં ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવા તમામ રાજ્યોને એડ્વાઈઝરી જાહેર કરવામાં આવી હતી.
એસિડ અટેક વિશેનો કાયદો
૨૦૧૩ સુધી એસિડ અટેકને અલગ ક્રાઈમ તરીકે નહોતો ગણવામાં આવતો. જો કે આઈપીસીમાં કરાયેલા સુધારા પછી એસિડ અટેકને આઈપીસીની અલગ સેક્શન ૩૨૬એ હેઠળ મુકવામાં આવ્યા જેમાં દંડ સાથે ઓછામાં ઓછી સજા ૧૦ વર્ષની કેદ નક્કી કરાઈ છે જેને આજીવન કેદ સુધી લંબાવાઈ શકે.
ઉપરાંત કાયદામાં પીડિતાને સારવાર આપવાનો ઈન્કાર કરનારા માટે તેમજ એફઆઈઆર રજિસ્ટર કરવાનો ઈન્કાર કરનાર પોલીસ ઓફિસરો માટે અથવા કોઈ પુરાવો ન નોંધવાની બાબતે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર અને ખાનગી હોસ્પિટલ એસિડ અટેકના પીડિતને સારવાર આપવાનો ઈન્કાર કરે તો તેમને એક વર્ષની કેદની સજા થઈ શકે જ્યારે પોલીસ ઓફિસર પોતાની ફરજ ચુકે તો તેના માટે બે વર્ષની કેદની સજાની જોગવાઈ છે.
એસિડના વેચાણ બાબતે કાયદામાં જોગવાઈ
૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે એસિડ અટેકના હુમલાને ધ્યાનમાં રાખીને આવા પદાર્થના વેચાણ પર નિયંત્રણો મુકયા હતા. આ આદેશના આધારે એમએચએએ તમામ રાજ્યોને એડ્વાઈઝરી જારી કરી હતી અને ૧૯૧૯ના પોઈઝન એક્ટની જેમ એસિડના વેચાણના કાયદાની રચના કરી હતી.
એમએચએના નિર્દેશો અને મોડલ નિયમો મુજબ એસિડનું વેચાણ કરનારે ફરજિયાત લોગબુક અથવા રજિસ્ટર રાખીને તેમાં એસિડ ખરીદનારની તમામ ઓળખ અને વિગતો તેમજ એસિડના પ્રમાણ અને તેના ઉપયોગની નોંધ કરવાની રહેશે. ઉપરાંત એસિડ ખરીદનારે સરકાર દ્વારા અપાયેલું પોતાનું ફોટો ઓળખકાર્ડ બતાવવાનું રહેશે અને તેની વય ૧૮ વર્ષની કે તેથી વધુ હોવી જોઈશે.
એસિડના વિક્રેતાએ પોતાની પાસે રહેલા જાહેર કર્યા વિના એસિડનો સંપૂર્ણ જથ્થો ૧૫ દિવસમાં સંબંધિત સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે જાહેર કરવાનો રહેશે. નિયમોનું પાલન નહિ કરનારને રૃા. ૫૦ હજાર સુધીનો દંડ થઈ શકે છે.
નિયમોમાં એસિડ રાખતી શૈક્ષણિક સંસ્થાઓ, રિસર્ચ લેબોરેટરીઝ, હોસ્પિટલો, સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્ર ઉપક્રમના વિભાગોએ પોતાની પાસે રહેલા એસિડના જથ્થાની વિગતોનું રજિસ્ટર રાખવું પડશે અને તેને સંબંધિત મેજિસ્ટ્રેટ પાસે સુપરત કરવું પડશે.
નિયમો મુજબ વ્યક્તિને પોતાના પરિસરમાં એસિડ રાખવા અને સુરક્ષિત રાખવા માટે જવાબદાર ગણવામાં આવશે. એસિડનો સંગ્રહ આ વ્યક્તિની દેખરેખ હેઠળ કરવાનો રહેશે અને જ્યાં એસિડનો ઉપયોગ થઈ રહ્યો હોય તેવી લેબોરેટરી અથવા સંસ્થામાંથી બહાર નીકળતા કર્મચારીઓ અથવા વિદ્યાર્થીઓની ફરજિયાત ચકાસણી કરવાની રહેશે.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એમએચએ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બીજી એડ્વાઈઝરી જારી કરવામાં આવી હતી જેમાં એસિડ અને કેમિકલનું વેચાણ સખતપણે કાયદા અનુસાર થઈ રહ્યું છે અને તેનો ઉપયોગ અપરાધ માટે ન થતો હોવાનું સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.
