- રિલેશનના રિ-લેસન - રવિ ઇલા ભટ્ટ
- આપણે કોઈપણ સંબંધ તોડવા કરતા પણ તેમાં અંતર મુકીને અથવા તો તેને નવું નામ આપીને છોડી દેવાનો પ્રયાસ કરવો જોઈએ. આવી જ માનસિકતા સાથે આગળ વધીએ તો નવા કિનારાઓ મળશે, નવા આયામ અને નવી દિશામાં આગળ વધી શકાશે. આવા સંબંધો છૂટયા પછી પણ ભાર નહીં આપે.
હમણાં એક વિચિત્ર ઘટનાના સાક્ષી થવું પડયું. લગભગ ત્રણ મહિના પહેલાં એક કાર્યક્રમમાં ચાર મિત્રોને મળ્યો હતો. તેઓ ખૂબ જ જૂના મિત્રો હતા અને છેલ્લાં એકાદ વર્ષથી પાર્ટનરશીપમાં કોઈ કામ કરતા હતા. તેના સંદર્ભે જ તેમને મળવાનું થયું હતું. તેમની સાથે વિવિધ વાતો કરી, બિઝનેસની ચર્ચા કરી, સંબંધોની વાત કરી, મિત્રતાની અને તેના ભૂતકાળની અને વર્તમાનની વાતો કરી. ભવિષ્યમાં આ જોડાણને ક્યાં લઈ જવું છે તેની વાતો થઈ અને લગભગ ઈમોશનલ વાતાવરણમાં બે-ત્રણ કલાક પસાર કરીને હું પરત આવી ગયો. કોઈપણ માણસ ત્યાં આટલો સમય રહ્યો હોય તો એમ જ લાગે કે ચારેય જણા એકબીજા માટે જ સર્જાયા છે અને એકબીજામાં તેમનો શ્વાસ ટકેલો છે.
ગત અઠવાડિયે તેમાંથી જ બે લોકોને મળવાનું થયું. તેમની સાથે વાત થઈ તો ખબર પડી કે, ગયા મહિને આ ચારેય મિત્રો એકબીજાથી અલગ થઈ ગયા છે. કોઈ બાબતે ચારેય વચ્ચે તકરાર થઈ અને એક જ અઠવાડિયામાં તો ચારેયના રસ્તા જુદા થઈ ગયા. જે આગામી વર્ષોનું આયોજન કરતા હતા તે એક જ અઠવાડિયામાં સાવ જૂદા થઈ ગયા. એકબીજા માટે સાવ અજાણ્યા થઈ ગયા. મને જે બંને લોકો મળ્યા હતા તેઓ ખૂબ જ પ્રેક્ટિકલ જણાતા હતા. તેમણે માત્ર એક જ વાત કરી. તેમણે કહ્યું કે, અમારા ઋણાનુબંધ પૂરા થઈ ગયા હશે. તેના કારણે જ અમે છુટાપડી ગયા. હવે ભુતકાળ ભુલીને આગળ વધવાનો સમય છે. જે કામ અમે ચારેય સાથે કરતા હતા તે હવે અમે બંને કરીએ છીએ. પેલા બંને લોકો તેમાંથી નીકળી ગયા છે.
એક વ્યક્તિ તરીકે તેમના પ્રત્યે અમને લાગણી છે પણ અમે હવે સાથે કામ કરી શકીએ તેમ નથી. દરેક સંબંધમાં અને દરેક કામમાં એક એવો પોઈન્ટ આવતો હોય છે જ્યાં તમે ઈચ્છો કે ન ઈચ્છો, માનો કે ન માનો પણ તમારે જુદા થવાનું આવે જ છે. શરૂ થયેલી કોઈપણ બાબતનો અંત આવે જ છે. આપણે માત્ર એ બાબતો સ્વીકાર કરવાનો હોય છે કે, હવે પૂરું થઈ ગયું છે અને આપણે સ્વસ્થતા સાથે આગળ વધવાનું હોય છે.
સંબંધોમાં દુ:ખી થવાનું આ સૌથી મોટું કારણ છે. આપણે સંબંધને છોડીને આગળ વધી શકતા નથી. પરિવર્તનને આપણે જાણીએ છીએ પણ સ્વીકારી શકતા નથી. સંબંધોમાં પણ સમયાંતરે પરિવર્તન આવે છે અને આપણે તેમાં સલામતીની ઝંખના વધારે રાખીએ છીએ. સંબંધ બદલાય અથવા તો ઘટવા લાગે ત્યારે તેને છોડીને આગળ જવાની શક્તિ આપણે કેળવી શકતા નથી. આપણે જ્યારે સંબંધ શરૂ કરીએ ત્યારે એકબીજાનો વિરોધાભાસ આકર્ષે છે પણ આ આકર્ષણ લાંબો સમય ટકતું નથી. રોજિંદા જીવનમાં એક તબક્કો એવો આવે છે કે, વિરોધાભાસ વ્યક્તિને વિરોધ પ્રદર્શન જેવો લાગવા માંડે છે અને અહીંયાથી જિંદગીનો યુટર્ન આવે છે. જ્યારે જિંદગીના પ્રવાસમાં આવા ટર્ન આવે ત્યારે મુશ્કેલી થતી હોય છે. આપણે જાણીએ છીએ કે અહીંયા સંબંધ પૂરો થયો છે પણ તેને સ્વીકારવાની કે સામેની વ્યક્તિને કહેવાની હિંમત આપણામાં હોતી નથી.
