For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જગત જનનીના નવ દિવ્ય સ્વરૂપો

Updated: Sep 26th, 2022

Article Content Image

શૈલપુત્રી

હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્ત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી દેવી શૈલપુત્રી છે. તે અર્ધ ચંદ્રધારી કમલ તથા ત્રિશૂલ ધારણ કરી બેઠેલી છે.

બ્રહ્મચારિણી

બ્રહ્મ શબ્દનો અર્થ તપ થાય છે. તપનું આચરણ કરનાર આ દેવી જ્યોતિર્મય છે અને દેવી સિદ્ધ થવાથી વાસનામુક્ત કરી દે છે. હાથમાં કમંડલમાં અમૃતરૂપી જળ રાખ્યું છે. જેનો છંટકાવ શરીરને અમૃતમય કરી દે છે. હાથમાં અક્ષત માળા છે. એટલે કે ફરી જન્મ આપી અને અમૃત સ્વરૂપનું જળ નાખી જીવનમુક્ત કરી દે છે.

ચંદ્રઘન્ટા

પૃથ્વીના શ્રેષ્ઠ પિંડ એવા ચંદ્ર ઉપર  આરૂઢ થયેલી ચાંદનીરૂપી વસ્ત્ર ધારણ કરનારી દેવી ચંદ્રઘન્ટા છે. ચાંદની જેવી શીતળતા આપે અને પરમશાંતિ, મનનો ઉદ્વેગ બંધ કરી શીતળતા પ્રસરાવે તે માટે તેમની ઉપાસના કરવી. તેમના દસ હાથમાં ખડગ આદિ શસ્ત્રો રાખેલ છે આ દેવીનું પૂજન ત્રીજા દિવસે કરીએ છીએ.

કુષ્માણ્ડા

મા કુષ્માણ્ડા જેમના હાથમાં કળશ છે તે કળશમાં મંદિરા છે.  શત્રુના લોહીથી ઢંકાયેલ છે અને હૃદયમાં આત્મા સ્વરૂપે બેઠેલ છે તે કમળ હાથમાં લઈ ઊભી છે. જ્યારે સૂર્ય નહોતો ત્યારે અંધકારમાં પૃથ્વીની રચના કરી જગતની દરેક વસ્તુને પ્રકાશિત કરનાર, બ્રહ્માંડને ઉત્પન્ન કરનાર માતાનું ચોથા દિવસે પૂજન કરીએ છીએ.

સ્કન્ધ માતા

સિંહાસન પર બિરાજનારી, જેમના બંને હાથમાં કમળ છે. કમળ દ્વારા મનુષ્યને સંદેશ આપે છે કે જેમ કમળ પોતાનું શુદ્ધ પાણી લેવા માટે કાદવની અંદર તળિયે જઈને શુદ્ધ પાણી લઈ આવે અને પોતાની પાંખડી કાદવમાંથી ખીલી હોવા છતાંય તેની અસર થતી નથી, તેવી રીતે અમારા જીવનમાં સ્કન્દ એટલે (કાર્તિકેયની માતા) પાર્વતી મને શુભ ફળ આપે તે માટે સ્કન્દ માતાનું શરણું પાંચમા દિવસે લઈએ છીએ. સ્કન્દ માતા સૂર્યમંડળની અધિષ્ઠાતા દેવી છે તેથી તેમનું તેજ અને કાંતિ સંપન્ન થાય છે.

કાત્યાયની

ઉજ્જવળ હાથવાળી, જેમનું વાહન સિંહ છે અને દાનરૂપી રાક્ષસી વૃત્તિનો નાશ કરવા દેવોએ  જેમની સ્તૃતિ કરી તેમની સ્તુતિ કરી તેમની સ્તુતિ કરવામાં આવે છે. ઋષિઓએ દાનવોના નાશ માટે કાત્યાયની દેવીની સ્તૃતિ કરી હતી. કાત્યાયની માતાની ઉપાસનાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચાર ફળની પ્રાપ્તિ થાય છે. આ દેવીનું પૂજન છઠ્ઠા દિવસે કરવામાં આવે છે.

કાળરાત્રિ

સાતમા દિવસે કાળરાત્રિનું પૂજન કરીએ છીએ.  કાળરાત્રિ જવાકર્ણ પુષ્પોને ધારણ કરનારી, એક વેલધારી ખર ઉપર બિરાજમાન લાંબા હોઠવાળી, લાંબા કાનવાળી, તેલ ચોળેલા શરીરવાળી કાળરાત્રિને પ્રણામ. જેના ડાબા પગમાં લોખંડની લતા ઝળકે છે તે કાંટાથી લાંબા વધેલ વાળવાળી, કૃષ્ણાવલીને ભયંકર કાળરાત્રિ કહે છે, કારણ કે હંમેશાં રાત્રે નિદ્રામાં અગ્નિભય, જળાભય, શત્રુભય, જીવજંતુભય વગેરેમાં કાળરાત્રિ હંમેશાં શુભ ફળ દેનાર છે.

મહાગૌરી

મહાગૌરી શ્વેત વસ્ત્રો ધારણ કરનારી, શ્વેત વૃષભ ઉપર અરૂઢ થયેલી મહાદેવને આનંદ આપનારી છે. કઠોર તપ કરવાથી પાર્વતીનું સ્વરૂપ કાળું થઈ ગયું ત્યારે શિવજીએ તેમને ગંગાજીમાં સ્નાન કરાવ્યું, તેથી તેમનું શરીર સફેજ રંગનું થઈ ગયું. આ મા ગૌરીનું ધ્યાન, સ્મરણ, પૂજન, આરાધના કલ્યાણકારી છે. તેનાથી સર્વ કષ્ટ દૂર થાય છે અને અસત્યનો વિનાશ થાય છે.

સિદ્ધિદાત્રી

સિદ્ધો, ગંધર્વો અને યક્ષો, દેવતાઓ, દાનવો પણ સદ્વિદાત્રીની હંમેશાં સેવા કરે છે. માર્કન્ડપુરાણ મુજબ  અહિમા, મહિમા, ગરિમા,  લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ આમ આ આઠ પ્રકારની સિદ્ધિ છે. સિદ્ધિદાત્રીની આરાધનાથી આ તમામ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાભારતના યુગમાં ગોપીઓએ કાત્યાયની પૂજા કરી હતી. યાદવોએ દુર્ગામાની પૂજા કરી, રુકિમણીજીએ અંબિકાની પૂજા કરી હતી. 

- અમલા

Gujarat