પોતાના વિવાહના દિવસે કઈ દુલ્હન સુંદર દેખાવા ન ઇચ્છે? અને છેલ્લા કેટલાંક વર્ષમાં ફોટોગ્રાફી, વિડિયોગ્રાફીની વધેલી ઘેલછા, ખાસ કરીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા માટેના વિશિષ્ટ ફોટા-વિડિયો માટે પણ નવવધૂઓ ગજા બહારનો ખર્ચ કરીને શણગાર સજતી હોય છે. સુંદર દેખાવાની આ હોડમાં ઉત્તરોત્તર નવા આયામો જોડાઈ રહ્યાં છે. સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે કોઈપણ યુવતી ગમે તેટલી ખૂબસુરત હોય અને તેમાં તેણે વધારાના શ્રૃંગાર પણ કર્યાં હોય તોય તે ચશ્મા પહેરે તો તેનું સઘળું સૌંદર્ય રોળાઈ જાય. તેના બધા ફોટા-વિડિયો બગડી જાય. આવી સ્થિતિમાં આધુનિક નવોઢાઓ લેસિક સર્જરી તરફ વળી છે. સૌંદર્ય નિષ્ણાતોની વાતને સમર્થન આપતાં હોય તે રીતે તબીબી તજજ્ઞાો પણ કહે છે કે આ વર્ષે લેસિક સર્જરીમાં લગભગ ૨૫થી ૩૦ ટકા જેટલી વૃધ્ધિ થઈ છે. એક તજજ્ઞા તેના વિશે એક ઉદાહરણ આપતાં કહે છે..,
૨૬ વર્ષની ચેતનાના વિવાહ આગામી ડિસેમ્બરમાં નિર્ધાર્યા છે. મૂળભૂત રીતે ચેતના ખૂબ સુંદર છે. પરંતુ તેનો ખૂબસુરત ચહેરો ચશ્મા પાછળ છૂપાઈ જતો હોય એવો તાલ સર્જાય છે. ચેતના મારી પાસે આવી તેનાથી પહેલા મૂંઝાતી હતી કે તેને લાંબા કલાકો સુધી લેન્સ પહેરવાની ટેવ નથી. તો પછી તે લગ્ન વખતના ચાર-પાંચ ઈવેન્ટ દરમિયાન કલાકો સુધી લેન્સ શી રીતે પહેરી શકશે? અને ચશ્મા પહેરશે તો તેના બધા ફોટા-વિડિયો બગડી જશે. તો પછી કરવું શું? તે વખતે તેની એક સહેલીએ ચેતનાને લેસિક સર્જરી કરાવવાની સલાહ આપી. અને તેણે મારી મુલાકાત લીધી. તેઓ વધુમાં કહે છે કે આવી ચિંતા કરનારી અને છેવટે લેસિક સર્જરી કરાવવાનો નિર્ણય કરનારી ચેતના એકમાત્ર યુવતી નથી. તેના જેવી ઘણી કન્યાઓ અને યુવકો ચશ્મા-લેન્સ પહેરવાની ફિકરમાંથી મુક્ત થવા પોતાના લગ્નથી પહેલા લેસિક સર્જરી કરવાવવા લાગ્યાં છે. આ કારણે જ લેસિક સર્જરી કરાવનારાઓની ટકાવારીમાં વૃધ્ધિ થઈ છે. તેઓ વધુમાં કહે છે કે આ શસ્ત્રક્રિયા ખાસ મુશ્કેલ પણ નથી. સામાન્ય રીતે એક આંખની સર્જરી કરતાં ૧૫ મિનિટ જેટલો સમય લાગે છે. અને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં એક કલાક જેટલો.
જોકે તબીબો લેસિક સર્જરી કરાવવા ઇચ્છતી નવોઢાઓને એટલી સલાહ ચોક્કસ આપે છે કે તમારા લગ્ન લેવાના હોય તેનાથી ત્રણ-ચાર મહિના પહેલા આ શસ્ત્રક્રિયા કરાવી લેવી જોઈએ. આનું કારણ જણાવતાં તેઓ કહે છે કે લેસિક સર્જરી કરવામાં ભલે ઝાઝો સમય નથી લાગતો. પરંતુ આ શસ્ત્રક્રિયા થઈ ગયા પછી થોડાં અઠવાડિયાં સુધી કેટલીક કાળજી લેવી પડે છે. તેથી જો લગ્ન લેવાના હોય તેનાથી ચારેક મહિના પહેલા પણ આ શસ્ત્રક્રિયા કરાવી લેવામાં આવે તો આંખોને સાજી થવા માટે પૂરતો સમય મળી રહે. તેઓ શસ્ત્રક્રિયા પછી કઈ કઈ કાળજી લેવાની રહે છે તેના વિશે માહિતી આપતાં કહે છે..,
* આંખોને પૂરો આરામ આપવો.
* આંખો ચોળવી નહીં.
* તબીબે જણાવ્યા અનુસાર સમયાંતરે નેત્ર તપાસ કરાવતાં રહેવું.
* આકરા તડકામાં ઘરથી બહાર ન નીકળવું.
* વાહન ન હંકારવું.
* કસરત-વ્યાયામ કરવાનું ટાળવું.
* નેણની આજુબાજુ મેકઅપ ન કરવો.
- વૈશાલી ઠક્કર