પરિસ્થિતિ એવી થાય છે કે, બે વ્યક્તિ એકબીજાનો હાથ પકડીને પ્રવાસ શરૂ કરે છે. ધીમે ધીમે આ પ્રવાસ ઝડપ પકડે છે. આ દરમિયાન કોઈ એક વ્યક્તિ અચકાય અથવા તો ધીમે પડે ત્યારે બીજી વ્યક્તિને મુશ્કેલી શરૂ થાય છે. બંને મુસાફરોનું જીપીએસ એક જ લેવલે ન હોય ત્યારે દિશા અને દશા બંને ખરાબ થાય છે. એક વ્યક્તિ ઝડપ પકડે તો બીજી વ્યક્તિને ઢસડાવું પડે છે. તેમાંય માત્ર આકર્ષણથી સંબંધ શરૂ થયો હોય તો તે વ્યક્તિને વધારે સફર થવું પડે છે. પાછળ રહેલી વ્યક્તિ આગળ જતી વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરે છે અથવા તો આગળ નિકળી ગયેલી વ્યક્તિ પાછળનાને ખેંચવા મથે છે. આ સમયે એક તબક્કો એવો આવે છે કે, હાથ છોડવાનો નિર્ણય કરવો જ પડે છે. કારણ કે એક માટે ગતિ રોકવી શક્ય નથી અને બીજા પાસે ગતિ પકડવાનું કોઈ કારણ નથી.
માત્ર પ્રેમી કે પ્રેમિકા, પતિ અને પત્ની, બે ભાઈઓ, ભાઈ બહેન કે કોઈપણ વ્યક્તિ જે એકબીજા સાથે જોડાયેલી છે તેને કોઈપણ તબક્કે છુટા પડવાનું જ છે. માણસ જીવતેજીવ છુટા નથી પડી શકતો તો મૃત્યુ બાદ તે સંબંધનો અંત તો આવવાનો જ છે. આ સત્ય સ્વીકાર્યા વગર છુટકો નથી. તેમાંય વર્તમાન સમયમાં માણસમાં જે સ્વાર્થ વૃત્તિ વધી છે તેના કારણે સંબંધો તુટવાનું પ્રમાણ વધી રહ્યું છે અને જે લાગણીશીલ છે તેને મુશ્કેલી થાય છે અને જે પ્રેક્ટિકલ છે તે આગળ વધી જાય છે.
ઋણાનુબંધ પૂરા થવાની વાત, તેનો સ્વીકાર અને ત્યારબાદ તેનાથી આગળ વધવાની વાત રિચર્ડ બેશે પોતાની નવલકથા બ્રિજ અક્રોશ ફોર એવરમાં કર્યો છે. તેણે બે પાત્રોની મુલાકાત કરાવી, તેમના સુમધુર દિવસો બતાવ્યા અને એક તબક્કે જ્યારે તેઓ છુટા પડે છે ત્યારે પણ એટલી સાહજીકતાથી અને સ્વાભાવિકતાથી છુટા પડે છે કે, કોઈને તેનાથી વાંધો ન આવે. આ નવલકથામાં તેની નાયિકાને ખૂબ જ પ્રેક્ટિલ અને સ્થિતિને સમજનાર બતાવાઈ છે. નાયિકા લેસ્લી પોતાના પ્રેમી રિચર્ડને એક પત્ર મોકલે છે જે માત્ર તેમનું નહીં પણ દરેકના જીવનનું સત્ય છે.
પત્રમાં લેસ્લી લખે છે કે, રિચર્ડ, અત્યારે આપણે એવા તબક્કે પહોંચા ગયા છીએ જેમાં આપણે એકબીજાને દુ:ખી કરવા સિવાય કંઈ જ કરી શકીશું નહીં. અહીંયા એકબીજા પ્રત્યે દોષારોપણ નથી પણ આપણે પરસ્પર જે વેદનાઓ આપીએ છીએ તેને અટકાવવાનો પ્રયાસ છે. તારાથી છૂટા પડવાની વેદના છે પણ એક વાતનો આનંદ છે કે હું તને જુદી વ્યક્તિ તરીકે જાણી શકી. મારામાં રહેલા સ્ત્રીત્વનો ઉદય અને વિકાસ તારી સાથે જ થયો છે. આપણે એકબીજા સાથે સંવેદનશીલ બન્યા છીએ પણ સમજદાર બની શક્યા નથી. મારા મતે તો આપણે એવો સંબંધ ગુમાવી રહ્યા છીએ જેમાં આપણે સમજના અભાવે ઘણું બધું પામી શક્યા નથી.
