Get The App

દર ચારમાંથી એક સગીરા બને છે ઓનલાઇન કે ટેક્સ્ટ સતામણીનો ભોગ

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
દર ચારમાંથી એક સગીરા બને છે ઓનલાઇન કે ટેક્સ્ટ સતામણીનો ભોગ 1 - image

- ડેટિંગ પાર્ટનર પર ઓનલાઈન અત્યાચાર

- એક તૃતિયાંશ સગીરાઓએ કહ્યું હતું કે તેમના ઉપર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવે છે. તેમની અનિચ્છા પ્રત્યે બિલકુલ દયાભાવ રાખવામાં આવતો નથી. 

આધુનિક ટેક્નોલોજીએ આપણું કામ ઘણું આસાન કરી આપ્યું છે. ઓછા પરિશ્રમે વધુ કામ, વધુ માહિતી અને ઝડપી સંપર્કો ઉપરાંત ઝપાટાભેર મિત્રતા કરવા માટે આજે આધુનિક ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ આ ટેક્નોલોજી પોતાની સાથે કેટલીક બદી પણ લેતી આવી છે. અથવા એમ કહી શકાય કે લોકો તેનો દુરુપયોગ કરીને બદી ફેલાવી રહ્યા છે.

તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું હતું કે ડેટ પર જતી ૨૫ ટકા જેટલી સગીર યુવતીઓને તેમના બોયફ્રેન્ડ ઓનલાઇન અથવા ટેક્સ્ટ દ્વારા ધાકધમકી આપે છે અને તેમની અન્ય રીતે હેરાનગતિ કરે છે. આ સગીર કન્યાઓએ કહ્યું હતંુ કે તેમની મંજૂરી વિના તેમના સોશ્યલ નેટવર્કિંગ અકાઉન્ટ હેક કરી લેવામાં આવે છે, તેઓ ન ઇચ્છે તોય ટેક્સ્ટ દ્વારા તેમની સામે સેક્સની માગણી કરવામાં આવે છે. એટલું જ નહીં તેમના ઉપર તેમના અશ્લીલ અથવા નગ્ન ફોટા મોકલવાનું દબાણ કરવામાં આવે છે. તાજેતરમાં ફિલ્મ કલાકાર અક્ષયકુમારની  દીકરીને કોઈ અજાણી વ્યક્તિ તરફથી તેના અંગત ફોટા મોકલી આપવાનો વોટ્સએપ મેસેજ  મળ્યો હતો.  તરત જ અક્ષયે પોલીસ કમિશનર પાસે જઈ ફરિયાદ નોંધાવી હતી. 

સંશોધકોએ જણાવ્યું હતું કે ડિજિટલ ટેક્નોલોજી આજે સામી વ્યક્તિની હેરાનગતિ કરવા માટેનું હાથવગું સાધન બની ગયું છે. તેને સમયનો કોઈ બાધ નથી હોતો. વળી ઓનલાઇન કે ટેક્સ્ટના માધ્યમથી થતી હેરાનગતિ કોઈ પ્રત્યક્ષ રીતે જોઈ નથી શકતું. જે લોકો પોતાના પાર્ટનરને સતાવવા માગતા હોય તેમને ડિજિટલ ટેક્નોલોજી મોકળું મેદાન પૂરું પાડે છે.

સર્વેક્ષણ હાથ ધરનારાઓના મત મુજબ ડેટિંગ પાર્ટનરને ડિજિટલના માધ્યમથી સતાવવાનું મોટાભાગનું કામ શાળાના કલાકો દરમિયાન કરવામાં નથી આવતું. પરંતુ ૧૭ ટકા છોકરીઓની સતામણી સ્કૂલ ગ્રાઉન્ડમાં થાય છે.

આ સિવાય ૮૦ ટકા સગીર કન્યાઓએ કહ્યું હતું કે તેમને ભારે માનસિક ત્રાસ પણ આપવામાં આવે છે. તેમને મર્યાદિત મિત્રો અને સંબંધીઓ સાથે જ સંપર્કમાં રહેવા દેવામાં આવે છે. તેમની પ્રોપર્ટીને હાનિ પહોંચાડવામાં આવે છે અને તેઓ ક્યાં અને કોની સાથે છે તેેની રજેરજની માહિતી આપવાનું દબાણ કરવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ જાહેરમાં તેમનું અપમાન પણ કરવામાં આવે છે. 

૫૦ ટકા કિશોરીઓએ તેમની શારીરિક સતામણીની ફરિયાદ પણ કરી હતી. તેમના જણાવ્યા મુજબ તેમને નખોડિયા ભરવાથી લઈને માર મારવા સુધીની યાતના ભોગવવી પડે છે. એક તૃતિયાંશ સગીરાઓએ કહ્યું હતું કે તેમના ઉપર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવે છે. તેમની અનિચ્છા પ્રત્યે બિલકુલ દયાભાવ રાખવામાં આવતો નથી. જ્યારે ચાર ટકા સગીરાઓએ જણાવ્યું હતું કે તેમને માત્ર ડિજિટલ માધ્યમથી જ ધમકાવવામાં આવે છે.