પીડિતોને વળતર અને તેમની સંભાળ
સુપ્રીમ કોર્ટના નિર્દેશોના આધારે એમએચએએ રાજ્યોને એસિડ અટેકનો ભોગ બનેલી પીડિતાને સારવાર અને પુનર્વસન તરીકે ઓછામાં ઓછું રૃા. ત્રણ લાખનું વળતર આપવાનું કહ્યું હતું. એમાંથી એક લાખ રૂપિયા પીડિતને બનાવ બન્યો હોય તેના ૧૫ દિવસમાં ચુકવવાનો આદેશ અપાયો હતો જેથી પીડિતા તાત્કાલિક સારવાર મેળવી શકે. બાકીના બે લાખ રૂપિયા પીડિતનેે શક્યે તેટલા વહેલા બે મહિનાની અંદર આપવાનો આદેશ અપાયો હતો. ઉપરાંત રાજ્યોએ પીડિતાને જાહેર અથવા ખાનગી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર મળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તેમાં થયેલો ખર્ચ પીડિતને અપાયેલા રૃા. એક લાખના વળતરમાં સામેલ નથી.
એડ્વાઈઝરીમાં જણાવાયું છે કે એસિડ હુમલાનો ભોગ બનેલાને અનેક પ્લાસ્ટીક સર્જરી કરાવવી પડતી હોય છે આથી અગ્રણી હોસ્પિટલોમાં એકથી બે બેડ એસિડ હુમલાના પીડિતા માટે અનામત રાખવા જોઈશે જેથી પીડિતે સારવાર માટે અહીંતહીં ભટકવું ન પડે.
એડ્વાઈઝરીમાં ઉમેરાયું છે કે જે ખાનગી હોસ્પિટલે રાહતના દરે જમીન મેળવી હોય તેમને પણ એસિડ હુમલાનો ભોગ બનેલાની સારવાર માટે એકથી બે બેડ અનામત રાખવા કહી શકાય.
એના ઉપરાંત એમએચએએ રાજ્યોને પીડિતો માટે સામાજિક એકીકરણ કાર્યક્રમો લાગુ કરવા સુચવ્યું છે જેના માટે એનજીઓને તેમના પુનર્વસન માટે ભંડોળ આપી શકાય.
આ પગલાઓથી એસિડ હુમલા અટકી શકે?
પોલીસ વિભાગના મતે એસિડના વેચાણ વિશેના નિયમોને કારણે આરોપીના સગડ મેળવી શકાય છે પણ હુમલા રોકી નથી શકાતા. ઉપરાંત આ નિયમોનો અમલ પણ સખત રીતે નથી થઈ રહ્યો. હજી પણ એસિડ અનેક સ્થળે સરળતાથી મળે છે. ઉપરાંત આ હુમલા આવેશ અને જુસ્સામાં કરાતા હોય છે. મોટાભાગના કેસોમાં તો આરોપીને તેના પરિણામની જાણ પણ નથી હોતી.
એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે લોકોના અભિગમમાં આવેલા ફેરફારને કારણે ભૂતકાળની સરખામણીએ હાલ ઘણો સુધારો થયો છે. ઉપરાંત પોલીસ વિભાગ મહિલાઓ સામેના અપરાધો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે તો પણ આવા હુમલા અટકી શકે. તેમણે લોકોમાં વધુ જાગૃકતા કેળવવાની સલાહ આપી છે. વાલીઓએ પોતાના બાળકોને મહિલાઓ પ્રત્યેના વર્તાવમાં મર્યાદા અને મહિલાની સંમતિના મહત્વને સમજાવવું જોઈએ.