જિંદગીમાં કશુંક ખોવાઈ જાય, અટકી પડે, ગુમાવવું પડે તેવી સ્થિતિ આવે ત્યારે સરળતાથી આગળ વધવાની વૃત્તિ કેળવવી જ પડશે. કશું નહીં મળે તો તેવું વિચારીને તેને બચાવવાના મરણિયા પ્રયાસ કરવા કરતા કંઈક વધારે સારું મળશે તેવા પોઝિટિવ થોટ્સ સાથે આગળ વધવું જોઈએ.
જિંદગીના કોઈક વળાંકે વધારે સારી સ્થિતિ અથવા વ્યક્તિ આપણી રાહ જોતી હોય તેવું પણ બને. બીજી સૌથી મોટી વાત એ છે કે, કોઈના વગર જિંદગી અટકતી નથી. હા, કદાચ થોડી તકલીફ પડે છે પણ ધીમે ધીમે સમય જીવતા શીખવાડી દે છે. જિંદગી એક પિક્ચર પઝલ જેવી છે. તેમાં એકએક ટૂકડા ગોઠવવાનો આનંદ આવતો હોય છે.
ઘણી વખત એકાદ ટૂકડો ન મળે કે ઓછો હોય તો ચિત્ર પૂરું થતું નથી. વાત સાચી છે પણ માત્ર એકાદ ટૂકડાના લીધે આખા ચિત્રને અધૂરું છોડી દેવું પણ વ્યાજબી નથી. એક ટૂકડાને આખા ચિત્ર કરતા વધારે મહત્વ આપવું અયોગ્ય ગણાય.
એક વાત સમજવા જેવી એ પણ છે કે, આગળ જવું એટલે વર્તમાનમાં રહેલું બધું પાછળ છોડી દેવું તેમ નથી. ઘણી વખત સંબંધ એક રીતે અટકી જતો હોય તો તેને નવી રીતે આગળ વધારવો જોઈએ. લેસ્લીએ પોતાની પ્રેમીને મિત્ર કહીને સંબંધને નવી ઓળખ આપી દીધી. તેને ખબર હતી કે હવે પ્રેમના સંબંધ ટકે તેમ નથી પણ જીવનના કોઈ તબક્કે રિચર્ડને ફરી મળવાનું થયું તો એક મિત્ર તરીકે ચોક્કસ મળી શકાશે. બસ આવી જ માનસિકતા સાથે આગળ વધીએ તો નવા કિનારાઓ મળશે, નવા આયામ અને નવી દિશામાં આગળ વધી શકાશે. આવા સંબંધો છૂટયા પછી પણ ભાર નહીં આપે. આપણે મુસાફરની જેમ માત્ર આગળ વધતા જવાનું છે. કેટલાક માણસો આપણી જિંદગીમાં માત્ર એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ આવ્યા હોય છે. કોઈ આવીને જતું રહે અને કોઈ જતું રહે અને પાછું આવે તેવું સતત થવાનું જ છે. આ જિંદીગની ઘટમાળ છે. આપણે માત્ર સફરનો અને આ પ્રવાસનો આનંદ લેવાનો છે.
આપણા વગર કોઈનું અટકવાનું નથી અને બીજાના વગર આપણે અટકવાના નથી. જ્યાં સુધી સાથે સાથે છીએ ત્યાં સુધી સંયુક્ત રીતે પ્રવાસનો આનંદ લેતા રહેવાનો અને છુટા પડીએ તે દિવસે સ્ટેશન બદલાઈ ગયું હતું તેમ માની લેવાનું.
એક બાબત ચોક્કસ છે કે, જો આપણાથી સંબંધ તુટવાની પહેલ થતી હોય તો ઘ્યાન રાખવું જોઈએ કે સામેની વ્યક્તિને ફરીથી જીવનમાં કોઈક ક્ષણે મળવાનું થાય તો માત્ર એક માણસ તરીકે મળવાની સાહજિકતા બચી હોય. તે સહજતાથી માત્ર ખબર અંતર પુછી શકે અથવા તો આપણે તેને પુછી શકીએ. બાકી એકબીજા માટે પહેલાં અજાણ્યા હતા અને પછી પણ અજાણ્યા થઈ જવામાં કોઈ જ વાંધો રાખવો નહીં.


